Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Horror Inspirational Thriller

4  

kusum kundaria

Horror Inspirational Thriller

સન્નાટો

સન્નાટો

14 mins
444


રાજકોટ જિલ્લાનું એક નાનકડું ગામ. જ્યાં ગોંડલના રાજા ભગતસિંહજીના સમયનું સુંદર બાંધકામ આજેય જોવા મળે છે. અને એ સમયમાં શાળામાં ન જનારને દંડ ભરવો પડતો. આથી તમામ લોકો ભણેલાં પણ ખરા.

   આ ગામથી થોડે દૂર એક મહેલ જેવી સુંદર હવેલી પણ ખરી. કહેવાય છે આ હવેલીમાં એક રાજઘરાનાનું કુટુંબ રહેતું હતું. પણ પછી વીસ વર્ષથી આ હવેલી ખાલી પડી છે. તેમાં રહેતા કુટુંબની એક પછી એક કરીને તમામ વ્યક્તિઓ મૃત્યુ પામી હતી, ત્યાર પછી કોઈ આ હવેલી તરફ ફરકતું નથી. અને કોઈએ તેના હક માટે દાવો પણ કર્યો નથી. હવે તો એ સાવ ખંડેર બનીને રહી ગઈ છે. હવેલીની આજુબાજુ સન્નાટો છવાયેલો જોવા મળે છે. આજુબાજુ ઝાડી ઝાંખરા પથરાઈ ગયા છે. લોકો જાત-જાતની વાતો કરે છે. કોઈ કહે છે તેમાં ભૂતનો વાસ છે. તો કોઇ કહે છે તેમાં રહેતા રાજઘરાના પરિવારના લોકોનો આત્મા આજેય ભટકી રહ્યો છે. રાતના સમયે તેમાં આપોઆપ લાઈટો ચાલું થાય છે. તો ક્યારેક તેમાંથી ભયંકર અવાજો પણ આવે છે. અને આ હવેલી પર એક ઘુવડ પણ રોજ બેઠેલું હોય છે. આવી અનેક અફવાઓ વચ્ચે આ રાજમહેલ જેવી હવેલી સૂમસામ પડી છે.

  વીસ વર્ષ ખાલી પડેલી આ હવેલીનો કબજો હવે સરકારે લીધો છે. અને તેની હરાજી કરવાનું નક્કી કર્યું છે. વીસ વર્ષ પછી આ ગામનો મોટા ભાગનો યુવાન વર્ગ તો શહેરમાં સ્થાઈ થઈને રહેવા લાગ્યો છે. ગણ્યાં-ગાંઠ્યા વૃધ્ધો આ હવેલીનો થોડો-ઘણો ઈતિહાસ જાણે છે. પણ હવે યુગ બદલાઈ ગયો છે. બે દસકામાં ઘણું પરિવર્તન આવી ગયું છે. આજની પેઢી આવી ભૂત-પ્રેત અને આત્માની વાતોમાં બિલકુલ માનતી નથી. આથી જૂની વાતો ભૂલાવા લાગી છે.

   બે હજાર વીસના એપ્રિલ મહિનાની વીસ તારીખે આ હવેલીની હરાજી રાખવામાં આવી છે. પેપરમાં હવેલીના ફોટા સાથે હરાજીની જાહેરાત પણ આપવામાં આવી છે. આથી ઘણાં પૈસાદાર લોકો હવેલીના સુંદર નકશીકામ વાળા ફોટા જોઈને અને ગામડાની બહાર કુદરતી વાતાવરણમાં ફાર્મહાઉસ બનાવવા માટે આ હવેલી ખરીદવા માટે આવ્યા છે. આ ભવ્ય હવેલીની કિંમત બોલાવા લાગી. શરૂઆત વીસ લાખથી થઈ, પણ અહીં આવેલાં ધનિકોની સંખ્યાની માંગણી જોઈને કિંમત ઊંચી જવા લાગી, આખરે પાંચ કરોડની કિંમતે સંજયભાઇ નામના એક નામાંકિત રાજકારણીએ આ હવેલી ખરીદી લીધી. 

