Bipin Agravat

Romance

2.8  

Bipin Agravat

Romance

પ્લેટોનિક લવ...

પ્લેટોનિક લવ...

3 mins
14.5K


''પ્રેમ જીવનમાં કેટલીવાર થઈ શકે ?'' આરોહીનો આવો પ્રશ્ન સાંભળી પ્રથમ તો મુંજાલ ચોંકી ઊઠ્યો.

મુંજાલ અને આરોહીના લગ્નને પાંચેક વર્ષ વિતી ચૂક્યા હતા અને પરિવારે નક્કી કરેલા એરેન્જ મેરેજ, લવ મેરેજનાં રૂપમાં પરિણમ્યા હતા. એટલે સ્વાભાવિક જ આવો પ્રશ્ન સાંભળી કોઈપણનું હૃદય એક ધબકારો ચૂકી જાય.

થોડીવાર વિચાર કર્યા બાદ મુંજાલે પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, ''પ્રેમ શબ્દ એ આમ તો આજદિન સુધી અવ્યાખ્યાયિત જ રહ્યો છે. સૌએ પોતપોતાની સ્થિતિ અને અનુભવ પ્રમાણે તેને વ્યાખ્યાયિત કર્યો છે અને જુદી-જુદી પરિસ્થિતિમાં એ સત્ય અને અસત્ય સાબિત થતો રહ્યો છે. પ્રેમ અને સાચાં પ્રેમ વચ્ચે પણ ખૂબ પાતળી ભેદરેખા હોય છે, જેની પરખ પણ આ જગતનાં પ્રેમીઓ જ્વલ્લે જ કરી શક્યા છે. એ ઉપરાંત પ્રેમ કોની સાથે અને ક્યા સંબંધરૂપે થાય છે એ જાણવું પણ એટલું જ જરૂરી હોય છે. મનુષ્યજીવનનાં દરેક સંબંધોમાં પ્રેમ જોવા મળે છે. પરંતુ જ્યારે આ વિશે અવઢવ ઊભો થાય તો ચોક્કસ એ વિજાતીય પાત્રો વચ્ચેનો જ પ્રેમ હોઈ શકે.''

મુંજાલની આટલી વાત સાંભળતાં જ આરોહીને થયું કે ક્યાંક મુંજાલ એના આ પ્રશ્નને કારણે તેના પર વ્હેમ કે અવિશ્વાસ ન કરી બેસે.

વાસ્તવમાં એકાદ મહિના પહેલાં આરોહીને ફેસબુક પર તેનાં કોલેજકાળનાં મિત્ર વિવેકનો મેસેજ આવ્યો અને પાંચેક વર્ષ પછી ફરી બંને સંપર્કમાં આવ્યા. આમ તો તેઓ કોલેજ દરમિયાન એકબીજાને અંતરથી પ્રેમ કરતાં હતાં, પરંતુ બંને વચ્ચેની ગાઢ મિત્રતાને કારણે પ્રેમનો એકરાર કર્યા બાદ પોતાની વચ્ચે અંતર વધી ન જાય, એ ડરથી એકબીજાને કહી શક્યા ન હતાં. હવે તો બંનેના લગ્ન પણ થઈ ગયા હતાં અને બંનેને ત્યાં સંતાન પણ હતાં. બંને સારાં મિત્રો હોવાને લીધે એકબીજા સાથે પોતાની લાઈફ પણ શેર કરતાં હતાં અને આ વાતચીતને કારણે ઘરમાં આરોહીની માનસિક હાજરી છેલ્લા એકાદ મહિનાથી ઘટી ગઈ હતી. આરોહી મુંજાલને પણ પ્રેમ તો ખૂબ જ કરતી હતી, પરંતુ ઘણાં સમય પછી મળેલ વિવેક સાથે વાતો કરવામાં તે મુંજાલને પૂરતો સમય આપી શકતી ન હતી.

મુંજાલ પણ આ બદલાયેલી આરોહીને ઘણાં દિવસથી જોઈ રહ્યો હતો અને એમાં પણ આરોહીએ કરેલા આજનાં પ્રશ્ન પરથી તેની શંકા વિશ્વાસમાં બદલાઈ ગઈ હતી. પરંતુ તે પણ આરોહીને ખૂબ જ પ્રેમ કરતો હોવાથી સંપૂર્ણ સત્ય જાણ્યા વિના કોઈપણ પગલું ભરવા માગતો ન હતો.

તેણે આરોહીને આગળ જવાબ આપતાં કહ્યું કે, ''હવે વિજાતીય પાત્રો સાથે જીવનમાં કેટલીવાર પ્રેમ થઈ શકે, એનો જવાબ મેળવતાં પહેલાં તારે પ્લેટોનિક લવ વિશે જાણવું જરૂરી છે. પ્લેટોનિક લવ એટલે કૃષ્ણ સાથે રાધા અને મીરાંએ જે પ્રેમ કર્યો હતો તે. પ્લેટોનિક લવમાં બંને પાત્રો કદાચ જીવનમાં મળીને છૂટાં પડી ગયા હોય અથવા તો ક્યારેય મળ્યા પણ ન હોય, તેમછતાં એકબીજા પ્રત્યે અપાર આત્મીય લાગણી ધરાવતાં હોય અને તેમાં બંને પાત્રોમાં નિ:સ્વાર્થ ભાવે ત્યાગની પ્રબળ ભાવના રહેલી હોય. પરંતુ હું એટલું જરૂર કહીશ કે આ બધાંમાં જેની સાથે તન અને મનથી સંબંધ જોડાયેલો હોય તેને સંપૂર્ણ વફાદાર રહેવું એ સાચાં પ્રેમની પ્રથમ ફરજ છે, જે કૃષ્ણએ રૂકમણી સાથે નિભાવી હતી.''

મુંજાલની વાત આરોહીને પાણીની જેમ ગળે ઊતરી ગઈ અને પોતાના વિવેક સાથેનાં સંબંધની સંપૂર્ણ હકીકત તેણે મુંજાલને કોઈપણ પ્રકારનાં ડર કે સંકોચ વિના જણાવી દીધી. મુંજાલે આરોહીની વાત સાંભળી કંઈપણ બોલ્યા વિના તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી.


Rate this content
Log in

Similar gujarati story from Romance