Pravina Avinash

Romance Others

4  

Pravina Avinash

Romance Others

ઉમંગનું લોલક 9

ઉમંગનું લોલક 9

7 mins
13.5K


પ્રકરણ : પ્રવૃત્તિ કે પ્રેયસી

અમિતાને માથેથી દસ મણની શીલા ખસી ગઈ. મુકેશ તો સાતમા આસમાને વિહરતો હતો. ઘણીવાર સવારે ઓફિસે જતાં અરીસા સામેથી ખસવાનું નામ ન લેતો. આમ તો અરીસો સ્ત્રીઓને ખૂબ પ્રિય હોય છે. અંહી ગંગા ઉંધી વહેતી હતી. જીવનને આરે આવી ઉભો રહેલો મુકેશ પ્રેમની પરાકાષ્ઠા અનુભવતો હતો. જીવનમાં'દેર સે' છતાં પણ આવો રોમાંચક અનુભવ તેને ખૂબ ગમતો. ઘણીવાર માની ન શકતો તે ખરેખર આટલો બધો ભાગ્યશાળી છે ? શું તે હવે 'વાંઢો" મરવાનો નથી ? આવું વિચારી અટ્ટાહાસ્ય કરી રહ્યો. હજુ તો દિલ્હી ખૂબ દૂર છે. એકરાર થઈ ગયો. ગાડી પાટા પર ખૂબ વેગે ધસી રહી હતી. સગાઈ કરવી કે સીધા અદાલતમાં જઈ 'રજીસ્ટર્ડ મેરેજ" કરવા તે વિચારી રહ્યો હતો. બધું મનમાં ચાલતું હતું. અમિતાને તો ક્યારે વાત કરશે તે હજુ નક્કી પણ ન હતું. .

આજે તો અમિતાએ રોજ કરતાં બે મિનિટ તૈયાર થવામાં વધારે લીધી. અરીસા સાથે તેને બહુ પ્રીત ન હતી. તેના જેવી જાજ્વલ્યમાન સ્ત્રીને અરીસો શું ન્યાય આપવાનો હતો ? ઉરની ધડકન ચાડી જરૂર ખાતી હતી. મુખ પર તે ભાવ અંકિત થઈ ગયા હતાં. શરમના શેરડા પડ્યા પણ જાત ઉપર કાબૂ મેળવ્યો. આ પહેલી પ્રીત નથી તે જાણતી હતી. પણ છ વર્ષ પછીનો આ અનુભવ રોમાંચિત કરી ગયો. આજની વાત જુદી હતી. જીવન પ્રગતિને પંથે પ્રયાણ કરી રહ્યું હતું. પ્રેમ પણ એવી વ્યક્તિ સાથે થયો હતો જે તેને પલકોં પર બેસાડશે તેમાં શંકાને સ્થાન ન હતું. નાના, બાળકોની કે કામકાજની કોઈ ચિંતા હવે ન હતી. આવા દિવસો જીવનમાં આવશે તેવી તેને કલ્પના પણ ન હતી. અમૂલખ સાથેની જીંદગી અણમોલ ખજાનો હતો. જે હરપળ પતિના કદમ સાથે કદમ મિલાવી માણ્યો હતો. આજે પરિસ્થિતિ વિપરિત હતી તે કબૂલ્યું પણ આહલાદક હતી તેમાં બે મત નથી ! જીવન જીવવા જેવું ઉમંગભેર બને એ કલ્પના જો સુંદર હોય તો અંહી હકિકત હાથ વેગળી હતી. ઈશારા કરી નજીક બોલાવતી હતી.

અમિતાને થયું. 'ખરેખર કયા ભવના પુણ્ય મને ફળે છે ?'

મુકેશે પ્રવૃત્તિમય જીંદગીમાં 'પ્રેયસી'ને રિઝવવા કમર કસી. ભલે ગાંડી યુવાની હાથતાળી દઈ ગઈ. મનના ઉમંગે તેને પાછા જુવાનીમાં જવાની તક આપી. જે તકને મુકેશે ચીલ ઝડપે ઝડપી લીધી. તેનો અનુભવ મુકેશને ખૂબ ગમ્યો. આજે શનિવાર હતો. ધંધો એવો જામેલો હતો કે તેનું રોજ જવું જરૂરી ન હતું. મોડેથી ઉઠી નાસ્તો કર્યો, તે કરતાં વિચારે ચડી ગયો,'હવે એ દિવસો દૂર નથી અમિતા સાથે બેસીને બગિચામાં મોજ માણતાં મહારાજ પિરસતાં હશે અને બન્ને જણા સાથે બેસી આરોગતા હશે'. દિવા સ્વપનામાંથી બહાર આવ્યો. નાહી ધોઈ તૈયાર થઈ સહુથી પહેલાં ફુલવાળાની દુકાને ઉભો રહ્યો. અમિતાના મનપસંદ ફુલોનો ગુલદસ્તો બનાવડાવ્યો.

