Kaushik Dave

Drama Tragedy Fantasy

4  

Kaushik Dave

Drama Tragedy Fantasy

ઉર્જા

ઉર્જા

4 mins
207


ચાલ લાગણી વરસાવીએ" 


એક નજર એવી મલી,

નજરો થી નજર મલી,


હૈયે વસેલા પ્રેમની,

અભિવ્યક્તિ પણ ના કરી શકે, 


વરસતા વરસાદ પણ,

પ્રેમથી હૈયું ભીંજવી દે,

પણ..પણ..

કેવી લાગણીઓ વરસે !


સંજોગો કેવા ખેલ કરે!,

એક બને સંન્યાસીને...

એક ઉર્જા બની રહે!

રાતના આઠ વાગી ગયા હતા. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા હતા. વરસાદ પડુ પડુ થઈ રહ્યો હતો.અવરજવર નહીવત હતી. એ વખતે એક સંન્યાસી ઝડપી ડગલા ભરતો પોતાના ઉતારાના સ્થળે જવા ઉતાવળો થયો હતો. નગરની બહાર આવેલા એક મંદિરમાં ઉતર્યો હતો. સંન્યાસીએ આકાશ તરફ જોયું. ઝડપ કરવી પડશે.વરસાદ પડવાની તૈયારી છે. સંન્યાસી મનમાં બોલ્યો.


ચાલતા ચાલતા વિચાર કરવા લાગ્યો કે લગભગ દસ વર્ષ થયા હશે. દસ વર્ષ પહેલા આ નગર છોડીને સંન્યાસી થયો હતો. પહેલો દિવસ છે આ નગરમાં સંન્યાસી તરીકેનો. ભિક્ષા માગવા ગયો હતો પણ બહુ મોડું થઇ ગયું.

કાશ વહેલો પરત ફર્યો હોત તો ! તો કદાચ ભિક્ષા પાત્ર ખાલી જ હોત. આજકાલ લોકો ભિક્ષા આપતા પણ ખચકાય છે. હા સલાહ જલ્દી આપે છે. હશે હવે ઝડપ કરવી પડશે.

એટલામાં ઘેરાયેલા વાદળોએ વરસાદના છાંટા પાડવાની શરૂઆત કરી. સંન્યાસી થોડો ખચકાયો. કોઈ મકાનની છત નીચે થોડીવાર ઉભો રહું. એક ગલી પાસે એક જુના બંધ મકાનની ઓશરી જોઈ. ત્યાં વરસાદના છાંટા આવતા નહોતા. સંન્યાસી ત્યાં ઉભો રહ્યો.

દસ વર્ષ પહેલાનો આવો જ એક દિવસ યાદ આવ્યો. એ દિવસે પણ પોતે કામ પરથી ઘરે પાછો આવતો હતો ત્યારે વરસાદ પડવાની શરૂઆત થઈ હતી. એ પોતે વરસાદથી બચવા માટે એક ગલીમાં આવેલા એક ઘરની બહાર ઉભો રહ્યો. વરસાદના લીધે થોડો ભીનો થયો હતો. એણે હાથ રૂમાલથી પોતાનું મ્હોં લુછ્યું. એ વખતે ઘરમાંથી અવાજ આવ્યો.

"કોણ છે ?" એક વૃદ્ધાએ દરવાજો ખોલ્યો.

"ઓહ્.. કોઈ યુવક છે. વરસાદમાં પલળી ગયો લાગે છે ! બેટા,થોડી વાર ઘરમાં આવ.આમ તો બહાર ઉભો રહીશ તો ભીનો વધારે થઈશ.બીમાર પડીશ." વૃદ્ધા બોલી.

એ યુવાન વૃદ્ધા સાથે ઘરમાં ગયો. યુવાન થોડો પલળી ગયો હતો.

વૃદ્ધાએ અવાજ કર્યો, "બેટી, મહેમાન છે. એમના માટે પાણી લાવ."

