મારું ઘર ?
મારું ઘર ?
ડ્રેસિંગ ટેબલ સામે બેસી તૈયાર થતાં થતાં પોતાના હાથમાં પહેરેલી સુંદર બંગડીઓ પર નજર પડતાં નિયતિ પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ.
કેટલું સુંદર છે ને આ મારું ઘર અને હોય પણ કેમ નહીં ! આટલા વર્ષોથી કેટલા પ્રેમ, લાગણી અને હૂંફથી બધાએ સજાવીને રાખ્યું છે મારા આ ઘરને !
નાની હતી ત્યારે આખા ઘરની એક પણ દીવાલ એવી ના હતી જ્યાં મેં મારી ચિત્રકળા દર્શાવી ના હોય. પહેલીવાર "ક" પણ દીવાલ પર જ લખ્યો હતો. ક્યારેક કોઈ લડતું કે વઢતું તો કોઈ ખૂણામાં સંતાઈને રડી લેતી, ક્યારેક આખું ઘર ખીલખિલાવી મૂકતી તો ઘણીવાર આખું ઘર માથે લેતી. ફળિયામાં બધાં છોકરાઓને ભેગાં કરી બુમાબુમ કરી મૂકતી.
શિયાળાની ઋતુમાં રાતે ઘરમાં તાપણું કરતાં અને પડછાયાની રમતો કરતાં. ઉનાળામાં રાતે ધાબા પર સૂતાં સૂતાં તારાઓ ગણતા. ચોમાસામાં બારીમાંથી વરસતા વરસાદને નિહાળતા અને વીજળીનાં મોટા અવાજો સાંભળીને ગોદડામાં સંતાય જતાં તો ક્યારેક ચૂપચાપ બહાર નીકળી જઈને વરસાદની મજા લેતાં.
ઘરનાં ફળિયામાં વાવેલાં ગુલાબ અને બારમાસીનાં ફૂલો જોઈ નાચી ઉઠતી તો ક્યારેક તેને તોડી દાદીની માર ખાતી. રસોઈ શીખવાની શરૂઆત કરી તે વખતે તો રસોડાની એવી હાલત થતી કે ખાવાની સાથે સાથે મમ્મીનું ભાષણ મળતું અને સફાઈ કરવી પડે એ નફામાં ! એકવાર જોતાં જ મન પ્રફુલ્લિત થઈ જાય, એવાં મારા હાથે બનાવેલાં તોરણ, ઝુંમર અને ચિત્રોથી સજાવેલો બેઠકરૂમ આ ઘરના દરેક તહેવાર, પ્રસંગ અને ક્યારેક થયેલાં અણબનાવનો સાક્ષી છે.
કપાળ પર ચાંદલો લગાવતી નિયતિ પોતાની જાતને અરીસામાં સ્મિત સાથે નિહાળી રહી હતી. આ અરીસાને કેવી રીતે ભૂલી શકાય ? નાની હતી ત્યારે કોઈવાર ચોરી ચોરી મમ્મીની સાડી લાવીને પહેર્યા પછી અરીસામાં જોઈ મમ્મીની નકલ કરતી. અરીસામાં પોતાની સાથે વાતો કરતાં કરતાં સવારે કૉલેજ જવા તૈયાર થતી. અઢળક યાદોથી ભરેલું છે આ મારું ઘર.
બહારથી ઢોલનો અવાજ સાંભળતા નિયતિ ઊભી થઈ બારીમાંથી ડોક્યું કર્યું. આજે આંગણામાં કંઈ અલગ જ રોનક હતી. દરેક તહેવાર વખતે આંગણામાં અલગ જ પ્રકારનો માહોલ જામતો. હોળીમાં રંગ-ગુલાલ, દિવાળીમાં રંગોળી અને દિવા, વેકેશનમાં સાંજે રમવાની મજા, નવરાત્રીમાં ગરબાની પ્રેક્ટિસ આંગણામાં જ થતી. આજે પણ મહેમાનોની ભીડ અને ફૂલોની સજાવટ આંગણાની શોભામાં વધારો કરી રહી હતી.
"ઓહહો.... દીદી, કેટલાં સુંદર લાગો છો આજે ! નીચે જીજુ તો જાણે તમને જ શોધી રહ્યાં હોય એવું લાગે છે. હવે ચાલો, બધાં તમારી જ રાહ જોઈ રહ્યાં છે." - નિયતિની નાની બહેન ખુશી બોલી.
નિયતિ રૂમમાંથી બહાર નીકળી, જતાં જતાં એકવાર આખા ઘરમાં નજર ફેરવી. દીવાલ પર હાથ ફેરવતાં ઘરની બેજાન દીવાલો જાણે તેનો સ્પર્શ ઓળખીને તેને વિદાય આપવા તૈયાર થઈ ગઈ તેવું લાગ્યું.
"મારાં અત્યાર સુધીના જીવનની દરેક હસતી રડતી પળોનું, મારાં સારાં નરસા પ્રસંગોનું સાક્ષી છે આ મારું ઘર. પણ...... બસ અહીં સુધી જ હતો આ ઘરનો સાથ. હવે તો બીજા ઘરે જવાનું છે." આંખમાં આવેલું આંસુ રૂમાલથી લૂછતાં ધીમા અવાજે નિયતિ બોલી.
છેવટે નિયતિ પોતાના લગ્નનાં મંડપ સુધી પહોંચી ગઈ અને પંડિતે લગ્નવિધિ શરુ કરી.
