અગ્નિપરીક્ષા
અગ્નિપરીક્ષા
અગ્નિપરીક્ષા થકી સીતા સતી સાબિત થયાં,
પતિ વિરહમાં ઉર્મિલા મહેલમાં વનવાસી બન્યાં,
ઇન્દ્રના છળથી અહલ્યા પણ બદનામ થયાં,
કોણ જાણે પરીક્ષાના ચક્રમાં કેટકેટલાં હોમાયાં.
વરદાનની કસોટી કરવામાં કુંતા સગર્ભા થયાં,
પતિવ્રતા સાબિત થવા ગાંધારી સૂરદાસ થયાં,
દ્રૌપદી વસ્ત્રાહરણની કસોટીમાં ઉત્તીર્ણ થયાં,
કોણ જાણે પરીક્ષાના ચક્રમાં કેટકેટલાં હોમાયાં.
સત્યની પરીક્ષા ખાતર મીરા ઝેર પી ગયાં,
કર્મની કસોટીમાં અનસૂયા કયાં બાકી રહ્યાં,
જગદીશ જનની દેવકી જેલમાં રહ્યાં,
કોણ જાણે પરીક્ષાના ચક્રમાં કેટકેટલાં હોમાયાં.
અગ્નિપરીક્ષામાં પણ સત્યને વળગી રહ્યાં,
અસત્યને પડકારવા સત્યને સહારે રહ્યાં,
ભલે બદનામીનાં કડવાં ઝેર પીવા પડ્યાં,
પણ ઈશના સહારે સૌ કસોટીમાં પાર પડ્યાં.
