Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Ashuman Sai Yogi Ravaldev

Tragedy Romance Drama


4.8  

Ashuman Sai Yogi Ravaldev

Tragedy Romance Drama


વેર એક પ્રેમ અવરોધ

વેર એક પ્રેમ અવરોધ

7 mins 689 7 mins 689

મેગોના નગરીમાં ત્રણ પેઢીથી ચાલી આવતી વેરની આગને હજુ સુધી કોઈ બુઝાવી શક્યું નહોતું. સિલિયા આ વેરની આગને કારણે પોતાના પ્રેમી તેહરાબ સામે પોતાના પ્રેમની લાગણી પણ બતાવી શકતી નહોતી. હજી તો તેની માતા પેટ્રાના મૃત્યુનો ઘા પણ રુઝાયો નહોતો ત્યાં તો તેના પિતાએ પોતાની માશૂકી પર્ઝો સાથે લગ્ન કરી લીધા.


    પર્ઝો સ્વભાવે સારી પણ સ્વચ્છંદી હતી. તે પોતાની ઇચ્છા મુજબજ લોકો કામ કરે તેમ ઈચ્છતી હતી.તે સિલિયાને અત્યારે તો પોતાના કાળજાના ટુકડા કરતાં પણ અધિક સાચવતી હતી.સિલિયા રાતદિવસ તેહરાબના વિરહમાં એકલી ઝૂરતી હતી. તેના સુવાળા હાથમાં કેવળ પોતાના પ્રેમી સામે પ્રગટ કરવાના વિચારો મુઠ્ઠીઓમાં બંધ હતા.


     તેહરાબ તો મોજ મસ્તીમાં દિવસો વિતાવતો હતો. અત્યારસુધી તેનામાં પ્રેમનો કીડો સળવળ્યો નહોતો. એકવાર તેહરાબ પોતાની મસ્તીમાં સિલિયાના ઘર આગળથી પસાર થયો.તેની નજર રસ્તે પડેલા હિરાજડિત હારમાં પડી. તેને હાથમાં લઇ આજુબાજુ નજર કરી. ત્યાં તો તેની નજર ઉપર ઝરૂખે બેઠેલી સિલિયા પર પડી. સિલિયાના રૂપસૌદર્યને અનિમેષ જોઈ રહ્યો. તેની નજર તેની કામણગારી આંખો પર સ્થિર થઈ. આ લાગની વાટ જોઈને બેઠેલી સિલિયા શરમ સંકોચથી નીચું જોઈ ગઈ.


   તેહરાબને પોતાની પર દૃષ્ટિ પાડવા માટે તેને જાણી જોઈને હાર નાંખ્યો હતો. જરૂખાની અટારીએથી ઉતરીને તે તેહરાબ સામે આવીને ઊભી રહી. બંને જાણે ભવભવના પ્રેમી હોય તેમ સામસામે જોઈ રહ્યા. પિતાના વેરના ડરથી સિલિયાની આંખો પ્રેમ મૂર્છામાંથી જાગી અને તેને હાર માંગ્યો. તેહરાબતો કાંઈપણ સાંભળ્યુજ ન હોય તેમ જોઈ રહ્યો. સિલિયાનો સુવાળો હાથ તેના હાથ પર ફરતાજ તેને વિચારોની દુનિયામાંથી પગલું છોડી વાસ્તવિક દુનિયામાં પગલું માંડ્યું.


   સિલિયા બોલી મારો હાર આપો.તેહરાબે શરત મૂકી કે હાર આપું પણ કાલે સોનપરી કિનારે મળવા આવો તો આપું. સિલિયા એ શરત સ્વીકારી, મળવાનું કહી, આભાર માની મૃગલીની માફક છમ છમીયા કરતી ચાલી ગઈ.


