વરસાદ
વરસાદ
"અરે યાર, તને વરસાદ નથી ગમતો ? બીજાં બધાં કપલને જો. વરસાદમાં કેટલું એન્જોય કરે છે અને એક તું છે જેને ચોમાસાથી નફરત છે ?" સૌમ્યા ગુસ્સામાં બોલી.
"હા, તો શું થયું ? નથી ગમતો મને વરસાદ ! નથી ગમતું મને વરસાદમાં પલળવું. નથી મારે ક્યાંય જવું. તું એકવારમાં સમજતી કેમ નથી ?" સમીર પણ તાડુક્યો.
"તને નથી ગમતું પણ મને તો ગમે છે ને.... તું મારા માટે થઈને એકવાર આવા વાતાવરણમાં મારી સાથે એન્જોય ના કરી શકે ? મને એકવાર લોન્ગડ્રાઇવ પર ના લઈ જઈ શકે ?" સૌમ્યા બોલી.
"ના, હું આવા વરસતા વરસાદમાં કોઈ લોન્ગડ્રાઇવ પર જવાનો નથી. આપણે પછી કોઈ સારાં રેસ્ટોરન્ટમાં ડિનર પર જઈશું બસ." સમીરે કહ્યું.
"ના, મારે કોઈ ડિનર વિનર પર નથી જવું. મારે તો બસ આ વરસાદની મજા માણવી છે." સૌમ્યા આટલું કહી રૂમમાંથી બહાર જતી રહી.
સમીર ફોન હાથમાં લઈ ગેલેરી ખોલી ફોટા જોતાં જોતાં પોતાની જૂની યાદો વાગોળવા લાગ્યો. મારો બેસ્ટ ફ્રેન્ડ, ના બેસ્ટ ફ્રેન્ડ નહીં પણ મારો ભાઈ હતો સ્મિત. હંમેશા મારી સાથે જ હોય. એકબીજા વિના જરાય ગમે નહિ. અમને બંનેને વર્ષાઋતુ ખૂબ ગમતી. પણ હવે વરસાદ જોતાં જ મારી સામે એ રાત આવી જાય છે. આજે પણ મને એ રાત બરોબર યાદ છે.
ચોમાસાની શરૂઆતના દિવસો હતાં અને વરસાદ અંધાર્યો હતો. ઢળતી સંધ્યાએ ઝરમર ઝરમર વરસાદ શરુ થયો અને અમે ચાની ટપરી પર કટિંગ ચાનો સ્વાદ માણી રહ્યાં હતાં. વાતો કરતાં કરતાં બાઈક પર લોન્ગડ્રાઈવનો પ્રોગ્રામ બનાવી બંને નીકળી પડ્યાં. હું બાઇક ચલાવતો હતો ને એ મારી પાછળ બેઠો. વરસતાં વરસાદનો આનંદ માણતા અમારી બાઇકની સ્પીડ વધી રહી હતી. હાઇવેથી થોડા આગળ નીકળતાં વરસાદે જોર પકડ્યું પણ અમે તો અમારી મસ્તીમાં ગીતો ગાતાં ગાતાં પહેલા વરસાદમાં ભીંજવાની મજા માણતા આગળ જઈ રહ્યાં હતાં. રાત વધારે ગાઢ થઈ રહી હતી અને વીજળીનાં કડાકા વધી રહ્યાં હતાં.
સ્મિતે મને બાઇક પાછા શહેર તરફ વાળવા કહ્યું પણ હું વાત માનું તો ને ? મુશળાધાર વરસાદ વરસી રહ્યો હતો અને વાહનોની અવરજવર નહિવત જેવી થઈ ગઈ. થોડા આગળ જતાં અમારું બાઇક સ્લીપ ખાઈ પડ્યું. હું અને સ્મિત બાઇકથી થોડા થોડા દૂર ફંગોળાઈ પડ્યાં. હું ઊભા થવા પ્રયત્ન કરવાં લાગ્યો પણ મારા પગમાં અસહ્ય દુઃખાવો થવા લાગ્યો. મારા હાથ અને માથા પર વાગ્યું હતું. મારું ધ્યાન સ્મિત પર પડ્યું. તેનાં હાથની આંગળીઓ હલી રહી હતી. મેં તેને બૂમ પાડી પણ કોઈ જવાબ મળ્યો નહીં. હું હિંમત કરી ઘસડાતો ઘસડાતો તેની પાસે ગયો. રોડ ડિવાઈડર તેનાં માથામાં વાગવાથી ઘણું લોહી વહી રહ્યું હતું. વરસાદને લીધે તેનું લોહી પાણી સાથે ભળી આખા રોડને લાલ રંગે રંગી લીધો હતો. મેં તેને ઉઠાડવા ઘણા પ્રયત્નો કર્યા પણ તેનાં શરીરમાં કોઈ હલનચલન હવે નહોતી. મેં ખિસ્સામાંથી ફોન કાઢી મદદ માટે કોલ કર્યો પણ નેટવર્કના કારણે કોલ લાગ્યો નહિ. હું સ્મિતનો હાથ પકડી મદદ માટે બૂમો પાડતો રહ્યો પણ વરસતા વરસાદ સિવાય કોઈ ના હતું. હું પણ બેભાન થઈ ગયો.
બીજાં દિવસે મને ભાન આવ્યું ત્યારે હું તો હોસ્પિટલમાં હતો પણ સ્મિત મને રડતો મૂકીને એક અનંત સફરે નીકળી પડ્યો હતો. બસ, એ જ દિવસથી મને વરસાદ અને લોન્ગડ્રાઈવથી ચીડ થઈ ગઈ છે. હું મારા જીગરજાન સ્મિતને ખોઈ ચુક્યો છું પણ તને નથી ખોવા માંગતો સૌમ્યા.
બસ એ મારા જીવનનો છેલ્લો વરસાદ હતો જેને હું ભૂલી જ નથી શકતો. મને હંમેશા એવું જ લાગે છે કે મારા લીધે સ્મિતનો જીવ ગયો. મેં સ્મિતની વાત માનીને બાઈક પાછીવાળી લીધી હોત તો કદાચ.
