આશાનું કિરણ
આશાનું કિરણ
"મારી પાસે નહીં આવતા, દૂર હટો, જવા દો મને..."
એક લાંબી ચીસ... અને જાસ્મીન પોતાની આજુબાજુ રહેલી બધી વસ્તુનાં ઘા કરવા લાગી, હસમુખભાઈ પોતાની દીકરીની આ હાલત જોઈ ન શક્યા, એમની આંખ ભીંજાઈ ગઈ, સ્મિતાબેન માંડ માંડ પોતાની દીકરીને સમજાવીને શાંત પાડી રહ્યાં હતાં, સ્મિતાબેનનાં પડખામાં ખૂબ મુશ્કેલથી શાંત થયેલી જાસ્મીનને દવા આપીને સુવડાવી અને રૂમની બહાર આવીને બોલ્યા " મા-બાપ પોતાના દીકરાને બીજાની દીકરીનું સન્માન કરવાનું કેમ નથી શીખવાડતા ? શું છોકરાઓ પોતાની મા /બહેનને પણ ગંદી નજરથી જ જોતા હશે ? શું બગાડ્યું હતું મારી દીકરીએ એ નરાધમોનું ? "
જાસ્મીન, એક વર્ષ પહેલા હસ્તી રમતી જાસ્મીન, એક વર્ષ પહેલા શાળાએથી ઘરે આવી રહી હતી અને રસ્તામાં અજાણ્યા યુવકોએ એને ઘેરી લીધી, ત્રણ ચાર જુવાન છોકરાઓ સામે ફકત 17માં વર્ષમાં પ્રવેશેલી જાસ્મીનનું જોર ક્યાં ચાલે ? જબરદસ્તીથી ઉઠાવીને એને સુમસાન જગ્યાએ લઈ જઈને પોતાની હવસનો શિકાર બનાવી નાસી છૂટ્યા. કહેવાતા માણસોની ક્રૂરતાનો ભોગ બનેલી જાસ્મીન આ પાશવી અત્યાચારની પીડા સહન ન કરી શકી અને કોમામાં સરી ગઈ.
એક વર્ષ કોમામાં રહ્યાં બાદ ઈશ્વરકૃપાએ ભાનમાં આવેલ જાસ્મીનનાં શરીરના ઘાવ તો રૂઝાઈ ગયાં હતાં, અને તેથી જ તો હોસ્પિટલમાંથી તેને હજી કાલે જ રજા આપવામાં આવી હતી, શારીરિક રીતે સ્વસ્થ થયેલી જાસ્મીન પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચુકી છે તેની કોઈને ખબર ન હતી, કારણ જાસ્મીન સાવ ચૂપ રહેતી હતી, પણ આજે હસમુખભાઈ પોતાની લાડકી માટે તેને ભાવતી મીઠાઈ લાવ્યા હતાં અને તેને પોતાના હાથે પ્રેમથી ખવડાવવા જતાં, પુરુષનાં પડછાયા માત્રથી ફફડી જતું તેનું ડરપોક મન ખુદ તેના પપ્પાને ઓળખી ન શક્યું.
"હસમુખ આપણે જાસ્મીનને કોઈ સારા મનોચિકિત્સકને બતાવીએ, આપણે તેને ફરી પહેલાની જેમ હસ્તી બોલતી કરવી જ છે." હસમુખભાઈનાં ખાસ મિત્ર કિશોર એ કીધું. "પણ મારી દીકરી પાગલ નથી, " "અરે મેં ક્યાં કીધું કે પાગલ છે ? પણ જે ઘાવ એનાં મન પર છે એનો ઈલાજ તો કરવો પડશે ને ? જો હસુ, શરીરના ઘા ભલે રૂઝાઈ ગયાં, પણ આ મનનાં ઘા માટે દવા જરૂરી છે અને એનાં ડોક્ટર અલગ હોય છે યાર તું કેમ સમજતો નથી ?" બન્ને મિત્રોની લાંબી ચર્ચાને અંતે કિશોર જીત્યો, અને હસમુખભાઈ તૈયાર તો થયાં પણ પ્રશ્ન એ હતો કે પુરુષનાં પડછાયા માત્રથી ફફડતી જાસ્મીનને લઈ કેવી રીતે જવી ? પણ આ રસ્તો પણ કિશોરભાઈ એ શોધી લીધો.
