STORYMIRROR

Girimalsinh Chavda "Giri"

Action

4.0  

Girimalsinh Chavda "Giri"

Action

વીર બાવાવાળો

વીર બાવાવાળો

11 mins
565


ખાનદાન કુળ છો. 

માટે બે જ વેણની વાત કરવી છે, આપા !

આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું.

મા કનકાઈનો પ્રતાપ છે, લઈ જાવ.

પણ એક વાત સાંભળો.

રોળ્યકોળ્ય વેળાનો સૂરજ ઘોડે ચડીને આવેલા ઉતાવળા કોઈ મહેમાનની જેમ જાઉં જાઉં થઈ રહ્યો છે. એને એક પગ સંધ્યાના પેંગડે અને બીજો રાતના ‘શારજામાં’ ઉપર છે.ગીરની ઘટાટોપ વનરાઈનાં ડાળપત્તાં ઉપરથી પંખીના ટહુકા લઈને ધીમે ધીમે વાતો વાહોલિયો, વૃક્ષોની કૂંપળો સાથે ગુફતેગુ કરી રહ્યો છે.

છોડવડી ગામના સીમાડાની ભેરાસણ નદીના વોકળામાં ઊંડા મારગના મોં આગળ પચ્ચીસેક જેટલા બહારવટિયા હથિયારે હાથ દઈને, શિકાર ઉપર છલાંગવા બેઠેલા ચિતરાની જેમ ટગર ટગર આંખે ઊંડેરા મારગમાં ઝાંકી રહ્યા છે.

બહારવટિયાઓ પાસે આજ પાકી બાતમી છે કે દીવનો ધનપતિ વણિક શેઠ, સુંદરજી છોડવડી ગામને પાદર થઈને કનકાઈ માતાજીના થાનકે જવાનો છે. દેશપરદેશ વેઠીને ગાડા મોઢે ધન કમાયેલો શેઠ સુંદરજી કાંઈ એકલોસેકલો ન હોય, વળી ખાલી હાથે પણ ન હોય. શેઠપણાનો મોભો અને લક્ષ્મીના પના પ્રમાણે શેઠ સાથે સો પોણોસો જેટલા શેઠિયાઓ હશે. નોકરચાકર હશે અને પાકેલી બોરડીની જેમ સોનું, રૂપું ખણખણાવતી શેઠાણીઓ અને બાળકો પણ હશે. અને અગમ બુદ્ધિના એ વણિકે સંપત્તિનાં રખોપાં માટે પાંચદશ બંદૂકધારી વળાવિયા પણ લીધા હશે. વળાવિયાને બાદ કરતાં આખું ઝૂમખું વેવલા માણસોનું ! એકાદ પડકારની જ જરૂર. બંદૂકનું નાળચું જોયું નથી અને બોકાસો બોલ્યો નથી !

હા, વળાવિયા કાંટિયાવરણના, લુણહલાલી હશે તો થોડીક રમઝટી કરવી પડશે, છાતીકઢા હશે તો લોહી કાઢવાં પડશે. બાકી કઢીચટ્ટા હશે તો બહારવટિયા બાવાવાળાનું નામ સાંભળતા, તૂટેલા બંબૂડાની જેમ બુમકારા નાખતા ભાગી જશે !

દીવના શેઠ સુંદરજીનું આ ઝાડવું જો પૂરેપૂરું ઝંઝેડાય તો ખડિયા પોટલિયા છલકી ઊઠે.બહારવટિયા બાવાવાળાના સાથીદારો, સાકરની કણીની જેમ આવતા મનસૂબા ચગળતા વાટ જોઈ રહ્યા છે અને એ જ પળે ઊંડા મારગમાં ધૂળ ઊડી. બળદગાડીઓનાં પૈંડાં ગાજ્યાં, બળદોના ઘૂઘરા ખણખણ્યા અને જોતજોતામાં દસેક જેટલાં ગાડાંઓની હેડ્ય લગોલગ આવી.

ગાડામાં બેઠેલો પુરુષવર્ગ વાતોના કિલ્લોલ કરે છે. સ્ત્રીઓ માતાજીના ગરબા ગાતી આવે છે. શણગારેલાં બળદો શીંગડાં ડોલાવતાં ડોલાવતાં ગળાના ઘૂઘરમાળ ઘમકાવે છે.અને પચ્ચીસેય બહારવટિયાની ટોળી તોપમાંથી ગોળા છુટે એવી ત્વરાથી ગાડાઓ ઉપર વછુટી.

‘ઊભાં રાખો, ગાડાં.’નો એક જોરૂકો પડકારો ઊઠ્યો. પચ્ચીસ જેટલી બોકાનીઓ, ઘેઘૂર દાઢીઓ, મૂછોના થોભિયા અને રાતીચોળ આંખોનું આખું જંગલ, વણિકશ્રેષ્ઠી સુંદરજી જેવા સુંવાળા માણસની આસપાસ ઘટાટોપ થઈને ફરી વળ્યું ! શેઠના વોળાવિયા એકાદ પળ માટે અવઢવમાં પડ્યા પણ બહારવટિયા બાવાવાળાનું નામ સાંભળતાં એણે મુઢ્ઢીઓ વાળી, પગની પેનીઓ સાથળે ભટકાણી અને બંદૂકોનાં ડાંડવાં વાંદરાના પૂછની જેમ ઊછળતાં ઊછળતાં ગીરના જંગલમાં અલોપ થઈ ગયાં !

શેઠ સુંદરજીએ નિ:શ્વાસ મૂક્યો: ‘હવે તો આઈ કનકાઈ ઉગારે તો ઉગરાય ! બહારવટિયો બાવાવાળો ! હનુમાનના પૂંછની જેમ જૂનાગઢના આખા નવાબી રાજને સળગાવી બેઠો છે. થાય તે ખરું.’

અટાટની આવી પડેલ આ આફતથી શેઠ સુંદરજી એકાદ પળ આકળવિકળ થયા પરંતુ વળતી પળે એના મનબુદ્ધિ સાવધ થયાં. માથા પર પાઘડી મૂકી, મોજડીઓ પહેરી અને હસતાં હસતાં બહારવટિયા સામે થઈને ઊભા રહ્યા: ‘રામ રામ, આપા !’

‘વાણિયા !’ બાવાવાળાના સાથીદારો ખાટા થયા: ‘અમારે ને તારે કઈ જુનવટ છે ? વાણિયાવેડા મૂકીને સોનું-રૂપું માંડ્યા ઠાલવવા.’‘સોનું અને રૂપું તમારું જ છે બાપ !’ શેઠ શાંતિથી બોલ્યા: ‘દીવનો આ સુંદરજી શેઠ ચિંથરા નૈં ફાડે. મને આઈ કનકાઈએ ઘણું દીધું છે પણ.’

‘પણ પછી શું ?’ બહારવટિયાએ આંખો ખેંચી: ‘પણ બણ કરીને તારે વાર્તા માંડવી છે ? ઘોડાનો વેશ લાવવો છે ? શું ધારી છે તેં ?’‘ધારી કાંઈ નથી, ભાઈ ! મારે તો બાપુ બાવાવાળાને જોવા છે.’‘ગાલાવેલો થા મા, શેઠ ! બાવાવાળાને જોઈને શું કામ છે તારે ? કાંઈ લેણદેણ છે બાવાવાળા પાસે ?’‘લેણદેણ કેવી ?’ સુંદરજી હસ્યો: ‘પણ માણસના નાતે લેણાદેણી ખરી હો ભાઈ !’

ઘેરામાંથી એક ઘોડેસવાર આગળ આવ્યો: ‘હું પોતે બાવાવાળો, શેઠ.’કેરીની ફાડ્યા જેવી આંખો, થરક્તી ભુજાઓ, ગુલાબી ચૂમકીઓવાળો ઊજળો વાન અને ચેતનાના કુવારા છલકાવતા આદમીને શેઠ અહોભાવથી જોઈ રહ્યા અને વસમી વેળાએ પણ ડાહી જાતનો આ વેપારી અનુકંપાથી દ્રવી ઊઠ્યો કે હે ભગવાન ! ફૂલની પાંખડી સમો આ યુવાન સિંહાસને શોભે એવો છે, પણ બચ્ચારો જીવ પાણાના ઓશીકા કરીને સૂવે છે ! ગીરની ઝાડીમાં, ડુંગરાની બખોલોમાં સાવજની ત્રાડો સાંભળતો સાંભળતો-ભૂખ અને વેદનાઓ વેઠે છે. જૂનાગઢના નવાબે કેવી દશા કરી આ જુવાનની ?’

‘શેઠ !’ બહારવટિયાના સાથીઓ આકળા થયા: ‘જોઈ લીધા, બાવાવાળાને ? હવે ઝટ કરો. સોનું-રૂપું ઠાલવી નાખો.’‘બાપુ બાવાવાળા !’ શેઠ બાવાવાળા પાસે એક ડગલું આગળ વધ્યા: ‘ખાનદાન કુળ છો. માટે બે જ વેણની વાત કરવી છે, આપા ! આ સોનું કે રૂપું મને ગળે નથી વળગતું. મા કનકાઈનો પ્રતાપ છે, લઈ જાવ. પણ એક વાત સાંભળો. મારા દીકરાને ઘેર આઈ કનકાઈએ દીકરો દીધો છે, બાપુ ! મારા પૌત્ર ને માને પારે પગે લગાડવા લઈ જાઉં છું. માટે માતાજીને ચડાવવા દાગીના અને વાઘા ન લો તો સારું. બાકીનું બધું લઈ જાવ.’

‘તમે મા કનકાઈની માનતાએ જાવ છો શેઠ ?’ બહારવટિયો બાવાવાળો ઠંડોગાર થયો.

‘હા, આપા ! માને પારે જ જાંઈ છંઈ.’

‘ભાઈઓ !’ બાવાવાળાનો હાથ ઊંચો થયો: ‘સુંદરજી શેઠની એક પાઈ પણ ન લેશો. ગીરની દેવી મા કનકાઈ આપણને ઘણું આપશે. હાલો.’

‘ઊભા રહો, આપા !’ શેઠ બાવાવાળાના ઘોડા તરફ ગયા: ‘એમ ખાલી હાથે જાવ મા. ઘરેણાંને બદલે તમે રૂપિયા બોલો. ગણી દઉં બાપા !’ ગીરના પહાડોમાં અથડાઈને પડછંદા પડે એવું ખડખડાટ હસતો બાવાવાળો બોલ્યો: ‘શેઠ ! મને તમે લૂંટારો ધાર્યો ? ના બાપ ! જેના નામમાં બાવો બેઠો છે એવો બહારવટિયો બાવાવાળો, હરામ હલાલી કે લૂંટારો નથી, શેઠ !’

અને બહારવટિયાના અવથાડ ચહેરા ઉપર વેદનાના, ગમગીનીના અકળામણના પોપડા ઊંચકાયા: ‘શું કરું શેઠ ! જૂનાગઢના નવાબે મારું વીસાવદર આંચકી લીધું. અને મારે પાતકનો આ પંથ લેવો પડ્યો. ? તમને અમે લૂંટીએ ? જાત્રાળુને ? ના. ના. શેઠ ! કહો તો મારા સાથીદારો તમારા આખા સંઘનું રખવાળું કરતા મા કનકાઈ સુધી મૂકી જાય.’

‘મારો બાપો !’ શેઠ સુંદરજીએ બાવાવાળાની પીઠને ઠપકારી: ‘રંગ ! મારો આતમો રાજી થઈને કહે છે કે મા કનકાઈ તમારો ગિરાસ પાછો અપાવશે. પણ આપા ! હવે એક વેણ રાખો. દીવનો ધનિક વાણિયો સુંદરજી તમને મળ્યો અને તમારાં મોં ગળ્યાં ન થાય તો થઈ રહ્યું ના ? મારે તમને સૌને ટીમણ (નાસ્તો) કરાવવાની મરજી છે. મારા પર ઈતબાર હોય તો પંગત પાડો, આપા !’

‘ભલે શેઠ !’ બાવાવાળો સાથીદારો સાથે ઘોડેથી ઊતર્યો.

ગાડામાંથી પાંતિયાં કાઢીને સુંદરજી શેઠે પાથયાઁ. બહારવટિયા પંગતમાં બેઠા.

શેઠ સુંદરજીએ બહારવટિયાઓને સુખડી અને ફરસાણના ભરપેટ ટીમણ કરાવ્યાં.

બહારવટિયા જવા તૈયાર થયા એટલે શેઠ સુંદરજીએ બાવાવાળાના કાન પાસે એક કીમતી વાત કરી: ‘બાપુ ! ગઈ રાત અમે ઘાંટવડમાં હતા. વાત પાકી અને જરૂરી છે. સાંભળો: અંગ્રેજ નૌકા સૈન્યનો કેપ્ટન ઘાંટવડની આસપાસ આરામ કરી રહ્યો છે.’

‘શું નામ એનું શેઠ !’ બાવાવાળાએ ઉત્સુકતાથી પૂછ્યું.‘નામ તો ઘાંટ કે ગ્રાન્ટ. એવું છે કાંઈક. પણ છે મોટો જોશ.વર ! વેલણ બંદરે સાત વરસથી થાણું નાખીને પડ્યો’તો. ગાયકવાડ સરકારના દરિયાઈ માર્ગને ચાંચિયાઓ લૂંટતા હતાએટલે ખુદ ગાયકવાડે ઈસ્ટ ઈન્ડિયા કંપનીના નૌકા સૈન્યની મદદ માગેલી. ઈ તો જાણો ને, આપા !’

‘હા શેઠ ! ઈ ઘાંટને પણ જાણું છું. નામ સાંભળ્યું છે.’‘તો આ ઘાંટ સાહેબે સાત વરસ નાકાબંધી કરીને દરિયાના ચાંચિયાને જેર કરી નાખ્યા !’‘છે જોરાવર.’‘જી યો તમને ! હવે આ કેપ્ટન પોતાનો ચાર્જ પાછો સોંપવા અમરેલી જઈ રહ્યો છે. દલખાણિયાના નાકા પાસેથી નીકળવાનો છે. સાથે ઝાઝા માણસો નથી. વિજયના નશામાં છે. જો હરમત કરો તો.’

‘સમજી ગયો, શેઠ !’ કહીને બાવાવાળાએ ઘોડીની લગામ સતાણ કરી: ‘લ્યો, રામ રામ શેઠ !’અને પચ્ચીસ ખૂંખાર સાથીઓને મારતે ઘોડે દલખાણિયાના નાકા તરફ લઈને, બાવાવાળાએ એક ઘાને બે કટકા જેવો નિર્ણયો કંડારી લીધો કે ગોરી સરકાર સાથે બાથ ભીડ્યા વગર જૂનાગઢનો નવાબ પાંસર્યો નહીં થાય. આજ તો લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેવું છે. કટકે કટકે મરવું એના કરતાં આજ તો-અને બહારવટિયાના પચ્ચીસ ઘોડાના ડાબલાથી આખી ગીર પડઘાઈ ઊઠી !

ઈસ્ટ ઈન્ડિયા કંપનીની નૌસેનાનો કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ વેલણ બંદરે સાત સાત વર્ષના ચાંચિયા સાથેના સંઘર્ષનો સઘળો થાક આ એક જ દિવસમાં ઉતારી નાખવો હોય, તદ્દન નિશ્વેષ્ટપણે પોતાના ઘોડા પર બેસવાને બદલે સૂતો હોય એમ મુસાફરી કરી રહ્યો હતો. પોતાની ઈંગ્લિશ રાઈફલ પણ એણે પોતાના ખાસદારને સોંપી હતી.

