બાગ
બાગ
છે સૌના જીવનનો અમૂલ્ય એક ભાગ,
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ,
નિર્દોષ શિશુ સ્મિત સહ મહેંકતો,
નટખટ, તોફાની બાળકો સહ ઝૂલતો,
બાળકોના કલરવ થકી ગૂંજે આ બાગ,
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ,
રમતો અનેરી રમાય છે અહીં,
હાર-જીત ગૌણ અને સ્નેહ છે અહીં,
જીગરી દોસ્તોની જાન છે આ બાગ,
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ,
છે ધબકતો યુવા હૃદયની ધડકનથી,
શબ્દો નહિ, અહીં તો કહેવાય મૌનથી,
સ્પર્શ, સૌંદર્ય અને પ્રેમનો મૂક સાક્ષી બાગ,
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ,
હૂંફ, વાત્સલ્ય અને આશિષની લ્હાણી,
પ્રશ્નો બધા ઉકેલી આપે વડીલની અનુભવીવાણી,
આશા, અરમાનો ને સંબંધો ખીલવતો બાગ,
આબાલવૃદ્ધ આપણા સૌનો સાથી બાગ.
