આથમતી સંધ્યાએ
આથમતી સંધ્યાએ
આથમતી સાંજ
ચાલને આથમતી સાંજે મળીયે,
સૂતેલી સ્મૃતિઓને ફરી જાગૃત કરીએ,
આ કુદરતના અદભૂત અપ્રતિમ આહલાદક નજારા ને,
નજરોના જામથી,
હૈયાને તૃપ્ત કરીએ,
ચાલને આથમતી સાંજે મળીયે,
આખા દિવસની રખડપટ્ટીથી, થાકેલો,
સૂરજ પોઢી ગયો, સંધ્યાની બાહુપાશમાં,
જાણે થાકેલું બાળક, માની ગોદમાં,
આથમતો સૂરજ, કેવા રંગો વિખેરી રહ્યો છે,
જાણે ! નવોઢાના સેથાંનું સિંદૂર,
શામ ને, કેવી સલૂણી બનાવી રહ્યો છે,
આ, સલૂણી સંધ્યાના, રંગોને જીવનમાં ભરવા,
ચાલ મળીયે આપણે આથમતી સંધ્યાએ,
સવારથી ગુસ્સામાં લાલચોળ, સૂરજ,
અગ્નિ ઓકતો સૂરજ,
આથમતી સંધ્યાએ,
આ સંધ્યાના બાહુપાશમાં, દીસે જાણે !
પ્રૌઢાવસ્થાએ પહોંચેલા
આદમી જેવો,
ઠાવકો, ઠરેલ, શાંત, સૌમ્ય લાગે,
સૂર્યનાં આ બદલાયેલા રૂપને માણવા,
ચાલને મળીયે આથમતી સાંજે,
ઝાલર, આરતી અને અઝાન તણા અવાજ
બનાવી રહ્યા છે,
ભક્તિમય માહોલ,
ચાલ, પરમાત્માને વંદન કરી લઈએ,
આ આથમતી સંધ્યાએ,
સમંદર ને સૌમ્ય રૂપ બક્ષતો સૂરજ,
જાણે કહી રહ્યો છે સમંદરના કાનમાં,
હમણાં અસ્ત થાઉં છું,
થાક ઉતારવા,
કાલે આવીશ, પાછો કિરણોનો ભારો લઈ,
નવા ઉત્સાહ, નવી આશા, નવા ઉમંગ, નવા સપનાઓ લઈ
આંખમાં ભરી, ઉતરણ કરીશ, પૂર્વ દિશાએ હું,
ચાલ, આથમતી સંધ્યા ને, યાદગાર બનાવીએ,
આ જીવનની, આથમતી સંધ્યાએ.

