Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Bipin Agravat

Inspirational Romance


0  

Bipin Agravat

Inspirational Romance


રાધાનો રંગોત્સવ

રાધાનો રંગોત્સવ

5 mins 682 5 mins 682

''મુકેશ, મારા ગામમાંથી ગયા પછી એવી તે કઈ ઘટના ઘટી કે જીવરાજકાકાને ત્યાં હોળી-ધૂળેટી પર જામતો રંગીન માહોલ આજે નીરવ શાંતિમાં પરિવર્તિત થઈ ગયો ?'' ઘણાં સમય પછી ગામમાં પરત આવેલા મોહને તેનાં મિત્ર મુકેશને પૂછ્યું.

ધોરણ-૧૨ પછીનાં ઉચ્ચ અભ્યાસની વ્યવસ્થા ગામમાં ન હોવાથી મોહન છેલ્લાં ત્રણ વર્ષથી શહેરમાં આવેલી પોતાની જ્ઞાતિની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતો હતો. પોતાનાં ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે પાર્ટટાઈમ જોબ કરતો અને જે પગાર આવતો તેમાંથી કોલેજની તથા હોસ્ટેલની ફી ભરતો. વેકેશનનાં સમયગાળામાં તે અન્ય નાનું-મોટું કામ કરી જે વધારાનાં પૈસા કમાતો, તેમાંથી પોતાની અન્ય જરૂરિયાતો પૂરી કરતો. આમ, આવી વિકટ પરિસ્થિતિને કારણે તે કોલેજનાં છેલ્લાં વર્ષની વાર્ષિક પરીક્ષા આપ્યા બાદ ત્રણ વર્ષે ગામમાં પરત આવ્યો હતો.

મોહન જ્યારે ગામમાં રહી ભણતો હતો ત્યારે દરવર્ષે જીવરાજકાકાને ત્યાં હોળી-ધૂળેટી પર રમવા જતો. જીવરાજકાકા ગામનાં મુખી હોવાથી તેમનાં ઘરે તહેવારોની ઉજવણીનું આગવું આયોજન કરવામાં આવતું. તેમાં પણ તિથિ પ્રમાણે ધૂળેટીનાં દિવસે જ તેમની એકની એક લાડકી દીકરી રાધાનો જન્મદિવસ આવતો હોવાથી હોળી-ધૂળેટીની ઉજવણી વધુ ધામધૂમથી કરવામાં આવતી. હોળીને દિવસે રાત્રે તેમનાં ડેલાની આગળ આવેલા ચોકમાં જ હોળી પ્રગટાવવામાં આવતી અને આખું ગામ ત્યાં દર્શન કરવા માટે આવતું. તે ઉપરાંત ગામનાં યુવાગ્રુપ દ્વારા સુંદર મજાનાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવતું. પછીનાં ધૂળેટીનાં દિવસે ગામનાં આગેવાનોની દેખરેખ નીચે દરેક યુવાન છોકરા-છોકરીઓ અને બાળકો નાચ-ગાન સાથે હળીમળીને ધૂળેટીની રંગભેર ઉજવણી કરતાં અને બપોરે જીવરાજકાકા તરફથી પોતાની લાડલી દીકરી રાધાનાં જન્મદિવસની ખુશીમાં મિષ્ટાન સાથેનાં ગામજમણનું આયોજન કરવામાં આવતું.

મોહન તેમાંનાં જ એક આગેવાન માવજીભાઈનો દીકરો હતો. માવજીભાઈ જીવરાજકાકાની ખેતીવાડીનું બધું જ કામકાજ સંભાળતાં હોવાથી અવાર-નવાર તેમના ઘરે આવતાં-જતાં અને તેનાં લીધે તેઓ જીવરાજકાકાનાં નિકટનાં સ્નેહીમિત્રોમાં પણ સ્થાન ધરાવતાં હતાં. મોહન અને રાધા બંને સાથે જ અભ્યાસ કરતાં અને બંનેનાં પિતાજી એકબીજાનાં સારા મિત્રો હોવાને કારણે તેઓ બંને પણ એકબીજાથી સારી રીતે પરિચિત હતા. આમ તો મોહને ક્યારેય રાધાને પ્રેમભરી દ્રષ્ટિથી જોઈ ન હતી, પરંતુ છેલ્લી હોળી-ધૂળેટી પર જ્યારે તે ત્યાં રમવા ગયેલો, ત્યારે મસ્તીમાં મસ્ત બની, નાચતાં-કૂદતાં સોળ વર્ષની રાધાએ મોહનને ગાલ પર ગુલાલ લગાડેલો. રંગોથી રંગાયેલા ચહેરાઓને ઓળખવા મુશ્કેલ હોવાને કારણે રાધાએ કોઈ વહેમમાં જ તેને ગુલાલ લગાડ્યો હશે કે જાણી જોઈને, તે મોહન નક્કી કરી શક્યો ન હતો, પરંતુ મૂછનો દોરો ફૂટી નીકળેલાં મોહનને તો રાધાનાં હાથનો નાજુક સ્પર્શ થતાંની સાથે જ તેની સાથે પ્રથમ નજરનો પ્રેમ થઈ ગયો.

