અરમાનોની હોળી
અરમાનોની હોળી
હું તો રહી ગઈ સાવ ભોળી,
વાલમે મને રંગમાં ઝબોળી,
આવી મારા અરમાનોની હોળી.
કેશુડાના રંગોથી ભરાઈ ઝોળી,
ચિતડું મારું ચોયુૅં દો કોઈ ખોળી,
પિયા સંગ ખેલી મારા અરમાનોની હોળી.
રંગાવું છે રંગમાં ન ખેલું આંખ મીચોલી,
ભલેને ભીંજાય મારી ચુનરી ને ચોલી,
પિયા સંગ ખેલી મારા અરમાનોની હોળી.
વાસંતી વાયરામાં લાગણીઓ સુંવાળી,
મેઘધનુષી રંગોથી રંગાઈ કાયા રુપાળી,
પિયા સંગ ખેલી મારા અરમાનોની હોળી.
થઈ દુર પાનખરની રાત કાંટાળી,
આવી ફાગણી પુનમની અજવાળી,
પિયા સંગ ખેલી મારા અરમાનોની હોળી.