      સોનપરી નદી માનવ માટે પોતાના સોના જેવા નીર વહાવી રહી હતી. સિલિયા તેના કિનારા પર બેસી તેહરાબની વાટ જોઈ રહી હતી.તેહરાબ દૂરથી દેખાયો. નજદીક આવતાંજ બંને એકબીજાને જોઈ રહ્યા. તેહરાબે પોતાની કાવ્યવાણીથી કહ્યું. તમારા અધર જોઈ પ્રેમદેવતાને અંકુર ફૂટ્યા, તમારી વાણી સાંભળી મારું મન ધરાઈ ગયું.હવે તમને મેળવવા સિવાય આ દુનિયામાં કંઈ બાકી રહ્યુ નથી. સિલિયા બોલી હું તમને ઘણા દિવસોથી મળવા માટે તરફડુ છું પણ વેરની જ્વાળાઓ મારા પ્રેમ માર્ગમાં અવરોધરૂપ બની ઊભી રહી છે.


     તેહરાબે કહ્યું તે વેરને તો આપણો પ્રેમ ભૂલાવી દેશે.અરે આપણા પ્રેમરસથી એ વેરને ભીંજવી તે વેરને સુકવી દઈશું. બસ હવે તો કોઈ ચિંતા નથી ને ? બસ એકવાર તારા હોઠોનું ચુંબન આપી દે. બંને એકબીજાના હોઠોનો સ્પર્શ કરી છુટા પડ્યા. આ બંનેનો પ્રેમાલાપ સીલિયાના પિતા ડ્યૂક એફલેકના રાજનો સેનાપતિ જોઈ ગયો. તે ઘણા સમયથી સિલિયાને ચાહતો હતો. પણ,તે ઈરોઝની પ્રેમની લાલસા દબાયેલીજ રહી હતી. ઈરોઝને હવે બરાબરનો લાગ મળતો લાગ્યો. વળી ઈરોઝ પર્ઝોની બહેન કેટનો પુત્તર હતો.ઈરોઝે માસી પર્ઝોને સિલિયા તથા તેહરાબના પ્રેમની વાત કરી. પર્ઝો ઈરોઝનો ઈરાદો જાણતી હતી તેથી કહ્યું. તું નાહકની ચિંતા કરે છે. હું સિલિયાના લગ્ન તારી સાથે જ કરાવીશ. હું આજેજ એફલેકને આની જાણ કરું છું.


     સિલિયા અને તેહરાબના પ્રેમની વાત પર્ઝોના મુખેથી સાંભળી એફલેક રાતો પીળો થઇ ગયો.તેને તુરંતજ સિલિયાને બોલાવી કહ્યું " બેટા સિલિયા હું તારા માટે જીવું છું. અરે આ સંપત્તિ પણ તારી જ છે. આજે તું સાચું બોલજે"તેહરાબ સાથે તારે શું સંબંધ છે? સિલિયા પિતાની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ,તે ડરી ગઈ, પણ, પણ હિંમત રાખી બોલી જેવી રીતે લૈલા અને મજનુ તથા હીર-રાંઝા અને સોહિની મહિવાલ વચ્ચે જે સંબંધ હતો તેવોજ સંબંધ સિલિયા-તેહરાબ વચ્ચે છે. ડ્યૂકે તરત જ તેને રૂમમાં પૂરી દેવાનો હુકમ આપ્યો અને ત્યાંથી પગ પછાડતો ચાલ્યો ગયો.


   ડ્યૂકના ગયા પછી સારું લગાડવા પર્ઝોએ સિલિયાના આંસુ લૂછી તેને હિંમત રાખવા કહ્યું.સિલિયા પ્રપંચી માને વળગી પડી.સિલિયાને માટે હવે મહેલ બહાર નીકળવાનું બંધ થઈ ગયું હતું. પોતાના પ્રેમીના વિરહમાં દુઃખી રહેવા લાગી. તેને ખાવાનું પણ બંધ કરી દીધું હતું.તેના પિતાએ તેને કહ્યું "બેટા સીલિયા તું નહીં ખાય તો હું પણ નહીં ખાવાનો"પણ, સિલિયા ના માની છેવટે તેના પિતાએ કહ્યું તું મારી આબરૂ ધૂળમાં મીલાવી દેવાની થઈ છે. અરે આનાથી ભગવાને મને પુત્રી વિહોણો રાખ્યો હોત તો સારું હતું. તેને કહ્યું આપણે અને તે તેહરાબીયાના નાલાયક બાપ ફ્રેડરિક વચ્ચે વર્ષોથી વેર છે. અને હું એવા નાલાયકના પુત્ર સાથે તારું લગ્ન કરી હું તેને નમવા નથી માંગતો.


     સિલિયાએ કહ્યું શું અમારા પ્રેમથી વર્ષો જૂની આ વેરની આગને નહી મિટાવી શકાય ? અરે આ પ્રેમથી આ વેરની આગને મિટાવવાથી મેગોનાનગરી ઉલ્લાસિત થઈ જશે અરે......

....... પણ સિલિયાની વાતને અધૂરી મૂકી એફલેક ત્યાંથી ચાલ્યો ગયો.


   થોડા દિવસો સુધી ડ્યૂક એફલેક ગમગીન બની રહ્યો.તેને જપ નહોતો થતો.સિલિયા તેહરાબના વિચારો સતત તેના મનમાં ઘુમરાવો લઈ કોરી ખાતા હતા.ત્યાં તો દ્વારપાલની બૂમ પડી "મહારાણી પર્ઝો ડ્યૂકના મહેલે આવી રહ્યા છે".....ડ્યૂક અવાજ સાંભળી ધ્વાર ભણી નજર માંડી પર્ઝોની રાહ જોવા લાગ્યો."મહારાજ, મારા નાથ સિલિયાએ આ બધા શા ધતિંગ માંડ્યા છે ?" ધીરજ ના રહેતા આવતાની સાથે જ પર્ઝોએ પૂછ્યું. ડ્યૂકની આંખો શ્રાવણ ભાદરવાના સલિલથી ભીંજાયેલી હતી. તેનો મોકો સાધી ફરીથી પર્ઝો બોલી "નાથ,તમારી આંખોમાં આંસુ,! અરે આ નાલાયક કુલટાને લીધે મારા નાથની આંખો પહેલીવાર ભીંજાયેલી જોઈ.અરે નાથ, પણ હવે રડે કાંઇ ના થાય. હવે તો.... હવે તો,તમારેજ આનો ફેસલો લાવવો પડશે. શું તમારે સિલિયાને દુશ્મનના ઘરે પરણાવવી છે ? અત્યાર સુધી ચૂપ ઉભેલો ડ્યૂક બોલ્યો ... હવે તો આનો ઉકેલ તુજ લાવી શકે, મારી પર્ઝો તુજ લાવી શકે.! તેમ કહેતાં કહેતાં તો ડ્યૂકની આંખો ફરીથી નીરથી ઉભરાઈ ગઈ.


   આ વાતનો જ લાગ જોતી ઊભી રહેલી પર્ઝોએ કહ્યું."આપણા રાજનો સેનાપતિ અને મારી મોટીબેન કેટનો પુત્ર કોઈપણ વાતમા ક્યાં ઉતરતો છે! મારું માનો તો,અને તમને ખોટું ના લાગે તો,તે આપણી સિલિયા માટે બરાબર છે.પહેલા ડ્યૂક વિચારવા લાગ્યો. પછી બોલ્યો, આવતી કાલે રાત્રે મિજબાનીમાં સિલિયા અને ઈરોઝની સગાઇ નક્કી." આમ કહી ડ્યૂક બોલતો બંધ થતાંજ પર્ઝો આવી હતી તેનાથી વધુ ખુશીમાં ચાલી ગઈ.


   અહીં સિલિયાની રાહ જોઇને બેઠેલા તેહરાબનો ઈરોઝ સાથે ભેટો થઈ જતા. બંને સિલિયા ની વાત છંછેડી લડી પડ્યા.તેહરાબ લડવા નહોતો માંગતો પણ ઈરોઝની વધુ પડતી ચાલાકી સામે તેને લડાઈમાં ઝૂકાવ્યું.બંનેની લડાઈ ખૂબ જામી અને પરિણામે બહાદુર તેહરાબ સામે ન જજુમી શકનાર ઈરોઝ ઢળી પડ્યો.તેહરાબ તેની લાશ સામે જુસ્સાભરી નજરે જોઇ રહ્યો.તે ત્યાંથી છટકી ગયો.ઈરોઝના મૃત્યુના સમાચાર સમગ્ર મેગોના નગરીમાં ફેલાઈ ગયા.


