60માં વર્ષની બારીમાંથી
60માં વર્ષની બારીમાંથી
60 માં વર્ષનો વળાંક ચોક્કસ કૈંક ખાસ છે !
હવે ઘણું બધું ફાવે છે, નડે છે સઘળું ઓછું,
મુજ શરીર થોડું ઝૂકે છે, ને દુઃખે છે ક્યારેક વધારે,
મન પ્રભુને શોધે છે, પામવાને ડગલાં પણ માંડે છે,
યાદોનાં થેલા ભરીને, પેલા કબાટમાં મૂક્યા છે ને,
તે હું ધીમે-ધીમે ખોલીશ,
અઢળક સંસ્મરણો છે,
ખાટાં - મીઠાં, આહલાદ્ક ને પ્રેમસભર,
તેને સાંઝા કરીશ હવે.
આભાર વડીલોનો,
જીવન તથા જીવનની રાહ આપવા બાદલ,
આભાર બંધુ- ભગિનીનો,
જીવનને એક રમત-ગમતનો બાગ બનાવવા બદલ,
કેમ વિસારું મિત્રગણ, નાનપણથી તે છેક અત્યાર સુધી,
હસાવવા, સહેલાવવા ને બહેલાવવા બદલ,
ઋણી રહીશ તેમની સદા.
અમારી પછી આવેલી યુવા પેઢીને,
અનેક અભિનંદન ને આશિષ,
જેને કારણે મળી છે ખુશી, આનંદ અને સંતોષ !
વિશેષ તો જીવનના ભાગીદાર અને સાથીદારનો
આભાર અંતઃકરણથી !
જો આવતો જન્મ થાય તો, હે ઈશ્વર !
મને આ સૌની વચ્ચે વધુ એક વાર રહેવા દેજે,
સમજવા દેજે તેમને થોડું વધારે !
ખુશી તથા આનંદના પડઘા પાડતો,
60 માં વર્ષનો વળાંક ચોક્કસ કૈંક ખાસ છે !
