યાદ
યાદ


એ દિવસે હું 299 બંગલામાં ગઈ. છ લોખંડના તૂટેલા કટાઈ ગયેલા પલંગ પડેલા હતા.આજું બાજું જુના સામાયિક ના પાનાં અને જુના અખબાર અને કેટલોય કચરો પડેલો. ઊધઈ ખાઈ ગયેલી દીવાલો જાણે ભૂતાવળની જેમ નાચી રહી હતી. રંગરોગાન વગરની દિવાલો આખો ઇતિહાસ કહી દેતી હતી. જૂના કપડાના ચીથરાં અને અને જૂની બારીઓ પોતાની વિરાનીની ચાડી ખાતી હતી. મારી નજર સામેથી ગઈ કાલનો 299 બંગલો ફરી ગયો.
299 પ્લોટ નંબર થી 299 કહેવાતો. એક હતા પપ્પા અને એક હતી બા. એને છ દીકરીઓ અને બે દીકરા. દસ જણાનો સુખી મેળો હતો. જયાં ખડખડાટ હસવાનો અવાજ અને પ્રેમ હવામાં ગુંજતો હતો. ક્યારેક કૅરમની કૂકરીનો અવાજ તો ક્યારેક પપ્પાની ખિસ્સામાંથી પરચુરણ લઈને તીનપત્તી રમવાની મજા. કયારેક બહારના યાર્ડના બગીચામાં પાણીની ટયુબ થી પલળવાની મજા. પપ્પાના લાવેલા ચિત્રલેખા અને રમકડું અને ગૃહશોભા માટે ઝપાઝપી. રવિવારે મેટની શો માં બ્લેક એન્ડ વાઈટ મુવી જોવાની મજા.
પણ પપ્પાનો માળો વિખેરાઈ ગયો, એક પછી એક પક્ષી ઊડી ગયા. માળામાં રહી ગયા બા અને પપ્પા. માળામાં સુનકાર તો ત્યારે જ થઇ ગયો. હું વિદેશથી પાછી ફરી બા પપ્પા આ ફાની દુનિયા છોડી ચાલ્યા ગયા. માળો તૂટી ગયો. તણખલા ઊડી ગયા.હું મારી યાદ સમેટવા 299 પહોંચી ગઈ મને મળ્યા છ કટાઈ ગયેલા વેરાન પડેલા પલંગ અને તાજી સાચવી રાખેલી યાદો!