Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

ચારણ-કન્યા

ચારણ-કન્યા

2 mins
590


[ગિરમાં તુલસીશ્યામની નજીક એક નેસડું છે. બે વર્ષ પૂર્વે ત્યાંની હીરબાઇ નામની એક ચૌદ વર્ષની ચારણ-કન્યાએ એકલી એ પોતાની વાઘડીને મારનાર વિકરાલ સિંહને વાછડીનું માંસ ન ચાખવા દેતાં લાકડી વતી હાંકી મૂકેલો.]

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે

ગીરકાંઠાનો કેસરી ગરજે

ઐરાવત કુળનો અરિ ગરજે

કડ્ય પાતળિયો જોધ્ધો ગરજે

મોં ફાડી માતેલો ગરજે

જાણે કો જોગંદર ગરજે

નાનો એવો સમદર ગરજે !

ક્યાં ક્યાં ગરજે!

બાવળના ઝાળાંમાં ગરજે

ડુંગરના ગાળામાં ગરજે

કણબીના ખેતરમાં ગરજે

ગામ તણા પાદરમાં ગરજે

નદીઓની ભેખડમાં ગરજે

ગિરિઓની ગોહરમાં ગરજે

ઊગમણો આથમણો ગરજે

ઓરો ને આઘેરો ગરજે.

થર! થર ! કાંપે

વાડામાં વાછડલાં કાંપે

કૂબામાં બાળકડાં કાંપે

મધરાતે પંખીડાં કાંપે

ઝાડ તણાં પાંદડલાં કાંપે

પહાડોના પત્થર પણ કાંપે

સરિતાઓનાં જળ પણ કાંપે

સૂતાં ને જાગંતાં કાંપે

જડ ને ચેતન સૌ એ કાંપે

આંખ ઝબૂકે !

કેવી એની આંખ ઝબૂકે !

વાદળમાંથી વીજ ઝબૂકે

જોટે ઊગી બીજ ઝબૂકે

જાણે બે અંગાર ઝબૂકે

હીરાના શણગાર ઝબૂકે

જોગંદરની ઝાળ ઝબૂકે

વીર તણી ઝંઝાળ ઝબૂકે

ટમટમતી બે જ્યોત ઝબૂકે

સામે ઊભું મોત ઝબૂકે.

જડબાં ફાડે!

ડુંગર જાણે ડાચાં ફાડે!

જોગી જાણે ગુફા ઉઘાડે!

જમ રાજાનું દ્વાર ઉઘાડે!

પૃથ્વીનું પાતાળ ઉઘાડે!

બરછી સરખા દાંત બતાડે

લસ! લસ! કરતી જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે!

બડકંદાર બિરાદર ઉઠે

ફરસી લેતો ચારણ ઉઠે

ખડગ ખેંચતો આહીર ઉઠે

બરછી ભાલે કાઠી ઉઠે

ઘરઘરમાંથી માટી ઉઠે

ગોબો હાથ રબારી ઉઠે

સોટો લઇ ઘરનારી ઉઠે

ગાય તણા રખવાળો ઉઠે

દૂધમલા ગોવાળો ઉઠે

મૂછે વળ દેનારા ઉઠે

ખોંખારો ખાનારા ઉઠે

માનું દૂધ પીનારા ઉઠે

જાણે આભ મિનારા ઉઠે

ઊભો રે’જે !

ત્રાડ પડી કે ઉભો રે’જે!

ગિરના કુત્તા ઉભો રે’જે!

કાયર દુત્તા ઉભો રે’જે!

પેટભરા ! તું ઉભો રે’જે!

ભૂખમરા ! તું ઉભો રે’જે!

ચોર-લૂંટારા ઉભો રે’જે!

ગા-ગોઝારા ઉભો રે’જે!

ચારણ-કન્યા !

ચૌદ વરસની ચારણ-કન્યા

ચુંદડિયાળી ચારણ-કન્યા

શ્વેત સુંવાળી ચારણ-કન્યા

બાળી ભોળી ચારણ-કન્યા

લાલ હીંગોળી ચારણ-કન્યા

ઝાડ ચડન્તી ચારણ-કન્યા

પહાડ ઘુમન્તી ચારણ-કન્યા

જોબનવંતી ચારણ-કન્યા

આગ-ઝરંતી ચારણ-કન્યા

નેસ-નિવાસી ચારણ-કન્યા

જુગદમ્બા-શી ચારણ-કન્યા

ડાંગ ઉઠાવે ચારણ-કન્યા

ત્રાડ ગજાવે ચારણ-કન્યા

હાથ હિલોળી ચારણ-કન્યા

પાછળ દોડી ચારણ-કન્યા.

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો

રણ મેલીને કાયર ભાગ્યો

ડુંગરનો રમનારો ભાગ્યો

હાથીનો હણનારો ભાગ્યો

જોગીનાથ જટાળો ભાગ્યો

મોટો વીર મૂછાળો ભાગ્યો

નર થઇ તું નારીથી ભાગ્યો

નાનકડી છોડીથી ભાગ્યો.

અસ્ત્રીના સતથી એ ભાગ્યો

સાચી હિમ્મતથી એ ભાગ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Classics