STORYMIRROR

Shalini Thakkar

Tragedy

4  

Shalini Thakkar

Tragedy

વોટ્સએપ સ્ટેટસ

વોટ્સએપ સ્ટેટસ

3 mins
244

રસોડામાં કામ કરતા અચાનક મારી નજર સામે દીવાલ પર લગાવેલા કૅલેન્ડર પડી. આજની તારીખ ૪ એપ્રિલ જોતા જ નાનપણની ફ્રેન્ડ નિશા યાદ આવી ગઈ. જીવનમાં ગમે એટલા વ્યસ્ત હોઈએ પણ બાળપણના અમુક સંબંધો એવા હોય છે જે જાણે-અજાણે આજીવન આપણી સાથે જોડાયેલા રહે છે. એવો જ એક સંબંધ હતો મારી અને નિશા વચ્ચેનો. અમે બંને એક જ ફળિયામાં જમ્યા, ઉછેર્યા અને એક જ સાથે એક જ સ્કૂલમાં ભણ્યા. પછી બંનેના લગ્ન અલગ-અલગ શહેરમાં થઈ ગયા. અમારા બંનેના રસ્તાઓની દિશાઓ બદલાઈ ગઈ પણ અમારી વચ્ચે લાગણીનો સેતુ જોડાયેલો રહ્યો. અમારા વચ્ચે વાતચીત ભલે નિયમિત ના થાય પણ ૪ એપ્રિલ એટલે કે નિશાનો જન્મદિવસ અને ૧૧ જૂન એટલે મારો જન્મદિવસ એમ વર્ષમાં બે દિવસ તો અચૂક વાત થતી. આ બે તારીખો યાદ રાખવા ન તો અમને ફેસબુકની જરૂર પડતી કે પછીના કોઈ બીજા રિમાઈન્ડરની. અમારો સંબંધ ઈન્ટરનેટ શોધતાં પહેલા નો સંબંધ હતો અને ત્યારે અમુક ખાસ તારીખો યાદ રાખવા માટે માત્ર હૃદયમાં નોટ કરી લેવું જ પૂરતું હતું. મેં ફટાફટ ફોન હાથમાં લીધો અને નિશા ને જોડ્યો. સામે છેડે નિશાના અવાજમાં કંઈક અલગજ રણકો હતો.

