સ્પર્શતી લાગણીઓ
સ્પર્શતી લાગણીઓ
"સ્પર્શ દઈ પાણી વહી જતું હશે ત્યારે આ પથ્થરોને પણ કંઈક થતું હશે !"
આ 'કંઈક' એ જ લાગણી.બે સંબંધો વચ્ચે થઈને વહેતું અદ્રશ્ય ઝરણું.
સંબંધે સંબંધે લાગણીનું સ્વરૂપ બદલાય છે.
માની મમતા, પિતાની પરવરિશ, ભાઈ-બહેનનો પવિત્ર પ્રેમ, પતિપત્નીની એકબીજા પ્રત્યે સમજણ, મિત્રો કાયમ સુખ દુ:ખનાં સાથી, સગાં - સંબંધીનો વહેવાર-વહીવટ વગેરે.
તાજું જન્મેલું બાળક આંખો ખોલ્યાં વગર માનો હાથ અને હુંફ વર્તે છે.
લાગણીનો વિશ્વાસ કે અહેસાસ કરાવવો અઘરો છે. બે વ્યક્તિ વાત કરતી હોય અને વાત વાતમાં અનાયાસે સ્પર્શ ત્યારે જ થાય છે જ્યારે સાચી લાગણી હોય અને એ સ્પર્શ દ્વારા જ અંતરમનનાં તાર ઝણઝણે છે.
હથેળીમાં હથેળી લઈ દબાવવું એટલે સધિયારો આપવો. દુઃખી હોય એને ખભા ઉપર રડવા દેવું એટલે એને દિલ, મન હળવું કરવાની જગ્યા આપવી.
કોઈ સારાં કે ખુશીનાં પ્રસંગે હાથ મિલાવવાં એટલે સામે ખુશી વ્યક્ત કરવી.
માથે હાથ મૂકીને આશીર્વાદ આપવાં એટલે સદા સુખી રહેવાની શુભેચ્છા આપવી.આમ દરેક જીવ લાગણીભૂખ્યો હોય છે. માણસની અને પશુપક્ષીઓની અરસપરસ લાગણી, વફાદારીનાં પણ અનેક કિસ્સા જગજાહેર છે.
"રાહતકાર્યો જેવી થોડીક,
લાગણીઓ મળી જાય,
કાશ !
મને હું અછતગ્રસ્ત જાહેર કરવા તૈયાર છું."
