વરસાદ છલકાવે ખુશી અને ઉદાસી
વરસાદ છલકાવે ખુશી અને ઉદાસી
બારીમાં બેઠેલી સ્વાતી, પતિના વિરહમાં ઉપજેલી ઉદાસી અને બહાર ભીની માટીની સુંગંધથી તેના હૈૈયે અનેક ભાવ પ્રગટતા હતાં, તે પતિ સોહમની મધુરી યાદોમાં સરી પડી.
કહેવત છે ને કે, "વરસે વાદળ ને તરસે વિરહીજન"
સોહમ તો સ્વાતીને જોતાં જ હરખઘેલો બની જતો ને સદાય સ્વાતીને ખુશ કરવા મથતો. જ્યારે તેની વહાલી સ્વાતીનું મુખડું ખીલે ત્યારે તેને પોતાનાં હૃદયમાં અપાર રાહતને ખુશી મળતી. કોઈપણ પ્રકારનાં વહેમ વગરનો આ શુધ્ધ પ્રેમ પરણ્યા પછી બે વરસ સુધી રહ્યો હતો. સ્વાતી ધન્યતા અનુભવતી, સોહમ જેવો વહાલો પતિ પામીને. સોહમને તેની કંપનીએ જર્મની મોકલવાનું નક્કી કરતાં જ નોકરી છોડવા માંગતા સોહમને પાપાએ સમજાવ્યો કે,
" બેટા પરદેશમાં તારો ભાગ્યોદય થતો હોય તો જવામાં વાંધો નહીં."
સ્વાતી પણ ભારે હૈયે મોકલવા તૈયાર થઈ. સોહમ કમને જર્મની ગયો. જુદાઈના વિરહ સાથે તેનો ઈ મેઈલ આવેલો કે તે જલદીથી પરત આવવાનો હતો. તે વાત સ્વાતીના ભીતરમાં ખુબ ખુશી છલકાવતી હતી.
અચાનક વાછટથી હોશમાં આવતાં તે વરસાદને કહે,
"પિયુ વસે પરદેશ તું લઈ જા મારો સંદેશ,
રાણી તારાં હૃદયને બોલાવે તને સ્વદેશ."
વરસાદ પણ જાણે સાંભળતો હોય તેમ તેનાં વાછટથી હોઠ પર પડતા ટીપાં પિયુના સ્નેહની યાદ અપાવી તેના મધુર સ્પર્શનો અહેસાસ કરાવતો હતો, જાણે સોહમનું વહાલ, વરસાદ વરસાવતો હતો. સ્વાતી ખુબ જ ઉદાસ બની હતી પતિના વિરહમાં.
અચાનક બારીમાં સુંદર ફૂલો દેખાયાં, જાણે કોઈ ભેટ આપતું હોય, સ્વાતીએ હાથ બહાર કાઢી લઈ લીધાં પછી સુંદર પેકેટ દેખાયું તો એ પણ લઈ લીધું. તેણે પેકેટ ખોલ્યું તો તેણે સોહમ પાસે મંગાવેલ તેને ગમતી ચાંદીની ઝાંઝર હતી અને ફૂલ સુંઘતા જ તેના પ્રિય પરફ્યુમની સુગંધ પરખાઈ. સ્વાતીએ ચાલુ વરસાદમાં ભાન ભૂલીને દોટ મુકી અને બહાર જોતાં જ તેનાં મનનો માણીગર પલળતો હોવાં છતાંય ખુબ જ તરસ્યો હોય તેમ બે હાથ ફેલાવી બાહોમાં સમાવા હૈયાનાં હેતથી નિમંત્રણ આપતો હતો. સ્વાતીના ભીતરે પ્રેમના પૂર આવ્યાં તે કહેવા લાગી,
"અવકાશ નથી હવે તારી ને મારી વચ્ચે દૂર રહેવાનો,
હવે તો હક છે મને પણ તને વેલની જેમ વિંટળાઈ રહેવાનો."
દોડીને સોહમની છાતીએ વળગી પડી. બેયના વધતા ધબકારા અને એકબીજાને મળતી સ્નેહની હૂંફથી વાતાવરણ આહલાદક બની ગયું, સ્વાતીની ઉદાસી પણ ભરપુર ખુશીમાં પરિવર્તન પામી. બંને હૈયા મળતા જોઈ કોયલે પણ મીઠો ટહુકો કર્યો.

