mariyam dhupli

Comedy Drama

4  

mariyam dhupli

Comedy Drama

વાર્તાલાપ

વાર્તાલાપ

3 mins
383


અંતિમ પંદર મિનિટથી સ્ત્રી, પુરુષ અને તરુણ ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયા હતા. હાથ અને મોઢા યાંત્રિકપણે જમણ કરવામાં વ્યસ્ત હતા. આખા ઓરડામાં સોય પડે તો પણ સાંભળી શકાય એવો સન્નાટો હતો. ફક્ત માથે ફરી રહેલા પંખાનો અવાજ અને જમણ માટે વપરાઈ રહેલ ચમચીનો કાચની પ્લેટ જોડે સ્પર્શ થવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. ત્રણેય નજર પોતપોતાના હાથમાં થમાયેલા કે વાસણની આડમાં ટેકવાયેલા મોબાઈલના પડદા ઉપર ચુંબક જેમ જડાઈ ચૂકી હતી. નજરના સંપર્ક વિના જ કઈ રસોઈ કયા સ્થળે પીરસાઈ હતી એનો અંદાજ જે સંપૂર્ણતાથી આવી રહ્યો હતો એ નિયમિત ટેવ અને તાલીમનો જીવંત નમૂનો હતો. 

પંદર મિનિટથી એક પણ શબ્દ એ ઓરડામાં ઉચ્ચારાયો ન હતો. ફક્ત નિર્જીવ વાસણો વાતાવરણને જીવંત બનાવી રહ્યા હતા. જો એ વાસણોનો અવાજ ગેરહાજર હોય તો કોઈ વિશ્વાસ પણ ન કરી શકે કે ત્યાં ત્રણ જીવતા જાગતા મનુષ્ય બેઠા હતા. 

અચાનકથી સન્નાટાને ચીરતો ઉધરસનો પ્રહાર આખા ઓરડામાં ગૂંજી ઉઠ્યો. ગળામાં કશુંક અટકી પડ્યું હતું. શ્વાસ રૂંધાતા પુરુષની આંખો લાલચોળ થતી ભીની થઈ ગઈ. વાસણ પડખે ટેકો મેળવી રહેલા મોબાઇલમાંથી નજર હટી ઉપર તરફ ઊઠી. બન્ને હાથ ગળાને એ રીતે વીંટળાઈ વળ્યાં જાણે બહારથી જ અંદર તરફ સર્જાયેલી અરાજકતાનો નિકાલ લાવવાનો પ્રયાસ શક્ય હોય. પણ એ અશક્ય હતું. એનું ભાન આવતા એની નજર સામે તરફની બેઠક ઉપર ગોઠવાયેલી સ્ત્રી અને પડખેની બેઠક ઉપર ગોઠવાયેલા તરુણ પર આવી ઠરી. એ બન્ને નજર પોતપોતાના મોબાઈલના પડદામાં ઊંડે કશે ખોવાઈ ચૂકી હતી. આખરે જગમાંથી ગ્લાસમાં થોડું પાણી રેડી ગળામાં ઉતર્યું કે શ્વાસમાં શ્વાસ આવ્યો. છાતી પર રાહતનો દમ ભરતો હાથ ફરી વળ્યો અને ફરીથી જમણની પ્રક્રિયા આગળ વધી. રોટલીનું હોટપોટ આગળ ખેંચાયું, દાળનું બાઉલ પાછળ ઠેલાયું અને નજર મોબાઈલના પડદામાં વ્યસ્ત થઈ. 

એજ ક્ષણે રોટલી લેવા આગળ આવેલ તરુણના હાથની આંગળીઓ ભૂલથી ગરમ દાળના બાઉલમાં ડૂબકી લગાવી બેઠી. દાઝની બળતરા મોઢામાંથી સિસકિયારી લેતી ઓરડાના શાંત વાતાવરણ ને અશાંત બનાવી ગઈ. બીજા હાથનો મોબાઈલ ટેબલ પર સપાટ થયો અને દાઝેલી આંગળીના અવલોકનમાં ખાલી હાથ વ્યસ્ત થયો. સામે તરફ બેઠી સ્ત્રી અને પડખે બેઠા પુરુષ તરફ એની નજર આવી ઠરી. બન્ને નજર પોતપોતાના મોબાઈલના પડદામાં તલ્લીન હતી. નજીકની દીવાલમાં સ્થાપિત વોશબેઝીનના નળના ઠંડા પાણીમાં દાઝેલી આંગળીને રાહત મળી અને ફરીથી ટેબલ ઉપર ગોઠવાઈ એક હાથ વડે જમણની ક્રિયા આગળ વધી અને બીજા હાથમાં ફરી મોબાઈલ પોતાના સ્થળે પરત થયો. 

એજ ક્ષણે સામે તરફ બેઠી સ્ત્રીના આંગળીની બેન્ડેજ સરી પડી. રસોડામાં કામ કરતા ઊંડે સુધી કપાઈને ઈજાગ્રસ્ત થયેલી આંગળીમાંથી ફરી એકવાર ઉષ્ણ લોહીની ધાર સરી પડી. પીડા અસહ્ય થતા મોઢામાંથી "ઓ મારી માં..." શબ્દો પીડામાં નીતરતા બહાર નીકળી આવ્યા. નજર ઉપર ઊઠી. સામે તરફ બેઠા પુરુષ અને તરુણની નજર મોબાઈલના પડદામાં જકડાયેલી હતી. ટેબલ પરથી ઊઠી સ્ત્રી અંદરના ઓરડામાં જતી રહી. થોડી ક્ષણો બાદ ટેબલ ઉપર પરત થયેલી સ્ત્રીની આંગળીમાં નવી ચુસ્ત બેન્ડેજ બંધાયેલી હતી. જમણની પ્રકિયા આગળ વધી અને સ્ત્રીની નજર પોતાના મોબાઈલના પડદામાં ડૂબી ગઈ. 

થોડા સમય પછી અચાનક દરેક નજર એકીસાથે ઉપર ઊઠી. દરેક નજર શોક્ગ્રસ્ત પહોળી ફાટી હતી. એકબીજાની નજર સાથે હાવભાવોની વહેંચણી થઈ. આશ્ચર્ય, અચંભા અને હેરત બધી નજરમાં એકસમાન માત્રામાં હતાં. આંખોમાં ફેલાયેલી અસહ્યતા સંવેદનાનો સેતુ રચી રહી હતી. 

આખરે એ શાંત, મૌન ઓરડામાં સજીવ મનુષ્યોનો વાર્તાલાપ આરંભાયો. 

" એમ ન કહેતા કે તમે બિલ નથી ભર્યું. "

" સવાલ જ નથી ઊઠતો. સૌથી પહેલા એનું જ બિલ ભરું છું. "

" વાયર તો નહીં નીકળી ગયો હોય ? "

" કેટલીવાર કહ્યું કે મને પેકેજ નખાવી આપો. "

ટેબલ છોડી બધા બહારના ઓરડા તરફ ધસી ગયા. જમણ સાથે એકલા છૂટી ગયેલા ત્રણ મોબાઇલના પડદા પર એકસમાન સંદેશો ઝળહળી રહ્યો હતો.

' નો કનેક્શન '


Rate this content
Log in

Similar gujarati story from Comedy