Ashuman Sai Yogi Ravaldev

Inspirational

4.9  

Ashuman Sai Yogi Ravaldev

Inspirational

ઉલટી - પ્રેરણાનું ઝરણું

ઉલટી - પ્રેરણાનું ઝરણું

5 mins
553


'ભાઈ તેને ઉલટી થાય તેનો અફસોસ ના રાખો. ભલે બધા કહે, તમે નાહકના ના ઝઘડશો !'

'પણ, શું તે બધાનાં છોકરાઓ ક્યારેય ઉલટીજ નહીં કરતા હોય ? જાણે તેમને ક્યારેય આ પરિસ્થિતિનો અનુભવ ના થયો હોય તે રીતે બોલે છે. એટલે મારે ઝઘડવું પડે છે અને આટલું બોલવું પડે છે.'(મેં મારી વાત તથા ઝઘડાનું તાત્પર્ય સમજાવતાં મને સલાહ આપનાર બહેન ને કહ્યું)


મારી વાત ચાલતી હતી ત્યારેજ તે બહેન પોતાની મોટી બેગ સમા પર્સમાંથી પોલીથીનનાં બે-ત્રણ ઝભલા કાઢતાં હતા. 'લો,આ રાખો અને બાબાને ઉલટી થાય ત્યારે તેમાં કરાવી દો .(મારી સામે બે ત્રણ ઝભલાવાળો હાથ લંબાવતા તેમને કહ્યું). મેં તે લઈ લીધા અને આભાર માન્યો. અને તે બહેનની આ નવી પહેલ મારા જીવનમાં અમુલ્ય પ્રેરણાનું ઝરણું વહાવી ગઈ.


વાત જાણે એમ હતી કે, આજથી પાંચેક વર્ષ પહેલા હું વિજાપુરથી અમદાવાદ બસમાં નોકરી પર જવા માટે દેવપુરાથી પરત બોટાદ આવવા બેઠ્યો હતો. સાથે થોડાક દિવસ રહેવા માટે તે વખતે ત્રીજા ધોરણમાં ભણતા ભત્રીજા મિલનને પણ સાથે લીધો હતો. તેને બસ ચડતી હતી તે હું ને મારો પરિવાર જાણતા હતા. આથી ઘરેથીજ ભાઈ-ભાભી તથા હંસા(મમ્મી)એ સોપારી, ધાણાદાર, દિલ્લગી વગેરે આપ્યું હતું. લીંબુનું શરબત, ખટ્ટા આમ, વરિયાળી પણ આપ્યા હતા. વિજાપુરથી અમદાવાદ અને અમદાવાદથી બોટાદ આવવાનું હતું. બોટાદથી દૂર સાયલા તાલુકાની શ્રી લાખાવાડ પ્રાથમિક શાળામાં હું આચાર્ય તરીકે નોકરી કરતો હતો. બે વર્ષથી બોટાદ રહેતો હતો. ગામ અને શાળા પણ સારી હતી. ધીમે ધીમે શાળામાં સ્ટાફના સાથ સહકારથી સુધારાની પ્રવૃત્તિને વેગ મળ્યો હતો. શાળામાં પૂરતું મહેકમ નહોતું છતાં અમે બધા હળીમળીને બાળકો વધુમાં વધુ શીખે તે માટે અથાગ મહેનત કરતાં હતાં.


મૂળ વાત કરું તો વિજાપુરથી અમદાવાદની બસમાં હું ને મિલન બેઠ્યા હતાં. આગળ ત્રીજા નંબરની સીટ પર સ્થાન મળતાં ત્યાંજ ગોઠવાઈ ગયા. ખાસી કહી શકાય એવી ભીડ હતી. શાળા-કોલેજ અને નોકરિયાતોથી બસ કીડીયારુ માફક ઉભરાણી હતી. રજાઓની મોજ માણીને નોકરી પર વીલા મોઢે પાછા ફરતાં હતાં. ફરી પાછા વતનથી દૂર થવાની ઉદાસિનતા તેમનાં ચહેરા પર ચાડી ખાતી હતી. સૌ બસમાં સચવાઈ જતા બસએ પોતાની ગતિ પકડી. થોડોક સમય બસ ચાલી હશે ત્યાં તો મિલનને ઉલટી થવાની અસર શરૂ થવા લાગી. તેનાં ચહેરા પર અણછાજતી રેખાઓ ઉપસી આવતા મેં લીંબુ-પાણી પીવડાવ્યું, ધાણાદાળ ખવડાવી તથા મમરાવા માટે સોપારી આપી.


એકાદ-બે કિલોમીટર તો લાગ્યું કે મિલન મોં દબાવીને ઉલટી રોકવાનો પ્રયત્ન કરે છે. અને ઉલટી રોકવી એ શરીરનાં સ્વાસ્થ્ય માટે બહુ હાનિકારક છે તે હું સારી પેઠે સમજતો હતો. મિલન બધાં વચ્ચે ઉલટી થશે તો હું બોલીશ તે ડર રાખીને ઉલટીના આસાર કળાવા નહોતો દેતો. મેં તેનો ડર કાઢવા કહ્યું 'ચિંતા કર્યા વગર બટા ઉલટી આવતી હોય તો કરી દે. ઉલટી રોકી રાખવી શરીર માટે સારું ના કહેવાય.' તેની સમજ આપતા મેં તેને વોમેટ થતી હોય તો કરી દેવા કહ્યું. બારી પાસે તે બેઠો હતો અને મેં તેનો ડર દૂર કરી દીધો આથી ચાલુ બસએજ તેને વોમેટ કરી દીધી. પહેલા તો કોઈ ના બોલ્યું.પણ, સતત બીજીવાર વોમેટ બારી બહાર કરતાં ચાલુ બસના પવનથી તેના છાંટા પાછળની સીટ પર બેઠેલ પર ઉડ્યા. આથી મેં ઉભા થઈને બધાને પોતાની બારી બે ઘડી બંધ કરવા કહ્યું.

