વહુની વાર્તા - 1
વહુની વાર્તા - 1
સમાજમાં અનેક રીતરીવાજો કરવામાં આવે છે. આ રીતરીવાજો માનવને માનવની નજીક લાવવામાં મદદ કરે છે. કંચનબહેને જ્યારે પોતાના દીકરા રવિની સગાઈ મંજુલાબહેનની દીકરી સુવર્ણા સાથે કરી ત્યારથી જ કંચનબહેન પોતાની વહુના ખૂબ વખાણ કરતા અને વાર-તહેવારે સુવર્ણાને પોતાને ઘેર તેડી આવતા તેમજ ઘરની રસોઈ તથા ઘરની રૂઢીનુ પ્રાથમિક જ્ઞાન આપતા અને કહેતા ઘરની સાફ-સફાઈ, બારી-દરવાજાને ઝાટકવું, સંજવારી-પોતાં-કચરા-વાસણ વગેરે બાબત ખૂબ જ ઝીણવટથી માર્ગદર્શન આપતા રહે ને સુવર્ણા પણ ખુશ હતી કે મને પતિ તો સરસ અને મળતાવળો મળ્યો છે, પણ સાસુયે ખૂબ જ માયાળુ અને વહેવારુ મળેલ છે. એક યુવતીનું સ્વપ્ન આનાથી વિશેષ શું હોઈ શકે !
જ્યારે સુવર્ણા સાસરેથી પાછી આવતી ત્યારે મંજુલાબહેન તેને પોતાને ત્યાં ફાવી જશે, પોતાનું શું થશે, ઘરના બધા કેવા છે વગેરે વગેરે સવાલો પૂછતાં. સુવર્ણા તેને ખૂબ જ સંતોષથી જવાબ આપતી, મા મને લાગે છે ત્યાં મને ફાવી જશે. તું નાહકની ચિંતા કરે છે. મારા સાસુ બીજાની માફક નથી. તે ખૂબ જ ભોળા છે. તે મને હાલમાં દીકરી તરીકે જ રાખે છે. જે બે-ચાર દિવસ હું ત્યાં રહી છું ત્યાં મને સાંસારિક રૂઢીની વાત કરતા રહે છે. જરાય તોછડાપણું નથી રહેતું. પછી ભવિષ્યનું કયાં વિચારવાનું રહે છે. મારે જ્યાં જવું છે ત્યાં મારે એક નણંદ છે અને તેનાં હજુ લગ્ન થયેલ નથી. તે પણ ખૂબ ભણેલી અને સંસ્કારી છે. તે જે કંઈ ચર્ચા કરે છે તેમાં મને સંતોષ છે. હજી તો હું પરણીને તેના ઘરમાં ગઈ નથી ત્યાં મને ફેમીલી મેમ્બર તરીકેનો દરજ્જો આપી દીધો છે. બધામાં મને વિવેકની શશી જોવા મળે છે. આપણા ઘરમાં તો હો-હો ને દેકારો જ થયા કરે છે. પણ ત્યાં એટલી બધી શાંતિ અનુભવું છું કે એ ઘર માટે જરાય અણછાજતું બોલાય નહિ. તેના દરેક સભ્યો કાળજી રાખે છે. આ ઉપરાંત જેને મારી સાથે પરણવાનું છે તે મારા પતિ પણ મારી સાથે એટલા બધા મીઠા સંબંધોથી વાતો અને ચર્ચા કરે છે કે તેનાથી હું ખૂબ જ પ્રભાવિત થઈ જાઉ છું. એટલે જ મમ્મી મેં તને ફોન કરેલ હતો કે મારે એક દિવસ વધારે રોકાવું છે. મને ખબર છે કે હાલમાં કમૂરતા ચાલતા હોવાથી લગ્નનો સમય નથી. એટલે આપણે લગ્ન માટેની તારીખોમાં ફેરફાર કરવા પડેલ. ચોકકસપણે મને જે અહીં સુવિધા મળે છે તેના કરતા વધુ સુવિધાપાત્ર છે તેવું મને અત્યારથી જ લાગે છે. એટલે જ મમ્મી મારે ખૂબ જ સંયમથી રહેવું પડે છે.
(ક્રમશ:)
