Bipin Agravat

Inspirational

2.5  

Bipin Agravat

Inspirational

દર્દની ચરમસીમા ને પ્રેમ-સ્વરૂપ

દર્દની ચરમસીમા ને પ્રેમ-સ્વરૂપ

3 mins
15K



       ''સ્ત્રી જેટલું સહન કોઈ જ ન કરી શકે અને એની જેટલી ધીરજ-હિંમત ને ત્યાગની ભાવના એક પુરૂષમાં હોવી એ પાયાવિહિન કલ્પના છે.'' જીવનનો અકલ્પ્ય અને સત્યદર્શન કરાવતો આવો અનુભવ કરાવી ઈશ્વરે મને એક જ દિવસમાં એક ગ્રંથનું જ્ઞાન કરાવી દીધું હોય એવું લાગ્યું હતું.

       તે દિવસે શિતળા સાતમ ને ગુરૂવાર હતો. પ્રેમ-વિરહની વેદનામાં આકુળ-વ્યાકુળ મન સવારથી સાંજ સુધી અનેક વિચારોમાંથી પસાર થઈ ચૂક્યું હતું. મનમાં થતું હતું કે, દુનિયામાં આ દર્દથી વધુ કોઈ દર્દ હોઈ જ ન શકે. મનોમન હું ઇશ્વરને ફરિયાદ કરી રહ્યો હતો કે, શા માટે તું આવો પ્રેમ કરાવે છો જેમાં અંતે તો વિરહની અસહ્ય પીડાં જ...' પ્રેમ વિશેનાં પુસ્તકોમાં વિરહ વિશે મેં વાંચેલું કે, શ્રીકૃષ્ણ જ્યારે મથુરા જઈ રહ્યા હતાં, ત્યારે રાધાજીએ કહેલું કે, ‘કાન્હા, તું કદી મથુરા છોડી પાછો આવવાનો નથી ને હું કદી ગોકુળ મૂકી ક્યાંય જવાની નથી. એકબીજાનાં મનમાં તો હંમેશા આપણે જ રહેવાનાં. બસ, આ વિરહની વેદના એ જ આપણો સાચો પ્રેમ છે.’ તો બીજી બાજુ મીરાંને કોઈએ પૂછ્યું કે, ‘તું કાન્હાને તારો પતિ શા માટે માને છો ?’ ત્યારે તેણે જવાબમાં કહેલું કે, ‘જો બધાં પતિને પરમેશ્વર માની શકે, તો હું પરમેશ્વરને પતિ કેમ ન માની શકું ?’ તેમછતાં મારાથી આ દર્દ સહન થતું ન હતું.

       આખો દિવસ માંડ-માંડ પસાર કરી અંતે મેં ઇશ્વરને પ્રાર્થના કરી કે, ‘હે પ્રભુ, ખૂબ તકલીફ થાય છે આ દર્દ સાથે જીવન જીવવામાં. મને આ દર્દ સહન કરવાની શક્તિ આપો અથવા આ તનથી જીવને અલગ કરી હંમેશ માટે છૂટકારો આપો.’ ને ત્યાં જ અચાનક એક મિત્રનો ફોન આવ્યો કે, 'તારા ભાભીને પ્રસૂતિ માટે દવાખાને લાવ્યા છીએ.' ને હું દવાખાને ગયો. અમે બહાર બેઠાં હતાં ત્યાં નીચે મુજબની ઘટના જોવા મળી.

       એક સ્ત્રી ગંભીર હાલતમાં, પથારીમાં પડ્યા-પડ્યા પણ માંડ-માંડ સહન કરી શકાય એવા દર્દ સાથે, એનાં અધૂરાં માસે જન્મેલાં બાળકને લઈ ૧૦૮ એમ્બ્યુલન્સમાંથી (અંતર આશરે ૮૦ કિમી) ઉતરી, પોતાના બાળકને તેડી હોસ્પિટલનાં દાદરા ચડે છે અને ડોક્ટરને પોતાનું બાળક સોંપતાની સાથે જ દાદરાનાં પગથિયામાં બેસી જાય છે. એનાં મુખ પર પોતાના તનની પીડાં કરતાં પણ પોતાના સંતાનની વધુ ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. મેં તેમને બાકડા પર બેસવા કહ્યું, પણ તેમની હાલત બેભાન જેવી થઈ ગઈ હતી. તેમનાં ચહેરાં પરનું મૌન અનેક ચિંતાજનક પ્રશ્નોનો મહાસાગર બની બોલી રહ્યું હતું, પણ એનાં જવાબ તો માત્ર ઈશ્વર જ આપી શકે તેમ હતાં, જે એનાં સમય પર જ આપશે, એ હું જાણતો હતો. અંતે મેં એ મા-બાળકનાં સુખદ મિલન માટે ઇશ્વરને પ્રાર્થના કરી.

       આ આખી ઘટનાએ જીવનનાં અનેક કટુસત્યને નજર સમક્ષ લાવી દીધાં હતાં. પ્રથમ તો એ કે, ‘એક પુરૂષ માટે જે સંબંધ કદાચ શરીરસુખ કે એક પ્રજોત્પાદન માટેની કુદરતી વ્યવસ્થા સિવાય બીજું કંઈ જ નથી, એ એક સ્ત્રી માટે શું છે' – એ સત્ય મને સમજાયું. સ્ત્રી-સ્વરૂપની મહાનતા, ત્યાગ, બલિદાન, પ્રેમ… આવા અનેક ગુણો કે જેની કોઈ જ સરખામણી ન થઈ શકે. તેને વંદન કરું, ઉપકાર માનું કે શું કરું – એ જ મને સમજાતું નહોતું. આ ઇશ્વરીય સંકેત દ્વારા મને એ પણ સમજાઈ ગયું હતું કે, ‘આ દર્દ આગળ મારું દર્દ તો શૂન્ય છે. મારા દર્દમાં પ્રેમનો સ્વાર્થ હતો, જ્યારે અહીં માનો તેના બાળક પ્રત્યેનો નિઃસ્વાર્થ પ્રેમ છે.’

       જીવનમાં ઘણું સમજવાની કોશિશ કરવા છતાં નથી સમજી શકાતું ને ઘણું સમય સાથે આપોઆપ સમજાઈ જતું હોય છે. અંતે આ સમગ્ર ઘટનાએ મને એ સત્ય સમજાવી દીધું હતું કે,

''જીવનમાં દર્દ-પીડાં-વેદનાની ચરમસીમા એટલે સ્ત્રીની પ્રસૂતિની વેદના…

અને પ્રેમનું ઉચ્ચકોટિનું સ્વરૂપ એટલે મા અને બાળક વચ્ચેનો પ્રેમ…''


Rate this content
Log in

Similar gujarati story from Inspirational