   સંજયભાઈ અઢળક સંપત્તિના માલિક છે, અમદાવાદના પોશ એરિયામાં તેનો વિશાળ ફ્લેટ છે. તેમાં તેઓ પરિવાર સાથે રહે છે. પરિવારમાં તેમની પત્ની સુલભા અને યુવાન પુત્ર યશ અને પુત્રી શ્વેતા પણ છે. જે કોલેજમાં અભ્યાસ કરે છે. યશ પોતાની ફેક્ટરી સંભાળે છે. સંજયભાઈએ હવેલી ખરીદી તે જાણીને આખો પરિવાર બહુ ખુશ છે. એક દિવસ એ લોકો હવેલી જોવા માટે આ ગામડે તેમની ઓડી કાર લઈને આવ્યા. હજુ અંદર તો જઈ શકાય તેવું ન હતું પણ બહારથી એની ભવ્યતા જોઈને બધાં ખુશ થઈ ગયા. અને ઝડપથી તેનું રીનોવેશન કરાવવાનું નક્કી કર્યું. યશને તો આ સ્થળ અને આવી ભવ્ય હવેલી જોઈને અનેક સ્વપ્ન આવવા લાગ્યાં. તેણે તેના પિતાને કહ્યું, " ડેડ મને તો આ જગ્યા અને હવેલી બહુ પસંદ આવી છે. આપણે અહીં હવેલીની આગળ ભવ્ય બગીચો અને સુંદર ફુવારા પણ ગોઠવવા છે. અને અંદર પણ તમામ સુવિધા ગોઠવવી છે જેથી મહિનામાં એકાદ વીક અહીં ફ્રેશ થવા રોકાય શકીએ. સંજયભાઈએ કહ્યું, "હા, બેટા એટલે તો આટલી ઊંચી કિંમત દઈને આ હવેલી ખરીદી છે. બસ તૈયાર થાય એટલી વાર છે. ખૂબ મજા આવશે."

  શ્વેતા પણ મનમાં વિચારવા લાગી. વાહ મજા પડી જશે. હું પણ મારા ફ્રેન્ડસને લઈને અહીં આવીશ. સુલભાબેનને થયું ચાલો ક્યારેક શુધ્ધ હવામાં રહેવા મળશે. આ ભીડભાડવાળી જિંદગીથી તો કંટાળ્યા છીએ.

   આ લોકો હવેલી જોઈને નીકળી ગયા. ગામ થોડું દૂર હતું આથી ત્યાં જવાની તસ્દી ન લીધી. વળી તેઓ શહેરમાં હાઈ સોસાયટીમાં રહેવા વાળા. આવા ગામડાનાંં લોકો સાથે વાત કરવામાં પણ નાનપ માને. આથી પણ અંદર ગામમાં જવાનું ટાળ્યું. ગામના લોકોને પણ જાણ થઈ ગઈ હતી. આ હવેલી અમદાવાદમાં રહેતાં કોઈ રાજકારણીએ ખરીદી છે. ઘણાં લોકોને થયું પણ ખરું આ હવેલી ખરીદનાર મૂરખનો સરદાર હશે, કરોડો રૂપિયા દઇને મોત ખરીદ્યું છે ! કોઈને પૂછ્યું પણ નહિ કે વર્ષોથી આ હવેલી કેમ ખાલી પડી હતી. પણ આપણે શું? હરામની આવક હોય એ આમ જ બરબાદ થાય.

   સંજયભાઈનો પરિવાર હવેલી જોઈને અમદાવાદ આવ્યો, અને રીનોવેશન માટે શું શું કરવું તેનો પ્લાન તૈયાર કરવા લાગ્યાં. બધાનાં સજેશન પ્રમાણે શું શું ફેરફાર કરવા તે નક્કી થયું. અને જેમ બને તેમ ઝડપથી કામ શરૂ કરવાનું પણ નક્કી કર્યું. આ કામ પૂર્ણ કરવા માટે એક નામાંકિત બિલ્ડરને આ કામ સોંપ્યું, અને ઝડથપી કામ પૂર્ણ કરવાની સૂચના આપી, 

