Lalit Parikh

Drama Fantasy Thriller

3  

Lalit Parikh

Drama Fantasy Thriller

વૈકુંઠવિહારી

વૈકુંઠવિહારી

6 mins
7.9K



“તમે એકલા પડી ગયા તેમાં અમારો કાંઇ વાંક ખરો? મમ્મીને સ્ટ્રોક આવ્યો અને હોસ્પિટલ લઇ ગયા એટલી વારમાં તો સ્ટ્રોક પાવરફુલ હોવાથી તેઓ ગુજરી ગયા તેમાં અમારું કે તમારું કે ડોકટરોનું શું ચાલે? લાઈફ હેઝ ટુ ગો ઓન”. એકલો પડી ગયો એકલો પડી ગયો” ના ગીતડાં ગાવાથી એ પાછા તો ક્યારેય નથી જ આવવાના. આજે તો હવે પૂરો એક મહિનો પણ થઇ ગયો. કામ કરતા રહો અને ભૂલતા જાઓ. ભૂલવામાં જ સાર છે.” પોતાની કોફીનું પાણી તૈયાર કરી ઝટપટ, જલ્દી જલ્દી માયક્રોવેવમાં મૂકતા ડોક્ટર પુત્રવધૂ બોલી. વહુને સામે જોતા રહી, નિમાણા થઇ, નિરુત્તર બની, મોઢું વકાસી, ભીની આંખો ઝુકાવી, ડાહ્યાભાઈ માથું હલાવતા રહ્યા. તેમને ક્ષણભર માટે તો એવું લાગ્યું કે જ વહુએ તેમને જ માયક્રોવેવમાં મૂકી દીધા હોય. મનમાં ગરમ થઇ જવાય છતાંય બહારથી નરમ રહી તેઓ સંવાદો સાંભળતા રહ્યા. હવે તો સાંભળવાનું પાનું જ હાથમાં રહ્યું. હવે ડોક્ટર પુત્રે પણ ઠાવકાઈથી, ઔપચારિક સંવાદનું પાનું ઉતરતા કહ્યું: "અકસ્માત વગર તો સાથે સાથે કોઈ દંપતિ મરે તેવું ન બન્યું છે, કે ન બની શકે છે કે ન ક્યારેય બનશે પણ ખરું. જયારે પણ જે કંઈ થાય-આવે તે સ્વીકારે જ છૂટકો. હરિ ઈચ્છા બલીયસિ! મરનારની પાછળ ગાંડા તો થોડું જ થવાય છે? અને તે ય બાપુજી, તમે ડાહ્યાભાઈ થઈને?”

“ચાલો ત્યારે, અમારે તો સવારે એલાર્મ વાગતા જ જેમ તેમ નિત્ય કર્મ પતાવી, તરત જ, કોફી પણ હાથમાં પકડી, હોસ્પિટલની ડ્યુટી પર દોડ્યા સિવાય છૂટકો જ કયાં છે? આજે તો અમને બેઉને પોતપોતાની હોસ્પિટલમાં કૉલ છે. કાલે મળીશું.

લંચ-ડિનરના ડબ્બા ફ્રિજમાં તૈયાર જ પડ્યા છે. ગરમ કરીને જમી લેજો. હવે તો તમારે અમારી જેમ લેફ્ટઓવર ખાવાને ટેવાઈ જ જવું રહ્યું” પુત્રવધૂ ગરાજ તરફ જતી દાઢમાં બોલી. પુત્ર તો પોતાની કારમાં રવાના થઇ ગયાનો અવાજ સંભળાઈ ચૂક્યો હતો. એ અવાજના જ પડઘા જેવો બીજો અવાજ પણ સંભળાયો અને બંધ થઇ રહેલ ગરાજની ઘરઘરાટી વચ્ચે મૃત પત્નીનો હવે ક્યારેય ન સંભળાવાનો મીઠો મૃદુ પોકાર સ્મૃતિના વાયરલેસ સહારે સંભળાયો: "ચાલો ચાલો, ચા તૈયાર છે.”