'જો મારી પ્રેમિકા ખુશ થઈ મને આલિંગન આપશે તો તને બમણા પૈસા આપીશ.' કહી ખૂબ સુંદર ફુલોનો ગુલદસ્તો લઈ તેને ઘરે જવા નિકળ્યો. અમિતાને મનમાં ઉંડે આશા હતી કે આજે શનિવાર છે, મુકેશને ઓફિસે જવું આવશ્યક નથી જો મને પ્રેમ કરતો હશે તો જરૂર આવશે. સવારથી ડાબી આંખ પણ ફરકતી હતી. નાહીધોઇ સેવા કરી ઉઠી. એકલાં આજે ચા પીવાની મઝા ન આવી. દિવાસ્વપનામાં મુકેશ સાથે બગિચામાં ચાની મઝા માણી રહી હોય તેવું જણાયું. ત્યાં ફોનની ઘંટડી રણકી. સામે કોણ છે તેનો અંદાઝ બન્ને ને હતો.

'જો વાંધો ન હોય તો હું ઉપર આવું. ગાડી પાર્ક કરી રહ્યો છું'.

'અમિતાના મુખેથી જવાબ ન નિકળ્યો. મૌનનો અર્થ સંમતિ એ મુકેશને ખબર હતી. બે મિનિટમાં બારણાની ઘંટડી રણકી ઉઠી. અમિતા લગભગ દોડીને બારણું ખોલવા ગઈ. મુકેશે પોતાનું મ્હોં ગુલદસ્તા પાછળ છુપાવ્યું હતું. આટલો સુંદર ગુલદસ્તો જોઈ અમિતા લગભગ મુકેશને વળગી પડી. મુકેશને તો લાગ્યું .'આજે મારે સોનાનો સૂરજ ઉગ્યો. મનમાં ને મનમાં ફુલવાળાનો આભાર માણ્યો'.

પ્રતિક્રિયા તો થઈ ગઈ. આવો, કહેવાનું ભાન પણ અમિતાને ન રહ્યું. મુકેશ તેની રાહ જોવા ઓછો ઉભો હોય ? તેણે હળવેથી બારણું બંધ કર્યું અને અમિતાને ગાલે વહાલથી ટપલી મારી. અમિતા પાણી પાણી થઈ ગઈ. ધરતી મારગ આપે તો સમાઈ જવાનું દિલ થયું. એનો છાતી પર હાથ ગયો. દિલ કૂદીને બહાર ન આવે તેમ દબાવ્યો ! મુકેશ અમિતાને ધારી ધારીને નિરખી રહ્યો. તેના હૈયાને ટાઢક થઈ. તેનું મન પ્રફુલ્લિત થયુ. 'તેને ડર હતો આ સ્ત્રી મારાથી રીઝશે કે નહી ?' ગમતું હતું ને વૈદે કહ્યું.

તેણે હિમત એકઠી કરી, 'બાજુમાં બેસ તને કશું કહેવું છે.'

શરમાઈને અમિતા બાજુમાં બેઠી, સોફાના બીજા છેડે.

'આને બાજુમાં કહેવાય ? 'કહી મુકેશ તેની નજદિક સર્યો. લજામણીના છોડની માફક અમિતા સંકોચાઈ. મનમાં ખૂબ ગમ્યું. ભાવ મુખ પર નિતરતાં જોઈ મુકેશ રાજી થયો.

'તમારે કશું કહેવું હતું '?

પહેલી વાત તમારે નહી તારે.'

'મારે ખૂબ જહેમત ઉઠાવવી પડશે, સમય લાગશે '.

'મારી પાસે સમય છે'. કહી સોફા પર પલાઠી મારી.

અમિતા હસવું માંડ માંડ રોકી શકી. વારંવાર તેનાથી મુકેશ અને અમુલખની સરખામણી થઈ જતી. આધેડ વયે મુકેશમાં રમતિયાળપણું અને ખેલદિલી જણાયા. અમુલખ ખૂબ પ્રેમાળ પણ લાગણી વ્યક્ત કરવામાં કંજૂસ. તેનો સ્પર્શ અને આંખ બોલતાં. અંહી આજે વાણી, વર્તન અને આંખ દ્વારા પ્રદર્શિત પ્રેમ અમિતાને ભિંજવી ગયો. ખૂબ ગમ્યું અંતે મુકેશે હિંમત એકઠી કરી ગાલે ચુંટી ખણી અને વહાલથી માથે હાથ ફેરવ્યો. તેને ડર લાગતો હતૉ, કદાચ વિફરે તો ? ધીરે ધીરે આગળ વધવાઆં તેણે સલામતી જણાઈ. અમિતા જાણે મુગ્ધા હોય તેમ રસાસ્વાદ માણી રહી. ઉમંગ ડોકિયા કરી રહ્યો. તેનામાં આવેલા પરિવર્તનને કારણે આજે તે મુકેશનો પ્રેમ ખુબ સુંદર રીતે માણી રહી. સારું હતું આજે કામવાળી બાઈ આવવાની ન હતી.

