વન ઓફ ધ બેસ્ટ મેમોરેબલ મોમેન્ટ
વન ઓફ ધ બેસ્ટ મેમોરેબલ મોમેન્ટ


મિત્રો, આપણી લાઈફમાં અમુક એવી પરિસ્થિતિ આવતી હોય છે કે એ સમયે આપણાં મનમાં એકદમ દુઃખ ભરેલું હોય છે, આપણે ચારેબાજુએથી દુઃખોથી ઘેરાઈ ગયેલાં હોઈએ છીએ. બરાબર એ જ સમયે આપણને સુખનું કે આશાનું કિરણ દેખાઈ જાય તો આપણને અનહદ ખુશીઓ થતી હોય છે, આ સમયે આપણી આંખોમાં દુઃખ સાથે ખુશીઓનાં આંસુઓ આવી જતાં હોય છે!
મને નવી સરકારી નોકરી રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે મળી, આથી હું મારો જીવન જરૂરી સામાન લઈને રાજકોટ ગયો. ત્યાં મારી ફરજના સ્થળે હાજર થઈ ગયો. લગભગ બે મહિનામાં મને સરકારી આવાસ ફાળવવામાં આવ્યું. જે દિવસે મને સરકારી આવાસ મળ્યું એ દિવસે રાતે મેં મારા ઘરે કોલ કરીને મારા માતા - પિતાને રાજકોટ ખાતે મારા કવાર્ટર પર કાયમ માટે રહેવા આવવા માટે આજીજી કરી. પરંતુ મારા પિતાને અમારા અમરેલીમાં ઘર સાથે લાગણી બંધાયેલ હોવાથી તે લોકો કોઈપણ કિંમતે અમરેલીનું ઘર છોડીને રાજકોટ મારા કવાર્ટર પર રહેવા આવવા માટે તૈયાર નહોતો !
મેં તેમને ઘણી આજીજી અને વિનંતી કરી પરંતુ તેઓ એકનાં બે ના થયાં. આથી મેં નિરાશ થઈને કોલ ડિસ્કનેકટ કર્યો. મનમાં વિચાર આવ્યો કે મારા માતા - પિતા તેમની જગ્યાએ કદાચ સાચા છે કારણ કે તેઓની એક તો અમારા અમરેલીના ઘર સાથે વર્ષો જૂની લાગણીઓ અને મારી અને મારા સંપૂર્ણ પરિવારની અલગ - અલગ ઘણીબધી યાદો જોડાયેલ છે. આ ઉપરાંત મારા બે મોટાભાઈઓને સાચવવા, તેમનાં બાળકોને રાખવાં અને રમાડવા માટે પણ હાલમાં મારા કવાર્ટર કરતાં ત્યાં અમરેલી વધુ જરૂર હતી !
અંતે મેં મારું મન માનવી લીધું. અને મનોમન નક્કી કરી લીધું કે હવે મારે એકલાએ જ આ કવાર્ટરમાં રહેવાનું છે. જયારે મારે મારા માતા - પિતાની જરૂર હશે ત્યારે તે બનેવ ચોક્કસથી મારી પાસે આવીને મારી સાથે કવાર્ટર પર રહેવા આવશે. આમ આવા અનેક વિચારો કરતાં કરતાં લગભગ રાતનાં એકાદ વાગ્યાની આસપાસ હું સુઈ ગયો. મારી ઊંઘ દરમિયાન પણ મને મારા માતા - પિતા સાથે ફોન પર થયેલ વાતો જ યાદ આવી રહી હતી. આથી હું ઊંઘમાં રાતે લગભગ ત્રણેક વખત જાગી ગયો હતો !
બીજે દિવસે મારે ડે ઓફ એટલે કે રજા હતી. આથી મારે વહેલાં ઉઠવાની કોઈ જ ચિંતા હતી નહીં. સૂર્ય નારાયણ પણ જાણે આખી રાત આરામ લઈને તાજા - માજા થઈને પોતાની નોકરીએ લાગી ગયાં હોય તેમ પ્રકાશ રેલાવવાના કાર્યમાં લાગી ગયાં, પણ હું હજુપણ મારી પથારીમાં ગોદડાની અંદર જ લપાયેલ હતો !
લગભગ સવારનાં અગિયાર વાગ્યાંની આસપાસ મારા કવાર્ટરનો ડોર બેલ વાગ્યો. આથી હું પથારીમાંથી આળસ મરડતા - મરડતા ઉભો થયો. મને એમ કે આજે રજા હોવાને લીધે મારો કોઈ મિત્ર મને મળવાં આવ્યાં હશે. આથી મેં ઊભાં થઈને દરવાજા તરફ મારા પગલાં માંડ્યા.
આખી રાત ઊંઘ ન થવાને લીધે મારી આંખો લાલ થઈ ગઈ હતી. મારા માતા - પિતાએ મારા ક્વાર્ટર પર આવવાની ચોખ્ખી ના પાડી દીધેલ હોવાથી તેનું દુઃખ પણ મારા ચહેરા પર સ્પષ્ટ દેખાય રહ્યું હતું. હું ગમગીન બની ગયો હતો. એવામાં મેં મારા કવાર્ટરનો દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે જ મારા આશ્ચર્ય અને નવાઈનો કોઈ પાર જ ના રહ્યો કારણ કે મારા ક્વાર્ટરનાં દરવાજા બહાર બીજું કોઈ નહીં પરંતુ. ખુદ મારા ભગવાન. મારા માતા - પિતા ઉભા હતાં. આથી મેં મારી આંખો બે - ત્રણ વખત ચોળી કારણ કે મને એવું લાગી રહ્યું હતું કે હું હાલમાં પણ કોઈ સપનું જ જોઈ રહ્યો હોય. એવામાં મારા પપ્પાએ હળવેકથી મારા માથામાં ટપલી મારી અને મને કહ્યું કે," બેટા ! હાલમાં તારા માટે રાજકોટ નવું શહેર છે ! તારે નવી - નવી નોકરી શરૂ થઈ છે..! તું કદાચ હાલમાં ઘણીબધી તકલીફો વેઠતો હોઈશ. જો આવા સમયે અમે તારી સાથે નહીં રહેશું તો તારી શું હાલત થશે એ અમને ખ્યાલ છે. આથી રાતે તારી સાથે વાત કરીને અંતે અમે બંનેએ નક્કી કર્યું કે જયાં સુધી તું રાજકોટમાં કે નવા કવાર્ટરમાં સેટ ના થઇ જા ત્યાં સુધી અમે તારી સાથે રોકાશું. !"
આ સાંભળી મારી આંખોમાંથી જે ધોધમાર આંસુઓ વહી રહ્યાં હતાં, એ આંસુઓને ચીરતાં - ચીરતાં જોત- જોતામાં મારા ચહેરા પર ખુશીઓની લકીરો છવાઈ ગઈ. અને હું રડતાં - રડતાં હસી પડ્યો. આ મારા જીવનની વન ઓફ ધ બેસ્ટ મેમોરેબલ મોંમેન્ટ હતી કે જે હું ક્યારેય નહીં ભૂલી શકીશ. હાલમાં પણ જ્યારે મને આ પ્રસંગ યાદ આવી જાય તો મારા ચહેરા પર આંસુઓ તો આવે જ છે પરંતુ તેની સાથે સાથે ખુશીઓની લાગણી પણ થઈ આવે છે !