જન્મદિવસની વધામણી આપીને પછી મે એના અવાજમાં કંઈક અલગ જ ઉત્સાહ હોવાનું કારણ પૂછ્યું. જવાબમાં એણે બતાવ્યું કે અનમોલનું લગ્ન નક્કી થઈ ગયું છે. અનમોલ એટલે નિશાની મોટી બહેન નયનાનો દીકરો. નૈના અને નિશા બંને બહેનોના લગન એક જ શહેરમાં થયા હતા અને બંને એકબીજાના નજીકના વિસ્તારમાં જ રહેતા. નયના જોબ કરતી હતી અને નિશા ને કોઈ બાળક ન હતું માટે અનમોલ મોટાભાગે એની માસીની સાથે રહીને જ મોટો થયો. આમ અનમોલને મા અને માસી એમ બંનેની મમતાનો લહાવો મળ્યો. એટલે અનમોલના લગ્ન હોય તો નિશાનું ખુશ હોવું એકદમ સ્વાભાવિક હતું અને એ એના અવાજમાં સ્પષ્ટ ઝલકતું હતું. અનમોલ ના લગ્નના સમાચાર મનેે મોડા આપવા બદલ મેં નિશાને મિઠ્ઠો ઠપકો આપ્યો. સામે છેડે નિશાનો અવાજ થોડો ગંભીર થઈ ગયો. એણે મને કહ્યું કે ગયા મહિને નૈના અને નિશા બંને જણા લગ્નની ખરીદી માટે ભેગા થયા હતા અને બજારમાં વધુ અવર જવર થઈ હોવાના કારણે બંનેનું પરિવાર કોરોનાથી સંક્રમિત થઈ ગયું હતું. મને તરત જ એ વિષમ પરિસ્થિતિનો ખ્યાલ આવી ગયો જેમાંથી એ લોકોનો પરિવાર પસાર થયો હશે. કોરોનાના સેકન્ડ વેવ ચાલતા કેટલાય ઘર વિખેરાયા અને કેટલાય સપના તૂટ્યા એ વિશે કોણ અજાણ છે ? પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવતા જ મેં તરત જ ચિંતિત સ્વરમાં નિશા ને પૂછ્યું,"હવે તમે બધા કેમ છો ? જવાબમાં નિશાએ રાહતભર્યા અવાજ સાથે જણાવ્યું કે એ લોકો બધા હોમ ક્વારાંટીન રહીને જ ઠીક થઈ ગયા હતા. માત્ર નયના જ થોડી કમજોરી હોવાના કારણે હોસ્પિટલમાં એડમિટ હતી. અને નિશાના કહેવા પ્રમાણે બે-ત્રણ દિવસમાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ થઈ જવાની હતી. અમારી બંને વચ્ચે વાતચીતનું વાતાવરણ હળવું કરતા મેં કહ્યું,"હે નિશાળી, તારી લિસ્ટ ના ટોપ ટેન મહેમાનોમાં તે મારી ગણતરી ભલે ના કરી હોય પણ લગ્નના ફોટા જરૂર મોકલાવજે. અનમોલ અને એની દુલ્હન ને ફોટો જોઈને આશીર્વાદ આપી દઈશ. તારા અને નયના દીદીના લગ્નમાં તૈયાર થયેલા ફોટા પણ જરૂર મોકલજે. હું પણ જોઉં ને કે હવે સાસુ બન્યા પછી તું કેટલી ઘરડી લાગે છે."કહીને હું ખડખડાટ હસવા માંડી. નિશાએ પણ હસતા હસતા જવાબ આપ્યો,"ઘરડી તું થઈ હોઈશ હું નહીં. વિશ્વાસ ના હોય ને તો ૧૫મી એપ્રિલે વોટ્સએપના સ્ટેટસમાં લગ્ના ફોટા જોઈ લેજે પછી આપણે નક્કી કરીશું કે ઘરડી હું લાગું છું કે તું ?"કહીને એણે ખડખડાટ હસતા હસતા ફોન મૂકી દીધો. મને થયું કે આ જ તો ખૂબી છે બાળપણમાં બાંધેલા સંબંધોની. દિલ ખોલીને કંઈ પણ કહી શકાય અને મજાકમાં કહેલી કોઈપણ વાતમાં આત્મીયતાના જ દર્શન થાય. સંબંધ પણ બાળક જેવો જ નિર્દોષ અને પારદર્શક, જેમાં ના કોઈ દંભ હોય કે ના કોઈ શરત ! હું પાછી, નાનપણમાં નિશા અને એના પરિવાર સાથે વિતાવેલી મીઠી યાદોમાં ખોવાઈ જઈ ને પોતાના કામે વળગી ગઈ. બરાબર પંદર દિવસ પછી સાંજે રસોડામાં કામ કરતા કૅલેન્ડર પર નજર પડી અને એકદમ યાદ આવ્યું,"ઓહ નિશાનું વોટ્સએપ સ્ટેટસ ....! નિશા એ લગ્નના ફોટા મૂક્યા હશે. ઉતાવળે ફોન હાથમાં લીધો અને નિશાનું વોટ્સએપ સ્ટેટસ ખોલ્યું. હૃદય ધબકારો ચૂકી ગયું અને ફોન હાથમાંથી નીચે પડી ગયો. સ્ટેટસમાં મુકેલા ફોટામાં નયનાનો હાર ચડાવેલો ફોટો હતો અને નીચે લખ્યું હતું, મિસ યુ દીદી આરઆઈપી.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy