રંગમાં
રંગમાં
વરસાદી મોસમ ‘ને તું મારા સંગમાં,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
લોકો શું કે'શે? એ આછેરાવ્હેમથી,
બેઠા'તા દૂર-દૂર તાકીને પ્રેમથી.
વીજળીનાં ચમકારે આવી ગ્યા તંગમા,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
ફરફરતા ફોરાને ઝીલ્યા'તા હાથમાં,
ચૂંદલડી ઓઢી'તી બંનેએ સાથમાં.
ભીંજાણી ચૂંદડીને રંગાયા સંગમાં,
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.
ઝરમર ત્યાં વરસી ગ્યા ધકધકના તાલથી,
અંતરના ઉછળાટે અટકી ગ્યા ઢાલથી.
ફોરાએ ધ્રુજારી ફેલાવી અંગમાં.
ત્યારે રંગાયો ગોરી હું તારા રંગમાં.