Leena Vachhrajani

Drama Thriller

4  

Leena Vachhrajani

Drama Thriller

વારસો

વારસો

6 mins
262


સવારથી પ્રણોતિ અને આરવ બંને એક સૂરમય ઉત્તેજના અનુભવી રહ્યાં હતાં.

વર્ષોથી આરવે અને એકના એક દિકરા આરવ માટે પ્રણોતિએ જોયેલું સપનું આજે સાકાર થવા જઈ રહ્યું હતું.

એ રાષ્ટ્રીય કક્ષાની ગીતસ્પર્ધાને બસ હવે થોડા સમયની જ વાર હતી. પ્રણોતિએ ગોળની કાંકરી આરવના મોઢામાં આપીને શુકન કરાવ્યાં.

ખિચોખિચ ભરેલા ઓડિટોરિયમમાં સમયસર સ્પર્ધા શરુ થઈ.

ઉદઘોષકે સ્પર્ધા વિશે વિગતવાર માહિતી આપી. સ્પર્ધકોને નિયમોની જાણ કરી. અને છેલ્લે જજ તરીકે આવેલા મહાનુભાવની ઓળખવિધી કરી.

"અને હવે આયોજક સમિતિની વિનંતીને માન આપીને ગીતસ્પર્ધાના જજ તરીકે ઉપસ્થિત રહેલા શ્રી રાજ નાગરનું હું શાબ્દિક સ્વાગત કરું છું."

અને..બીજી હરોળમાં બેઠેલી પ્રણોતિ શ્વાસ લેવાનું ચૂકી ગઈ.

"ઓહોહો! એ જ!

અહીયાં કેવી રીતે? અને શું કામ આજે જ અહીયાં! જો એને જાણ થશે તો તો ચોક્કસ મારા આરવને જીતવા નહીં જ દે.”

પ્રણોતિ મનોમંથન કરતી રહી,

“મેં ક્યારેય એને સુખ નથી આપ્યું તે આજે જરુર એ બદલો વાળી જ લેશે.”

હરિફાઈ શરુ થઈ. એક પછી એક ગાયકો પોતાની રચનાઓ રજુ કરતા ગયા પણ પ્રણોતિને ક્યાંય ચેન ન પડે.

"હવે શું થશે?"

સ્ટેજ પરથી આરવ રાજ નાગરનું નામ એનાઉન્સ થયું.

અને જજની ખુરશી પર બેઠેલા રાજના કાન ચમક્યા.

"આરવ! ઓહો! એ જ! સાવ મારી જ પ્રતિકૃતિ!

મારા ધબકારા કેમ વધી ગયા હોય એમ લાગે છે!"

આરવે મધૂર અવાજમાં ગીત શરુ કર્યું.

"યાદ ન જાયે, બિતે દિનોંકી.."

અને રાજ અતિતમાં ખોવાતો ચાલ્યો.

આવા જ હકડેઠઠ ભરેલા ઓડિટોરિયમમાં રાજ પોતાના અત્યંત મધૂર અને ભાવવાહી અવાજમાં ગીત રેલાવી રહ્યો હતો,

“તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હૈ,

યે જહાઁ મિલ ગયા..”

સામે બીજી હરોળમાં બેઠેલી પ્રણોતિ સામે જોઇને ગવાયેલી પંક્તિમાં જાણે એક ઇજન હતું.

કાર્યક્રમની સમાપ્તિ બાદ મિત્રવર્તુળના મબલખ વખાણ ઝીલતા રાજે સહેજ નારાજગીથી કહ્યું,

"એય પ્રણોતિ, ક્યારેક તો મારી ગાયકીનાં વખાણ કર."

પ્રણોતિએ દર વખતની જેમ જ અલ્લડ અદામાં ધારેલો જવાબ આપ્યો,

"રાજ, મને તારા આ સા રે ગ મ માં જરાય ટપ્પી નથી પડતી અને ગમતુંય નથી. મને તો હારમોનિયમની તીણી ચીસો અને તબલાના ટપાકાથી માથું દુ:ખી જાય છે.”

મિત્રોમાં હંમેશાં એક આતુરતા રહેતી કે,

આ બંને સાવ વિરોધાભાસી વ્યક્તિત્વ વચ્ચે પ્રેમ કેવી રીતે થયો અને હવે શું થશે?

