Shital 🙃

Others Children

4.5  

Shital 🙃

Others Children

ઘર

ઘર

3 mins
397


"ચાલને કીર્તિ, કૅન્ટીનમાં જઈએ" સેજલે કહ્યું.

"એમ પણ લેકચર નથી તો ચાલ" કીર્તિ બોલી.

"કોલેજ ચાલુ થયાંને બે દિવસ થઈ ગયા, આપણી મિત્રતાની સારી એવી શરૂઆત થઈ ગઈ એની ખુશીમાં મારા તરફથી આજે પ્રેસ્ટ્રીની ટ્રીટ" સેજલે કહ્યું.

"હા, ચોકલેટ પ્રેસ્ટ્રી ઓકે" કીર્તિ બોલી.

"ઓકે, માય ડિયર ફ્રેન્ડ. ચાલ ત્યાં ખૂણાનાં ટેબલ પર બેસીએ." એક ટેબલ પર ઈશારો કરતાં સેજલ બોલી.

"તું આખો દિવસ બક બક કરતી રહે છે. ઘરે પણ આવું જ કરે છે ?" કીર્તિ મજાકમાં બોલી.

"ના યાર, ઘરે એવું નથી હોતું. હું ઘરે મોટાભાગે એકલી જ હોવું છું એટલે. તું બોલ તારા ઘરમાં કોણ કોણ છે ?" સેજલે કહ્યું.

"જો આપણી પ્રેસ્ટ્રી આવી ગઈ. ઘર...? હા, કહું મારું ઘર તમારા બધાના ઘરથી જુદું છે પણ પહેલા તું જણાવ તારા ઘર વિશે ત્યાં સુધી હું પ્રેસ્ટ્રીનો થોડો ટેસ્ટ કરી લઉં" - કીર્તિ બોલી.

"હું તો કૉલેજથી આગળ આવેલા ચાર રસ્તા પાસેના સ્વસ્તિક બંગ્લોઝમાં રહું છું. મમ્મી પપ્પા અને ભાઈ સાથે." સેજલે જણાવ્યું.

"એટલા મોટા બંગલોમાં માત્ર ચાર જણા ! રહેવાની મજા આવે ખરી ?" કીર્તિ બોલી.

"હાસ્તો, એમાં શું મજા ના આવે ? મમ્મી પપ્પા આખો દિવસ એમની જોબમાં વ્યસ્ત હોય. હું અને નાનો ભાઈ પોતપોતાના રૂમમાં જેમ ફાવે તેમ દિવસ પસાર કરીએ. કોઈ જ રોકટોક નહિ, મજાની લાઈફ." સેજલ બોલી.

" હું તો મોટી માં, માસી, કાકા અને મારા ભાઈ બહેનો સાથે રહું છું. મારું ઘર બહુ મોટું નથી એટલે એક રૂમમાં ચાર વ્યક્તિ રહીએ છીએ. " કીર્તિએ કહ્યું.

"ઓહહ, તો તું જોઈન્ટ ફેમિલીમાં રહે છે. પણ એક રૂમમાં ચાર જણા ? મને તો એવી રીતે રહેવાનું જરાય ફાવે નહિ. થોડું પર્સનલ સ્પેસ તો જોઈએ ને ?" સેજલ બોલી.

"પણ મને તો એમ જ ફાવે ! અમે બધાં સાથે ખૂબ જ એન્જોય કરીએ, બધાં ખૂબ જ મસ્તી કરીએ. રાતે જમનામાસી બધાને સૂવાનું કહી જાય પછી પણ અમે ઘણીવાર બેસી વાતો કરતાં, રમતો રમતાં, અંધારામાં જેને ડર લાગતો હોય એને વધારે ડરાવતા અને રડવાનું ચાલુ કરે પછી મોટી માંની બીકથી ફટાફટ સૂઈ જવાનું નાટક કરતાં" કીર્તિ બોલી.