મારી વાતો કોઈને ગમી ના હોય તેમ લાગ્યું પણ, ખબર નહીં કેટલાકએ પરાણે બારી બંધ કરી. થોડીવાર તો કોઈ કંઈ ના બોલ્યું પણ, મિલનને ફરીવાર વોમેટ થતા લોકોને ચીતરી આવતી હોય તેવા ભાવથી મોં પર રૂમાલ આડો રાખી બોલ્યા,"પાછલી સીટમાં બેસી જાવો અથવા પાણી ના પીવડાવો, આ કરો, તે કરો વગેરે..વગેરે..


સલાહો દેવાના બહાને સારા દેખાવાનો ઢોંગ કરતા અંદરથી સૂગ રાખીને બેઠેલા તેમની સુફિયાણી સલાહનો મને ખ્યાલ આવી જતાં. થોડીકવારમાંજ હું ગુસ્સે થઈ ગયો અને કહેવા લાગ્યો બાળક છે, તેને થોડી ખબર પડે કે ઉલટી કરાય કે ના કરાય ? અને તે થોડો શોખનો ઉલટી કરે છે. તમારે કોઈ છોકરા નથી કે કોઈએ ક્યારેય વોમેટજ નથી કરી ? .નથી જવાનો પાછળ બેસવા.વોમેટ થાય તેમાં તેનો કંઈ વાંક નથી કે મારી કઈ લાપરવાહી નથી. બારી બંધ કરવી હોય તો કરી દો. કંડકટર પણ મારી વાતમાં સહમત થયા અને કહેવા લાગ્યા. વાંધો નહીં વોમેટ થાય તો ધીમે રહીને માથું બહાર કઢાવીને કરાવજો.

 

આ બધી બબાલ ચાલતી હતી ત્યારે બસ ઊભી રહી હતી. અને એક બહેન પણ ત્યાંથી બેઠા. પાસેની સીટમાં તેમને સ્થાન ગ્રહણ કર્યું. એજ્યુકેટેડ અને વ્હાઇટ કોલરની જોબ કરતા હોય તેવું તેમના પહેરવેશ અને ચહેરાની રોનક પરથી લાગતું હતું. બસ ઉપડી પણ મારો બડબડાટ આછો-આછો ચાલુજ હતો અને પાછળ પણ કોઈક કચવાતા મનથી અંદરોઅંદર મારી જ વાત કરે જતા હતા અને મને તે બધાની સલાહ નીકળી અસરના થતાં તેઓ અંદરો-અંદરજ એકબીજાને સલાહ આપીને મનોમન સંતોષ લેતા હતા.


આ બધી વાતનો ખ્યાલ થોડા સમયમાં મિલનએ ફરી વોમેટ કરી ત્યારે તે બહેનને ખ્યાલ આવી ગયો. અને તેમણે મને સારી રીતે વાતચીત કરી અને પોતાના પર્સમાંથી બે-ત્રણ ઝભલા આપીને કહ્યું, 'લો,આ રાખો અને બાબાને ઉલટી થાય ત્યારે એમાં કરાવી દો.'


મેં ઝભલા લઈ લીધા અને પછી તેમાંજ મિલનને ઉલટી કરાવીને રસ્તે ફેંકી દેતો. અને તેમને સલાહ આપી તે મને સુફિયાણી નહીં પણ,પરંતુ પ્રેરણાનું ઝરણું લાગી. તેમને કહ્યું ભાઈ હું હંમેશાં સાથે આવા ઝભલા અને ચોકલેટો વગેરે રાખું છું અને આવી તકલીફ હોય ત્યારે તેમને આપું છું અને તમને પણ કહું છું કે તમારે પણ સાથે હવે રાખવાની તો ક્યારેક તમને અને બીજાને પણ કામ આવે. અને તેમની આ સલાહ મારા જીવનમાં પ્રેરણાનું ઝરણું બની ગઈ.


બીજા દિવસે શાળામાં આવીને મેં મારા બાળકોને આ પ્રસંગ કહ્યો. અને મારી ભૂલ તથા મળેલ પ્રેરણાનું આબેહૂબ વર્ણન કરીને તેમનામાં પણ સારી સલાહનું પ્રેરણાનું ઝરણું વહાવ્યું. અને ત્યારબાદથી અત્યાર હાલ પણ હું મુસાફરી પર કે ટૂર કરતી વખતે હર વખતે ઝભલા પહેલાં મૂકુ છું અને અન્ય સામાન લઈને તે અમૂલ્ય પ્રેરણાનું અમૂલ્ય જ્ઞાન આપનાર અજાણ્યા બહેનને મનોમન વંદન કરું છું.

 

એક અજાણ્યું મુસાફર સંત બની ગયું,

 સાચી સલાહથી વંદનીય થઈને ગયું;

 પ્રેરણાનું ઝરણું સદાય માટે વહાવી ગયું,

 નાનીસી વાતમાં અમૂલ્ય જ્ઞાન દઇ ગયું.


બસ તમને પણ આ મારી વાર્તાથી અને મારા પ્રેરક પ્રસંગથી પ્રેરણા મળે તેવી આશા રાખું છું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational