એલાર્મ
એલાર્મ


વાત છે આજથી 3 વર્ષ પહેલાની, ઉનાળાના વેકેશનમાં હું મારાં મોસાળમાં ગઈ હતી, મમ્મી-પપ્પાના અવસાન બાદ મોસાળ જ મારું પિયર. મારે ભાઈ બહેન કોઈ નથી પણ મામાનાં દીકરાઓએ કદી એ કમી મહેસૂસ જ થવા નથી દીધી...!
મારાં ભાઈનો દીકરો શુભ ત્યારે માંડ અઢી / ત્રણ વર્ષનો ખુબ જ રમતિયાળ અને તોફાની, બોલકો ય જબરો...!
ભાઈને એ વખતે થોડી ગેસની તકલીફ હતી, થાય જ ને... બટેટા સિવાય કોઈ શાક ભાવે જ નહીં, રોજ એના માટે એ જ શાક બનાવવાનું. ભાભી તો બિચારા થાકી જ રહે, ભાઈ માટે બટેટા, અમારા સૌ માટે રોજ અલગ અલગ લીલા શાકભાજી, શુભ માટે ય અલગ (એ રાજકુમાર જે કહે તે બનાવવાનું... અને પાછા અમને (મને અને યોગીને) તો કાંઈ કામ કરવા જ ન દે, કહે કે "દીદી તમે તમારા ઘરે તો કરતાં જ હો છો, અહીં તો આરામ કરો...!"
એકવાર રાત્રે જમીને બધાં મજાક મસ્તી કરતાં બેઠા હતાં, ભાઈને ગેસની તકલીફ રહેતી હતી, એનો ત્રાસ અમારે સહન કરવો પડતો હતો. ભાઈ હવા પ્રદુષિત કરતો રહેતો, પણ એ પ્રદુષણ હવામાં ફેલાય ત્યારે ખબર પડતી.
આમ સાઇલેન્ટલી ફેલાતા આ પ્રદુષણમાં આજે મ્યુઝિક પણ ભળ્યું. અવાજ સાંભળતા જ શુભ બોલ્યો "આ અવાજ ક્યાંથી આવ્યો ? શેનો અવાજ છે આ ?" શુભને શું જવાબ આપવો એ અમને કાંઈ સમજાયું નહિ કારણ અમે સૌ પ્રદુષણથી બચવાં મોઢા આડા હાથ રાખ્યા હતાં અને હસી પણ રહ્યા હતાં.
શુભનાં સવાલ બંધ નોહતા થતાં, એટલે ભાઈએ જવાબ આપ્યો... "આ તો એલાર્મ વાગ્યો." શુભ :- "શેનો એલાર્મ પપ્પા ?" ભાઈ કહે " મારાં સુવાનો ટાઈમ થયો એનો એલાર્મ...!" શુભ કહે "પપ્પા મારે આવો એલાર્મ કેમ નથી વાગતો ?"
બાપ દીકરાની આ વાતો સાંભળીને ઘરમાં અમે બધાં તો હસી હસીને બેવડ વળી ગયા.
આજે પણ એલાર્મ શબ્દ સાંભળું તો આ વાત યાદ આવી જાય છે અને હું હસી પડું છું, જો કે આજે હવે ભાઈને ગેસની તકલીફ નથી, પણ આ એલાર્મ શબ્દ હજી બધાને યાદ છે.