માઁનો પત્ર
માઁનો પત્ર
મારો વ્હાલો,
દીકરો.
મારો પત્ર જોઈને નવાઈ લાગી હશેને ! પણ મારા દિલની વાત કહેવા તને આ પત્ર લખ્યો છે. તારો ખૂબ ખૂબ આભાર દીકરા ! તે આજે મને ખોટી સાબિત કરી દીધી છે. મને અને તારા પપ્પને તારા પર ગર્વ હતો પણ હવે...
તું જયારે મારા ગર્ભમાં હતો તે વખતે હું એક સારી એવી કંપનીમાં નોકરી કરતી હતી, તારા પપ્પાને પણ સરકારી નોકરી હતી એટલે મારા બાળકની હું સારામાં સારી મા બની શકું એટલે તારા જન્મ પછી મેં નોકરી છોડી માતૃતત્વ તરફ ડગલા માંડ્યા. તારો ઉછેર સરસ રીતે કર્યો. તને અમે બંનેએ ખૂબ લાડ લડાવ્યા, તારા બધા શોખ પુરા કર્યા. તને કોઈ વાતની ખોટ આવવા દીધી નહીં. તને યાદ છે, જયારે તું નાનો હતો ત્યારે સ્કૂલથી પાછો આવીને સૌથી પહેલા "મમ્મી ક્યાં છે ?" એવી બૂમો પડતો અને મારા વિના ક્યારેય જમતો પણ નહીં. મને ક્યાંય બહાર જવું હોય તો તને લઈને જવું પડતું. તું મારાથી કલાક પણ દૂર રહી શકતો નહોતો.
કેટલી સુંદર યાદો છે ને તારા બાળપણની ! કદાચ એટલે જ હું અહીં એ યાદોના સહારે એક એક દિવસ વિતાવી રહી છું. મારા મનમાં એમ હતું કે મમ્મી વગર તું નહીં રહી શકે અને જેવી રીતે તું મને અહીં મૂકી ગયો એમજ જલ્દીથી પાછો લઈ જઈશ પણ હું ખોટી પડી, મારો ભ્રમ તૂટી ગયો. આજે એક વર્ષ થઈ ગયું માત્ર તારો ફોન આવે છે એ પણ મહિનામાં એક વખત પાંચ મિનિટ માટે !
તારા પપ્પાના ગયા પછી મને એમ હતું કે તું અને વહુ મને સાંભળી લેશો. હું તારા બાળકો સાથે ફરી તારું બાળપણ માણીશ. મને ક્યાં ખબર હતી કે હું જ તને ઘરમાં ખૂંચવા લાગીશ અને એક દિવસ તું મને આમ અહીં વૃદ્ધાશ્રમમાં મૂકી જઈશ ? કાંઈ વાંધો નહીં. તું મારા વગર ખુશીથી રહી શકતો હોય તો હું અહીં છેલ્લા શ્વાસ સુધી રહેવા તૈયાર છું મારા દીકરા.
બસ, હું તને એક વાત કહેવા માંગુ છું કે જયારે તને અહીંથી ફોન આવે કે તમારા મમ્મી હવે આ દુનિયામાં નથી રહ્યા ત્યારે મને તારો ખભો આપવા જરૂરથી આવજે. આવીશ ને દીકરા ?
- તારી માં