    પર્ઝો તો પોતાના ભાણેજના મોતના સમાચાર સાંભળી બેભાન થઈ ગઈ હતી. સિલિયાના કાને વાત નાંખતા ડ્યૂકે કહ્યું "બેટા હજી તું માની જા.જો મેં તને રોકી ન હોત તો તું અત્યારે એક ખૂનીની પત્ની હોત. એટલે કહું છું બેટા તે ખૂનીને તું ભૂલી જા.


   સિલિયા પોતાના તેહરાબ વિશે આવી વાત સાંભળી છંછેડાઈ ગઈ અને બોલી અબુ મારો વફા પ્રેમી ક્યારેય ખૂની ન હોઈ શકે. ફરી પાછો બેટીને સમજાવવામાં નિષ્ફળ ગયેલો ડ્યૂક પગ પછાડતો ચાલ્યો ગયો.


     પર્ઝોની સિલિયાના ઈરોઝ સાથેના લગ્નની વાત તથા ડ્યૂક તરફથી સંમતિ, તથા ડ્યૂકની મિજબાની ગોઠવી સિલિયાની સગાઇ કરવાનો ઇરાદો તે બધી યોજના પર ઈરોઝના મૃત્યુથી પાણી ફરી વળ્યું.


   પર્ઝો ભાનમાં આવતાની સાથે જ સિલિયા પાસે દોડી ગઈ "તારા પ્રેમીએ મારા પુત્ર સમાન ઈરોઝનું કાસળ કાઢી નાખ્યું.ડ્યૂક પણ ત્યાં આવી પહોંચ્યા. તેમણે પણ આ સાંભળ્યું તો ફરીથી પર્ઝો બોલી સિલિયા સાથે લગ્ન કરવા માટેજ તેહરાબે પોતાના પ્રેમ વચ્ચે કાંટા સમાન લાગતા મારા ઈરોઝનું કાસળ કાઢી નાંખ્યુ છે.ડ્યૂક ભણી નજર માંડી પર્ઝોએ પોતાની વાત પૂરી કરી.


  બેટા તારી માની વાત સાચી છે તે કજાત પોતાને ના સાચવી શકનાર તને શો સાચવવાનો હતો? પરંતુ ફરી પાછી પોતાની પ્રેમી સાથે લગ્ન કરવાના ઇરાદા સાથે મક્કમ રહેનાર સિલિયાની ફરી પાછી તેની તે જ વાત સાંભળી ફરી પાછો સમજાવવામાં નિષ્ફળ ગયેલો ડ્યૂક ફરી પાછો પોતાના ગુસ્સા માં જતો રહ્યો.


   હવે તો આ બધી વાતમાં પર્ઝોને જરા પણ રસ ન હતો. તે જે ઈચ્છતી હતી તેમાં નિષ્ફળ ગઈ હતી કારણ કે તે ઈરોઝનું લગ્ન સિલિયા સાથે કરાવવા માગતી હતી પણ ઈરોઝ ખુદાને પ્યાર થઇ ગયો હતો તેથી પોતાના ઈરાદામાં નિષ્ફળ ગયેલી પર્ઝોને હવે સિલિયા તેહરાબ ના પ્રેમ વચ્ચે અવરોધ બનાવવામાં પણ રસ ન હતો.પણ તે ઈરોઝના મોતનો બદલો લેવા માંગતી હતી.