ડૉ. અતુલ શાહ જાણીતા મનોચિકત્સક, તેમની અપોઈન્ટમેન્ટ લઈને કિશોરભાઈ અને હસમુખભાઈ તેમને મળવા ગયાં અને જાસ્મીનની તબિયતની બધી જ વાત કરી, ક્યારેય કોઈ પેશન્ટ માટે હોમ વિઝિટ માટે ન જતાં ડૉ અતુલ,જાસ્મીન માટે ઘરે આવવા તૈયાર થયાં અને સાથે પોતાના હોસ્પિટલની એક કાબેલ નર્સ રાધાને સાથે લીધી.
"રાધા, એક કળી છે જાસ્મીન, જેને કેટલાક નિષ્ઠુર હેવાનોએ ખીલતા પહેલા જ ચૂંથી નાખી છે, એને પ્રેમાળ માવજતથી ફરી ખીલવવાની છે, તારે ત્યાં રહેવાનું છે." "જી સર, તમે ચિંતા ન કરો, મારાથી બનતી બધી કોશિશ હું કરીશ." રાધા એ જવાબ આપ્યો.
ડૉ ને જોઈને પણ જાસ્મીન એ જ વર્તન કરવા લાગી, આ વખતે રાધા જાસ્મીન પાસે ગઈ અને જાસ્મીનને સંભાળવા માટે ડૉ. અને કિશોરભાઈ, હસમુખભાઈ પર દેખાવનો ગુસ્સો કરી સૌને રૂમની બહાર કાઢ્યા. રાધાએ જોયું કે જાસ્મીન ઉજાસથી /પ્રકાશથી પણ ડરતી હતી, એ બસ એક ખૂણામાં લપાઈને બેસી રહી હતી, જયારે દવાની અસરથી સૂતી ત્યારે
જ શાંત લાગતી, બાકી સતત ડરેલી જ રહેતી હતી,
ડૉ. અતુલ જરૂરી દવા આપીને રાધાને ત્યાં રાખીને પાછા પોતાની હોસ્પિટલ આવી ગયાં, જાસ્મીનની બધી જવાબદારી રાધાએ ઉપાડી લીધી, એકાદ અઠવાડિયું તો જાસ્મીન સાથે દોસ્તી કરવામાં પસાર થયું, હજી પણ જાસ્મીન પુરુષનાં નામ માત્રથી ડરતી હતી, જાસ્મીનનાં રૂમમાં એક ઝરૂખો હતો જે જાસ્મીન ખોલવા જ નોહતી દેતી, પણ રાધા પણ હાર માને એમ નોહતી,
"જાસ્મીન તને ખબર છે આ ઝરૂખાની બહાર કેટલી સરસ દુનિયા છે ?"
"બહુ ગંદી દુનિયા છે, મારે જોવી જ નથી એ દુનિયા " જાસ્મીન બોલી, "અરે ગુડિયા ગંદી નહીં પ્યારી દુનિયા છે," રાધા જાસ્મીનને પ્યારથી ગુડિયા કહેતી હતી. "તને ખબર છે ત્યાં છે ને પારેવા આવે છે, પોપટ, ચકલી, કોયલ કેટલા બધાં પક્ષીઓ જોવા મળે છે, અને કોયલ તો સામે એક ઝાડ છે ત્યાં બેસીને સરસ ગીત પણ ગાય છે." રાધા જાસ્મીનને સમજાવી રહી હતી. "નીચે પેલો નાનકડો પિન્ટુ એનાં ભાઈબંધ સાથે ક્રિકેટ પણ રમતો હતો કાલે," " અને પેલી પિન્કી છે ને એ અને રુહી કાલે દોરડા કુદતા હતાં, મને પણ મન થઈ ગયું કે હું પણ જઈને તેમની સાથે રમું, "
જાસ્મીન કાંઈ જ જવાબ આપ્યા વગર રાધાની વાત સાંભળી રહી હતી, આ જોઈને રાધા બોલી " ગુડિયા ચાલને આપણે બેય ખાલી અહીંથી જોઈએ તો ખરાં, આપણે પિન્કી અને રુહીને અહીં બોલાવીએ રમવા ? " "એમને કહો ઘરમાં જતાં રહે, બહાર બધાં ગંદા છે, ઘરમાં જાવ, ઘરમાં જાવ..." કહેતા જાસ્મીન ફરી બેકાબુ થઈ ગઈ, માંડ માંડ એને શાંત કરી અને સુવડાવી.
