નસીબના ખેલ 30
નસીબના ખેલ 30


ધરા ના માસી અને મમ્મી જ્યારે કેવલ ને જોવા ગયા હતા ત્યારે ત્યાં એ લોકો ને રાજકોટ આવી ધરા ને જોવા આવવાનું આમંત્રણ આપી આવ્યા હતા. પણ નિશા એ તો સીધું એમ જ કહી દીધું કે અમે તો નક્કી કરવા જ આવીએ છીએ.. કારણ અમારા તરફથી તો હા જ છે. તમે એ રીતની તૈયારીમાં જ રહેજો.. અમે આવશું એટલે મીઠીજીભ આપી ને જ જશું.. (મતલબ સગાઈ કહી શકીયે. પેહલા કહેતા હતા ને રૂપિયો નાળિયેર આપ્યા, ગોળધાણા ખાધા, વગેરે જેવું , રિંગ પહેરાવવાનું તો હવે ચલણમાં આવ્યુ છે..)
અને એ દિવસ આવી પણ ગયો. નિશા પોતાના મોટા જેઠ-જેઠાણી, એનો દિકરો, નણંદ- નણદોઈ, નણંદ ની દીકરી, અને પોતે પોતાના વર અને પોતાના બે સંતાન એક દીકરો અને એક દીકરી અને કેવલ. સહુ ને લઇ ને રાજકોટ આવી પહોંચી. સાથે ધરા માટે એક સાડી અને જરૂરી કટલરી પણ લઇને આવી હતી, મીઠાઈ નું બોક્સ, પગ ના છડા, નાક ની ચૂંક વગેરે સાથે લાવી હતી. સગાઈ ની બધી તૈયારી.. !!!!
જાણે એ જાણતી હતી કે અહીંથી હવે કોઈ ના પાડવાનું જ નથી. આટલો બધો આત્મવિશ્વાસ કેમ ? એ કોઈ ની સમજમાં ન આવ્યુ. કોઈ ને કાઈ અજુગતું ન લાગ્યું. જે ધીરજલાલ પહેલા એક ઘર માં બે બહેન આપવા જરાય રાજી ન હતા.. કે નિશાના પિતા શાંતિલાલે ધીરજલાલ ને દગો આપ્યો હતો.. એ બધું ધીરજલાલ અચાનક ભૂલી કેમ ગયા ? કોઈ કાઈ જ જાણતું ન હતું.