STORYMIRROR

Leena Vachhrajani

Drama

4  

Leena Vachhrajani

Drama

વલય

વલય

3 mins
344

સંયોગીની આંખ આજ સાચાં આંસુ વરસાવી રહી હતી. એના હાથમાં એક મેડિકલ રિપોર્ટ હતો. 

“અરેરે ! મેં સારંગને કેટલાં બધાં સપનાં દેખાડ્યાં છે ! છેલ્લા એક વર્ષથી સાથે જીવવાના કોલ દીધા અને હું આમ અધવચ્ચે જતી રહીશ તો સારંગ કેવી રીતે જીવશે ? આ જીવલેણ બિમારી મને આવી એનો જરાય અફસોસ નથી પણ સારંગને એકલાં જીવતાં નહીં આવડે એ અફસોસ છે.”

અને સંયોગીએ સારંગને આ વાત કહેવાનો નિર્ણય કર્યો. રોજ કરતાં સહેજ વહેલા સમયે એમનાં કાયમના મિલનની સાક્ષી એવી ઝીલના કિનારે સંયોગી પહોંચી. એને માનસિક તૈયાર થવાનો સમય જોઈતો હતો.

અત્યંત રમણીય સરોવર કિનારો અને એ સરોવરમાં તરતી હંસની જોડ આજે સંયોગીને પોતા પર હાંસી કરતી જાણે લાગી. હજી તો પાંપણે પાળ બંધાઈ ન બંધાઈ ને કોઈના હાસ્યનો અવાજ સંભળાયો. 

આ અવાજ તો મારા સારંગનો.. અને હોંશભેર એ પલટી ત્યાં તો સારંગને કાવ્યા સાથે હાથમાં હાથ મેળવીને ગપસપ કરતો જોયો.

“અરે ! એ મુરખને આવવાની હજી વાર છે. એ સમયની બહુ પાક્કી છે. પાંચ કીધું હોય તો પાંચે જ આવશે. તું તારે ચિંતા વગર આપણાં ભવિષ્યને શણગારવાનું ચાલુ રાખ.”

“પણ સારંગ આવું ક્યાં સુધી ચાલશે ? તારે એને જણાવવું જોઈએ ને ! તું વાયદા એની સાથે કરે છે અને લગ્ન મારી સાથે કરવાનો છે એ એને ક્યારે જણાવીશ ?”

“તું ચિંતા ન કર. એની સાથે સંબંધ ત્યાં સુધી રાખવો પડશે કે જ્યાં સુધી મારી જોબ એના પપ્પાની ઓળખાણ દ્વારા નક્કી ન થઈ જાય. પછી એને ટાટા બાય બાય કરી દઈશ.”

અનાયસે કાને પડેલાં આ બે ચાર વાક્યએ સંયોગીનો પોતા પર કાબૂ ન રહ્યો અને એ સારંગ તરફ ધસી જવા ગઈ ત્યાં મોબાઈલમાં એક મેસેજ રણક્યો.

સંયોગીએ અણગમાથી નજર કરી..આ અત્યારે વળી કોનો મેસેજ ?

આ તરફ મોબાઈલના રણકારથી સારંગ અને કાવ્યા પણ ચોંક્યાં. સંયોગીએ મેસેજ વાંચ્યો. અને એ ટટ્ટાર થઈ ગઈ.

ડોક્ટરનો મેસેજ હતો..“સોરી સંયોગીમેમ, તમારો રિપોર્ટ બિલકુલ નોર્મલ છે. ભૂલથી બીજાં સંયોગીમેમનો રિપોર્ટ તમને ફોરવર્ડ કરાઈ ગયો છે. એક્સ્ટ્રીમલી સોરી ફોર ઈનકન્વિનિઅન્સ.”

એટલી વારમાં સારંગ સંયોગીની સામે આવી ગયો. “અરે ! સંયોગી તું વહેલી !”અને એનો અવાજ તરડાયો.

“હા વહેલી નહીં આજે પહેલી વાર સમયસર છું. હું એક ન્યુઝ આપવા આવી હતી.”

“બોલને !”

“આમ તો ખરાબ ન્યુઝ આપવા આવી એ સારું થયું. મને સચ્ચાઈની ખબર પડી ગઈ. અને નસીબ તો જો ! એ ખરાબ ન્યુઝ એટલી વારમાં સારા સમાચારમાં પલટાઈ ગયા.”

સારંગને હવે શબ્દો ન સૂઝ્યા. સંયોગી બોલતી રહી.

“મારી જીવલેણ બિમારીના રિપોર્ટને લીધે હું સવારથી તારા માટે અફસોસ કરી કરીને અરધી થઈ ગઈ. તું મારા વગર કેવી રીતે જીવીશ એ વિચારે મને મારા મરવા પર પણ ગુસ્સો આવતો હતો. પણ..સારંગ તું તો મારી સાથે અને મારા વગર બંને પરિસ્થિતિમાં બહુ ખુશ છે અને રહીશ એ જોઈ લીધું. આજ પછી તારો અને મારો સંબંધ, આપણાં સપનાં બધું હું આ ઝીલના પાણીમાં મારા ખોટા રિપોર્ટના સમાચારની સાથે જ પધરાવીને જાઉં છું.

આજ પછી મળશું નહીં. આવજો કે અભિનંદન તું એક પણ લાગણીને લાયક કે હકદાર નથી રહ્યો.”

અને સંયોગી મિશ્ર લાગણી સહ્ રવાના થઈ ત્યારે સરોવરના પાણીમાં વલય ઉઠ્યા હતાં !


Rate this content
Log in

Similar gujarati story from Drama