છતાં બે-ચાર વિષયોની અસમાનતા સિવાય રાજ અને પ્રણોતિ ગળાડૂબ પ્રેમમાં મસ્ત રહેતાં.

સમયાંતરે પ્રેમની પગદંડી પર રાજ અને પ્રણોતિ સાવ અલગ વિચારધારાનાં બે પંખીઓએ એક માળો બનાવ્યો.

સ્વપ્નમય જિંદગીના મખમલી રસ્તા વાસ્તવિક જિંદગીના સહેજ ખરબચડા માર્ગ પર આવી અટક્યા. 

રાજની વિચારધારા પ્રમાણે એની જવાબદારી હવે બેવડાઈ હોવાથી એણે કામ પણ બેવડું કરવું જોઇએ. એટલે એ પ્રોગ્રામ્સ, રેકોર્ડિંગ અને સંગીતનાં વર્ગમાં વધુ વ્યસ્ત થતો ચાલ્યો. પ્રણોતિ હજી સુધી પેલા મેઘધનૂષી શમણાંની સૃષ્ટિમાં જ જીવતી હતી એટલે એને રાજની બીજી તરફ થતી વહેંચણી સહન ન થતી.

આમ જ કોઇ ને કોઇ બાબત પર બન્ને વચ્ચે ટકરાવ થતા રહ્યા.

રાજ મોડો આવે ત્યારે પ્રણોતિનું હંમેશ રિસાઇ જવું, કેટલાંય મનામણાં પછી ફરી પ્રેમસંવાદ સાથે ભાંગતી રાત ઉજળી બનતી. વળી બે દિવસ પછી પ્રણોતિનો એ જ કકળાટ રહેતો કે રાજ પાસે એના માટે હવે સમય નથી. એ બહાર રખડવામાંથી ઊંચો જ નથી આવતો. અને ધીરે ધીરે એ ફરિયાદે શંકાનું સ્થાન લીધું.

ક્યાંક સોશિયલ મિડિયા પર અપલોડ થયેલા રાજની કોન્સર્ટના ફોટા જોઇને પ્રણોતિ સળગતા શબ્દો સાથે પ્રહાર કરવાનું ન ચૂકતી,

“હા, હવે તને ખુલ્લો પરવાનો મળી ગયો છે તે રાગડા તાણવા સાથે નૈનમટકા પણ ચાલુ થઈ ગયા. મારી જિંદગી બરબાદ કરીને તું ખુશ છે.”

રાજ દરેક વખતે ખુલાસા આપીને સમજાવતો,

“પારો, તું કેમ સમજતી નથી? તું હવે મારી જવાબદારી છો. કાલે આપણું આંગણું નાની કિલકારીઓથી ગુંજશે. મારે તમારી જિંદગી સુખમય બનાવવી છે. આ થોડાં વર્ષો મહેનત કરી લેવા દે પછી ભવિષ્યનું એવું આયોજન કરી દેશું કે તને સમય જ સમય ફાળવી શકીશ. તને અત્યારે અધૂરા લાગતા પ્રેમની હું વ્યાજ સહિત ચૂકવણી કરી આપીશ.”

એમ જ પ્રેમ અને પ્રહારોની વચ્ચે આરવનું આગમન થયું. રાજ અને પ્રણોતિની જિંદગીમાં કદાચ ટકરાવનો નવો વિષય ઉમેરાયો. 

પ્રણોતિ આરવ માટે એકદમ પઝેસિવ હતી. રાજ પર પણ એને વિશ્વાસ ઓછો બેસતો. પ્રતિભાવાન રાજ પ્રસિધ્ધિ, પ્રતિષ્ઠા અને પૈસા મેળવીને આગળ વધતો ચાલ્યો. તો સમાંતરે પ્રણોતિની ફરિયાદ અને શંકા પણ વધતી ચાલી. નાની મોટી ઘટનાઓ ઘટતી જ ગઈ, બંને વચ્ચે અંતર વધતું ચાલ્યું. 

તે દિવસે નાનકડા આરવને સખત તાવ ચડ્યો ત્યારે પડોશીની મદદથી એને દવાખાને લઈ ગયેલી પ્રણોતિની અંદર અસંતોષનો લાવા ઉકળતો રહ્યો. 

ચાલુ કોન્સર્ટને લીધે રાજ પહોંચી ન શક્યો એ બનાવ પછી પ્રણોતિ ચુપ થઈ ગઈ. રાજે આવીને માફી પણ માંગી.

“પારો, આરવને કેમ છે?”

“હમમમ... તને પૂછવાનો સમય મળ્યો?”

“અરે, મારો દિકરો છે તે મને ફિકર તો હોય જ ને!”

“ઓહોહો! મને તો એમ કે તું સ્ટેજ પર જાય ત્યારે ભૂલી જ જાય છે કે, તારે એક ઘર છે, પત્ની છે, અને હવે સંતાન પણ..”

“જો પ્રણોતિ, આમ ચાબખા મારવાનું બંધ કર. મેં અત્યાર સુધી તારી દરેક વાત માત્ર પ્રેમમાં સાંભળી લીધી છે પણ હવે મારી એક હદ આવી ગઈ. જે સંગીતને તું આટલી નફરત કરે છે એ જ મારી જીવાદોરી છે એટલું ધ્યાન રાખજે. કદાચ મારે ખાતર પણ સંગીતને અપનાવીશ તો તને એ શું અલૌકિક અનુભુતિ છે એ સમજાશે.”

ત્યાર બાદ દિવસે ને દિવસે બંને વચ્ચે વિચારોની વધુ મોટી ખાઈ સર્જાતાં અંતે લગ્નવિચ્છેદ પર વાત અટકી. રાજ અને પ્રણોતિની પ્રેમકહાનીનો કરુણ અંજામ આવ્યો. 

ઘર છોડતાં પહેલાં રાજે પ્રણોતિને કહ્યું, “મારી બદનસીબી છે કે, જે સરગમથી બે દિલ જોડાય એ જ સરગમ મારા મહાભિનિષ્ક્રમણનું કારણ બની. તને તારું ઘર અને આરવ મુબારક. કદાચ તું વધુ શાંતિથી જીવીશ. મારો ફોન નંબર એ જ રહેશે. જરુર જણાય તો હું દૂર નહીં હોઉં એટલી ખાતરી આપતો જાઉં છું.”

આહ!!

એક કરુણ સપનું જોયું હોય એમ રાજ ઝબકીને ભૂતકાળના ધૂમ્મસમાંથી બહાર આવ્યો.

ત્યારે આરવ અંતરો ગાતો હતો.

“દિન જો પખેરુ હોતે, પિંજરેમેં મૈં રખ લેતા...”

રાજના મનમાં સંવાદ ચાલતો રહ્યો.

"ઓહો! એકદમ મારી જ શૈલીમાં ગાય છે."

 સ્પર્ધા પૂરી થઈ અને પરિણામની જાહેરાત સાથે સ્પર્ધકો અને શ્રોતાઓ એમ બધાની આતુરતાનો અંત આવ્યો.

"પ્રથમ નંબરના વિજેતા છે,

આરવ રાજ નાગર."

શિલ્ડ અને પ્રોત્સાહન ઇનામો અપાયા પછી માનનીય જજને બે શબ્દ બોલવા આમંત્રણ અપાયું.

રાજે માઇક સંભાળ્યું,

"મને આટલી મોટી જવાબદારી સોંપવા બદલ હું મેનેજમેન્ટનો આભારી છું. આજે હું સામાન્યથી કંઇક અલગ કહેવા માંગું છું. સહુ પ્રથમ અહીયાં હાજર કે ગેરહાજર મારી પત્ની પ્રણોતિ નાગરનો હું હ્રદયપૂર્વક રુણી રહીશ. અમારા લગ્નવિચ્છેદનું મુખ્ય કારણ બનેલું મારું સંગીત ક્ષેત્ર અને છતાં પોતાને બિલકુલ ન ગમતા ગાયકી જેવા વિષયમાં અમારા દીકરા આરવને ઉચ્ચ તાલીમ આપી.

પ્રણોતિ, મારો વારસો જાળવવા બદલ હું તમારો આભારી રહીશ. દરેક સ્પર્ધકને હાર્દિક શુભકામના સાથે વિરામ લઉં છું."