હવે ન તો એ પોકાર ક્યારેય સંભળાવાનો કે ન એ મનગમતી ચા ક્યારેય પીવા મળવાની. સાથ-સંગાથ વગરનું એકલવાયું જીવન તો હવે ખાંડ વગરની ચા જેવું ફિક્કું ફસ અને મોળું મોળું લાગી રહ્યું હતું. એકલા અટૂલા થઇ ગયેલા ડાહ્યાભાઈ ગાંડા નહિ તો ગાંડા જેવા તો થઇ જ ગયા હતા. રાત દિવસ પત્ની, શાંતિને જ યાદ કર્યા કરે, નિંદરમાં પણ તેના જ સપના જોયા કરે. "પહોંચી જાઉં તેની પાસે”? -એવા એવા જ વિચારો કર્યા કરે. ઝબકીને જાગે તો “પાણી લાવ….શાંતિ…. ઝટ પાણી લાવ…….લોકો પરબ બાંધે છે. પાણી પા જલ્દી….” -એવો લવારો પણ જૂની આદત પ્રમાણે કરવા લાગે. પછી તો પોતે જ હવે તો એકલવાયા જ જીવનયાત્રા કરવાની છે એ સત્ય આગના ભડકાની જેમ, ફ્યુનરલની ચિતામાં બળી ગયેલી પત્ની શાંતિના અંતિમ દર્શનના દીદારની જેમ દેખાયા કરે. પરણ્યાના પચાસ પચાસ વર્ષો સુધી જેની સતત ચાહ મળતી રહી, જેના હાથની કડક મીઠી ચા મળતી રહી, ગરમ ગરમ ઘી નીતરતી રોટલી જમવા મળતી રહી, અમૃત જેવા ભાવતા ભોજન મન ભરીને પેટ ભરીને ખાવા -માણવા મળતા રહ્યા એ વહાલી જીવનસંગિની શાંતિ વગરનું એકલવાયું જીવન, ડરામણા- બીહામણા વન જેવું લાગવા માંડી રહ્યું હતું. હલેસા વિનાની, સઢ વગરની, દિશા વગર વહેતી નૌકા હવે તો આ ભવસાગરમાં આમ જ ભટકાયા અથડાયા કરવાની કે બીજું કાંઈ? અને આ પાછલી ઉમરે અમૃત મહોત્સવ ઉજવી લીધા પછી તો અજાણ્યા હલેસાનો સહારો શોધવો એ તો અંધારામાં સોય શોધવા બરાબર જ કહેવાય એ સત્ય પણ ડાહ્યાભાઈ બરાબર સમજતા જ હતા. છતાં ય સહયાત્રી વગરની જીવનયાત્રામાં ક્યાં સુધી અટવાતા રહેવું એ જ તેમની સમજમાં નહોતું આવતું. એકના એક પુત્રનો અતડો થતો જતો સ્વભાવ અને તેની જોરાતી પત્નીનો અકારણ જ અને જોબના ટેન્શન વચ્ચે હાલતા ચાલતા મગજનો ચડી જતો પારો, અત્યાર સુધી તો શાંત સ્વભાવની પત્ની શાંતિના સથવારે પોતે સહી લેતા રહયા; પણ હવે પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા માટે, કાયમી પરધીનાતાના બંધનમાંથી મુક્તિ મેળવવા માટે તેઓ આકુળ -વ્યાકુળ થવા લાગી રહ્યા હતા. પત્ની જતા જ ઝેર જેવું લેફ્ટઓવર ખાવાના કે મંગાવેલા પીઝા-ટાકો કે સબવે -સેન્ડવિચ ખાવાના દિવસો શરૂ થઇ જતા, તેઓ મનથી રડતા અને તનથી ત્રસ્ત ત્રસ્ત જીવન જીવવા લાગી ગયા હતા. પત્ની શાંતિના અસ્થિ પધરાવવાના ઓઠા હેઠળ એ, આ સ્વર્ગ સમાન ગણાતા-મનાતા પણ પોતા દ્વારા તો કાયમ વૈતરણીમાં વૈતરા કરવા જેવા અમેરિકાથી ભાગવા-નાસવા માટે અધીર-ઉતાવળા થઇ રહ્યા હતા. માયક્રોવેવની ચા ભાવે નહિ અને ચા પીવાનો મતલબ થતો- ચાનું વાસણ, સાણસી, અદરખ છીણવાની છીણી, કપ રકાબી ઈત્યાદિ ધોઈ કરી ડિશવોશરમાં મૂકવા. એ પહેલા આખું ડિશવોશર ખાલી કરવું એ તો શાંતિ જતાં તેનું રોજ બરોજનું વૈતરું થઇ જ ગયું હતું. ભારતમાં તો પાણી નો પ્યાલો પણ હાથે પીધેલો નહિ. પોતાની થાળી પણ ઊંચકેલી નહિ એટલે ડિશવોશર, લોન્ડ્રી, વેક્યુમ, પોતાના કપડાની ગડી કરવી -ઈસ્ત્રી કરવી એ બધું ગધાવૈતરુ તેમના માટે તો ત્રાસરૂપ જ બની જવા લાગી રહ્યું હતું. તેમના જેવા લેખક અને કવિ માટે તો આ બધું કામ કેવળ -માત્ર અસર્જનાત્મક પ્રવૃત્તિ જ હતી. વોકિંગ કરતા ટોકિંગમાં જ મઝા માણનારને તો હવે ડોગ-વોકિંગમાં પણ જવું પડવા માંડી ગયું હતું. ગાર્બેજના ડબ્બાઓ દર અઠવાડિયે મૂકવા-ઉપાડવાનું અણગમતું કામ કરતા કરતા એ પોતાને જ ગાર્બેજ જેવો અનુભવતો થવા લાગી ગયો હતો. તેણે ક્યાંક કોઈ સીનિયર સિટિઝન પાસે સાંભળેલું કે આ દેશમાં તો દેશમાંથી આવેલ વડીલો પણ ગાર્બેજ જ ગણાય.