"ઓહો.... એટલે કે સીધી સાદી દેખાતી આ છોકરી મસ્તીખોર પણ છે !" સેજલ બોલી.

" હા, અમારા ઘરમાં એક નાનો બગીચો છે. જેમાં લીમડો, પીપળો અને આસોપાલવના ઝાડ છે, જેની ડાળીઓ પર ઝૂલા બાંધેલા. હું નાની હતી ત્યારે ત્યાં બહુ ઝૂલા ખાતી અને કોઈને બેસવા પણ ના દેતી. અમારા મોટી માં જેટલાં સખ્ત લાગે એટલા જ કોમલ હ્યદયના ! અમને બધાને સરખો પ્રેમ આપે. કોઈની તબિયત ખરાબ હોય તો તેમનો જીવ ઊંચો થઈ જાય." કીર્તિ બોલી.

"આજના જમાનામાં પણ જોઈન્ટ ફેમિલીમાં એટલો પ્રેમ...! સારું કહેવાય યાર. મારા ઘરે તો આવું કંઈ ના જોવા મળે." સેજલે કહ્યું.

" મારું ઘર છે જ એવું ! જે આવે તે અમારી ફેમિલીમાં ખુશીથી સામેલ થઈ જાય. અમારા સુંદર એવાં ઘરમાં રહેવાની મજા આવે. સવારે, બપોરે અને રાતે બધાં સાથે જમવામાં આનંદ આવે. ઘરનું વાતાવરણ હંમેશા ખુશનુમા હોય, ક્યારે પણ ઉદાસી કે માયુસી જોવા ના મળે. આખું ઘર બાળકોના અવાજથી ગૂંજતું હોય. જયારે મારો સાથ બધાએ છોડી દીધો ત્યારે એ ઘરે જ મને સાંભળી. આ ઘરે જ મને જીવન જીવતાં શીખવ્યું. એ ઘર નહિ પણ મારા અસ્તિત્વનું સરનામું છે." કીર્તિ બોલી.

" બધાં સાથે હોય તો તહેવારોની ઉજવણી પણ યાદગાર રહે ને ? મારા ઘરે તો એવું નથી હોતું. કોઈનો જન્મદિવસ હોય કે કોઈ તહેવાર હોય તો હોટેલમાં જમવાનું કે પાર્ટી હોય અને વેકેશનમાં બહાર ફરવાનો પ્રોગ્રામ હોય. " સેજલ બોલી.

"તહેવારો તો મારા ઘરે બધાં સાથે જ ઉજવે. દિવાળીમાં ફટાકડા ફોડવાના હોય, હોળીમાં રંગોની ઉજાણી હોય કે નવરાત્રીમાં ગરબે ફરવાનું હોય દરેકનો ઘર અને બગીચો સાક્ષી છે. ઘણીવાર મોટા અને જાણીતા લોકો પણ અમારી સાથે તહેવાર ઉજવવા આવે. મારું ઘર તમારા બધાના ઘરથી જુદું છે. મને તો મારું ઘર બહુ વ્હાલું છે." કીર્તિ બોલી. 

"મને તારા ઘરે આવવું છે આજે જ. આટલું બધું સાંભળીને તારું ઘર જોવાની ઈચ્છા થઈ ગઈ." સેજલ બોલી.

"હા ચાલ, હવે એક લેકચર છે એ પતે પછી આપણે જઈએ" કીર્તિ બોલી.

થોડીવાર પછી બંને કોલેજમાંથી નીકળી રિક્ષામાં કીર્તિના ઘરે જવા નીકળ્યા. કીર્તિએ તેનાં ઘર પાસે રીક્ષા ઊભી રખાવીને તે ભાઈને પૈસા આપી રહી હતી ત્યારે સેજલની નજર દરવાજા પર લાગેલા બોર્ડ પર પડી જેમાં લખ્યું હતું :

"નવજીવન અનાથાશ્રમ" 


Rate this content
Log in