STORYMIRROR

Shital 🙃

Others

3  

Shital 🙃

Others

પપ્પાને ના કહેતાં

પપ્પાને ના કહેતાં

3 mins
152

રમણભાઈ નવસારીમાં પ્રાથમિક શાળામાં શિક્ષક પદેથી નિવૃત્ત થયા હતા અને પોતાના દીકરા સાથે અમદાવાદમાં ઘણા સમયથી રહેતાં હતાં. પોતે ઘરડા અને દીકરાથી થોડા વિચારો જુદા પડતા આથી ક્યારેક ક્યારેક બંને વચ્ચે મનમુતાવ જોવા મળતો. તેમનો દીકરો મિલન ઘણી વાર તેમના પર ગુસ્સો થતો પણ તેને પપ્પા બહુ વહાલા હતા, દરેક ઘરમાં થોડો ઉતાર ચઢાવ હોય તેમ આ પરિવારમાં પણ થતું અને બધું પાછું પાટા પર આવી જતું.

દિવાળીનો સમય હતો, ધનતેરસની સાંજે ઘરમાં પૂજા કરવાની હતી. રમણભાઈ સમાચારપત્રમાં મુહૂર્ત જોઈને સમય કહેવા મિલનના રૂમમાં જાય છે. 

"પપ્પાને ના કહેતા કે હું તેમને...... " મિલન કોઈની સાથે ફોન પર વાત કરે છે પણ રમણભાઈને જોઈ વાત અડધી અટકાવી ફોન કાપી નાખે છે. 

રમણભાઈ : શું ના પાડે મને કહેવાની ?

મિલન: કંઈ નહીં પપ્પા, તમે કંઈ ખોટું સાંભળ્યું હશે, હું તો કહેતો હતો કે પપ્પાએ કીધું હું સાંજે પૂજામાં હાજર રહું. અને તમે અહીં કંઈ કહેવા આવ્યા હતા ? (તેણે વાત બદલી નાંખી) 

રમણભાઈ : સાંજે સાત વાગે પૂજાનું મુહૂર્ત છે તો જરા વહેલો આવી જજે. આવતી વખતે પૂજાનો સામાન પણ લેતો આવજે. પાછો ઓફિસના કામમાં ભૂલી ના જતો. 

મિલન: હા, ઠીક છે લેતો આવીશ.

મિલન તો ઓફિસ જવા નિકળી જાય છે પણ રમણભાઈના મનમાં " પપ્પાને ના કહેતા " શબ્દો ફરી રહ્યા હતા. તેઓ એ જ વિચારે છે, છાપુ વાંચવાનુ મન નહીં થતા પોતાના રૂમમાં જાય છે. તેમની પત્ની રમા આમ અચાનક આવેલા જોઈ બોલે છે : 

"તમારુ છાપુ બહાર ટેબલ ઉપર છે અને ચશ્માં પણ ખાનામાં જ મૂકેલા છે તો અહીં શું લેવા આવ્યા ? "

રમણભાઈ વિચારોમાં ખોવાયેલા હોવાથી કંઈ જવાબ આપતા નથી. રમાબેન જોડે આવીને તમારી તબિયત તો સારી છે ને એમ પૂછે છે.

રમણભાઈ: હા બધુ સારુ જ છે. તને મિલને કંઈ કહ્યું છે ? 

રમાબેન: ના પણ શું થયું છે ?

અને રમણભાઈ સવારની વાત કરે છે. તમારા કાન હવે આટલી ઉંમરે જવાબ આપવા લાગ્યા છે, તમે જ કંઈક અલગ સાંભળ્યું હશે. હાલો હવે થોડી વાર નીચે આંટો મારી આવો. 

રમણભાઈ નીચે બગીચામાં જાય છે. આજે ચાલવાની જગ્યાએ બાંકડા પર બેસી વિચારોમાં ખોવાયેલા હોય છે, ત્યાં એમના મિત્રો આવે છે.

