બ્રેકઅપ
બ્રેકઅપ
હેત્વીનો કોલેજમાં આજે પહેલો દિવસ હતો. આજથી જીવનમાં એક નવુંં ચેપ્ટર શરૂ થવાનું હતું નવા મિત્રો બનાવવા હતા નવું નવું શીખવાનું છે એવા કેટલાય વિચારો મનમાં હતા. પહેલાં દિવસે લેક્ચરમાં લેટ ના થાય માટે સમયથી વહેલા ક્લાસમાં આવી ગઈ. થોડા વિદ્યાર્થીઓ બેસેલા હતા, આખા ક્લાસમાં એક છોકરી શાંતિથી પોતાની બુક વાંચી રહ્યી હતી. હેત્વીએ તેની બાજુમાં બેસીને વાત ચાલુ કરી. તેનુ નામ શિખા હતી, માતાપિતા ગામડે રહેતાં હોવાથી અહીં મામાના ઘરે રહીને કોલેજ કરવાની હતી.
પહેલો દિવસ સાથે વાતચીત કરીને બંને વચ્ચે મિત્રતા બંધાઈ ગઈ. પછી તો બંને ક્લાસમાં સાથે જ બેસતા, રિસેસમાં પણ સાથે હોય. હેત્વી થોડી મસ્તીખોર હતી આથી બંને કયારેક લેક્ચર છોડીને ફરવા અથવા મૂવી જોવા પણ જતા. શિખાને મામા વઢે નહીં માટે તેને ઘરે મૂકવા પણ જાય. બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ બની ગયા, એકબીજા વગર હવે ગમતું પણ નહીં.
એકવાર ક્લાસમાં અભ્યાસ કરતો અભિ એ હેત્વી ને પ્રેમ માટે પ્રપ્રોઝ કર્યું હેત્વી એ ખુશીથી હા પાડી દીધી. શિખા સાથેની મિત્રતા પણ હજુ એવી જ હતી, શિખા પણ તેમણે બહાર ફરવા જાય તો હેત્વીનાં ઘરે વાત સંભાળી લેતી. આમ ને આમ દિવસો પસાર થવા લાગ્યા, એક દિવસ અભિ અને હેત્વીનો મોટો ઝઘડો થયો અને બંને વચ્ચેના સંબંધોનો અંત આવ્યો.
બિચારી હેત્વી તેનાંથી ઘણી ઉદાસ રહેવા લાગી. શિખાથી તેની આવી હાલત જોવાતી ના હતી. શિખાએ ખૂબ પ્રયાસો કર્યા પછી હેત્વી હવે પહેલાંની જેમ જીવન જીવવા લાગી. બંને ફરી એકબીજા સાથે મસ્તીથી કોલેજ લાઈફ માણવા લાગ્યા.
આમ ને આમ કોલેજના ત્રણ વર્ષ કયાં વિતી ગયા એની ખબર પણ ના પડી. છુટા પડતી વખતે બંને ખૂબ રડ્યા અને શિખા પાછી ગામડે પહોંચી ગઈ. હેત્વી ને શિખાથી છૂટા પડતી વખતે તેના બ્રેક અપ કરતાં પણ ખૂબ વધારે દુઃખ થયું.