   આ બાજુ બિલ્ડર થોડાં માણસોને લઈને હવેલી જોઈ ગયો, અને મજૂરોની શોધ માટે ગામમાં પણ તપાસ કરી. ગામમાંથી તો કોઈ આવવા તેયાર ન હતું. પણ ખેતી કામ માટે બીજા રાજ્યમાંથી આવીને અહીં ગામનાં પાદરમાં રહેતાં થોડાં લોકો તૈયાર થયા. ધીમે ધીમે રીનોવેશનનું કામ શરૂ થયું. પહેલાંતો અંદર જતાં જ ચામાચિડિયાં અને મોટી-મોટી ગરોળીઓ જોવાં મળી. આખી હવેલીમાં ભયંકર નિ: સ્તબ્ધતા ફેલાયેલી હતી. અંદર પગ મૂકતાંજ આખાં શરીરમાં ભયની લહેરખી ફરી વળતી. મજૂરો પણ અંદર જતાં ડરતાં હતાં. ઓચિંતા માથા પર ગરોળી પડતી, તો વળી ઝારાં ઝાંખરાથી મોઢું ઢંકાય જતું. દૂર કરવા હાથ હલાવે તો જાણે હાથને કોઇએ મજબુત રીતે પકડ્યો હોય એવો ભાસ થતો. પણ બધાં મજૂર એક સાથે અંદર જઈને કામ કરવા લાગ્યા. અને બહુ પડતર છે એટલે આપણને ડર લાગતો હશે એવું વિચારીને સમુહમાં કામ કરવા લાગ્યાં. વચ્ચે-વચ્ચે પેલો બિલ્ડર પણ જોવા માટે આવતો. અને ઝડપથી કામ પૂરું કરવાની સૂચના આપી જતો.

   થોડાં દિવસમાં કામ ધમધોકાર ચાલવા લાગ્યું. હવેલીની રોનક વધવા લાગી.. અંદરથી તો મોટા રાજ મહેલ જેવી આ હવેલીમાં સાત કમરા એક મોટો ડ્રોઈંગ રૂમ અને વિશાળ રસોઈ ઘર પણ છે. દરેક રૂમમાં ભવ્ય અલમારી અને ગેલેરી પણ છે. દરેક રૂમની દીવાલ પર વર્ષોથી ધૂળ ખાતાં પીળા પડી ગયેલાં પોસ્ટર અને આ હવેલીમાં રહેતાં રાજઘરાનાનાં સભ્યોનો એક સમુહ તસ્વીર પણ છે. અહીં કામ કરતાં કારીગરો અને મજૂરો પણ આવી ભવ્ય ઈમારત જોઈને અચંબિત છે. દિવસના તો આ લોકોના કામથી હવેલીમાં ચહલ-પહલ રહે છે. પણ રાત્રે ફરી સૂનકાર વ્યાપી જાય છે. હવેલીમાં કામ કરતાં દરેક માણસને વારંવાર વિચિત્ર અનુભવ થાય છે. ક્યારેક તેના ઓજારો ગુમ થઈ જાય છે. તો ક્યારેક કોઈ ધક્કો મારીને પછાડે છે. કોઇને ચાલવાના પગલાંનો અવાજ સંભળાય છે. બધાનાં મનમાં ડર પેસી ગયો છે. આથીજ કોઈ તાવીજ પહેરીને આવે છે. તો કોઇ ડોકમાં કંઠી પહેરીને જેથી આ બૂરી છાયાંથી બચી શકાય. આમ કરતાં બે-ત્રણ મહિનામાં કામ પૂર્ણ થાય છે. હવેલીની આસપાસની જગ્યા પણ સાફ થઈ ગઈ છે. આગળ વિશાળ ગાર્ડન પણ તેયાર કરી દીધો છે. હવેલીનો દેખાવ હવે આકર્ષક અને ભવ્ય લાગે છે. 

   સંજયભાઈનું ફેમિલી હવે હવેલીમાં ફંકશન ગોઠવવા માટે તલપાપડ થઈ રહ્યું છે. ભવ્ય પાટીંનું આયોજન ચાલી રહ્યું છે. સાથે વાસ્તુ અને ધાર્મિક વિધિ કરવાનું પણ નક્કી કરે છે. પંદર દિવસ પછીનું સારું મુર્હત નીકળે છે. એ દરમિયાન યશ અને તેના મિત્રો ત્યાં પાર્ટી ગોઠવવાનું નક્કી કરે છે. તેના મમ્મી- પપ્પા ના પાડે છે અને કહે છે "બેટા, થોડાં દિવસ ખમી જા. હજુ ત્યાં વિધિ કરવાની પણ બાકી છે. અમારું મન માનતું નથી. ઘણાં વર્ષોથી આ હવેલી અવાવરું પડી હતી એટલે આપણે શાસ્ર્તોક્ત વિધિ કરાવી લઈએ પછી તમે પાર્ટી ગોઠવજો." પણ યશ આવી વાતોમાં બિલકુલ માનતો નથી. તેણે કહ્યું" શું મોમ-ડેડ તમે પણ અઢારમી સદી જેવી વાતો કરો છો. આવું કંઈ જરૂરી નથી. તમારી ઇચ્છા હોય તો ભલે કરજો. પણ અમે તો કાલે જઈએ છીએ. મેં મારા મિત્રો સાથે નક્કી પણ કરી લીધું છે. અમે ત્યાં ચાર-પાંચ દિવસ રોકાવાના છીએ. અને મોજ-મસ્તી કરવાના છીએ," 

