Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Bipin Agravat

Children Others


5.0  

Bipin Agravat

Children Others


માઁ-દીકરીનો વિરહ

માઁ-દીકરીનો વિરહ

5 mins 13.9K 5 mins 13.9K

‘મમ્મી, મારે નિશાળ પડે એટલે મારે તારી સાથે નથી આવવું. હું અને દીદી અહીં જ બા સાથે ઘરે રહીશું અને તોફાન કરી બાને હેરાન પણ નહીં કરીએ. તું શાંતિથી જા અને અમારી જરા પણ ચિંતા ન કરતી.’ મીઠીનાં આ શબ્દો સાંભળતાં જ લક્ષ્મીથી રોવાઇ ગયું.

લક્ષ્મીની બે દીકરીઓ, મીઠી અને મહેક. મીઠી પાંચ વર્ષની અને મહેક નવ વર્ષની. મીઠીનું મુળ નામ ફોરમ, પણ ઘરમાં સૌ લાડથી તેને મીઠી કહેતા અને હુલામણા નામ પ્રમાણે એ બોલતી ત્યારે સાચે જ ખૂબ મીઠું પણ લાગતું.

લક્ષ્મીની નણંદને કેન્સરની તપાસ કરાવવા માટે પોતાના ગામથી ઘણે દૂર આવેલ એક સેવાશ્રમમાં લઇ જવાનું નક્કી થતાં લક્ષ્મીને સાથે જવાનું થયું. નણંદનો સાતેક વર્ષનો દીકરો ઘણું સમજાવવા છતાં સાથે આવવાની જીદ લઇને બેઠો હતો ત્યારે પોતાની દીકરી મીઠીની આવી વાત સાંભળી લક્ષ્મીને પોતાના પર ગર્વ થયું. એક ક્ષણ પણ પોતાનાથી દૂર ન રહેનાર મીઠીને આજે એકાદ અઠવાડિયા માટે એકલી મૂકી જતાં તેનો જીવ ઘણો મૂંઝાતો હતો, પણ મીઠીની વાતે તેના જીવમાં જીવ પૂર્યો. તે સ્વસ્થ બની પોતાની દીકરીઓને શિખામણ આપવા લાગી, ‘બંને બહેનો શાંતિથી રહેજો અને બાને બહુ હેરાન ન કરતાં.’ મોટી દીકરી મહેકને સમજાવતાં તેણે કહ્યું કે, ‘મીઠીને પ્રેમથી રમાડજે અને મમ્મી જલ્દી આવતી રહેશે, એમ સમજાવજે. મારે પાછા આવતાં કદાચ એકાદ અઠવાડિયા જેવું થઇ જશે.’ એમ કહી લક્ષ્મી ઘરેથી નીકળી ગઈ.

પોતાની દીકરીઓથી માઇલોનાં અંતરે દૂર હોવાછતાં લક્ષ્મી અંતરથી તેમની સાથે સતત જોડાયેલી રહી અને મીઠીનાં છેલ્લાં શબ્દોને વાગોળતાં-વાગોળતાં તેણે આ વિરહનાં કપરાં દિવસો પસાર કર્યા. એકબાજુ દીકરીઓની સ્કૂલની પરીક્ષા અને બીજીબાજુ લક્ષ્મીની દીકરીઓ સાથેનાં વિરહની પરીક્ષા. પોતાની નણંદ પાસે તેનાં અન્ય સ્નેહીજનો ને કૌટુંબિક સભ્યો રહી શકે તેમ હોવાછતાં માત્ર તેને જ સાથે રાખવાનો તેમનો હઠાગ્રહ લક્ષ્મીને મનમાં ને મનમાં સતાવતો હતો. એક સ્ત્રી થઇ બીજી સ્ત્રીની વેદના ન સમજી શકે, તેનાથી મોટું દુઃખ બીજું શું હોઇ શકે ?

