વિવાહ
વિવાહ
કોઈ વસ્તુ વ્યવસ્થિત નથી હોતી તારી ! ના અસાઈન્મેન્ટ કે ના કોઈ નોટસ !
દરરોજ મારે લખાવાનું તને ?" મિહિર બોલ્યો.
દરરોજનો ઝગડો રાજ્શ્રી અને મિહિર વચ્ચે. બંને પાક્કા મિત્રો હતા.
કૉલેજમાં પણ જોડે એક જ ક્લાસમાં. દરરોજ કઈ ને કઈ વાત પર ઝગડતા ને પાછા ભેગાયે થઈ જતાં થોડી વારમાં, એકબીજા વગર ફાવતું જ નહિ, પછી શું થાય.
હમણાં થોડા દિવસ પછી કૉલેજમાં ફેસ્ટ આવવાનો હતો. કામ બહુ હતું. રાજશ્રી ને મિહિર બંને કામમાં વ્યસ્ત રહેતા અને રાજશ્રી એ પ્રોજેક્ટ પર ખુબ સુંદર આઈડિયા રજૂ કર્યા ને એના પર મિહિર આગળનું પ્રોજેક્ટ વર્ક બનાવતો. લડતા ઝગડતા સંપીને કામ કરતા બંનેનો પ્રોજેક્ટ એક અલગ જ લેવલનો થઈ રહ્યો હતો. આ પ્રોજેક્ટ કરતા કરતા મિહિરને રાજશ્રી પર એક મિત્ર કરતા પણ વધુ પ્રેમ ઉભરાયો હતો. પણ કઈ બોલ્યો નહિ. એક મહિના પછી ખુબ સુંદર રીતે રાજશ્રીએ સ્ટેજ પર પોતાના આઈડિયા ને પ્રોજેક્ટ રજૂ કર્યો. મિહિર સ્ટેજ પાસે ઊભો, એની બોલવાની અદ્ભૂત શૈલી જોઈ ઔર મોહી પડ્યો. બંને સ્ટેજ પરથી નીચે ઉતાર્યા ને પરિણામની રાહ જોવા લાગ્યા.
પંદર મિનિટ પછી પ્રિન્સિપાલે રિઝલ્ટ જણાવ્યું ને મિહિર ને રાજશ્રીના પ્રોજેક્ટ નેવું માર્ક સાથે પ્રથમ નંબર આવ્યો. બંને સાથે ટ્રોફી સ્વીકારી કોલેજની બહાર આવ્યા ને પછી મિહિરની કારમાં પાર્ટી કરવા રિવરફ્રન્ટ પાસે કાફેમાં આવ્યા.
બંને એ કોફી,સેન્ડવિચ અને મોમોસ ઓર્ડર કર્યા. ટ્રોફી જોતા જ રાજશ્રી બોલી "ટ્રોફી તો હું જ રાખીશ, થોડો ટાઈમ માટે તું લઈ જઈ શકે છે. આઈડિયા મારો જ હતો."
"કામ કોણે કર્યું આઈડિયા પર ? એ તો બોલતી નથી અને ટ્રોફી તો મારી પાસે જ રહેશે. પછી તો તું મારા ઘરે જ હોઈશ. શું ફેર પડે છે ? આપણી જ છે. સમજી ?" મિહિરે એક મીઠી સ્માઈલ સાથે આવી રીતે એને પ્રપોઝ કર્યું.
"એટલે ?" કંઈક અજીબ ધૂનમાં હોઈ રાજશ્રી સમજી નહિ.
" ડોબી,લગ્ન પછી તો તું મારે ઘરે જ હોઈશ ને ! હવે મારે એકલા નથી રહેવું."
મિહિર એનો હાથ પકડીને કાફેમાંથી બહાર નીકળતા બોલ્યો.
ત્યાંજ એક જોરથી રાજશ્રીએ મુક્કો માર્યો ને લડાઈ કરવા લાગી, "પ્રપોઝ આવી રીતે કરાય ? ક્યારની રાહ જોતી હતી કે તું કંઈક કહે સરસ મજાનું રોઝ લઈ ઘૂંટણિયે બેસી પ્રેમ વ્યક્ત કરે ! તું તો સાવ ડોબો."
"કાલે રોઝ લાવીશ બસ પછી તો માનીશ ને ? હસીને મિહિર બોલ્યો.
ત્યાંજ રાજશ્રી મિહિરને વળગી પડી ને બોલી, "હા પાડવામાં કાલની રાહ નહિ જોઉં."
મિહિરે એને જકડી લીધી
"લગ્ન પછી ઝગડો નહિ હો"ને બંને એક બીજાની આંખમાં આંખ પરોવી,ને મનમાં વિવાહની શરણાઈ વાગવા લાગી.
રિવરફ્રન્ટનો ઢળતો સૂરજ એમના પ્રણયની સાક્ષી બની ગયો.