ઘોડાના સ્પ્રિંગવાળા કુર્સમના કસકસતા જીન પર ઝૂલતો ઝૂલતો, ગીરનાં જંગલોની રળિયાતને પીતો પીતો, આરામથી જઈ રહ્યો હતો.હાસ્તો. ગુજરાતમાં પાઘડી પને પથરાયેલી ગાયકવાડી રિયાસતને એણે દેખાડી આપ્યું હતું કે દેશી રજવાડાના લશ્કરી કેપ્ટનો કરતાં ગોરી હકૂમતનો કેપ્ટન કેટલો માતબર છે અને ગોરી સેના કેટલી કામયાબ છે ! સારો માછીમાર કુળશતાથી જાળ પાથરીને માછલાંનો સોમલો કાઢી નાખે એમ આણે દરિયાઈ ચાંચિયાઓનો ખોડો કાઢી આપ્યો હતો.

કંપની સરકારની આબરૂ માથે વધારાનું એક છોગું ચડાવીને મૂળ જગ્યાએ હાજર થવા ઊપડેલો જ્યોર્જ ગ્રાન્ટ, હવેની પળોમાં સાવેસાવ નિર્ભય હતો.પશ્ચિમના આખા અરબ સાગરને વશ કરનાર યોદ્ધા સમા આ અમલદારનું નામ લેનાર કોણ છે ? મગદૂર પણ કોની ?

જ્યોર્જ ગ્રાન્ટની સાથે એક મુન્શી, બે અંગરક્ષકો અને એક ખાસદાર-આમ આ પાંચ જણ અમરેલી પહોંચે એટલે એના માટે તૈયાર રાખેલા યશના અબીલ, ગુલાલ એના ચરણોમાં હતાં.

અને ગ્રાન્ટની આ નાનકડી મંડળી દલખાણિયાના નાકે પૂગી.- ઝાડ પરથી વાંદરો ઠેકે એમ બહારવટિયા બાવાવાળાનો બાતમીદાર સડેડાટ કરતો ઝાડવેથી ઊતર્યો અને ગીરના ઢૂવામાં છુપેલા સાથીદારોને ગોરા કેપ્ટનની એક રેખા સાથેની ચિત્રબદ્ધ માહિતી આપી.

કેપ્ટનના ઘોડા નજર વેગે આવ્યા એ જ પળે વેલાપાંદડાંને વીંધતી છનનન કરતી બહારવટિયાની ગોળી બંદૂકમાંથી વછુટી અને કેપ્ટનનો રાઈફલધારી ખાસદાર આંબેથી કેરી પડે, એમ વીંધાઈને નીચે પડ્યો. વિલાયતી બંદૂક હવે બહારવટિયા પાસે જતી રહી !થોડી બટાઝટી વધારે બોલી. ગ્રાન્ટના અંગરક્ષકો ઘવાઈને ઢળી પડ્યા.

માત્ર થોડી જ પળોમાં ગ્રાન્ટના વ્યૂહને ય ટકોર મારે એવી ચપળતાથી બહારવટિયાએ ગ્રાન્ટને ઘેરી લીધો. બાવાવાળાના સાથીદાર ભોજા માંગણીએ ગ્રાન્ટનો પગ પેંગડામાંથી કાઢીને મૂળાની જેમ એને ઘોડાની જીન ઉપરથી ખેંચી લીધો !‘હાથ ઊંચા કરી વાળો, ઘાંટ સા’બ !’ બહારવટિયો વિકરાળ હસ્યો.‘ભણ્યું, ઘાંટ સા’બ ! તમે હવે અમારા કબજામાં છો.’ બહારવટિયો બાવાવાળો પડછંદ અવાજે બોલ્યો: ‘દરિયાના ચાંચિયાને માર્યા હશે બાકી બહારવટિયા નથી ભેટ્યા તમને. હાથ ઊંચા કરો અને શરણો થઈ જાવ.’