યુવક એક ખુરશી પર બેઠો. થોડીવારમાં એક યુવતી પાણી લાવી. માથે ચુનરી પહેરેલી હતી એટલે યુવકને ચહેરો બરાબર દેખાયો નહીં.

યુવતી સ્મિત કરતા બોલી, "લો પાણી."

યુવક બોલ્યો, "પાણીનો ગ્લાસ ફર્શ પર મુકો. હું હાથોહાથ પાણીનો ગ્લાસ લેતો નથી."

યુવતી હસીને બોલી, "બહુ ભીના થયા લાગો છો. આમ તો શરદી થશે. શું નામ છે ?"

યુવક બોલ્યો, "કંઈ વાંધો નહીં. મારૂં નામ પંકજ.ને આપનું ?"

યુવતી હસી બોલી, "...જા".... પંકજ સમજી ગયો કે યુવતીનું નામ..

પંકજે સ્મિત કર્યું. એટલામાં પંકજે હાક...છી... સાથે શરદીની છીંક ખાધી. કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો.

સંન્યાસી પોતાના વિચાર વમળમાં અટવાયેલો હતો.એ વિચારોમાંથી જાગૃત થયો. જોયું.. આહ. વરસાદ સાવ ધીમો પડી ગયો છે.પણ થોડીવારમાં તૂટી પડશે. એને ટુંકો રસ્તો યાદ આવ્યો. પણ એ ખચકાયો. ઓહ્.. રસ્તો તો બદનામ ગલીઓમાંથી જવાનો છે. પણ જો મોડું થશે તો વરસાદમાં ભીંજાઈ જવાય. આ વરસાદી વાતાવરણમાં તો કદાચ એ બદનામ ગલી પણ સુમસામ હશે. ચાલ...એ બદનામ ગલીવાળા રસ્તે. હશે.. ઝડપથી જતો રહીશ.

આમ વિચારતો સંન્યાસી બદનામ ગલીમાં દાખલ થયો. આકાશમાં વીજળી ચમકવા લાગી. બૂંદા બૂંદી સાથે વરસાદની ફરીથી શરૂઆત થઈ. સંન્યાસીના કપડા ભીના થવા લાગ્યા. નજીકમાં આવેલા એક મકાનની બહાર ઉભો રહ્યો. વિચારવા લાગ્યો. હવે ક્યારે વરસાદ બંધ થશેને ઉતારાની જગ્યાએ જઈશ.ને ક્યારે ભોજન ગ્રહણ કરીશ ?

વરસાદના લીધે એક કૂતરો આશરો લેવા આવ્યો.સંન્યાસીને જોઈ ને ભસવા માંડ્યો. વરસાદમાં તો પાણીથી બચવા માટે ભસતો હશે !  એક તો મારા કપડા સંન્યાસીના. એટલે કદાચ. કૂતરાનો ભસવાનો અવાજ સાંભળીને એ મકાનનો દરવાજો ખુલ્યો. એક વૃદ્ધ સ્ત્રી હતી. સંન્યાસીને જોયો. નવાઈ લાગી.

'બબડી.. અહીં..આ સમયે...આ જગ્યા એ !' પછી વિચારીને બોલી," સંન્યાસી, બહાર વરસાદ છે.ભીના થશો. થોડીવાર ઘરમાં બેસો."

સંન્યાસી ખચકાયો. હું સંન્યાસી. આ બદનામ ગલીનું ઘર.કોઈ જોશે તો શું વિચારશે !

"ના..ના.. બહાર જ ઉભો રહીશ." સંન્યાસી બોલ્યો.


વૃદ્ધા બોલી, "ઘર આંગણે આવેલા અતિથિને આવકાર આપવો પડે. ને આ વરસાદમાં કોઈ દેખાતું પણ નથી. શરમાયા વગર ઘરમાં આવો. શરદી થશે તો બિમાર પડશો."