ધીમે ધીમે આમ તો દવાથી અને રાધાની કાળજીથી જાસ્મીન શાંત થઈ રહી હતી, રાધા રોજ પેલા ઝરૂખાની બહારની અવનવી વાતો કહેતી અને જાસ્મીન ધ્યાનથી સાંભળતી, હવે તે શાંત રહેતી પણ હજી ઝરૂખો ખોલવાની હિંમત નોહતી બતાવતી.
એક દિવસ અચાનક રાધા ઝરૂખાની બહારની દુનિયાની વાત કરી રહી હતી અને જાસ્મીન ધીમે ધીમે ઝરૂખા પાસે ગઈ, રાધા આ જોઈ રહી હતી, અને જાસ્મીન એ પોતે જ ઝરૂખો ખોલ્યો, એક કબૂતર તરત ઊડતું ઊડતું ઘરમાં આવ્યું, સાથે જાણે નવી આશાનું કિરણ લાવ્યું. રાધાએ હસમુખભાઈ અને સ્મિતાબેનને ઈશારાથી બોલાવ્યાં, 5 મહિનાની રાધાની મહેનત પછી પહેલીવાર જાસ્મીન આટલી સ્વસ્થ થઈ હતી.
થોડીવાર ઝરૂખે ઊભા રહ્યાં બાદ અચાનક જાસ્મીન બેહોશ થઈને ઢળી પડી, ડૉ અતુલ તરત આવી ગયાં, બધી વિગત જાણીને ખુશ થતાં બોલ્યા "ચિંતા જેવું કાંઈ નથી, જાસ્મીનનું મગજ અતીતમાંથી વર્તમાનમાં આવી રહ્યું છે એવું લાગે છે. છતાં એકવાર ભાનમાં આવે પછી પાક્કી ખબર પડે." "રાધા તે ખૂબ મહેનત કરી છે, લાગે છે તારી મહેનત સફળ થઈ રહી છે."
"મમ્મી........ પપ્પા......." જાસ્મીન બબડી રહી હતી, તરત હસમુખભાઈ અને સ્મિતાબેન એની પાસે ગયાં, હસમુખભાઈ જાસ્મીનનાં માથે હાથ ફેરવી રહ્યાં હતાં, "હા બેટા પપ્પા અહીં જ છે, મમ્મી પણ અહીં જ છે બેટા, આંખ ખોલ દીકરા," કહેતા હસમુખભાઈ રડી પડ્યા, એમના આંસુ જાસ્મીનનાં કપાળ પર પડ્યા, જાસ્મીને આંખ ખોલી, "પપ્પા....." કહેતાં જાસ્મીન એનાં પપ્પાને વળગીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી, એકવાર પોતાને જોઈને જ બેકાબુ બની ગયેલી પોતાની લાડકવાયી આજે પોતાને ભેટીને રડી રહી છે એ જોઈને હસમુખભાઈનાં મનમાં એ વાતે નિરાંત થઈ કે એમની દીકરીએ પપ્પાને ઓળખ્યા ખરાં,
ડૉ. અતુલ અને રાધા પણ ખુશ હતાં કે જાસ્મીન હવે એકદમ સ્વસ્થ છે, જાસ્મીન એ ખુદ ઝરૂખાથી ખરેખર નવી આશાનું કિરણ ઘરમાં આવ્યું હતું.