Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

Bipin Agravat

Inspirational Tragedy


4  

Bipin Agravat

Inspirational Tragedy


મિત્રવર્યનો મહિમા...

મિત્રવર્યનો મહિમા...

6 mins 14.1K 6 mins 14.1K

''યાર, કેમ આમ ઉદાસ થઈ, બેંચ પર માથું ઢાળી, એકલી અહીં બેઠી છો ? ચાલને કેમ્પસમાં, આજે આપણો કોલેજમાં છેલ્લો દિવસ છે અને બહાર બધી ફ્રેંડ્સ કેવી મજા કરે છે..!'' ગર્લ્સ કોલેજનાં લાસ્ટ યરમાં અભ્યાસ કરતી સલોનીએ તેની ક્લાસમેટ સુહાનીને પૂછ્યું.

સુહાનીએ માથું ઊંચું કરી નરમ અવાજમાં જવાબ આપતાં કહ્યું કે, ''યાર સલોની, ઘડીકવારમાં આપણાં કોલેજનાં ત્રણ વર્ષ પૂરાં થઈ ગયા. હજુ તો જાણે કાલ સવારે આપણે એફ.વાય.માં એડમિશન માટે લાઈનમાં ઊભા હતા અને એકબીજાની સ્કૂલના પરિણામ વિશે જાણી, ક્યા વિષયમાં એડમિશન લેવાનું છે, એ વિશેની પૂછપરછ કરતાં-કરતાં એકબીજાનાં મિત્રો બન્યા હતા અને આજે તો એકબીજાથી અલગ થવાનો સમય પણ આવી ગયો. હા, મોબાઈલ દ્વારા એકબીજાનાં કોન્ટેકમાં જરૂર રહીશું, પણ સાથે વિતાવેલો લાઈફનો આ ગોલ્ડન પીરિયડ આંખના પલકારામાં જ વહી ગયો હોય એવું લાગે છે.''

''હા, સુહાની, તારી વાત સાવ સાચી છે. વિતી ગયેલા ભવ્ય ભૂતકાળનાં છેલ્લા ત્રણ વર્ષ પર નજર ફેરવીએ તો આ ગોલ્ડન પીરિયડની ઘણી સારી-નરસી ઘટનાઓ આંખ સામે આવી તરવરવા લાગે છે.'' સલોનીએ સુહાનીની વાતમાં સૂર પૂરાવ્યો.

સુહાનીએ વાત આગળ વધારતાં જણાવ્યું કે, ''તેમાંની એકબીજા સાથે વિતાવેલી કેટલીક કિંમતી ક્ષણોને તો યાદોનાં પટારામાં આજીવન સાચવી રાખવાનું મન થાય છે. કોલેજનાં આ ત્રણ વર્ષ દરમ્યાન ઉજવાયેલા યુનિવર્સિટી કક્ષાનાં યુવક મહોત્સવ, કોલેજનાં વાર્ષિકોત્સવ તથા કોલેજમાં કે અન્ય સંસ્થાઓ દ્વારા યોજવામાં આવેલી વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેતી વખતે આપણે જે આનંદ કર્યો છે, તે ક્ષણો અહીંથી છૂટાં પડ્યા પછી પણ હરહંમેશ યાદ રહેશે.''

સલોની બોલી, ''હા સુહાની, અને ખાસ કરીને 'મિત્રતા'ના વિષય પર યોજાયેલ સ્વરચિત કાવ્યપઠન સ્પર્ધામાં તેં રજૂ કરેલી એ કવિતાની પંક્તિ તો મને કંઠસ્થ જ થઈ ગઈ છે...'

ના માંગુ બીજું કાંઈ પ્રભુ, બસ, થોડાં સારાં મિત્રો આપજો,

લઈને મારી જિંદગીનાં શ્વાસ, તેમની લાંબી ઉંમર રાખજો

''...અને તેં રજૂ કરેલી કવિતાની પંક્તિ પણ મને બરાબર યાદ છે.'' સુહાનીએ કહ્યું.

જિંદગીથી હવે થાકવું નથી ને જિંદગીથી હવે હારવું નથી,

‘દોસ્ત’ રહે સદા સાથે મારી, એથી વધુ બીજું માંગવું નથી.

સલોનીએ કહ્યું, ''ખરેખર, આ ત્રણ વર્ષોમાં ભણતરની સાથે-સાથે આપણાં જીવનનું ઘડતર પણ થયું છે. સમાજજીવનની રીતભાતથી માંડી અંગત જીવનની બાબતો સુધીની જાણકારી આપણે આ ત્રણ વર્ષો દરમ્યાન મેળવી છે, જે આપણને હવે પછીના જીવન દરમ્યાન ખૂબ જ ઉપયોગી સાબિત થવાની છે.''

''હા, સાચું કહ્યું તેં.'' સુહાનીએ કહ્યું.