તેણે મનમાં દૃઢ નિશ્ચય કરી લીધો કે આના કરતા તો ભારતમાં જ કોઈ સારા સીનિયર લિવિંગ રિસોર્ટ જેવા સ્થળે જ કાયમ માટે રહી જવું અને તન-મનની આઝાદી સો ટકા એન્જોય કરવી.

આ છેલ્લા ઢળતા દાયકામાં કોઈ સાથીદાર, લિવિંગ રિલેશન માટે નસીબે મળી જાય તો ય શાંતિ જેવી શાંતિ અને સુખ આપે એવી બીજી તો હવે કોઈ કાળે ન મળે તે ન જ મળે એ સત્ય પણ તેઓ બરાબર સમજતા હતા. નક્કી થયેલી તારીખે અમેરિકાને છેલ્લા સલામ કરી, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાસેથી આઝાદીનો સંદેશ-આદેશ લઇ જે.એફ.કે એરપોર્ટ પરથી એ રવાના થયા. પુત્ર-પુત્રવધૂએ તેને એરપોર્ટર બસમાં રવાના કરી દીધેલા એટલે એ તો બસમાં બેઠા ત્યારથી જ એરોપ્લેનમાં બેસી ગયાનો અનુભવ કરતા મનોમન ભારત તરફ સ્વતંત્રતાનો આનંદદાયક શ્વાસ લેતો, આઝાદીનો સાચો એહસાસ કરતો ખુશખુશાલ મૂડમાં અત્યાર સુધી શાંતિ સાથે જ કરેલી યાત્રાઓની સ્મરણયાત્રાઓમાં ખોવાઈ જવા લાગ્યા.

બોર્ડિંગ પાસ લઇ, ચેક ઇન કરી, સેક્યુરીટીમાંથી પસાર થઇ દરેક સ્ટેજે હરખાતા હરખાતા એ બોર્ડિંગનું એનાઉન્સમેંટ થતા જ લાઈનમાં જોડાઈ એરોબ્રિજ પાર કરી પ્લેનમાં પ્રવેશ્યા. પોતાની સીટ પર બેસવા જતા હતા કે કોણ જાણે કેમ તેમને કમરમાં કેચ આવી ગયો હોય તેમ લાગ્યું અને તેઓ બેસવાને બદલે સીટની બાજુના પેસેજમાં ગબડી પડ્યા. દોડીને એર હોસ્ટેસ આવી અને તેમને ઊભા કરી, સાચવીને સીટ પર બેસાડી તેમને એક્સ્ટ્રા પિલ્લો આપી, પેઈન કિલરની ગોળી આપી, જ્યુસનો ગ્લાસ આપી, શાલ ઓઢાડીને બીજા પેસેન્જરોની સેવામાં લાગી ગઈ. તેણે એરહોસ્ટેસ તરફ જોયું તો એ ઠીક ઠીક પ્રૌઢ જેવી લાગી અને તેના ચહેરા પર શાંતિ જેવું જ સ્મિત અને આંખોમાં સહાનુભૂતિની ઝલક દેખાવા લાગી. મુંબઈ સુધીની યાત્રામાં આ એરહોસ્ટેસે તેની જે રીતે સ્પેશ્યલ દેખભાલ કરી, તેની કમર પર પેઈન કિલર સ્પ્રે પણ બે ત્રણ વાર છાંટી ગઈ તે જોઈ તે ગળગળો થઇ ગયો. લાગણીસભર થઇ તેનો હાથ પકડીને તેને “થેન્ક્સ એ લોટ” કહ્યું તો “મોસ્ટ વેલકમ” કહી તેણે થોડી વાર પછી ફર્સ્ટ ક્લાસની એર હોસ્ટેસ સાથે વાતચીત કરી ડાહ્યાભાઈને સ્પેશ્યલ કેસ તરીકે ઈકોનમી ક્લાસમાંથી ફર્સ્ટ ક્લાસમાં લઇ જઈ આરામથી બેસાડ્યા -સૂવડાવ્યા. તેઓ હવે આંખોથી જ આભાર પ્રદર્શન કરતા રહ્યા.