પ્રણોતિ હજી સુધી એક શૂન્યાવકાશમાં ગરકાવ હતી. લગ્નજીવનના વિચ્છેદ વખતે આરવ એટલો અણસમજુ હતો કે એને રાજ વિશે, એના સંગીત ક્ષેત્ર વિશે કે મા-બાપના અલગપણા વિશે કંઈ જ ખબર નહોતી. પ્રણોતિએ બહુ સમજ આપી પણ નહીં. છતાં મોરનાં ઇંડાં ચિતરવાં ન પડે એ ન્યાયે આરવના કંઠમાં રાજના અવાજની મિઠાશ ભળી. સંગીત પ્રત્યે જાણે-અજાણે એનું ખેંચાણ વધતું ચાલ્યું. પ્રણોતિને ઇતિહાસનું પુનરાવર્તન થવાનાં એંધાણ થયાં. મમ્મીના પ્રચંડ વિરોધ સામે આરવે એક વાર કહ્યું, “મમ્મી, ખબર નહીં સરગમમાં કઈ તાકાત છે! તું એક વાર સંગીતને અપનાવીશ તો તને પણ એ શું અલૌકિક અનુભુતિ છે એ સમજાશે.”

પ્રણોતિ સ્તબ્ધ હતી. બસ, ત્યાર બાદ ઇતિહાસને પુનરાવર્તિત કરવાને બદલે પ્રકાશિત કરવાના મક્કમ નિર્ધારના પરિણામસ્વરુપ આરવ આ મુકામ પર પહોંચ્યો હતો. 

રાજ અને પ્રણોતિનો અંશ આરવ એના ખૂણેથી વિચારમાં ડૂબેલો હતો. સ્ટેજ પરથી જજનું નામ સાંભળીને પોતાના જન્મદાતા માટે થોડી ગૌરવ અને પોતાને છોડીને ચાલ્યા ગયા બદલ થોડી નારાજ એમ મિશ્ર લાગણી ઉદભવતી રહી. રાજના હાથે શિલ્ડ સ્વિકારતાં એની આંખોમાં પોતાના માટે પ્રેમની ભિનાશ અને મમ્મીને શોધતી નજર આરવ બરાબર પારખી ગયો હતો. તો સ્ટેજ પરથી નીચે આવ્યા પછી પ્રણોતિની રાજનો પીછો કરતી બહાવરી નજરનો એ સાક્ષી હતો.

ઘેર પહોંચ્યા પછી રાતે મમ્મીનો હાથ પકડીને આરવે કહ્યું, મા, તેં મારી બધી ઇચ્છાઓ પૂરી કરી છે. એક નવી જાગેલી ખ્વાઇશ પૂરી કરવા તારા સાથ અને પપ્પાના સહકારની જરુર છે. અને રાજ નાગરનો સેવ કરેલો નંબર જોડાયો.

બે દિવસ બાદ આરવના જન્મદિવસની શાનદાર પાર્ટી રાજ નાગરના બંગલામાં ઉજવાઈ રહી હતી. આરવે કેક કાપતી વખતે રાજ અને પ્રણોતિનો હાથ પકડી રાખ્યો. પાર્ટી પૂરબહારમાં ચાલતી રહી.

રાજ અને પ્રણોતિની નજર વાતો કરતી રહી..

“પારો, હજી એવી જ લાગે છે. આરવને સાંભળીને બધો સંઘર્ષ ભૂલાઈ ગયો. કદાચ મેં તને સમજવામાં સહેજ ઉતાવળ કરી.”

પ્રણોતિની નજર જવાબ આપી રહી..

“રાજ,હું એટલી તો નગુણી નથી કે મારા સ્વાર્થ ખાતર અને મારી જ પસંદગી પ્રમાણે એકના એક દિકરાને ચલાવું. એનામાં તમારો જ કંઠ અને કાબેલિયત ઉતરી આવી છે. જાણેઅજાણે હું તમારાથી વિખૂટી પડી જ ન શકી..”

ફરી એ મહેકતી પળ આવી પહોંચી. 

ત્રણેયના પગલાં એક ઘર તરફ પાછાં વળ્યાં જે ઘર ત્રણેયના એક સાથે આગમનની રાહ જોતું હતું.

આરવે સુવા જતાં પહેલાં કહ્યું,

“પપ્પા તમે મારા જીવનનો મુખ્ય સૂર છો. મમ્મી તું મારા જીવનનો તાલ છો. તમે બંને સાથે મારા જીવનમાં હો તો જ મારી જિંદગીનો લય જળવાશે.”

તે રાત રાજ અને પ્રણોતિના દિકરાની સફળતા, બે મનની મનોકામના અને ઘણાં સમયથી ધરબાયેલી વસંતના પુનરાગમનરુપે બંનેના પુન:મિલનને લઇને સોળે કળાએ ખીલી ઊઠી.


Rate this content
Log in

Similar gujarati story from Drama