લક્ષ્મી રોજ રાત્રે ઘરે ફોન કરતી અને મીઠીને કહેતી કે, ‘તું સવારે જાગીશને, તે પહેલા હું ઘરે આવતી રહીશ.’ મીઠીનો દિવસ તો રમવામાં પસાર થઇ જતો પણ રાત્રે મમ્મી વિના ઊંઘ ન આવતી એટલે લક્ષ્મીની વાત સાંભળી સવારે મમ્મી પાસે હશે એવી આશા સાથે તે સૂઇ જતી. અઠવાડિયા ઉપરનાં બે-ત્રણ દિવસ પસાર થયા પછી માંડ-માંડ લક્ષ્મીને ઘરે પાછાં આવવાની અનુકૂળતા થઈ. તેણે મીઠીને ફોન કરીને જણાવ્યું કે, ‘આજે સાચે જ હું ઘરે આવવા નીકળું છું અને સવારે તું જાગીશ ત્યારે હું તારી પાસે જ હોઇશ.’ રોજની વાતથી ટેવાઇ ગયેલી મીઠીએ પ્રત્યુત્તર આપતાં કહ્યું કે, ‘રોજ તો તારી રાહ જોતાં-જોતાં હું સૂઈ જાઉં છું પણ આજે હું તું આવ નહિ’ને, ત્યાં સુધી જાગીશ અને તું આવ પછી આપણે બંને સાથે સૂઇ જઇશું. હોં ને મમ્મી ?’ મીઠીની વાતે ફરી લક્ષ્મીનાં ઉરની લાગણીઓને આંખો સુધી પહોંચાડી દીધી. લક્ષ્મી જ્યારે ઘરે પહોંચી ત્યારે ખરેખર મીઠી જાગતી હતી અને તેને જોતાં જ દોડીને ભેટી પડી. કદાચ વર્ષોથી વિખૂટા પડી ગયેલા કૃષ્ણ-સુદામા કે કૃષ્ણ-રાધા મળ્યા હશે ત્યારે પણ આવું કરુણ દ્રશ્ય નહિ સર્જાયું હોય, જેવું આજે સર્જાયું હતું, કારણ કે આ તો માઁ-દીકરીનો વિરહ હતો. દુનિયાનાં દરેક સંબંધો એકબાજુ અને માઁ-દીકરીનો સંબંધ એકબાજુ. આ ઘટનાને તાદશ રજૂ કરતું મુક્તક યાદ આવે –

હશે એ દ્રશ્ય કેવું – કૃષ્ણ, રાધા કે સુદામાનું ?

વિરહનાં એટલાં વર્ષો પછી, પ્રત્યક્ષ જોવાનું ?

બને એથી કરુણ હો દ્રશ્ય આ નજરે નિહાળેલું,

માઁ સાથે દીકરીનું ‘વીર’ દિવસો બાદ મળવાનું.

લેબોરેટરીના બધાં રિપોર્ટ આવી ગયા બાદ ડોક્ટરે લક્ષ્મીની નણંદને અઠવાડિયાનાં સમયાંતરે બે ઓપરેશન કરવાનું જણાવ્યું અને ઓપરેશન પછી દસેક દિવસ હોસ્પિટલમાં જ રોકાવું પડશે, તેમ કહ્યું. ફરી નણંદની બાળહઠને લીધે લક્ષ્મીને પંદરેક દિવસ માટે સેવાશ્રમમાં જવાનું થયું. સ્કૂલમાં પરીક્ષા પૂરી થઇ ગઇ હોવાથી મીઠી અને મહેકે લક્ષ્મીને મામાનાં ઘરે મૂકી જવાનું કહ્યું. બંનેને મામાને ત્યાં મૂકી લક્ષ્મી નણંદની સાથે સેવાશ્રમમાં જવા રવાના થઇ.

અઠવાડિયા પછી લક્ષ્મીની નણંદને જનરલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યા. તે દરમિયાન જ મીઠીનો ફોન આવ્યો કે, ‘મમ્મી, ફઈનું ઓપરેશન થઇ ગયું ? કેમ છે હવે ફઈને ?’

લક્ષ્મીએ જવાબ આપતાં કહ્યું કે, ‘હા બેટા, ઓપરેશન પૂરું થઇ ગયું અને ફઈને હવે સારું છે. લે, ફઈ સાથે વાત કર.’ એમ કહી તેણે મોબાઇલનું સ્પીકર ઓન કર્યું.

મીઠીએ પૂછ્યું, ‘ફઈ, તમને સારું છે ને ?’

ફઈએ જવાબ આપતાં કહ્યું, ‘હા બેટા, સારું છે.’

મીઠીએ તરત જ કહ્યું, ‘તો મારી મમ્મીને આજે જ મારા પપ્પા સાથે પાછી આવતી રહેવા દ્યો ને ? મને એની વગર નથી ગમતું.’ મીઠીની વાતે લક્ષ્મીને ગળગળી કરી દીધી પણ તેના નણંદ પર તેની કોઇ જ અસર ન થઇ.