વારંવાર આવતી રહી એ “હાઉ આર યુ ફિલિંગ નાવ?”એમ પૂછતી રહી. શાંતિના અને એ એરહોસ્ટેસની સરખામણી કરતા ડાહ્યાભાઈ ફર્સ્ટ ક્લાસની બેડ જેવી સીટ પર સૂઈ ગયા તો ઊંઘ

પણ સરસ આવી ગઈ અને સપનાઓ પણ સરસ મઝેદાર આવતા રહ્યા.

સવારે ચા આવી-એ એરહોસ્ટેસ લાવી તો તેને શાંતિની યાદ આવી ગઈ. તેણે હવે ઠીક લાગતા તે એરહોસ્ટેસનું નામ પૂછ્યું તો જવાબમાં તેણે ‘શાંતિ’ કહેતા એ યોગનુયોગથી તેઓ પ્રસન્ન -પુલકિત થઇ ગયા. સાહસ કરી પોતાની રામકહાણી સંભળાવી અને તેના હાલચાલ પૂછ્યા તો જાણવા મળ્યું કે શાંતિનું પોતાનું કોઈ જ નથી અને મુંબઈમાં વાય.ડબલ્યુ.સી.એ માં રહે છે અને હવે રીટાયર થવાની તૈયારીમાં હોવાથી આ તેની લગભગ છેલ્લી જ હવાઈ યાત્રા છે.

“મારી પણ આ છેલ્લી જ યાત્રા છે અને મને નિવૃત્ત પ્રોફેસર તરીકે પોણો લાખ રૂપિયા પેન્શન તરીકે મળે છે અને મારો બે બેડરૂમનો ફ્લેટ પણ વાલેશ્વર માં ‘વૈકુંઠ’માં છે. પહેલા વિચારતો રહ્યો કે અમદાવાદ કે વડોદરા જઈ કોઈ સીનિયર લિવિંગ રિસોર્ટ જેવા સ્થળે રહી શાંતિભર્યું સ્વતંત્ર જીવન વીતાવીશ. પણ હવે લાગે છે કે કોઈ સહયાત્રી મળી જાય -તમારા જેવી તો -એક બીજાનો સહારો બની, સાચો સાથસથવારો મેળવી જીવન, આનંદપૂર્વક, આઝાદી સાથે શાંતિમય વિતાવી શકાય, માણી શકાય.”

નિવૃત્ત થનારી, એકલી અટૂલી રહેતી એરહોસ્ટેસ શાંતિને ને પણ કોણ જાણે કેમ ડાહ્યાભાઈનો આ પ્રેમભર્યો સીધો સરળ ભલોભોળો પ્રસ્તાવ ગમી ગયો અને મુંબઈ પહોંચી બેઉ એકથી વધુ વાર મળી, અંતે પોતાની જીવન- યાત્રાના સહયાત્રી બની સુખી સુખી થઇ ગયા, ધન્ય ધન્ય થઇ ગયા, કૃતકૃતાર્થ થઇ ગયા. પોતાની શાંતિ ફરી મળી ગઈ હોય, જીવનની શાંતિ પણ ફરી પાછી મળી ગઈ હોય એમ આ નવી સહયાત્રી શાંતિના સંગાથે જીવન યાત્રા સુખમય, મંગલમય અને આનંદમય બની ગઈ. જીવતે જીવ બેઉ સહયાત્રીઓ ‘વૈકુંઠ’ ફ્લેટમાં રહેતા રહેતા વૈકુંઠવિહારી બની ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Drama