અમિતાને રજા હોય ત્યારે ભાતભાતની બે ત્રણ વાનગી બનાવીને ગઈ હોય. ધીરેથી અમિતાએ મુકેશને પુછ્યું, 'ભૂખ લાગી છે?'

પેટમાં બિલાડા બોલતા હતા પણ પ્યારના નશા હેઠળ ભૂખ વિસરાઈ ગઈ હતી. ્જ્યારે તે વાત અમિતાએ યાદ કરાવી તો મુકેશ મોટેથી હસતા બોલ્યો,'મેં આજે એકાદશી નથી કરી'. બન્ને જણા જોરથી હસી પડ્યા.

'ડાઈનિંગ ટેબલ પર આવો'.

અમિતાએ ઉઠીને ખાવાનું માઈક્રોવેવમાં ગરમ કર્યું. જમવાની થાળી ગોઠવી. તેની કલાત્મક રીતની ગોઠવણી જોઈ મુકેશ ખીલી ઉઠ્યો.

"શું આવી રીતે રોજ જમવાનું હવે મારા ભાગ્યમાં છે ?"

'અરે આ તો કાંઈ નથી, ધીરે ધીરે મારી બધી આવડત જાણવા મળશે'. બોલતાં બોલાઈ ગયું પણ પછી શરમાઈ ગઈ.

મુકેશ આનંદવિભોર થઈ ગયો. કોને ખબર આટલો બધો આનંદ ક્યારે તેણે માણ્યો હતો ? ગદ્ધા પચ્ચીસી અને જુવાની રોળાઈ ગઈ તેનો બધો અફસોસ ઓગળી ગયો. આજનો શનિવાર તેને માટે સોનાનો સૂરજ લઈને આવ્યો હતો. પ્રેમથી બે જણાએ ખાધું. સ્ત્રીના હાથે જમવાની થાળી પિરસાઈ, એ તો અનુભવી જ વર્ણવી શકે. મુકેશને ક્યાં તેની પડી હતી. સાદુ પણ ખૂબ સ્વાદિષ્ટ ખાવાનું મળ્યું. ભોજન કરતાં, પિરસનારની અદા તેને વધારે ગમી. અમિતાને આજે ઘર, ઘર જેવું લાગ્યું. રોજ સવાર પડે ને સાંજ એકલી એકલી ટેબલ પર બેસીને જમતી હોય. તેથી તો સોમથી શુક્ર તેની સોના સાથે જમવા બેસતી. ગરમ રોટલી અમિતાને જમાડતી છેલ્લે પોતાની બે રોટલી બનાવી સાથે બેસી જતી. શનિવાર અને રવીવાર મોટે ભાગે લખવામાં ,છાપું વાંચવામાં અને આખા અઠવાડિયાની ટપાલ જોવામાં પૂરો થઈ જતો. અવિ રજાઓમાં આવતો પણ એને કેટલા બધા પ્લાન હોય. તેમાંય જો તેની બહેનપણી સાથે આવી હોય તો બે જણા ગુસપુસ કરતાં રૂમમાંથી તૈયાર થઈને બહાર નિકળે અને સિનેમા જોવા ઉપડી જાય. હાય મમ્મી અને બાય મમ્મીથી વધારે કાંઈ બોલતો નહી. તેને કારણે મમ્મી અને મુકેશમામા વચ્ચે મેળ જોઈ સહુથી વધુ એ ખુશ થયો હતો. આજકાલ અમિતાની પ્રવૃત્તિ'મુકેશના' વિચારોમાં ખોવાઈ જવાની વધારે હતી. લખવા માટે કોઈ રસપ્રદ વિષય જડતો ન હતો. મનમાં મલકાઈ, 'અત્યારની જીંદગી વધારે રસપ્રદ છે.'

