આમ આવજે
આમ આવજે


નટખટ રહ્યું મન મારુ ને અમીર મારુ દિલ,
માટે પ્રેમનો સાગર થઈ સરિતાને મળવા આવજે..
પેટ પકડી હસ્યાં બાદ મન મૂકીને રડું પણ ખરી હું,
સંતુલન સાધવા તું મજાનું ત્રાજવું થઈને આવજે..
ચંચળતાની સાથે શાણપણ પણ શ્વાસે ભરું હું,
જો આવે તો ખુશીઓની ગાગર થઈને આવજે..
તારા ઘર, પરિવાર, સંબંધોની હૂંફમાં ભાગ પડાવીશ હો હું,
પેલાંજ મન ના માળીયે અડધી અલમારી ખાલી કરી આવજે..
મૌસમથી પણ વધુ બદલતો આ રહ્યો સ્વભાવ મારો,
માટે નાનકડી હરકતો કેદ કરવા કેમેરો બનીને આવજે..
માન સન્માન અરજ ફરજ તો હું સાચવી લઈશ,
વ્યવહારુ ગાડાનું બીજું પૈડું બનીને તું આવજે..
મનાલી ને માલદીવની મોટી ફરમાઈશ હું નહીં કરું તને,
બસ મહાદેવને મંદિર જવા હાથ પકડીને સાથે આવજે..
હા.. સાંભળ નવું નવું નવ દા'ડા મારે નહીં ચાલે હો,
વગર બીલની ખુશીઓ અપાર આપી શકે તો તું આવજે..
ધ્યાન રાખીને રહેજે ઘરનાં નીકળ્યા છે શોધમાં તારી,
સંતાકૂકડી છોડી હિંમતભેર સામા પગલે તું આવજે.