Bipin Agravat

Romance Inspirational

2.5  

Bipin Agravat

Romance Inspirational

વીલ યુ બી માય વેલેન્ટાઈન ?

વીલ યુ બી માય વેલેન્ટાઈન ?

5 mins
15.6K


ખુલ્લી આંખે સૂતો ને બંધ આંખે જાગતો રહ્યો છું,

બસ ! દરેક સમયે તારા જ સપનાં જોતો રહ્યો છું.

જો ન હો તું સાથે તો રહું દવા લેવા છતાં બિમાર,

– ને તારી સાથે દવા વિના પણ સાજો રહ્યો છું....

સવાર-સવારમાં બાથરૂમમાંથી નાહીને બહાર નિકળેલી જાનકીને જોઈ પથારીમાં પડ્યો-પડ્યો રાઘવ શાયરી બોલી રહ્યો હતો. જાનકીએ સરસ મજાનાં સુગંધિત શેમ્પુથી ધોયેલા વાળ રૂમાલથી ઝાટકતાં-ઝાટકતાં કહ્યું કે, ''હવે પથારીમાંથી ઊભા થઈ તૈયાર થાવ. ઘડિયાળની સામે નજર ફેરવો. સાડા આઠ થવા આવ્યા. પછી નોકરી પર સમયસર નહીં પહોંચો તો તમારા બોસ તમને ઓફિસમાં બોલાવી ખીજાશે.'' આટલું બોલી તેણે રૂમાલથી પોતાના વાળ બાંધ્યા અને બેડરૂમનાં એક્ઝિટ ડોર તરફ ચાલવા લાગી. ત્યાં જ રાઘવે પથારીમાંથી સૂતાં-સૂતાં જ બેડ પાસે તેનો હાથ પકડી લીધો અને એક બીજી શાયરી સંભળાવી,

સાથે છીએ આજે, ત્યાં મીઠી વાતો કરી લઈએ,

આંખોના માર્ગે પ્રેમનગરમાં જરાક ફરી લઈએ.

ક્યારે આવી જશે પાનખર જીવનમાં, કોને ખબર?

તો છે વસંત ત્યાં થોડાં શ્વાસો સાથે ભરી લઈએ.

રાઘવની શાયરી સાંભળીને જાનકી બેડ પર બેસી ગઈ અને બીજો હાથ રાઘવનાં માથા પર ફેરવતાં-ફેરવતાં બોલી કે, ''રાઘવ, આ ચૌદ ફેબ્રુઆરીએ આપણા લગ્નને સાત વર્ષ પૂરાં થશે. મને બરાબર યાદ છે કે લગ્નનાં પ્રથમ વર્ષે વેલેન્ટાઈન વીક પહેલાં જ મને સારા દિવસોની શરૂઆત થઈ હતી. તમે ખૂબ જ ખુશ હતા ને આવી જ રીતે સવાર-સવારમાં શાયરીઓ પર શાયરીઓ સંભળાવી રહ્યા હતા. ત્યારથી લઈ આજ સુધી દરવર્ષે વેલેન્ટાઈન વીકમાં તમે આમ જ રોમેન્ટિક બની શાયરીઓ સંભળાવા લાગો છો.'' અને પછી મજાકનાં મુડમાં કહ્યું કે, ''આજે આપણો પુત્ર અંશ પણ પાંચ વર્ષનો થઈ ગયો, પણ તમે એવા ને એવા જ રહ્યા. તમને ક્યારેય એમ નથી થતું કે ક્યારેક જો અંશ આમ જોઈ જશે તો એને કેવું લાગશે ?''

''ના રે ના...!'' રાઘવે જવાબ આપ્યો.

''મને ખબર છે કે મારો અંશ મોર્નિંગ સ્કૂલમાં છે અને એની સ્કૂલબસ સવારે ૭:૩૦ કલાકે આવી જાય છે. એનાં ગયા પછી ઘરમાં હું અને મારી જાનુ એકલાં જ હોઈએ છીએ.'' એમ કહી તેણે જાનકીને પોતાના તરફ ખેંચી બાહુપાશમાં જકડી લીધી. જાનકીનાં ધોયેલા વાળની ભીનાશ અને તેમાંથી આવી રહેલી સુગંધમાં રાઘવ તરબોળ થઈ રહ્યો હતો. રાઘવનો નરમ સ્પર્શ અને ગરમ ઉચ્છવાસ જાનકીને પણ માદક બનાવી રહ્યો હતો. બંને એકબીજામાં ખોવાઈ જવાની તૈયારીમાં જ હતા, ત્યાં જાનકીનાં મોબાઈલની રીંગ વાગી અને પ્રણયક્રીડામાં ધ્યાનભંગ થયું.

