દેવલી ભાગ ૨
દેવલી ભાગ ૨
લગ્નની પ્રથમરાત્રીના શમણાં જોતો કાનજી રડી રડીને સાવ નીતરાઈ ગયો હતો. મોયરાનાં મીંઢળ લાલ રંગથી શોણિતને ધ્રુજવી રહ્યા હતા. ચારેકોરનો ઉમંગ ને ઉત્સાહ માતમમાં પથરાઇ ગયો હતો. માંડવાની ઝૂલ ફર–ફરતી ભેંકાર ભાસતી હતી. પરોઢનો સૂરજ ત્રાહિમામ થઈને ઉગ્યો હોય તેમ આગ ઝરતા કિરણો નાખી રહ્યો હતો. પુરષોતમની પાઘડી લોહીથી ખરડાઈને દીકરીના શોણિતને કાળું ડીબાંગ દેખાડતી હતી. મા વિના ઉછરીને મોટી કરેલી અને પરણાવવાના કોડ જોયેલા; અરે હજુ ગઈકાલે સાંજનાજ દીકરીને પીરસતી જોઈને પુરષોતમની આંખો ભીની થઇ ગઈ હતી અને એક જવાબદારી સમુસુતરી પાર પડે અને પોતાના અભરખા દેવલીને સારા ઘરની પણીહારણ બનાવવાના પુરા થશે.આવતી કાલે તે વિચારો માત્રથી તે કેટલો હરખના આંસુડાથી પલળ્યો હતો. દીકરીને સાપનો ભારો કે પારકાની થાપણ માન્ય વિના પોતાનું કાળજું સોનાનું છે તેને સાચવવું અને સારા સંસ્કારોની મૂડી આપવી પોતાની ફરજ માનીને દેવલીના સઘળા કોડ પુરા કર્યા હતા. મોટી કરતા પણ દેવલી પોતાને બહુ વહાલી હતી અને આજે તે કોડથી મઢેલી ખાંપણ નીચે હસતા ચહેરે સુતી હતી. હદયનો ટુકડો આજ ફાટી ગયો હતો. સાચેજ કાળજાનો કટકો ગાઠથીજ નહિ આયખામાંથી છુટી ગયો હતો.
કાનજી બાવરો બનીને ખૂણાને તું ટૂંટિયું વાળીને ભીંજવતો હતો. ચારેકોર હાહાકાર મચી ગયો હતો. મરણ કઈ બંને પરિવાર માટે કે ગામ માટે પહેલું વહેલું નહોતું. પણ,આટલું ભયાનક, હૃદય ધ્રુજવી દે ને કાળજું ફાડી નાંખે તેવું આખા પંથકમાં પહેલું હતું. લીલા તોરણ ભેંકાર રડતા હતા. દુર સીમમાં ધોરા દહાડે શિયાળયુંઓ રાડ પડાવે તેવી રોતી હતી. અમંગળ એંધાણ થઈ ગયું હતું છતાં તેનો ભેંકાર આખા ગામ માટે વરસતો હતો. ઘુવડ ક્યાંક રડી રહ્યું હતું ને ચીબડી ગામની પીઠ પાછળ ભેંકાર નાંખતી ચીખતી હતી. પીઠ પાછળ હજુ આ ગામને જાણે કેટલાય ઘવ થવાના હોય તેના અમંગળ એંધાણ વર્તાતા હતા. આખું ગામ મૂંગું મૂંગું રડતું હતું ને આવનારી ગોઝારી ભયાનક રાત્યુંને જાણે પીછાની ગયું હોય તેમ કોઈને કઈ પણ કોઈ કેહવા તૈયાર નહોતું. વીતી ગયેલી ભીષણ રાત્રીનાં ઓછાયા હજુયે સવાર પર મંડરાતા હતા. આકાશમાં વાદળો ઘોર અંધાર પાથરીને સફેદ રૂની પૂણી જેવા પોતાના દેખાવને ભીષણ દર્શાવી રહ્યાતા. મંદિરોની ઝાલરમાં ગામના કેટલાય માંનેખોનાં આયખાનો આખરી ઘંટારવ પડઘાતો હતો. આરતીની જ્વાળાઓ ભયાનક બનીને ઉંચે ઉંચે આકાશને આંબવા મથી રહી હતી.