   આ બાજુ બીજા દિવસે યશ અને તેના બીજા સાત ફ્રેન્ડસ હવેલીમાં પોત-પોતાની ભવ્ચ ગાડીઓ લઈને આવી જાય છે. જેમાં ચાર ગર્લસ પણ છે, આ બધાં મોટા બિઝનેસ મેન અને રાજકારણીઓનાં નબીરાઓ છે, એના માટે મોજ-મસ્તી એટલે ડ્રીંક્સ લેવું અણે વાસના સંતોષવી ! હવેલીમાં પગ મૂકતાંજ બધાંના મોં માંથી વાઉ સો બ્યુટીફૂલના ઉદગાર નીકળી જાય છે. યશ પણ અંદરની ભવ્યતા જોઈને ગર્વ મહેસુસ કરે છે. ગાડીમાંથી સૌ પોત-પોતાનો સામાન લઈ આવે છે. સાથે રસોઇ કરવા માટે એક બુઝુર્ગ ચાચાને પણ લઈ આવ્યાં છે. અને રસોઇનો તમામ સામાન પણ. પહેલાં તો બધાં આ વિશાળ હવેલીના એક-એક રૂમને જોવા જાય છે. દરેક રૂમ મોડર્ન ફર્નિચરથી સજ્જ છે. વિશાળ બાથરૂમ અને અત્ય આધુનિક ફર્નિચર જોઈને બધાં અંજાઈ જાય છે. બપોરના બે વાગવા આવ્યાં છે. બધાંને કકડીને ભૂખ પણ લાગી છે. રામા ચાચુ વિશાળ ડાઈનિંગ ટેબલ પર જમવાનું ગોઠવે છે. બધાં જમવા બેસે છે. રસોઈના વખાણ કરતાં- કરતાં જમે છે. અને કહે છે, ખરી રોનક તો રાત્રે જામશે. અને એકબીજાની સામે આંખ મીંચકારી હસે છે, જમીને બધાં રૂમમાં આરામ કરે છે. પાંચ વાગે ફરી બધાં ડ્રોઈંગ રૂમમાં એકઠાં થાય છે. ચા- નાસ્તાને ન્યાય આપે છે અને કાર્ડથી રમે છે. સૌ પોત-પોતાની ગર્લ ફ્રેન્ડસની બગલમાં બેઠા છે. આમજ સાંજ પડી જાય છે. સાંજના દસ વાગ્યા એટલે જમીને રામુકાકાને તેના સર્વન્ટ રૂમમાં મોકલી દે છે.

   હવેજ મોજ-મસ્તીનો સમય શરૂ થાય છે. સાથે લાવેલ ડ્રીંક્સના ગ્લાસ ભરાય છે. ચીયર્સ કરી પેગ પર પેગ પેટમાં ઠલવાય છે. ટી.વી.ની વિશાળ સ્ર્કીન પર વલ્ગર અને સેક્સી ફિલ્મ અને પછી એવીજ હરકતો ચાલુ થાય છે. દરેક પોત-પોતાની જોડીમાં રૂમમાં જાય છે. વાસના સંતોષી એકબીજાને લપેટીને સૂઈ જાય છે. રાતનો એક વાગવા આવ્યો છે. હવેલીની બધી લાઇટ બંધ હતી. અચાનક આખી હવેલીમાં લાઈટો ચાલું થાય છે. યશની ઊંઘ ઊડી જાય છે. અને બૂમ પાડે છે. " અરે, અત્યારે કોણે આ લાઇટો ચાલુ કરી? એટલામાં લાઈટ આપોઆપ બંધ થઈ જાય છે. અને એક વિકૃત અને ભયંકર ચહેરાવાળો સફેદ કપડાં પહેરેલ એક પુરુષ અટહાસ્ય કરતો યશની બાજુમાં આવી જાય છે. યશના મોં માંથી ચીસ નીકળી જાય છે. પેલો પુરુષ તેનું ગળું દબાવે છે. એટલામાં બાજુના રૂમમાંથી યશનો મિત્ર આવે છે અને રૂમની લાઇટ ચાલું કરે છે. યશ થરથર કાંપી રહ્યો હોય છે. ગળામાંથી અવાજ પણ નીકળતો નથી. તેનો મિત્ર તેને ખભેથી હલબલાવે છે અને પૂછે છે," શું થયું તે કેમ ચીસ પાડી? યશ તેની સામે જોઇ રહે છે અને ભૂ..ત એટલું માંડ બોલી શકે છે. તેનો મિત્ર જોરથી હસવા માંડે છે. અને કહે છે. "હજુ નશામાં છે કે શું? તેનો અવાજ સાંભળીને બધાં મિત્રો આવી જાય છે. બધાને જોઈને યશનો ડર ઓછો થાય છે. તે બાજુમાં પડેલી બોટલમાંથી પાણી પીએ છે. અને મિત્રોને કહે છે, ખરેખર અહીં ભૂત છે એ મને મારી નાખશે. બધાં જોરજોરથી હસે છે અને કહે છે, તે ખરાબ સ્વપ્ન જોયું હશે. ભૂતબૂત જેવું કંઈ ન હોય. યશ પણ વિચારે છે, કદાચ એવુંજ હશે. પણ.. ફરી બધાં પોતાના રૂમમાં જાય છે. યશની ગર્લ ફ્રેન્ડ નીલા કહે છે, શું તુંયે યાર સાવ ડરપોક છે. મને જગાડી હોત તો એ ભૂતનેય બરાબરનો પાઠ ભણાવી દેત. કહીને હસવા લાગી. યશ કંઈ ન બોલ્યો, બંને ફરીથી સૂઇ ગયા. યશને ઝોકું આવી ગયું નીલા પણ સૂઇ ગઈ. યશને ફરી કોઈ તેના હાથને જોરથી પકડ્યો હોય એવું લાગ્યું. એ જોરથી ચીસ પાડવા ગયો. ત્યાં તેણે તેના ફ્રેન્ડની ગર્લ ફ્રેન્ડ રૂપાને જોઇ. એણે નાક પર આંગળી રાખી યશને ચૂપ રહેવાનું કહ્યું અને યશનો હાથ પકડી ડ્રોઈંગ રૂમમાં લઈ ગઈ. અને યશના ગળામાં હાથ વીંટાળીને કહેવા લાગી આઈ લવ યુ યશ. યશ તેને દૂર કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. પણ રૂપા માની નહિ તે યશના ગાલ પર ચુંબન કરવા લાગી. અને પછી યશના હોઠ પર તેના હોઠ મૂકી દીધા. યશને જાણે તેના શરીરમાંથી કોઈ લોહી ચૂસી રહ્યું હોય એવું લાગ્યું. ધીમે ધીમે તે હોંશ ગુમાવવા લાગ્યો. 

   સવાર થતાંજ બધાં ઊઠી ગયા. યશ હજુ ઘેનમાં હતો, નીલાએ તેને જગાડ્યો. અને બોલી, ઊઠ, ઊંઘણશી અજવાળું થઈ ગયું બધાં આપણી રાહ જોઈ રહ્યાં છે. યશ આંખો ચોળતો ઊભો થયો. તેના શરીરમાં જાણે શક્તિ જ ન હતી. એવું લાગ્યું. એ ઊભો થઈને બ્રશ કરવા ગયો. નળ ખોલતાંજ તેમાંથી પાણીને બદલે લોહી ટપકતું જોયું એણે ચીસ પાડી. તેના બધા મિત્રો દોડીને આવ્યાં અને પૂછવા લાગ્યા શું થયું? ખૂન..ખૂન બોલી એણે નળ તરફ આંગળી કરી અને બોલ્યો, "જુઓ નળમાંથી ખૂન ટપકે છે." બધાં હસવા લાગ્યાં અને બોલ્યા, યાર શું તું પણ. નળમાંથી પાણી પડે છે, યશ નળ તરફ જોવા લાગ્યો. હવે તેણે પાણી ટપકતું જોયું. "આ શું થઈ રહ્યું છે મને? " મનમાં બોલવા લાગ્યો. બધા ટેબલ પર નાસ્તા માટે ગોઠવાયા. યશની નજર રૂપા પર પડી. તેને રાતની ઘટના યાદ આવી. તે વિચારવા લાગ્યો રૂપાએ આવું કેમ કર્યું? મારે તેની સાથે વાત કરવી પડશે. મોકો મળતાં તેણે રૂપાને પૂછ્યું, "રાત્રે મારી સાથે તે શું કર્યું? વિચારતાં પણ મને કંપારી છૂટે છે. તું મારા મિત્ર સાથે દગો કરે છે. અને અમારી વચ્ચે દુશ્મની ઊભી કરવા માંગે છે? રૂપા તો અવાચક બની યશ સામે જોઈ રહી અને બોલી, "આ શું અગડમ બગડમ વાત કરે છે! હું રાત્રે તારી પાસે આવી હતી? મજાકની પણ હદ હોય. હું તો રૂમની બહાર જ નથી નીકળી." યશ તો રાત્રે મારી સાથે કોણ હતું? યશનું મગજ ચકરાવા લાગ્યું. તેની સાથે શું થઈ રહ્યું છે એ સમજાતું જ નથી. તેને તેના મમ્મી-પપ્પાના શબ્દો યાદ આવ્યા, "બેટા, એ જગ્યા અવાવરું છે. આપણે શાસ્ર્તોક્ત વિધિ કરાવી લઇએ પછી જજે. હવે તેને આ વાત સાચી લાગવા માંડી. તેણે તેના મિત્રોને કહ્યું, ચાલો અત્યારેજ આપણે ઘરે જવા માટે નીકળી જઇએ. મને અહીં બરાબર લાગતું નથી. તેના મિત્રો બોલ્યા, યાર તું યે શું મજા બગાડે છે. પણ ચાલ તું કહે છે તો નીકળી જઈએ, પણ કાલે સવારે નીકળશું. આજની એક રાત રોકાઈ જઇએ. યશની ઈચ્છા ન હોવા છતાં મિત્રોની વાતને ટાળી શક્યો નહિ.