   હવે ડ્યૂક પણ આ વાતને વાગોળતો રહેતો હતો તે હમણાંથી વિચારોમાં જ ડૂબેલો રહેતો હતો તેને એક વિચાર આવ્યો અને વિચાર આવતાંની સાથે જ સિલિયા પાસે ગયો અને તેને પોતાની સિલિયા કરતાં પોતાની આબરૂ વધારે પ્યારી હતી. તેને સિલિયાને કહ્યું "બેટા સિલિયા હું તારી અને તેહરાબની સગાઈની વાત માટે રાજી છું પણ.... પણ, એક શરત.


   પિતાની આમ,અચાનક "હા" સાભળી સિલિયા તો અવાક થઇ ગઈ. તેને પલભર તો લાગ્યું કે સપનું જોઇ રહી છે. પણ, ના આતો સાચી વાત લાગી.તે અધીરાઈથી બોલી" અબ્બુ હું તમારી જેટલી પણ શરતો હોય તે બધી મંજૂર રાખીશ.અને તે બોલી ઝટ બોલો અબ્બુ તમારી શરત ઝટ બોલો.


 "બેટા પહેલાં ગ્લાસવાળુ દૂધ પીજા એટલી જ મારી શરત છે કારણ કે દૂધ પીવું એ સારા શુકન છે અને દૂધથી અમી રહે છે એટલા માટે." આટલું કહેતા કહેતા તો ડ્યૂક રડી પડયો. પરંતુ તે મનથી રડયો હતો. આંખમાં અશ્ક દેખાવા નોતા દીધા.


    પિતાની શરતને તરત મંજૂરી આપી વિષથી ભરેલો દૂધનો ગ્લાસ પી. ગ્લાસ મુક્યો ના મુક્યો અને સિલિયા સોનપરી નદી તરફ દોટ મુકી ચાલી ગઈ. ડ્યૂક એને જતી જોઈ રહી મનથી રડેલો તે હવે આંખોના અશ્કથી રડી પડયો.અને પોતાના પેટમાં કટારી ખૂંપી દીધી હતી. ડ્યૂક ત્યાંજ ઢળી પડ્યો. રાજમા હાહાકાર મચી ગયો. તકસાધુ પર્ઝોએ આ બનાવ નો લાભ લઇ જુઠી અફવા ફેલાવી કે સિલિયા પિતાનું કાસળ કાઢી પોતાના પ્રેમી તેહરાબ પાસે જતી રહી.


   આ બાજુ સિલિયાને આવતી જોઈ તેહરાબ ખુશ ખુશ થઈ ગયો પણ સિલિયા પોતાની બાહોમાં આવી તે સાથેજ તેના મો માં ફીણ આવી ગયું.તે જોઈ તેહરાબ ગભરાઈ ગયો.દૂરથી ડ્યૂકના સૈનિકો આવતા દેખાયા.


    "મારા પિતાએ દગો દીધો. મારા પ્રેમમાં ફરેબ રચી." આઇ લવ યુ તેહરાબ ..એટલું કહેતાંની સાથેજ સિલિયા તેહરાબની બહોમા ઢળી પડી.ડ્યૂકના સૈનિકો હજી દૂર હતા. તેહરાબ પણ સિલિયાના મો પર આવેલુ ફીણ પી ગયો અને થોડીવારમાં મૃત્યુના દેવ યમને શરણ થયો.

    ડ્યૂકના સૈનિકો આવી પહોંચ્યા તેમણે જોયું બે પ્રેમીઓ એકબીજા પર મોતની બિછાની પાથરી હંમેશને માટે આ ફાની દુનિયાને વિદાય આપતા સુઈ ગયા હતા. મહેલમાં પડેલા ઝેરી દુધના ગ્લાસ તથા સિલિયાના મોં પરના ફીણ પરથી બધાને હકીકત સમજાઈ અને આ પ્રેમીઓની પ્રેમ અવરોધરૂપ એ ડ્યૂકની કબર પણ તે બંનેની કબર વચ્ચે બનાવી ઉપર લખ્યું...

 "પ્રેમ અવરોધ,વેર એક પ્રેમ અવરોધ"


Rate this content
Log in

More gujarati story from Ashuman Sai Yogi Ravaldev

Similar gujarati story from Tragedy