મુકેશનો અને અમિતાનો એ સુંદર શનિવાર યાદગાર દિવસ બની ગયો. બંને વચ્ચેની દૂરી ધીરે ધીરે નિકટતા કેળવી રહી. વાતમાં ને વાતમાં અમિતાએ કહ્યું ગુરૂવારે મારી વાર્તાનું 'વાંચન' કરવા જવાનું છે. ભરતિય વિદ્યા ભવનમાં નાનો કાર્યક્રમ છે. નવા લેખક અને લેખિકાઓ જેઓ વાચક વર્ગમાં પ્રિય બન્યા છે તેમનું અભિવાદન છે. અમિતા છેલ્લા ચારેક વર્ષથી આ ક્ષેત્રમાં પ્રવેશી હતી. પણ તેની નવલકથા "બિંબ પ્રતિબિંબ' સફળતાને વરી તેને કારણે પ્રસિદ્ધિ મેળવી ચૂકી હતી. તેને ખબર હતી હજુ તે આ ક્ષેત્રમાં નવો નિશાળિયો છે. આમંત્રણ મળ્યું જાણી ખુશ થઈ. ખુશી વહેંચે તો બમણી થાય. મુકેશને ઘણો આનંદ થયો. મગજમાં વાતની નોંધ લીધી. તે દિવસે બન્ને જણા રાતના ક્રિમ સેંટરમાં જઈ છોલે ભટુરે જમ્યા. પાછાં વળતા 'નેચરલ'નો આઈસક્રિમ ખાઈ છૂટા પડ્યા.પછીના બે દિવસ અવનિને ત્યાં જવાનું હતું. તેથી મુકેશને મળાયું નહી. રોજ રાતના ફૉન ઉપર વાત થતી.

અમિતા નક્કી ન કરી શકી કે,' તે પ્રેયસી છે કે પ્રવૃત્તિમય સ્ત્રી'. મનમાં થયું, 'આ પાત્ર અઘરું લાગશે ! બેમાંથી કોઈને અન્યાય ન થાય તેને માટે સાવચેતી રાખવી પડશે.'

માતા અને પ્રેયસી એ બન્ને ઠેકાણે ખૂબ સાચવીને વર્તન કરવાનું હોય. તેના જેવી અનુભવી સ્ત્રીને માટે કઠિન ન હતું. મુકેશે હૈયે ધીરજ રાખી હતી. તેના પ્રયત્નો ધાર્યું પરિણામ લાવવામાં સફળ થયા. અમિતાના કાર્યક્રમમાં પહોંચી ગયો. અમિતાની જાણબહાર આ પગલું ભરી તેને ખુશ કરી. સુંદર રીતે કાર્યક્રમ પૂરો થયા પછી ગાડીમાં રાખેલો ગુલદસ્તો આપ્યો. અમિતા ફુલોની શોખિન હતી. અમૂલખના રાજમાં આવું સ્વપને પણ નહોતું બન્યું. ફુલોના ગુલદસ્તાનું પુનરાવર્તન તેને હચમચાવી ગયું. મુકેશની નજદિક સરતા હવે તેનો સંકોચ ખૂબ ઓછો થયો. મુકેશને છોકરી, હવે સ્ત્રી રિઝવતા આવડતું હતું. તેને કારણે અમિતાના દિલ પર રાજ કરવા લાગ્યો. જાણે અમિતાની સૂતેલી સંવેદના આળસ મરડીને ઉભી થઈ. સમાજમાં ફરતાં ફરતાં અમિતાને નિત નવું ગમતું હતું તે હવે પ્રાપ્ત થયું. હકિકત બની તેની જીંદગીમાં છવાઈ ગયું હતું.

અવનિ અને અવિ મમ્મીમાં આ ફેરફાર નિહાળી ખુશ થયા. સ્વભાવે શાંત અને શરમાળ મમ્મી ખૂબ આકર્ષક લાગતી. આવતા અઠવાડિયે લાયન્સ ક્લબમાંથી તેને આમંત્રણ મળ્યું હતું. "સ્ત્રી સ્વાતંત્ર્ય' પર બોલવાનું હતું. મુકેશને ફાવે તેમ ન હતું. અમિતાને નિરાશ કરવા તે રાજી ન હતો. પોતાને બીજે જવાનું છે કહ્યું. અમિતાના મોઢા પર નિરાશાની વાદળી જોઈ ન શક્યો.

'મેમ સાહિબા' મારો કાર્યક્રમ બદલીશ. જરા એક સ્મિત આ બાજુ ફેંકશો ?'

તેની અદા જોઈ અમિતા ખડખડાટ હસી પડી. મુકેશની આવી હસી મજાકની આદત અમિતાને ખૂબ ગમતી. ગંભિરતા અને જવાબદારી પૂર્વક પસાર થયેલો ભૂતકાળ હવે વિસરાઈ ગયો હતો. આ ઉમરે પ્રેયસી, નસિબદાર'ને આવા સંજોગો પ્રાપ્ત થાય ! ચારે દિશામાંથી અનુકૂળતા મળી હતી. ધમધોકાર પ્રવૃત્તિ, મુકેશની પ્રેયસી ,પૈસાની છાકમછોળ અને સર્જનહારની કૃપા અમિતા જીંદગીની હરપળ ્માણી રહી. અધુરામાં પુરું બાળકોનો સુહાનો સાથ.


Rate this content
Log in

Similar gujarati story from Romance