લાચાર, અવશ કેપ્ટન ગ્રાન્ટ, હાથ ઊંચા કરીને બહારવટિયાને સ્વાધીન થયો.

‘આમ કરવાનું કાંઈ પ્રયોજન ?’ વેલણમાં સાત વર્ષ ગાળીને ભાંગ્યુંતૂટ્યું ગુજરાતી શીખેલો જ્યોર્જ ગ્રાન્ટ પૂછતો હતો. ‘મારો એવો ખ્યાલ હતો કે બહારવટિયા ખાનદાન હોય છે.’‘બહારવટિયા તો ખાનદાન જ છે સા’બ ! પણ હવે તમારેય ખાનદાન થવાનું છે.’‘ખાનદાન છો માટે તો તને કઢી ખાવા જીવવા દીધો, સાબ્ય !’

‘કડી ? કોને સી ચીજ, બાવાવાલા !’‘તને દેખાડશું સા’બ ! ખાઈ ખાઈને અમે અધમૂઆ થયા. હવેથી તું ય ખાજે. રોટલા ને લીલાં મરચાં. પાણાનાં ઓશીકાં.’‘મતલબ ?’ ગોરો ગામઠી ભાષામાં કશું સમજતો નહોતો.‘મતલબ શું બીજો ? ચડી જા અમારા ઘોડા પર, હવે અમારી સાથે તારી પણ સોરંગી ખંડાશે, સા’બ !’

‘પન.’‘હવે પન બન કરીશ મા. કાંઈ ડાયો થઈને આવીજા. નીકર મારા સાથીદારો વધારી નાખશે. ’‘ચાલો.’ અને ગ્રાન્ટ ડાહ્યો ડમરો થઈને ઘોડા પર બેસી ગયો. ગ્રાન્ટને પાઘડીના આંટાથી ઘોડાના ‘શારજામા’ સાથે બાંધ્યો અને જેના નામની દુનિયામાં હાક વાગતી એ બ્રિટિશ એક ટોચના લશ્કરી ઉપરીને લશ્કરીની જેમ દોરીને બહારવટિયા ગીરના જંગલમાં ઊતરી ગયા.

જેતલવડના ધડે પહોંચીને બહારવટિયાએ જ્યોર્જ ગ્રાન્ટને એક ઓરડામાં પૂરીને બંધ કરી દીધો. પોણી દુનિયાને બાપની કરીને બેઠેલ બ્રિટિશ હકૂમતની કડપ અને ધાકની જાજમમાં, વિસાવદરના બાવાવાળાએ વચ્ચોવચ્ચ બાકોરું પાડી દીધું ! ટોપી અને તલવારની માથાભારે પ્રજાની આંખમાં બહારવટિયાએ ધોળે દિવસે ધૂર ભરી દીધી !

અંગ્રેજ હોકેમો અને એનું શસ્ત્રસજ્જ લશ્કર, ખોઈ જેવા મોઢાં કરીને ઊભાં રહ્યાં.હવાના ફોરાં જેવો આઝાદ અને કુશળ કેપ્ટન જ્યોર્જ ગ્રાન્ટ, કાચી માટીના ભીંતડાવાળી દીવાલોમાં કેદ થઈને ઝૂરતો રહ્યો. ઓરડે પુરાતો રહ્યો, બહાર કઢાતો રહ્યો. ક્યારેક ગીરનાં અડાબીડ ગાજતાં જંગલોની અટવીમાં, ક્યારેક નદીઓના વોકળામાં, કરમદીના છુવાઓમાં, ડુંગરાની ચોટીઓ ઉપર-બાજરાના ટાઢા રોટલા, કઢી, છાશ, મરચાની ચટણી. ખાતો રહ્યો-ઉબકાતો રહ્યો. મેલાં કપડાંથી વધેલી દાઢીથી વાસ મારતો રહ્યો !

