યાદ મારા એક મિત્રની...
યાદ મારા એક મિત્રની...


જીગ્નેશ અને રાહુલ ખાસ જીગરી મિત્ર હતાં, બને પ્રાથમિક શિક્ષણથી માધ્યમિક સુધી સાથે રહ્યાં, એ બંને વચ્ચે એટલી બધી ગાઢ મિત્રતા હતી કે તેની દોસ્તી જોઈને સારા - સારને ઈર્ષ્યા થઈ આવતી હતી....
બંને ભણવામાં ખુબ જ હોશિયાર હતાં, પરંતુ એની સાથે સાથે તે બંને મધ્યમ પરિવારમાંથી આવતાં હતાં, રાહુલ વગર જીગ્નેશને જરા પણ ચાલતું ન હતું. એક દિવસ રાહુલ શાળાએ ન જાય, તો તરત જીગ્નેશ રાહુલના ઘરે પહોંચી જતો હતો, બરાબર તે જ રીતે જીગ્નેશ એક દિવસ શાળાએ ન આવ્યો હોય તો રાહુલ જીગ્નેશનાં ઘરે પહોંચી જતો હતો. આમ બે શરીર અને એક જીવ હોય તેવું તે બંનેને જોતાં લાગતું હતું...!
રાહુલ અને જીગ્નેશ બંને શાંત, હોંશિયાર, સદગુણી, દેખાવડા હતાં અને તે બંનેને ખુજ જ ઓછો ગુસ્સો આવતો હતો...પરંતુ જ્યારે પણ તે બને માંથી કોઈ એકને કોઈ હેરાન કરે તો પછી તે બંને પાછું વળીને જોતાં ન હતાં, તે વ્યક્તિનું આવી જ બન્યું સમજવું..!
આમ આ બંને મિત્રોની દોસ્તી કે મિત્રતા જોઈને મહાભારત યુગનાં કૃષ્ણ અને સુદામા જાણે આ કળિયુગમાં જન્મ લઈને આવ્યા હોય તેવું લાગતું હતું. દીવો લઈને શોધવા જઈએ તો પણ આવી મિત્રતાનું ઉદાહરણ ન જોવાં મળે એવી પાક્કી મિત્રતા રાહુલ અને જીગ્નેશ વચ્ચે હતી !
ધીમે - ધીમે દિવસો, અઠવાડિયા, મહિના અને વર્ષો વીતવા લાગ્યાં, જોત- જોતામાં એ બંને કોલેજમાં આવી ગયાં.... અને કોલેજમાં પણ બંને પહેલાની માફક જ ધ્યાનપૂર્વક ભણવા લાગ્યાં...!
લગભગ છએક મહિના બાદ જીગ્નેશ એક દિવસ કોલેજે ના આવ્યો, આથી રાહુલનાં મનમાં અસંખ્ય પ્રશ્નો ઉદ્દભવ્યા જેમ કે આજે જીગ્નેશ શાં માટે કોલેજે નહી આવ્યો હશે...? શું જીજ્ઞેશની તબિયત તો સારી હશે ને...? શું જીગ્નેશને કંઈ થયું તો નહીં હોય છે...? શુ જીગ્નેશ સાથે કોઈ અણબનાવ તો નહીં બન્યો હશે ને...? - આવા અનેક પ્રશ્નોએ રાહુલને સંપૂર્ણપણે ઘેરી લીધેલ હતો...!
આથી રાહુલ એકપણ સેકન્ડ વેડફયાં વગર સીધો જ જીગ્નેશનાં ઘરે જઈ પહોંચ્યો, ત્યાં જઈને રાહુલે જ જોયું તે જોઈને તો તેની આંખો આશ્ચર્ય અને દુઃખને લીધે પહોળી થઇ ગઇ....જાણે તેનાં પગ નીચેથી એકાએક જમીન ખસી ગઈ હોય તેવું રાહુલને લાગી રહ્યું હતું....!
રાહુલ જ્યારે જીગ્નેશનાં ઘરે પહોંચ્યો ત્યારે જીગ્નેશના ઘરની બહાર ઘણાબધાં સગા- સબંધીઓ સફેદ કપડાં પહેરીને ઉભેલાં હતાં, સૌ કોઈની આંખો રડવાને લીધે લાલ ઘુમ થઈ ગયેલ હતી....જીગ્નેશના ઘરની અંદરથી વ્રજઘાત સમાન હ્ર્દયફાટ રૂદનનો અવાજ આવી રહ્યો હતો...આ જોઈ રાહુલ ઊંડા આઘાત સાથે જીગ્નેશના ઘરની અંદર પ્રવેશ્યો, તો તેના જીગરજાન મિત્ર જીગ્નેશનો નિષ્પ્રાણ દેહ જમીન પર પડેલ હતો. આ જોઈ રાહુલ એક ચીસ પાડી રડવા લાગ્યો..મનમાં ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો..જાણે ભગવાને એક જ પળમાં પોતાની પાસેથી બધું જ છીનવી લીધું હોય તેવું રાહુલને લાગી રહ્યું હતું. ત્યારબાદ જીગ્નેશના પિતાએ રાહુલને આખી વાત જણાવતાં કહ્યું કે આજે સવારે જીગ્નેશ જ્યારે કોલેજે આવવાં માટે નીકળ્યો હતો ત્યારે તે કાળનો કોળિયો બની ગયો...અને તે ઘટનાં સ્થળે જ મૃત્યુ પામ્યો હતો, બરાબર એ જ સમયે મારો એક મિત્ર ત્યાંથી પસાર થયો, આથી હું તાત્કાલિક એ અકસ્માતનાં સ્થળે પહોંચી ગયો. એ જોઈ જાણે મને મારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો...!
આ ઘટનાં બાદ જાણે રાહુલ આ દુનિયામાં એક જ પળમાં એકલો પડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું, તેને આજુબાજુના વિશ્વમાંથી અને ભગવાન પરથી જાણે પૂરેપૂરો વિશ્વાસ ઉઠી ગયો હોય તેમ એકલો અટૂલો આંટા મારી રહ્યો હતો....આ ઘટનાની રાહુલના માનસ પટ્ટ પર એટલી ગાઢ અસર થઈ કે દિવસેને દિવસે રાહુલનાં રિઝલ્ટમાં કે ટકાવારીમાં પણ ઘટાડો થઈ રહ્યો હતો... અને કોલેજમાં લેક્ચર ભરવાને બદલે તે એ બધી જગ્યાએ જઈને બેસતો જયાં તે જીગ્નેશ સાથે સમય વિતાવતો હતો અને બસ આમને આમ કલોકો સુધી જીગ્નેશની યાદોમાં રાહુલ નિઃશબ્દ બનીને બેસી રહેતો હતો...!
ત્યારબાદ રાહુલને સાઈકિયાટ્રિક ડોકટર પાસે કન્સલ્ટ કરાવવામાં આવ્યું, અને ત્રણ મહિના રાહુલની સારવાર એ સાઈકિયાટ્રિક ડોકટર પાસે ચાલી...અને રાહુલ ધીમે - ધીમે એ ઘટનાઓ અને એ આઘાતમાંથી બહાર આવી ગયો....તેમ છતાંપણ જીગ્નેશ પોતાની લાઈફમાંથી આવી રીતે અચાનક એકાએક વિદાય લઈને જતો રહ્યો તેનું દુઃખ હજુપણ રાહુલનાં હૃદયનાં કોઈ એક ખૂણે હાલમાં પણ સાચવેલ હતું જ તે....!