વૃદ્ધાના મીઠા આવકારને સંન્યાસી ના પડી શક્યો નહીં. સંન્યાસી ઘરની અંદર ગયો. પણ ઘરના ચોકમાં જ ઉભો રહ્યો.

વૃદ્ધાએ બુમ પાડી, "બેટી,અતિથિ આવ્યા છે. સંન્યાસી છે. બહાર વરસાદ છે એટલે ઘરમાં બોલાવ્યા. મહેમાન માટે પાણી લાવ." બોલીને વૃદ્ધા ઘરમાં ગઈ.

થોડીવારમાં અનારકલી ડ્રેસ પહેરેલી એક યુવતી પાણીનો ગ્લાસ લઈને આવી.

સંન્યાસીએ ત્રાંસી આંખે નજર કરી. યુવતીએ માથે દુપટ્ટો પહેરેલો હતો. ચહેરો બરાબર દેખાયો નહોતો. હશે..પણ અતિથિને માન તો આપે છે ને !

ધીરેથી હસવાનો અવાજ સંભળાયો."સ્વામીજી,પાણી."

અવાજ સાંભળીને સંન્યાસી ચમકી ગયો. ઓહ્.ઘંટડી જેવો આ અવાજ જાણીતો જ લાગે છે.

સંન્યાસી બોલ્યો, "દેવી, ગ્લાસ ફર્શ પર મુકો.હાથોહાથ પાણીનો ગ્લાસ લેતો નથી."

એ યુવતી હસી.બોલી, "ખબર છે મને"

સંન્યાસી અવાજ ઓળખી ગયો. એજ પંકજા..પણ એની આ દશા ! મારો જ વાંક છે.સંન્યાસીના મનમાં બબડ્યો.

સંન્યાસીએ પાણી પીધું. બોલ્યો, "શું નામ દેવી આપનું ?"

એ યુવતી બોલી, "નામ...! નામ તો રોજ બદલાય.બસ યાદ એક જ રહે."

"પણ આપનું નામ ?"  સંન્યાસીને નામ જાણવાની તાલાવેલી લાગી. એજ છે કે નહીં એ જાણવું હતું.

એ યુવતી હસીને બોલી,"જીવનમાં એક વખત એમના દર્શન કરવા હતા. એ પણ પુરા થયા. જ્યાં સુધી આ ઉર્જા રહેશે ત્યાં સુધી જ જીવાશે."

આ સાંભળીને સંન્યાસી ગમગીન થયો. બસ એ જ પંકજા...

યુવતી બોલી, "નામ મારૂં બદલાયું સ્વામીજી....બસ....જા."

સંન્યાસીને જોરદાર છીંક આવી...હા..ક...છી...

યુવતી બોલી," સ્વામીજી ,આપને શરદી થઈ ગઈ છે."

એટલામાં વૃદ્ધા આવી.

બોલી,"ઉર્જા, સ્વામીજીને કહે કે વરસાદ બંધ થયો. જલ્દી ઘર છોડીને જતો રહે. નહીંતર કોઈ જોઈ જશે તો એને તો ઠીક. પણ આપણે બદનામ થાશું.આપણે અહીં રહેવાનું છે."

આટલું સાંભળતા જ સ્વામીજી ઉદાસ મને ઘરની બહાર નીકળી ગયો.  ઉર્જા સ્વામીજીની પાછળ ઘરની બહાર આવી.

બુમ પાડી, "સ્વામીજી.. સ્વામીજી, હવે ઉર્જા પુરી થવા આવી, અલવિદા.."

સ્વામીજી ઝડપભેર બદનામ ગલીમાંથી બહાર નીકળી ગયો. આકાશમાંથી વીજળીના કડાકાભડાકા સાથે મૂશળધાર વરસાદ શરૂ થયો.


Rate this content
Log in

Similar gujarati story from Drama