વિદેશની વાટે
વિદેશની વાટે


"પપ્પા મારે હવે આગળ નથી ભણવું, હું ફુવા સાથે જ વિદેશ સેટ થવા માંગુ છું, આમ પણ ફુવા ફોઈને લેવા આવે જ છે, હું આજે જ એમને ફોન કરીને કહી દઈશ કે મને પણ સાથે લેતા જાય. "
દર્શિતનાં શબ્દો સાંભળીને વિશાલભાઈ દિગ્મૂઢ થઈ ગયા, હા કે ના નો કોઈ જવાબ જ ન આપી શક્યા, નાનપણથી દર્શિત માટે જે સપનાઓ જોયા હતાં એ બધાં હવે પાયાવિહોણા બની ગયા, કારણ દર્શિત જાણે ખુબ મોટો થઈ ગયો હતો, પોતાના નિર્ણય જાતે લેવા મંડ્યો, જાણે પોતાના બાપની એને કાંઈ જરૂર જ ન હોય.
વિશાલભાઈ વિચારવા લાગ્યા કે પોતાની ભૂલ ક્યાં થઈ દર્શિતનાં ઉછેરમાં ? પહેલેથી અંગ્રેજી માધ્યમમાં ભણાવ્યો એ ભૂલ ? એની દરેક માંગણી પૂરી કરી એ ભૂલ ? હજી દર્શિતની ઉંમર જ શું છે ? હજી તો માંડ 18 વર્ષનો થયો, હજી તો માંડ 12 પાસ કર્યું છે, હજી તો આગળ ભણવાની ઉંમર છે, અને અહીં શું વાંધો છે ? પોતે એવા ય ગરીબ તો નથી કે પોતાના દીકરાને સારૂ ભવિષ્ય આપી ન શકે, રાજકોટમાં જ્ઞાતિમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે પોતે, એક વૈભવી જીવન તો આજ સુધી આપ્યું જ છે.
વળી આટલી નાની ઉંમરે દીકરાને એકલો વિદેશ મોકલતા જીવ પણ નથી ચાલતો. અને પાછો અહીંનો પોતાનો બિઝનેસ પણ ખુબ વ્યવસ્થિત જામેલો છે, પોતાના મમ્મી પપ્પાને પણ એમની ઢળતી ઉંમરે એકલા કેવી રીતે મૂકવા ? અનેક સવાલો ઊઠી રહ્યા હતાં વિશાલભાઈના મનમાં.
ઘણું સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ, અંતે દર્શિતના દાદા -દાદીએ અને વિશાલભાઈએ દર્શિતની જિદ સામે નમતું મૂક્યું અને દર્શિતને તેના ફુવા સાથે વિદેશ મોકલવા તૈયાર થયાં, અને થોડાં સમય બાદ પોતે પણ ત્યાં દર્શિતને સાથ આપવા જશે એમ નક્કી થયું, દર્શિત તો રાજી જ હતો આ વાતથી.
દર્શિતના ગયા પછી, અહીંનો પોતાનો ધિકતો ધંધો પોતાના નાના ભાઈને સોંપ્યો અને માતાપિતાની જવાબદારી નાના ભાઈને સોંપીને અહીંનું બધું કામ સમેટીને બસ પુત્રનું ભવિષ્ય બનાવવા માટે વિશાલભાઈએ વિદેશની વાટ પકડી. જો મા-બાપને સાચવવાની જવાબદારી તેમની હતી તો પુત્રના સપના પુરા કરવાની જવાબદારી પણ તેમની જ હતી ને...! આજે એક દીકરાને એક જવાબદારીમાંથી પીછેહઠ કરવી પડી અને એક પિતાને પોતાની જવાબદારી નિભાવવા વતન છોડીને વિદેશની વાટે જવુ પડ્યું.