આ બધાથી પર એક હદય બીકના ધબકારા ધબકી રહ્યું હતું. ”ના આ શક્યજ નથી. ...સારું છે મને કોઈએ જોયો નથી. પણ,.....પણ, કઈ રીતે દેવલી આમ કમોતે મરી ? કઈ બબડતો હોય તેમ તે બક્યા કરતો હતો. કોઈ ભૂત આબડી ગયું હોય તેમ તે લવારો કરતો હતો. બસ ફરી ફરી ને એજ રટણ કરી રહ્યો હતો.....”નાં આ શક્યજ નથી. સારું છે મને કોઈએ જોયો નથી.પણ, પણ, કઈ અને કેમ કરીને દેવલી આમ કમોતે મરી ? જાણે તે જાણતો હોવાછતાં અજાણ બનીને દુનિયાને ઠાલા સવાલોથી ભરમાઈ રહ્યો હોય તેમ લાગતું હતું. મનમાં કાળા ડિબાંગ વાદળો ધોધમાર ગભરાટ વરસાવી રહ્યા હતા.ચ વીજળીના ચમકારા પેઠે તેની આંખો એકદમ ઝબકી જતી અને વાદળ ગાંગડે તેમ એકદમ જોરથી. .....”હું નથી ગુનેગાર. ..” એમ અચાનક બરાડી ઉઠતો અને સહસા શાંત થઈ જતો.
ચારેકોર ફરતા પંથકમાં પોલીસું મૂકી દીધી હતી. અકલ્પનીય અને કાળજા ઠુંઠવી દે તેવું કંપારી છૂટવી દેતું ભયાનક મોત... નહી... હત્યા.. ના,......,તો આત્મહત્યા થઇ હોય તેવું વાતવરણનાં ગરમાવા પરથી લાગતું હતું. પણ,..પોલીસને ક્યાય પગેરુના કે હત્યા,....આત્મહત્યાના કે મોતના એંધાણ નહોતા મળતા. મૂક ચહેરા ઘણું બોલવા માંગતા હતા પણ, કંપારીથી છૂટતો પરસેવો તેમના હોઠ સીવી દેતો હતો.
કેવી સરસ રૂપાળી ચાંદની રાતના શશી સમું મુખડું હતું. હમણા હસુ હસુ કરતા આછેરું મલકી રહ્યા હોય તેવા મીનપિયાસી અધર, સુહાગનનાં અભરખાથી વિધવા બનેલું કપાળ અને સૂની સેંથી, વાતો કરવા મથી રહેલા ચહેરા પરના એજ તાજા હાવભાવ, લોહીના ટીંપા એમ રેલાઈ રહ્યા હતા જાણે શૈયા સુખથી તન પર પ્રસ્વેદ બિંદુ વળ્યા હોય. એક અણગમતી ભુખ સંતોષાઇને મનની સાચી ભુખ સંતોષવા અતૃપ્ત તરસ્યું રહેલું બદન લાલ ઝાઝમ પર ગાઢ ભયાનકતા પાથરી રહ્યું હતું. જાણે હમણાંજ બોલી પડશે કે...”બાપુ મારે મીંઢળ ક્યારે છોડવાના ? આ માણેક સ્તંભ મને મારા લગ્નની યાદગીરી માટે સાચવી રાખવા આપશોને ? બાપુ જવતર હોમતી વેળાએ ભાઈ પાસેથી હું શું માંગું ? માડી વિનાના બાપુ તમને અને ભાઈને એકલા છોડીને હું કેમ ત્યાં પારકા ઘેર રહી શકીશ ? મારા ગયા પછી તમારા સાંજનું વાળું ને બપોરના રોંઢાનું શું ?' આવા તો કેટલાય સવાલોને લાખેણા લાખો સપનાઓ એકપળમાં ધ્વંસ્ત થયેલા પરષોત્તમ ડોસાની આંખ્યુંમાં તરવળતા હતા.આવા સવાલોની ચુંગાલમાંથી છૂટવા તેને જોરથી 'દેવલી.....' નામનું મોટું ડૂસ્કું રાડ પાડીને નાંખ્યું.
વાતાવરણ ગમગીન, ભેંકાર,ચિત્કારથી ગુંજી ઉઠ્યું. પથ્થર હદય પણ રાડ નાંખી જાય તેવો ડોસાનો આક્રંદ હતો. સવારના કિરણોને ચીરતી તેની પોક રાતના અંધકારને હજારો સવાલ કરી રહી હતી.હેય. ....કાળમુખી રાત બસ તું મારી કાળજાના કતલ માટેજ સર્જાણી હતી. મારા ઘડપણના વાવડ પુછ્નારી આધાર ને ભરખી જતાતાને જરાય લાજ ના આવી ? તું તો દિવસે થાકેલી જિંદગીને ઘડી આરામ આપવા માટે આવનારી શાંતિ છે તો મારી દીકરીની જીંદગીને તારી કાળી પડછાઈઓમાં ઓગાળી દેતા તારું નખ્ખોદ કેમ નાં ગયું ? મીંઢળ મઢ્યા ગળે ટુંપો દેતા કે સુહાગણનાં કોડભરી સૂતી મારી વ્હાલીની આંખો સદાય બંધ કરતા તારી હિમ્મત કેમ ચાલી ?......રે.....દેવલી........ઓં. ....દેવલી......