   સવારનો નાસ્તો પૂર્ણ કરી બધાં ગાર્ડનમાં લટાર મારવા નીકળ્યા. એટલામાં બધાની નજર હવેલી પર બેઠેલાં ઘુવડ પર પડી. યશની નજર પણ તેના પર પડી. તે ચોંકી ગયો. ઘુવડની લાલઘૂમ આંખ જાણે એનેજ તાકી રહી હોય એવું લાગ્યું. તે ડરી ગયો. એટલામાં રામુચાચાએ એને ઈશારો કરી બોલાવ્યો. યશ તેની પાસે ગયો. તેના મિત્રો વાતો કરતાં આગળ ગયા. રામુચાચાએ યશની સાવ નજીક જઈને કહ્યું, "બેટા! મને આ બંગલામાં કંઈ ઠીક નથી લાગતું. મેં કાલે રાત્રે સફેદ કપડાં વાળો ખવીસ જોયો હતો, જે મારી નજીક આવતો હતો પણ હું મોટેથી હનુમાન ચાલીસા બોલવા લાગ્યો એટલે એ ભાગી ગયો." યશ બોલ્યો, "હા, ચાચા મને પણ એવું લાગે છે. આપણે કાલે સવારે જ અહીંથી નીકળી જઈશું." અને તે આગળ ચાલવા લાગ્યો. રામુચાચા મનમાં બોલ્યા, "પણ આજની રાત..હે ઈશ્વર તું બધાની રક્ષા કરજે."

   બધા મિત્રો ફરીને પાછાં હવેલીમાં આવ્યા. વાતોના ગપ્પાં માર્યા. અને મોબાઈલમાં ગેઇમ રમવા લાગ્યા. પણ યશનું મન વિચલિત હતું. આમ કરતાં સાંજ પડી ગઈ. ફરી બધાં ગાર્ડનમાં ગોઠવાયા. વ્હિસકી બીયરની પાર્ટી જામી હતી. અને જોક્સ કરીને હસતાં હતાં. મોડેથી બધાં અંદર આવ્યાં. અને ફ્રેશ થઈને ફરી વાતોએ વળગ્યાં. સાંજના અગિયાર વાગે લંચ લઇને કાર્ડ રમવા બેઠા.જેમ રાત પડતી હતી એમ યશના મનમાં ભય વધતો જતો હતો. રાત્રિનો એક થવા આવ્યો બધાં પોતપોતાના રૂમમાં સૂવા માટે ગયા. યશને ઊંઘ આવતી ન હતી. અને સૂતા ડર પણ લાગતો હતો. આથી જાગવાનું નક્કી કર્યું તેની પાર્ટનર નીલા સાથે વાતો કરવા લાગ્યો. બે વાગતાં નીલા કંટાળીને સૂઈ ગઈ. હવે યશની આંખો પણ ઘેરાવા લાગી. અચાનક તેણે સફેદ કપડાં વાળા પુરુષને તેની બાજુમાં ઊભેલો જોયો, તે ચીસ પાડવા ગયો, પણ અવાજ ન નીકળ્યો. પેલો પૂરુષ અટહાસ્ય કરવા લાગ્યો અને બોલ્યો ! તું કાલે અહીંથી જતો રહેવાનો છે એમને, પણ હું તારી સાથે આવીશ. તારું આ શરીર મને બહુ ગમી ગયું છે. અને એક આકૃતિ તેના શરીરમાં દાખલ થઈ ગઈ, યશ નીલાને બાથ ભરીને સૂઈ ગયો. નીલા એની ભીંસથી જાગી ગઈ. અને છૂટવા તરફડીયાં મારવા લાગી. યશ જોરથી હસવા લાગ્યો અને નીલાના હોઠ પર હોઠ મૂકી તેને ચૂસવા લાગ્યો. નીલા છટપટાવા લાગી. પણ તેનાથી છૂટી શકી નહિ. 

