ઊંચી ઊડાન
ઊંચી ઊડાન
પ્રિયાબેન, પરમ અને પ્રતિકભાઈનું ફેમિલી એટલે સુપર ફેમિલી. લોન લઈને લક્ઝરી સજાવટથી શોભતું ઘર, પાર્કિંગમાં સુપર મોડેલની કાર, પરમની સ્કુલ એટલે શહેરની સૌથી મોંઘી સ્કૂલ અને પ્રિયાબેન હાઈ-ફાઈ લાઈફસ્ટાઈલ, પેજ -3 ટાઈપનું
એમનું ગ્રુપ.
આખો પરિવાર પોતાની જાતને સુપરથી ઉપર સમજતો. બધાં દિવસ કયાં કોઈનાં એક સરખાં જાય છે ! કોરોના એની પાછળ મંદી આવી. સૌની કસોટી થાય એવાં દિવસો આવ્યાં. ભલભલાં લોકોની હાલત બગડી ગઈ. આકાશમાં ઊડતાં હતાં તે ઊંઘેકાંધ પછડાયાં.
પ્રતિકભાઈની નોકરી પણ ગઈ. લોન ભરવાંનાં ચક્કરમાં કાર, ઘરવખરી ગઈ. મોજશોખ ગયાં. પરમની સ્કુલ છૂટી. જે આગળપાછળ ફરતાં હતાં તે બધાં જ પીછેહઠ કરી ગયાં, પ્રિયાબેને ઘરે ખાખરાં, નાસ્તાં બનાવવાનું શરૂ કર્યું. પ્રતિકભાઈ ઘરે ઘરે થેલો લઈને નાસ્તાં વેંચવાં જવાં લાગ્યાં. કયા સે કયા હો ગયાં !
'સુપર હોવું' અને 'સુપર હોવાનો વહેમ' આ બે પરિસ્થિતિ વચ્ચે આસમાન જમીનનો ફરક છે. ઊડાન એટલી જ ઊંચી ભરો જયાંથી પગ જમીન પર પહોંચે.