અણકલ્પેલા માણસોનો સાથ, કાતિલ મૌનની એકલતા, દિશાવિહીન જીવનચર્યાથી અંગ્રેજી આ અમલદાર, જીવનથી હાથ ધોઈને છુટકારો મેળવવા મનસૂબા ઘડે છે. પણ એ પળ પણ એના હાથમાં નથી !કંટાળેલો, ભગ્નાશ ગ્રાન્ટ, બાવાવાળાની બંદૂક તરફ આંગળી ચિંધીને પોતાની છાતી ખુલ્લી કરે છે ! ‘ગોલી ચલા દો બાવાવાલા !’‘એમ ગોળી ક્યાંથી ચલાવું, ઘાંટ સા’બ !’ બાવાવાળો હસે છે ! ‘તને મારીને શું કરું ? મરવા પણ શું કામ દઉં ? તારા છુટકારાનો એક જ મારગ છે.

ઘાંટ સા’બ ! તમારી કંપની સરકાર જૂનાગઢના નવાબને ભીંસ કરે. મારો વિસાવદરનો આંચકેલો ગિરાસ પાછો અપાવે. નીકર તો સા’બ ! અમારી જેવી દશા તમારી પણ. પીડા જુઓ, ભોગવો. દુ:ખ અને ભૂખમરો વેઠો. જેનાથી તમને ગોરાઓને પણ ખાતરી થાય બહારવટાં કેવાં દોહ્યલાં છે અને કોઈ માણસને થયેલો અન્યાય કેવો વસમો છે ?’

જ્યોર્જ ગ્રાન્ટ થોડું ઘણું સમજે છે અને પીગળી એની આંખો બંધ કરીને બેઠો રહે છે.દિવસો. અઠવાડિયાં અને મહિનાઓ વીત્યાં ! એવામાં એક દિવસ.ગીરના એક નેસમાં બહારવટિયા પડ્યા છે. નેસનાં ઝૂપડાં આગળ એક દિવસ એક અજાણ્યો માણસ આવી ચડ્યો. ગળામાં માળા, કપાળમાં ત્રિપૂંડ અને માથા પર બ્રાહ્નણિયા ટોપી.બાવાવાળાના સાથીદારોએ જોયું તો એ માણસ કોઈ ભેદી લાગ્યો.

ભોજા માંગણી અને લોમા ધાધલે એને બોચીએથી પકડ્યો: ‘કેવો છો એલા ?’‘બ્રહ્નણ !’ અને એણે જનોઈ દેખાડી.

‘ક્યાંથી આવ છ ?’‘જૂનેગઢથી.’‘ક્યાં જાવું છે ?’‘બાવાવાળા પાસે.’‘બાવાવાળો બહારવટિયો છે, તારો કાંઈ જજમાન છે. એલા ભામણ ?’‘ના બાપુ ! પણ મને જાવા દો. મારે એનું કામ છે.’

આડાઅવળા સવાલોનો આગંતુકે એક જ જવાબ રટ્યે રાખ્યો કે મારે બાપુને મળવું છે. હું તો બિનહથિયારી આદમી છું તમારી પાસે બંદૂકો છે. પછી શા માટે મૂંઝવ છો ?’સાથીદારો એ બ્રાહ્નણને સરદાર પાસે લઈ ગયા.‘બોલો, શું કામ છે મા’રાજ ?’ બાવાવાળો બોલ્યા.’‘બાપુ ! તમે જેને પકડ્યોછે એ ગોરા પાસે મને લઈ જાવ. હું એની સાથે નોકરી કરતો હતો. મારો પગાર બાકી છે.’‘એલા ભૂદેવ ! હવે તો એની પાસે માથામાં જૂ અને અંગે કીડા સિવાય કાંઈ નથી. શું દેશે તને ?’