   સવાર થતાંજ બધા ઊઠી ગયાં. નીલા પણ જાગી. તેણે બાજુમાં યશને સૂતેલો જોયો, તે એકદમ ગભરાઈને ભાગી અને ચીસો પાડવા લાગી મને બચાવો ! આ યશ મને મારી નાખશે. બધાં એકબીજાની સામે જોવા લાગ્યાં. નીલાનું શરીર સાવ ફિક્કું લાગતું હતું. અને ભયથી ઘ્રુજી રહી હતી. બધાએ યશને જગાડ્યો અને પૂછ્યું, આ શું છે બધુ? યશ કહે શું થયું? શું છે? અને નીલા તું કેમ આટલી ગભરાયેલી છે? નીલા કહે તું હેવાન છે. મારાથી દૂર રહેજે. યશને કંઈ સમજ ન પડી. બધાં મિત્રો પણ મુંઝાઈ ગયા. હવે બધાં ઘરે જવા માટે ઉતાવળા થવાં લાગ્યા, થોડીવારમાં ફ્રેશ થઈ બધાં પોતપોતાની ગાડી લઈ નીકળી ગયાં.

   આ બાજુ યશ પણ ઘરે આવી ગયો, તેના મમ્મી-પપ્પાને પણ રાહત થઈ, સારું ચાલો તમે આવી ગયા. કેવી રહી તમારી પાર્ટી ? યશ બોલ્યો બહુ સારી રહી. સાંજે બધાં સાથે જમ્યાં અને પોતપોતાના રૂમમાં સૂઈ ગયા. સુલભાબેન અને સંજયભાઈ પણ એમના રૂમમાં સૂતા હતાં. રાત્રે અચાનક તેમના રૂમનો દરવાજો ખૂલ્યો. સુલભાબેનની ઊંઘ ઊડી ગઈ. તેણે જોયું તો સામે યશ ઊભો હતો. એના ચહેરાં પર વિચિત્ર હાસ્ય હતું. સુલભાબેન બોલ્યા, યશ તું આટલી રાત્રે ? શું કામ છે તારે ? યશ તેની બાજુમાં આવી ગયો અને વિચિત્ર અવાજે બોલ્યો, "મરવાના છો, બધાં મરવાના છો. કોઇને જીવતાં નહિ છોડું મારી હવેલી પર કબ્જો કરીને બેઠા છો ? એ મારી હવેલી છે, મારા આખા પરિવારને એકએક કરીને મૃત્યુને ઘાટ ઊતાર્યો છે, મારા નાલાયક અને હરામખોર ભત્રીજાએ. મારી મિલકત પડાવવા માટે હવેલીમાં રહીને મારા પરિવારને ખોરાકમાં ધીમું ઝેર આપીને બધાંને ખતમ કરી દીધા. પણ એ પણ નથી બચી શક્યો મેં એનો બદલો લઈ લીધો છે. હવે તમારો વારો છે. જે મારી હવેલી પર કબજો કરશે એને હું મારી નાખીશ હા..હા..હા.. સુલભાબેન કાંપવા લાગ્યા, યશ ત્યાંથી નીકળી ગયો. સુલભાબહેને તેના પતિને ઊઠાડ્યાં અને બધી વાત કરી. તેઓ યશના રૂમમાં ગયા તો એ ઊંઘતો હતો. બંને ફરી પોતાના રૂમમાં આવ્યાં. તેને પણ યશના વર્તનમાં અને તેના શરીરમાં કંઈક ફેરફાર દેખાતાં હતાં. બંને સવાર સુધી જાગ્યાં, અને પછી સવારે તેના મિત્રોને અને રામુચાચાને મળી બધી વાત જાણી. પછી તેઓ એક તાંત્રિક પાસે ગયાં અને બધી વાત કરી. તાંત્રિકે એક તાવીજ આપ્યું જે યશના ગળામાં પહેરાવવાનું કહ્યું. અને હવેલીમાં જઈને એ ભટકતી આત્માને મોક્ષ આપવાની વિધિ કરવાનું પણ કહ્યું, સંજયભાઈ અને તેમના પત્ની ઘરે આવ્યાં અને યશના ગળામાં તાવીજ પહેરાવ્યું. પહેલાં તો એ ગુસ્સે થઈ ગયો. પણ તાવીજનો સ્પર્શ થતાં શાંત થઈ ગયો.