આ વખતે તેના દીકરાને પોતાની બેનના ઘરે મૂકી આવેલી નણંદે તેના પપ્પાને તરત જ કહ્યું કે, ‘તમે કાલે જ ત્યાં જઇ તેને લઇ આવજો. તેને એકલા ત્યાં નહિ ગમતું હોય. તમે એને પોતાની સાથે જ લઇ જજો અને તેનું સરખું ધ્યાન રાખજો.’ લક્ષ્મી બસ મૂંગા મોઢે તેની નણંદની વાતને સાંભળતી રહી. મનોમન તે બોલી ઊઠી કે, ‘લાગણીશીલ બની મૌન રહેવાનો સ્વાર્થી લોકો કેવો ફાયદો ઉઠાવતાં હોય છે..! સંબંધોને સાચવવામાં હંમેશા નિર્દોષને ભાગે જ ભોગવવાનું આવતું હોય છે. જીવનમાં જેટલી સમજદારી વધુ, એટલું જ સહન કરવાનું પણ વધુ.’

બીજા દિવસથી મીઠીએ લક્ષ્મી સાથે ફોન પર વાત કરવાનું બંધ કરી દીધું. લક્ષ્મી રોજ ફોન કરી મહેક સાથે વાત કરતી અને મીઠી વિશે પૂછતી. મહેકનાં ઘણાં મનાવવા છતાં મીઠી વાત કરવાની ‘ના’ પાડી દેતી. તે રિસાણી હતી કે, ‘મમ્મી ફઈને સારું થઇ ગયું હોવા છતાં પાછી કેમ નથી આવતી ? તે સાવ ખોટું જ બોલે છે. રોજ કાલે આવવાનું કહીને નથી આવતી. તેને આપણી કંઈ પડી જ નથી. જ્યારે હોય ત્યારે આમ એકલા મૂકીને જતી રહે છે. મમ્મી આપણને પ્રેમ કરતી જ નથી.’ મહેક દ્વારા આ વાત જાણી લક્ષ્મી એકાંતમાં જઇ ધ્રુસકે-ધ્રુસકે રડી પડી. તેનું હૃદય ચિત્કાર કરી ઉઠ્યું અને તેમાંથી ઇશ્વર પ્રત્યે ફરિયાદનાં શબ્દો સરી પડ્યા, ‘મારા ક્યા પાપની સજા મારી દીકરીઓને આપે છે પ્રભુ..!? વિરહની આ અગનજ્વાળાને હવે જલ્દી ઠારી દે કાં તો અમને એમાં બાળી દે. હવે નથી સહન થતી આ સમયની વિકટ પરિસ્થિતિ. જો તું હવે આમાંથી બહાર નીકળવાનો રસ્તો નહિ કાઢે તો મારે સ્વયં જ હવે દેહત્યાગ કરી જીવનપથને ટૂંકાવવો પડશે.’

લક્ષ્મીનાં નાભિનાદે ઇશ્વરની કઠોરતાને પીગળાવી દીધી. બીજે જ દિવસે સામેથી મીઠીએ મામા પાસે ફોન કરાવ્યો અને લક્ષ્મીને કહ્યું કે, ‘મમ્મી, તું શાંતિથી દવાખાનાનું કામ પૂરું કરીને આવજે. મને અહીં મામા મેળામાં ફરવા લઇ જશે, આઇસ્ક્રીમ લાવી આપશે, મોબાઇલમાં ને કમ્પ્યૂટરમાં ગેમ રમાડશે અને ટોકિઝનાં મોટા પડદે પિક્ચર જોવા પણ લઈ જશે. હવે તો રાત્રે બા પણ મને સારી-સારી વાર્તાઓ કહી, તેમની પાસે સૂવડાવી દે છે. મને તો અહીં ખૂબ મજા પડી ગઇ છે. હવે તું નિરાંતે મને લેવા આવજે. હોં ને..?’

મીઠીની વાત સાંભળી લક્ષ્મી ફરી ભીની આંખે મનોમન ઇશ્વરને કહેવા લાગી કે, ‘મને માફ કરજે પ્રભુ..! તું ક્યારે અને ક્યા સ્વરૂપે વ્હારે આવે છે એ સમજવું અમારા માટે અશક્ય છે. તારી માયા ને લીલા, તું જ જાણે…!’ પછી પોતાના ભાઇને ભીના સ્વરે ફોનમાં કહ્યું કે, ‘સાચે જ, એક માને પણ ભૂલાવી દે એટલો પ્રેમ જે બાળકને આપે, તે જ મામા. આજે વર્ષોની રાખડીનું ઋણ તેં એકસાથે ચૂકવી દીધું, ભાઈ…’ ને ભાઈનાં, ‘બસ, હવે આગળ કંઈ ન બોલ.’ કહેવા સાથે બંને રડી પડ્યા...!


Rate this content
Log in

More gujarati story from Bipin Agravat

Similar gujarati story from Children