બીજા દિવસે શાળાએ રાધાને જોઈ મોહનને થયું કે પોતાના પ્રેમનો એકરાર કરી દે, પરંતુ જો રાધાનાં મનમાં એવું કંઈ નહીં હોય તો તેની સાથેની મિત્રતા પણ તૂટી જશે, એવા ડરને કારણે તે કહી ના શક્યો. થોડાં દિવસોમાં ગાલ પર લાગેલો ગુલાલનો રંગ તો જતો રહ્યો પરંતુ મોહનનાં હૈયામાં ઘૂંટાઈ ગયેલો રાધાનાં પ્રેમનો રંગ દિવસે ને દિવસે વધુ ઘટ્ટ થતો ગયો. મોહન મનથી તો રાધાને ચાહવા લાગ્યો હતો પરંતુ પરિસ્થિતિ વિષમ જણાતાં રાધા પાસે તે પોતાના પ્રેમની રજૂઆત કરી શકતો ન હતો. આમ ને આમ થોડાં જ મહિનામાં ધોરણ-૧૨ પૂર્ણ થતાંની સાથે જ તેને આગળનાં અભ્યાસ માટે શહેરમાં જવાનું થયું અને પછી ગામમાં શું બન્યું, તેની તેને કંઈ જ ખબર ન હતી.

મુકેશે વિતેલા સમય પરથી પડદો હટાવતાં જણાવ્યું કે, ''મોહન, તારા ચાલ્યા ગયાને એકાદ વર્ષ પછી હોળીની જ્વાળાઓએ દિશા બદલી અને ગામમાં કારમો દુકાળ પડ્યો, જેના લીધે જીવરાજકાકાને હૃદયનો હુમલો આવી ગયો. ત્યારબાદ ગામ અને પરિવારની ચિંતામાં તેમની તબિયત વધુ નાદુરસ્ત રહેવા લાગી અને તેમણે પોતાની એકની એક દીકરી રાધાનાં લગ્ન તાત્કાલિક કરી નાખવાનું નક્કી કર્યું. ખૂબ જ ટૂંકાગાળામાં નજીકનાં ગામમાં રહેતાં એક નગરશેઠનાં દીકરા સાથે તેનાં ઘડીયા લગ્ન લેવાણાં અને લગ્ન થયાને થોડાં જ મહિનામાં જીવરાજકાકા મૃત્યુ પામ્યા. એકબાજુ દુકાળને લીધે ઊભી થયેલી કટોકટી અને બીજીબાજુ ગામનાં મુખીનું થયેલું અવસાન, કોઈને કંઈ જ સમજાતું ન હતું કે હવે શું કરવું ? પશુઓ માટેનો ઘાસચારો અને દાણા-પાણી ખૂટી જતાં ધીરે-ધીરે ગામનાં લોકોએ હિજરત કરવાનું પણ શરૂ કરી દીધું હતું. એવા સમયે રાધાનાં જ્યાં લગ્ન કરવામાં આવ્યા હતા, તે નગરશેઠે ગામને ચોમાસાં સુધી મદદ કરી અને ગયું વર્ષ થોડું સુધરતાં ગામ કારમી આફત સામે ટકી ગયું.

       પરંતુ કુદરતે જાણે રાધાની અગ્નિપરીક્ષા કરવાનું નક્કી કર્યું હોય એમ એક પછી એક આફત તેના પર આવતી જ ગઈ. તેનાં પિતાજીનાં મૃત્યુને હજી વર્ષ પણ નહોતું થયું ત્યાં અચાનક જ થોડાં મહિના અગાઉ તેનાં પતિનું સાપ કરડવાને કારણે અકાળે અવસાન થયું, જેના માટે તેનાં પરિવારજનોએ રાધાને દોષિત ઠેરવી અને તેનાં જ દુર્ભાગ્યનું આ બધું પરિણામ છે તેવું જણાવી તેને ઘરમાંથી કાઢી મૂકી. આ રીતે ઘરે પાછી આવેલી રાધાને ગામનાં લોકોએ પણ મેણાં-ટોણાં મારવાનું શરૂ કરી દીધું. લોકો સંભળાવવા લાગ્યા કે, 'હવે આ વર્ષ જો મોળું થશે તો કોણ આપણને મદદ કરશે ? આ રાધા જ બધાં માટે અપશુકનિયાળ છે. પહેલાં ભગવાન જેવા તેનાં બાપને ખાઈ ગઈ અને પછી દેવતા જેવા તેનાં પતિને. એ પાછી ગામમાં આવી છે એટલે આ વર્ષે પણ દુકાળ જ પડશે.' હવે, તું જ કહે કે આ સફેદ વસ્ત્રોમાં ઢંકાયેલી નિ:સહાય રાધાને આંગણે રંગોત્સવના એ રંગીન માહોલને સ્થાને નીરવ શાંતિ ન હોય તો બીજું શું હોય ?''