મનખ માત્રનેજ આ આક્રંદ નહોતું ધ્રુજાવતું ! પણ, સઘળાં વાતાવરણને ચીરતું હતું. અંધારી રાત મુખ ફાડીને દેવલીનો કોળિયો ગળી ગઈ હતી. રાતના ઓળાઓ તેને સવારની પ્રભાત પેહલા ગળચી ગયા હતા.
પણ,......દેવલીની આમ હત્યા કરે કોણ ? મૂક ફરતા હરેક મનેખના મનમાં ભોળી ને ગામને હમણાંજ પોતાનું કરનાર દેવલી માટે ઉભો થતો આ પહેલો સવાલ હતો ! તેને તો કોઈ હારે કંઈ વેર કે કંઈ બોલચાલ પણ કોઈ દિ કોઈના હારે થઇ હોય તેવા વાવડ ક્યાય નહોતા પડઘાયા. હંધાયની નજરમાં તે રમતી હતી પણ, તેના ચારિત્ર્ય અને શાલીનતાની મૂર્તિ આગળ હંધાય પાછા હટી જતા. અને ક્યારેક ખુલ્લા મોઢે તો કોઈનેય નહોતું સાંભળ્યું કે “આ જુવાન દેવલીને પામવા ચાહે છે!”...બસ થોડા દિ પહેલા કાનજીનું પડીકું ગયું ને ગોળ ધાણા ખવાય ત્યારેજ સૌની નજરો મંડાણી કે કાનજી ગામનો લાખેણો ટુકડો હણી ગયો.
સાંજ પડી ગોધણ પાછા વળ્યા પણ કંઈ એંધાણ ના દેખાતા પોલીસે બે ચારનાં નીવેદન નોંધી દેવલીના દેહને પી.એમ. માટે મોકલી આપી. એજ મહેંદી ભરેલા હાથમાં લાલ રંગ ખુબ ભેંકાર ખીલ્યો હતો. કોઈ બોથડ પદાર્થથી તેનું ઢીમ એક પળમાં ઢાળી દીધું હોય તેવું લાગતું હતું. તોય મનને શાંતા ના વળતા ઉપરા છાપરી વીસેક ઘા મોટા ધારદાર છુરાથી બદનના હરેક ભાગ પર કર્યા હોય તે ચોખ્ખું દેખાઈ આવતું હતું. હા,તેનું શિયળ લુંટાઈ ગયું હોય તેમ પણ પાક્કું લાગતું હતું. જીવતી દેવાલીને વશમાં ના કરી શકતા મરેલી દેવલીને હવસથી નરાધમે સાવ ચૂંથી નાંખી હોય તેવું સ્પષ્ટ દેવલીની લાશ પરથી લાગતું હતું. બસ આટલુંજ આયખું હતું દેવલીના આ રૂપાળા દેહનું ? સોળે શણગાર સજેલો ને પરણ્યા પહેલાંની પીઠીથી ચોળેલું પીળું શરીર લાલઘુમ ભાસતું હતું. હોઠની ડાબી બાજુથી ચિત્કારીઓ પાડીને ફાટેલી તરડોમાંથી વહેલી લોહીની ધાર સુકાઈ ગયી હતી. મુલાયમ, કાળા ભમ્મર નાગણી સમા વાળ વેર વિખેર ચૂંથાયેલા ને શોણિત રંગ્યા ડરાવી રહ્યા હતા. ખૂન હતું કે બદલો કે હવસની બેશરમ હદ કે દેવાલીનાજ કોઈ અજુગતા કે અજાણ, અગોચર કર્મોનું ફળ ? તે કોઈ કળી શકતું નહોતું.
પણ,....આ બધા વચ્ચે દેવલીને પી.એમ. માટે લઇ ગયા બાદ ગામ આખાનું મુખ ખુલ્યું હતું. મનેખ માત્ર કોઈ એવો નહોતો જેના મોઢામાં જીભ હોય ! વાત ક્યાંથી આવી ને કોણે કરી તે તો કોઈને ખબર નહોતી. બસ...બધાના મોઢે એક વાત ફરતી હતી...”મેં તો સાંભળ્યું છે કે એ રાતે પરષોત્તમના ઘર ભણી ત્રણ ઓળાઓ રાતના દોઢેક વાગે ગયા હતા અને પાછલા ઝાંપેથી ધીમેથી ઠેકીને પડ્યા હતા. પણ,.. લગનવાળું ઘર હતું એટલે સગા નાતેદાર હશે તેમ માની કોઈએ ધ્યાન નહોતું આપ્યું અને મેં તો એટલે સુધી સાંભળ્યું છે કે તે ત્રણેય દેવલીના....
ક્રમશ:
(આગળનો ભાગ ટૂંક સમયમાં....)