   બીજા દિવસે પેલા તાંત્રિકને લઇને બધાં હવેલી પર ગયાં. અને પેલો તાંત્રિક વિધિ કરવાં લાગ્યો. અચાનક હવેલીમાં લાઈટો થવાં લાગી અને એક પછી એક આકૃતિઓ દેખાવા લાગી. પેલો સફેદ કપડાંવાળો પુરુષ ચીસો પાડવા લાગ્યો, અને બોલ્યો, "આ હવેલીની આગળ અમારા બધાની લાશ દાટેલી છે અમને મુક્તિ આપો".. પેલાં તાંત્રિકે ત્યાં ખોદીને જોયું તો અલગ-અલગ જગ્યાએથી હાડપીંજર નીકળ્યાં તેણે તેને કાઢીને મંત્રોચ્ચાર કરીને બાળી નાખ્યાં. એક પછી એક છાંયા હવામાં વિલિન થવાં લાગી. યશ મૂર્છિત થઈ ગયો. તેના શરીરમાંથી પણ એક છાયાં બહાર આવી અને હવામાં વિલિન થઈ ગઈ. પેલું ઘુવડ પણ પાંખ ફફડાવી હવામાં અદ્નશ્ય થઈ ગયું. પેલા તાંત્રિકે મંતરેલું પાણી આખી હવેલીમાં છાંટી દીધું અને બોલ્યો ! એ બધાં આત્માને મુક્તિ મળી ગઈ છે. હવે આ હવેલીની જગ્યા પવિત્ર થઈ ગઈ છે.

   થોડીવારમાં યશ પણ ભાનમાં આવી ગયો અને બોલ્યો ! ડેડ આપણે અહીં ક્યારે આવ્યાં ? સુલભાબહેન અને સંજયભાઈની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં. સંજયભાઈ બોલ્યા બેટા ! કાલ રાતનાં આવ્યાં હતાં. હવે બધું બરાબર થઈ ગયું છે. અને એણે બધાને કહ્યું, "આજથી હું કદી લાંચ લઈશ નહિ અને ખોટા કાર્ય કરીશ નહિ. મારા પરિવારને ઈશ્વરે નવું જીવન આપ્યું છે તેને સર્ત્કોમોથી દિપાવીશ. પેલો તાંત્રિક પણ બોલ્યો, "હા, હું પણ મારી વિદ્યાનો ઉપયોગ સારા કર્મ માટે જ કરું છું. એટલે જ એ ટકી રહી છે. એક પણ પૈસો લીધાં વગર હું આ કાર્ય કરું છું. અને વિધિ માટે કદી નિર્દોષ જીવોની બલી પણ ચડાવતો નથી.

   બીજા દિવસે સંજયભાઈએ આખા ગામને અને તેના મિત્રોને હવેલીમાં જમવાનું આમંત્રણ આપ્યું, અને બધાને પ્રેમથી જમાડ્યાં તેમજ આ હવેલી હવે હું આ ગામને સારા કાર્ય માટે આપું છું એવી જાહેરાત પણ કરી.

   આ હવેલીમાં ગામના લોકોએ શાળા બનાવવાનું નક્કી કર્યું. થોડો ફેરફાર કરી સુંદર મજાની શાળા બનાવી દીધી. હવે જ્યાં વર્ષોથી સન્નાટો ફેલાયેલો રહેતો હતો એ હવેલી બાળકોના મીઠાં કલરવથી ગુંજવા લાગી.


Rate this content
Log in

Similar gujarati story from Horror