જાનકીએ ફોન રિસિવ કર્યો તો સામેથી અવાજ સંભળાયો, ''હેપ્પી રોઝ ડે...!'' ને જાનકી થોડી ગભરાઈ ગઈ.

''કોનો ફોન છે ?'' રાઘવે પૂછ્યું.

રાઘવ પ્રેમ કરવાનાં મૂડમાં હતો એટલે ''રોંગ નંબર છે.'' એમ કહી જાનકીએ તરત જ ફોન કટ કરી નાખ્યો અને સાયલન્ટ મોડ પર મૂકી દીધો.

રાઘવે ફરી પ્રેમાલાપ આગળ વધારતાં કહ્યું કે, ''તો જાનુ, આજે વેલેન્ટાઈન વીકનો ફર્સ્ટ ડે હોવાથી મેં દર વર્ષની જેમ જ અડધા દિવસની રજા લીધી છે. બપોર સુધીનો આ કિંમતી સમય હું માત્ર ને માત્ર મારી જાનુ સાથે પસાર કરીશ ને પછી સરસ મજાની તેણે બનાવેલી ગરમાગરમ રસોઈ પ્રેમપૂર્વક એકબીજાના હાથે આરોગી, પછી ઓફિસે જઈશ.''

રાઘવની મધુરવાણી સાંભળી જાનકી તેને ભેટી પડી અને બોલી, ''લવ યુ રાઘવ, તમે લગ્નથી લઈ આજદિન સુધી મને એક જ સરખો પ્રેમ કરતાં રહ્યા છો. ક્યારેય કોઈપણ બાબતની મને ઊણપ નથી વર્તાવા દીધી. મારી કોઈપણ ભૂલ પર તમે ગુસ્સો નથી કર્યો. હંમેશા પ્રેમપૂર્વક જ મને સમજાવી છે. ખરેખર રાઘવ, હું મારી બહેનપણીઓ તથા અન્ય કૌટુંબિક સગાંવ્હાલાનાં લગ્નજીવન વિશે સાંભળું છું તો મને લાગે છે કે, હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને તમારા જેવા સમજદાર અને પ્રેમાળ જીવનસાથી મળ્યા.''

જાનકીનાં રૂમાલમાંથી છૂટી ગયેલા સુગંધિત ભીના વાળમાં હાથ ફેરવતાં-ફેરવતાં રાઘવે કહ્યું કે, ''આઈ લવ યુ ટુ, જાનુ...! મને પણ એવું જ કંઈક લાગે છે. કોલેજમાં પ્રવેશ કર્યો ત્યારથી લઈ ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યાં સુધી ઘણાં 'વેલેન્ટાઈન ડે' આવ્યા હશે. દરવર્ષે કોઈ છોકરીનું અપ્સરા જેવું રૂપ જોઈ તેને 'રોઝ ડે'નાં દિવસે રેડ રોઝ આપવાનું, 'પ્રપોઝ ડે'નાં દિવસે લાઈફ પાર્ટનર બનાવવા માટે પ્રપોઝ કરવાનું, 'ચોકલેટ ડે'નાં દિવસે તેનાં અવાજ જેવી સ્વીટ સ્વીટ ચોકલેટ આપવાનું, 'ટેડી ડે'નાં દિવસે તેનાં ગુલાબી પોચા-પોચા ગાલ જેવું સરસ મજાનું પોચું-પોચું ટેડી આપવાનું, 'પ્રોમિસ ડે'નાં દિવસે જીવનભર માત્ર તેનાં જ બની રહેવાનું પ્રોમિસ આપવાનું, 'હગ ડે'નાં દિવસે પ્રેમપૂર્વક તેને હગ કરવાનું, 'કિસ ડે'નાં દિવસે તેનાં ગુલાબની પાંખડી જેવા નાજુક હોઠ પર કિસ કરવાનું ને છેલ્લે 'વેલેન્ટાઈન ડે'નાં દિવસે 'વીલ યુ બી માય વેલેન્ટાઈન ?' કહી, તેની 'હા' પર સપ્તપદીનાં સાત વચનોથી તેની સાથે બંધાઈ જવાનું મન થતું. પરંતુ એ જ અપ્સરાનાં સ્વભાવ અને વર્તન પરથી થતું કે તેને તન અને મન કરતાં ધનનાં પ્રેમની વધુ આવશ્યકતા છે જે કદાચ હું તેને આપી શકવા અસમર્થ હતો. અંતે મેં નક્કી કરી લીધું હતું કે સહારાનાં રણમાં ખીલેલા ગુલાબને ચાહવા કરતાં કાદવમાં ખીલેલા કમળને ચાહવું વધુ સારું, જેને કદાચ હું લાયક પણ હતો. જ્યારે પણ જીવનમાં આ કમળનું ફૂલ મળશે, ત્યારે તેની સાથે મારા 'વેલેન્ટાઈન ડે'ની ઉજવણીનાં સપનાંને દરવર્ષે ઉજવીશ, જે હું ઉજવી રહ્યો છું અને તારા જેવી સામાન્ય પરિવારમાં ઉછરેલી, ઓછી દેખાવડી પરંતુ પ્રેમાળ અને સંસ્કારી પત્નીને મેળવી, આજે હું કોલેજકાળનાં એ બધાં જ મિત્રો અને કુટુંબ-સમાજમાં સૌથી નસીબદાર સાબિત થયો છું.''

રાઘવની વાત પૂરી થતાં ફોનને કારણે ગભરાઈ ગયેલી જાનકીએ કહ્યું, ''રાઘવ, કોલેજકાળ દરમિયાન એવું જ કંઈક મારી સાથે બનેલું, જેના વિશે હું તમને જણાવવા માગું છું.''

''તું વિના સંકોચે મને જણાવી શકે છો.'' રાઘવ બોલ્યો.

''હું કોલેજનાં છેલ્લા વર્ષમાં હતી ત્યારે મારા જ ક્લાસનાં એક છોકરાંને 'વેલેન્ટાઈન ડે'નાં દિવસે મેં 'વીલ યુ બી માય વેલેન્ટાઈન ?' કહી પ્રપોઝ કરેલો, પરંતુ તેણે બધાંની વચ્ચે મને 'ના' કહી દીધી હતી. આજે ફોન પર કોઈએ મને 'હેપ્પી રોઝ ડે' કહ્યું, જે સાંભળી મને થયું કે ક્યાંક એનો જ તો ફોન નહીં હોય ને...!'' જાનકીએ પોતાના મનની ચિંતા રાઘવને જણાવી દીધી.

રાઘવે જાનકીનાં હાથ પકડી કહ્યું કે, ''અરે જાનુ, તું ખોટી ચિંતા કરે છો. એવું જ કરવું હોત તો આજદિન સુધી તેણે રાહ ન જોઈ હોત. એ રોંગ નંબર જ હશે. અને જાનુ, જીવનમાં આપણે જેને પ્રેમ કરીએ તેની સાથે નહીં, પણ આપણને જે પ્રેમ કરે તેની સાથે જીવવાની સાચી મજા આવે.''

રાઘવનાં શબ્દો સાંભળી જાનકી વિચારવા લાગી કે, પ્રપોઝ કર્યાંની રાત્રિએ સોરીની સાથે આવું જ કંઈક લખીને રૂપેશે મેસેજ કર્યો હતો.

રાઘવને એ વિશે પૂછતાં તેણે જણાવ્યું કે તેને આવો મેસેજ તેની સાથે નોકરી કરતાં મિત્ર રૂપેશે ગઈ કાલે રાત્રે કર્યો હતો. એ સાંભળી જાનકીનો ફોનનો ડર દૂર થયો અને તેણે રાઘવને તેનાં મિત્ર રૂપેશને આ માટે થેંક યુ કહેવાનું કહ્યું.

ફરી જાનકી રાઘવને પ્રેમથી ભેટી પડી અને હળવેકથી કાનમાં કહ્યું, ''વીલ યુ બી માય વેલેન્ટાઈન ?'' અને ફરી બંને એકબીજામાં ખોવાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Romance