‘પણ મને લઈ જાવ, બાપુ ! એક વાર એને મળવા દો.’અને બાવાવાળાએ ગ્રાન્ટની સાથે એની મુલાકાત કરાવી.‘લ્યો, ગ્રાન્ટ સા’બ !’ કહીને પેલા બ્રાહ્નણે ‘કલેરેટ’ની બોટલ કાઢીને ગ્રાન્ટને આપી: ‘બેલેન્ટાઈન સાહેબે મોકલી છે.’‘ઊભો રહે એલા ભામણ !’ બાવાવાળાએ બાટલી લઈ લીધી.‘આમાં કાંઈ ઝેરબેર તો નથીને ? ક્યાંક અમારું મોત બગાડશે અને જો આ ઘાંટ સા’બને કાંઈ થાશે તો તારું ગોસ થઈ જશે.’

જવાબમાં ખુદ ગ્રાન્ટે જ સમજાવ્યું કે એ ઝેર નથી.‘માળો ભામણ પણ જબરો નીકળ્યો.’ બાવાવાળાને ગમ્મત થઈ: ‘એલા તું તો કહેતો હતો કે હું પૈસા માગું છું !’બેલેન્ટાઈનનો પત્ર ગ્રાન્ટને આપીને બ્રાહ્નણ હસ્યો: ‘બાપુ, હું બ્રાહ્નણ પણ નથી. તમારી પાસે જીવતા જીવતા પોગવા માટે આ વેશ કરવો પડ્યો. હવે મારી વાત સાંભળો. આ ગ્રાન્ટને છોડવા માટે તમારી શું શરત છે એ વાત ગ્રાન્ટને કહો. ગ્રાન્ટ કાગળમાં લખશે. કાગળ હું જૂનાગઢ પોગાડીશ.’

‘જો ભાઈ ! મારો તસુએ તસુ ગિરાસ મને પાછો મળે એમાં એક ચોખાવા કાંઈ ઓછું નહીં.’પેલા વેશધારી માણસે કેડ્યાથી ખડિયો અને કલમ કાઢ્યાં. કાગળ આપ્યો અને ગ્રાન્ટને કીધું કે બાવાવાળાની શરત તમે કાગળમાં લખો. હું જૂનાગઢના દીવાન હંસરાજને આપું.’‘ગ્રાન્ટે અંગ્રેજીમાં કાગળ લખ્યો કે બાવાવાળાને એના વિસાવદરનો સળંગ ગિરાસ પાછો મળે. હરસુરવાળાની પાસેથી વિસાવદર લઈને નવાબ બાવાવાળાને સોંપે પછી જ મારો છુટકારો શક્ય છે. નવાબ બહાદુરખાન આ કામ પ્રથમ કરે.’

ગ્રાન્ટનો પત્ર રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે પહોંચ્યો. એજન્ટે જૂનાગઢના નવાબનું નાક દબાવ્યું: ‘એક અંગ્રેજની જિંદગીની કિંમત ઓછી આંકવાનો પ્રયાસ કરશે તો જૂનાગઢ ગુમાવવાનો વારો ન આવે એ જોશો. માટે દેખત કાગળે તમારા દીવાનને મોકલીને હરસુરવાળાને બીજો કોઈ ગિરાસ આપીને વિસાવદર એની પાસેથી બાવાવાળાને સોંપી દો.’

અને ગણતરીના દિવસોમાં જૂનાગઢના નવાબે, હરસુરવાળાને માંડાવડ વગેરેના ગિરાસ આપીને વિસાવદર બાવાવાળાને સોપ્યું. દીવાન હંસરાજે જાત દેખરેખ નીચે આ કામ પૂરું કર્યું. ત્યારે એક રાતે, ખેતરમાં જ્યોર્જ ગ્રાન્ટ અર્ધબેભાન હાલતમાં મળ્યો.દીવાન હંસરાજે એની યોગ્ય સારવાર કરીને રાજકોટને સોંપ્યો.

સમય : આશરે ઈ.સ. ૧૮૨૦


Rate this content
Log in

Similar gujarati story from Action