જીવનલાલ : ઓહો, આજે બાંકડામાં, જરૂર ઘરે કંઈ થયુ લાગે નહીં તો ચાલવાનુ શરૂ કરી દીધું હોય તે. 

રમણભાઈ એમને બધી વાત કરે છેઅને બોલે છે : આખરે મિલન મને કઈ વાત જણાવતા નથી માગતો ?

જીવનલાલ: તને યાદ છે પેલા ચોથા માળે રહેતા મનુભાઈ ?

રમણભાઈ : હા, હમણાંથી તે દેખાતા નથી, ક્યાંક બહાર ગયા લાગે ?

જીવનલાલ: તને ખબર નહીં ? એમનો દીકરો એમને ઘરડાઘરમાં મૂકી આવ્યો અને એમને પૂછ્યું નહીં. ક્યાંક મિલન તો એવું નહીં કરવાનો ને ?

રમણભાઈ : ના રે મારો મિલન કંઈ એવું ના કરે હો.

રમણભાઈ મનમાં વિચારવા લાગ્યા કે મિલન મારાથી કંટાળીને મને દિવાળી પછી ઘરડાઘરમાં મૂકવાનો વિચાર નહીં કરતો હોય ને, એમ પણ ઘણી વખત મારી સાથે ઝઘડો થાય છે. બગીચામાંથી ઘરે આવીને પણ તેમના વિચારો ચાલુ રહે છે.

સાંજે સરસ રીતે ઘરમાં લક્ષ્મીપૂજન કરવામાં આવે છે, બધા જમીને સૂવા માટે રૂમમાં જતા રહ્યાં પણ રમણભાઈ હજી એ જ વિચારે છે " પપ્પાને ના કહેતા કે.... "શબ્દો એમના કાનમાં ગૂંજી રહ્યાં છે સરખી રીતે ઊંઘ પણ આવી નહીં.

દિવાળીના દિવસે સવારે બધા નવા કપડાં પહેરીને તૈયાર થાય છે. રમાબેન સરસ મજાની રંગોળી કરે છે. ત્યારબાદ રમણભાઈ અને રમાબેન મંદિરે દર્શન કરવા માટે નીકળે છે અને મિલન તેમને કેટલાક સગાસંબંધીનાં ઘરે જવાનું અને થોડો સામાન વળતી વખતે લાવવાનું કહે છે. 

સાંજે બંને ઘરે આવે ત્યારે ઘરમાં જાણે કોઈ હોય જ નહીં એવું લાગે છે દરવાજો ખોલીને અંદર પ્રવેશ્યા ત્યારે રમણભાઈ ચોંકી ઊઠે છે. નવસારીમાં તેમની સાથે નોકરી કરતા મિત્રો,પપ્પાને પાડોશી અને વડોદરામાં રહેતી દીકરી -જમાઈ ઊભા હતાં.

મિલન બોલ્યો : તમે ભૂલી ગયા લાગો છો કે આજે તમારો જન્મદિવસ છે અને એટલા માટે જ બધાને ઘરે બોલાવ્યા છે. 

રમણભાઈ : તો તમે આવવાના હતા તો મને કહેવાય ને ? 

મિલન : પપ્પા, તમને કહેવાની મેં જ ના પાડી હતી. યાદ છે ને ધનતેરસના દિવસે મેં વાત ટાળી દીધી ત્યારે હું ફોન પર દીદી સાથે જ વાત કરતો હતો. 

રમણભાઈના મનમાં આ સાંભળીને હાંશકારો થાય છે અને ખુશી પણ કે મિલન તેમને કેટલો પ્રેમ કરે છે. બધા બેસીને વાતો કરે છે. દીવાથી આખું ઘર ઝગમગે છે. બધા ફટાકડા ફોડે છે. બધા મળીને ઉત્સાહ અને ઉમંગભેર રમણભાઈનો જન્મદિવસ અને દિવાળીની ઉજવણી કરે છે. 


Rate this content
Log in