       મુકેશની વાત સાંભળી મોહનની આંખો ભીની થઈ ગઈ. જીવનનાં કપરાં સમયમાં જ રાધાની સાથે ન હોવાનું તેને ભારોભાર દુ:ખ થયું. ગામનાં બદલાયેલા માહોલનું સાચું કારણ હવે તેને સમજાયું. હવે તેણે શું કરવું જોઈએ, એ વિશે અત્યારે તે કંઈપણ વિચારી શકે તેમ ન હતો. તેણે મનોમન રાધા માટે ઈશ્વરને પ્રાર્થના કરી અને પછી બંને હોળીનાં દર્શન કરવા ગયા. હોળીની જ્વાળાઓ તો આવનારું વર્ષ ખૂબ જ સારું જશે એવું દર્શાવી રહી હતી, પરંતુ હવે રાધાનું જીવન ફરી કેવી રીતે સારું બનાવી શકાય એ વિશેની ચિંતા મોહનનાં મનમાં હતી.

રાત્રે ફળિયામાં ખાટલામાં સૂતેલો મોહન પૂનમનાં ચંદ્રને જોતાં-જોતાં રાધા વિશે વિચારી રહ્યો હતો. મુકેશે જણાવેલી હકીકત સાંભળ્યા પછી તેને ઊંઘ પણ આવતી ન હતી. ઘણી બધી માનસિક ગડમથલને અંતે તેણે રાધાને જીવનસંગિની તરીકે અપનાવવાનો નિર્ણય કરી લીધો અને સવાર થતાંની સાથે જ પોતાના પિતાજીને પોતે કરેલો નિર્ણય જણાવી પણ દીધો. માવજીભાઈ જીવરાજકાકાને ખૂબ નજીકથી ઓળખતાં હોવાથી તેમને પણ રાધા માટે આત્મીયતા હતી, તેથી પોતાના દીકરાએ લીધેલા નિર્ણય પર તેમને ગર્વ થયો અને રાધા સાથે લગ્ન કરવા માટે મોહનને લીલી ઝંડી આપી.

મોહન એક હાથમાં ગુલાલ અને એક હાથમાં કંકુ લઈ રાધાનાં ઘરે પહોંચી ગયો અને રાધા સામે જઈ ઊભો રહી ગયો. ઘણાં વર્ષો પછી આમ અચાનક મોહનને સામે ઊભેલો જોઈ થોડીવાર માટે તો રાધા અવાક બની ગઈ. તેણે ઘણું બધું મોહનને કહેવું હતું પરંતુ જાણે બોલી શકાતું ન હતું. પછી મોહને કહ્યું કે, ''રાધા, મને મુકેશે બધી જ વાત કરી દીધી છે. તારે એક પણ શબ્દ કહેવાની જરૂર નથી. જે વિતી ચૂક્યું છે તેને એક સપનું સમજીને ભૂલી જા અને હવે તારી સામે આજની તારા જન્મદિવસની સોનેરી સવાર એક નવું જીવન લઈને આવી છે, તેનો સહર્ષ સ્વિકાર કર.'' આટલું કહી તેણે રાધાનાં ગાલ પર ગુલાલ લગાડ્યો અને કંકુથી ચાંલ્લો કરી માંગ ભરી દીધી. રાધા હૈયાફાટ રૂદન સાથે મોહનને ભેટી પડી અને રડતાં-રડતાં બોલી કે, ''કદાચ તે દિવસે મેં તારા ગાલ પર ગુલાલ લગાડ્યો, ત્યારનો મારો સ્પર્શ તું સમજી ગયો હોત તો આ કપરાં સમયમાંથી મારે પસાર ન થવું પડ્યું હોત.''

ને અંતે ફરી રાધાનાં આંગણે 'રંગોત્સવ' સંગે 'પ્રેમોત્સવ'ની રંગભેર ઉજવણી કરવામાં આવી.


Rate this content
Log in

More gujarati story from Bipin Agravat

Similar gujarati story from Inspirational