''સમાજમાં ઘણી વખત લોકો પોતાના સ્વાર્થ માટે જ આપણો ઉપયોગ કરતાં હોય છે. ખોટી લાગણીઓનો ઢોળ ચડાવી આપણી પાસેથી પોતાનું કામ કઢાવી લેતાં હોય છે અને પછી સામા મળે તો જવાબ પણ નથી આપતાં હોતાં. પોતાનો મતલબ પૂર્ણ થતાંની સાથે જ તેનાં વર્તનમાં પણ પરિવર્તન આવી જતું હોય છે. તો ઘણાં લોકો એવા પણ હોય છે કે જે પોતાનો ઉપયોગ થઈ રહ્યો છે, એ વિશે જાણતાં હોવાછતાં હંમેશા મદદરૂપ થવા તત્પર રહેતાં હોય છે. પણ સલોની, અંતે તો ઈશ્વર હંમેશા મન અને હૃદયથી પવિત્ર વ્યક્તિની સાથે જ હોવાનાં.'' આમ સુહાની પોતાના અનુભવોની રજૂઆત દ્વારા સલોનીની વાતને સમર્થન પૂરું પાડી રહી હતી, ત્યાં જ વચ્ચેથી તેને બોલતી અટકાવી સલોની બોલી કે, ''યાર, જવા દે ને એ બધી વાતો. આપણે તો ક્યારેય કોઈનો ઉપયોગ નથી કર્યો ને ? બસ, એ જ આપણા માટે તો મહત્વનું છે.''

સલોનીએ સુહાની સાથેની વાતનો દોર આગળ વધારતાં કહ્યું કે,''...અને સુહાની, આપણા ગ્રુપમાંથી તો પેલી દેવાંગી અને નીલિમાનાં આ વર્ષમાં લગ્ન પણ થઈ ગયા. એણે તો પ્રભુતામાં પગલાં પાડી, પોતાનો ઘરસંસાર માંડી પણ દીધો.'' ''હા, અને નીલિમાને થેલેસેમિયાના

રિપોર્ટમાં થેલેસેમિયા માઇનર આવ્યો હોવાથી તેણે પોતાના લગ્ન પહેલાં સામેનાં પાત્રનો થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવ્યો હતો, જે આપણા ગ્રુપનાં સૌ મિત્રો માટે ગૌરવની વાત છે.'' સુહાનીએ જણાવ્યું. એની સાથે જ – કોલેજમાંથી બે-ત્રણ છોકરીઓનાં લવ મેરેજનાં સમાચાર પણ ન્યૂઝપેપરમાં આવ્યા હતા – એ વાત યાદ કરી બંને ખડખડાટ હસી પડ્યા.

સુહાનીએ કહ્યું કે, ''સલોની તને યાદ છે, બ્લડગ્રુપ ટેસ્ટના કેમ્પ પરથી જ જાણવા મળ્યું હતું કે તારું અને મારું બંનેનું બ્લડગ્રુપ તો એકસરખું જ છે, જે સરળતાથી મળવું મુશ્કેલ છે.'' 

સલોનીએ માથું હલાવી 'હા' કહ્યું અને પછી ગંભીરતાપૂર્વક બોલી કે, ''સુહાની, સમય તો હંમેશા ચાલતો જ રહે છે. એ કોઈનાં પણ સુખ કે દુ:ખમાં પળવાર પણ ઊભો રહેતો નથી. માત્ર આપણને એવું લાગતું હોય છે કે જીવનમાં સુખની ક્ષણો ઝડપથી અને દુ:ખની ક્ષણો ધીમે-ધીમે પસાર થાય છે. જીવનની સાચી મજા તો ક્ષણને જીવવામાં છે. જે ક્ષણે પણ તક મળે, આનંદ કરી લેવો જોઈએ. ભૂતકાળ કે ભવિષ્યનો વિચાર કરીએ તો વર્તમાનમાં પણ દુ:ખી થઈ જવાય. જીવનમાં સુખ બધાં સાથે શે'ર કરતાં રહેવાનું ને દુ:ખને દિલનાં એક ખૂણામાં દબાવી આગળ ચાલવાનું, એ જ મારા મતે જીવનની સાચી ફિલસૂફી છે. દુ:ખમાં આપણી સાથે લાગણીથી જોડાયેલા લોકો શબ્દોથી સાંત્વના આપે એ ખરું, પણ એ દુ:ખ સહન તો આપણે પોતે જ કરવાનું હોય છે. આજે આપણે એકબીજાની સાથે છીએ તો મજા કરી લેવાની, કાલનું વિચારી આજનાં આનંદને શા માટે જતો કરવો ? થોડીવાર પછી શું બનવાનું છે એની પણ આપણને ક્યાં ખબર છે ? જ્યારે હૈયું આવી બધી વાતોથી ભરાઈ આવે તો એકાંત મળે રડી લેવાનું, પણ સાથે હોઈએ ત્યારે તો માત્ર ને માત્ર હસવાનું જ.'' સલોનીની સમજણપૂર્વકની વાતો સાંભળી સુહાની બોલી કે, ''સારું, સંત જ્ઞાનેશ્વર, હવે ચાલો, બસનો સમય થઈ ગયો છે. ઘરે જઈએ.'' અને બંને કોલેજેથી ઘરે જવા માટે નીકળ્યા. તેઓ બંને કોલેજ બહાર નીકળી, હાઈ-વે ક્રોસ કરી રહ્યા હતા, ત્યાં જ અચાનક પૂરપાટ ઝડપે આવી રહેલી એક ફોરવ્હીલ ગાડીએ બંનેને હવામાં ફંગોળી દીધા. સલોનીને માથા પર ઈજા થતાં રસ્તા પર જ ખૂબ લોહી વહી ગયું, જેના કારણે તે સ્થળ પર જ બેભાન થઈ

ગઈ. જ્યારે સુહાનીનો પેટનો ભાગ ગાડી સાથે અથડાતાં તે પણ નીચે પડી ગઈ. બંનેને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. એકાદ કલાકની દોડધામ પછી ડોક્ટરે જણાવ્યું કે, ''માથા પર ઈજા થનાર પેશન્ટનાં ઓપરેશન માટે જરૂરી ગ્રુપનું લોહી અહીંની બ્લડ બેંકમાં હાજર નથી, એટલે શહેરની અન્ય બ્લડ બેંકમાં તેની તપાસ કરવી પડશે, પરંતુ ત્યાં સુધી રાહ જોઈ શકાય તેમ નથી. તેનાં જીવનું પૂરેપૂરું જોખમ છે.''

ડોક્ટરની વાત અંશત: બેભાન સુહાનીએ સાંભળતાં જ કહ્યું કે, ''ડોક્ટર, અમારા બંનેનું બ્લડગ્રુપ એક જ છે, તમે મારું લોહી લઈ સલોનીને બચાવીલો.''

ડોક્ટરે જણાવ્યું કે, ''પરંતુ જો શહેરની અન્ય બ્લડ બેંકમાંથી આ બ્લડગ્રુપનું લોહી પૂરતાં પ્રમાણમાં નહીં મળે અને તારા માટે લોહીની જરૂર ઊભી થશે તો પછી તારા જીવનું પણ જોખમ રહેશે.''

સુહાનીએ તરત જ કહ્યું કે, ''ડોક્ટર, તમે મારા જીવની ચિંતા જરાપણ ના કરશો. ઈશ્વરે જે ધાર્યું હશે તે જ થશે. બસ, તમે સલોનીનો જીવ બચાવી લો.''

તરત જ ડોક્ટરે સુહાનીનાં શરીરમાંથી સલોનીનાં શરીરમાં લોહી ટ્રાન્સફર કરવાનું શરૂ કરી દીધું અને સાથોસાથ સલોનીનું ઓપરેશન પણ શરૂ કરી દીધું. પૂરાં બે કલાકનાં અંતે ઓપરેશન પૂરું થતાંની સાથે જ સુહાની સંપૂર્ણ બેભાન થઈ ગઈ. ડોક્ટરની ચિંતા વધવા લાગી. તેમણે સુહાનીની તપાસ કરી તો ખબર પડી કે પેટ પર જોરદાર ટક્કર લાગવાને કારણે તેની બંને કિડનીને ગંભીર ઈજા થઈ છે. તેને બચાવવા માટે ૨૪ કલાકની અંદર એ જ બ્લડગ્રુપ ધરાવતાં વ્યક્તિની કિડનીની જરૂર પડશે,તેવું તેમણે જણાવ્યું.

સવારે સલોનીને ભાન આવતાં જ તેણે સુહાની વિશે પૂછ્યું. તેને જીવવા માટે એ જ બ્લડગ્રુપ ધરાવતાં વ્યક્તિની કિડનીની જરૂર છે, એમ ખબર પડતાંની સાથે જ તરત તેણે ડોક્ટરને કહ્યું કે, "ડોક્ટર, અમારા બંનેનું બ્લડગ્રુપ એક જ છે, તમે મારી એક કિડની કાઢી લઈ સુહાનીને બચાવી લો."

ડોક્ટર અનિમેષ નજરે સલોની સામે જોતાં રહ્યા ને મનોમન બોલી ઊઠ્યા, ''હે ઈશ્વર, આજસુધી સાચી મિત્રતા વિશે ઘણું સાંભળ્યું હતું, પણ આજે પ્રત્યક્ષ નિહાળી તારા હોવાનો અનુભવ થઈ રહ્યો છે.''તેમને સુહાનીનાં 'ઈશ્વરે જે ધાર્યું હશે તે જ થશે' – તે શબ્દો યાદ આવી ગયા અને અંતરથી ઈશ્વરનો આભાર માની, તરત જ સુહાનીનાં ઓપરેશનની તૈયારી કરવા લાગ્યા. ત્રણેક કલાકને અંતે ઓપરેશન પૂરું થયું અને બંનેના જીવ બચી ગયા. સાંજે બંને ભાનમાં આવતાં એકબીજાને તબિયત વિશે પૂછવા લાગ્યા અને ફરી એ જ કવિતાની પંક્તિઓ બોલી સાથે રડી પડ્યા...


Rate this content
Log in

More gujarati story from Bipin Agravat

Similar gujarati story from Inspirational