Pravina Avinash

Romance Others

4  

Pravina Avinash

Romance Others

ઉમંગનું લોલક 6

ઉમંગનું લોલક 6

8 mins
14.4K


પ્રકરણ :અવનિ બાળકોમાં ગુંથાઇ

અવનિની દુનિયા બાળકોની આજુબાજુ ઘુમતી હતી. નાનું બાળક જ્યારે જીવનમાં પ્રવેશે ત્યારે દરેક પતિ અને પત્ની સજાગ બને છે. તેમની દુનિયા બાળકથી શરૂ થઈ બાળકમાં પૂરી થતી જણાય છે. જ્યારે અવનિના બે બાળકો એક દીકરો એને એક દીકરીએ ધરતી પર પગરણ માંડ્યા ! ત્યારે મેઘધનુના રંગ તેની દુનિયામાં ચારેકોર ફેલાઈ રહ્યા. અવનિને બાળકો સાથે જીવનનો તાલ મિલાવવાનો જરા અઘરો પડતો હતો. તેણે પોતાના કામમાંથી છ મહિનાની છુટ્ટી લીધી હતી. અમોલ ઘરમાં પ્રવેશે કે તરત બાળકોની તહોનતમાં હાજર. અમોલના મમ્મી ડૉક્ટર હોવાથી સમય મળ્યે બાળકો પાસે આવી જતાં. સારું હતું ખાધે પીધે સુખી હોવાથી ઘરમાં કામ કરવા માટે માણસોનો કાફલો હતો. અવનિ બાળકોને આયા ઉછેરે એ પસંદ ન હતું. તેને બરાબર યાદ હતું પોતે મમ્મી, દાદી અને દાદાનો લાડ પામી હતી. તેના પપ્પા હમેશા કમાવાની ધમાલમાં હોય. ઘરમાં મોટા હોવાને કારણે જવબદારી તેમના શીરે હતી.

જ્યારે સમય હતો ત્યારે મમ્મીને પીઠબળ આપી ચેતનવંતી કરી. હવે મમ્મી તેને બનતી બધી સહાય કરતી. અમિતાની પ્રતિભા બધી દિશામાં રેલાઈ રહી. અવનિને બાળકો માટે જ્યારે જરૂર હોય ત્યારે હાજર. અવિ બહારગામ હતો તેથી અમિતાને બીજી કોઈ જવાબદારી હતી નહી. જ્યારે અવનિને જરૂર ન હોય ત્યારે લેખન કાર્ય અને હવે મુકેશ તેની જીંદગીમાં પ્રવેશી ચૂક્યો હતો. અવનિ અને અમોલે મુકેશમામા સાથે ઓળખાણ કરાવી આપી. આગે આગે દેખો હોતા હૈ ક્યા ? તેઓ સવારથી સાંજ સુધી બાળકોમાં ગુંથાયેલા રહેતાં. અવનિએ બે બાળકોને લઈ ફરવા જવાય તેવું સ્ટ્રોલર પણ ખરીદ્યું. જેને કારણે સાંજે અમોલ આવે ત્યારે બન્નેને દુધ પિવડાવી, ડાઈપર બદલાવી તૈયાર રાખ્યા હોય. અમોલને કપડાં બદલવાનો પણ સમય ન આપતી. જો આપે તો અમોલ ફરવા જવામાંથી ફસકી જાય તેની તેને ખબર હતી.

જેવો તેની ગાડીનો હોર્ન સંભળાય એટલે ગાડીમાં આયાને લઈને બેસી જતી. નરિમાન પોંઈન્ટ પાસે ગાડી ઉભી રાખી આયા બાળકોને સ્ટ્રોલરમાં બેસાડી ફેરવતી. પોતે અમોલની કંપની પામી આખા દિવસની બાળકોની વાતો તેને જણાવતી. અમોલને વાતો કરતાં અવનિના હાવભાવ જોવાની મઝા પડતી. દરરોજનો આ ક્રમ થઈ ગયો હતો. બાળકો સુંદર માવજતથી મોટાં થઈ રહ્યા હતાં. અવનિનો આખા દિવસનો થાક પણ ઉતરી જતો. પ્રફુલ્લિત થઈ સાંજ માટે તૈયાર થઈને પાછી ફરતી. અમોલ પણ ઘરે આવ્યા પછી દીકરીના ચાર્જમાં હાજર. દિવસો પાણીના રેલાની માફક વહી જતા. સવારની સાંજ ક્યારે પડતી તેનો ખ્યાલ રહેતો નહી. જ્યારે અમોલ સાંજે કે રાતે ઘરે આવતો ત્યારે જાણતી,'ઓ માય ગોડ આખો દિવસ પૂરો થઈ ગયો'. જે દિવસે મમ્મી આવતી તે દિવસે તેને રાહત મળતી. અમિતા બને તેટલી સહાય કરતી. રોજ આવવું તેને પસંદ ન હતું. અવનિને ઘરમાં બધી સગવડ હતી. તેને થતું ભલે પોતાની જવાબદારી લેતાં શીખે ! ધરા અને આકાશ રડતાં બહુ નહી. વારે વારે ભૂખ્યા થાય. ડાઈપર બદલવાના, તેમને નવડાવવાવાળી સીતાબાઈ ખૂબ સારી હતી. અવનિ એક મિનિટ નજરથી દૂર બાળકને થવા દેતી નહી. પહેલીવાર 'મા' બની હતી. એક નહી બે બાળકોની. અધીરી બની જતી. બાળકોને પ્રેમે સંવારતી. ખૂબ શાંતિથી પોતાનું દૂધ પિવડાવતી. બે બાળકોને ખુશ રાખવાના. તેને પણ સારી ભૂખ લાગતી. મહારાજને પૌષ્ટિક બનાવવાનું તેને ખબર હતી, અમિતા બહેને અને દાદીએ તેને હાથમાં રાખી હતી. મમ્મીનું પહેલું બાળક અને દાદા તેમજ દાદીની પહેલી પૌત્રી !

આજે વિચારે ચડી ગઈ. બાળકો જન્મે ત્યારે માતાનો પણ જન્મ થાય ! બાળક રાતના હાલે ને માની આંખ તરત ખૂલી જાય. આળસ તો બાર ગાઉ દૂર ભાગે. આલોક હમેશા તેને પ્યારથી કહેતો. 'તારી તબિયતનું ધ્યાન રાખજે'.

'મને શું થવાનું છે'?

'અરે, તું બાળકોની ઘેલી મમ્મી છે. તારા મુખ પરનો ઉમંગ અને પ્યાર છલકતાં જોંઉ છું ને મારો દિવસ સુધરી જાય છે'.

'બાળકોના ઉછેરેમાં એવી ગળાડૂબ છે કે મારા પ્રત્યે તું બેદરકાર બની ગઈ છે'. બસ ધરા અને આકાશ બોલતાં તું થાકતી નથી'. અમોલ નામ તો તાર મોઢામાંથી સાંભળે કમસે કમ છ મહિના થઈ ગયા'.

અવનિ ચોંકી ઉઠી. અમોલના મુખેથી સત્ય સાંભળી તેને આંચકો લાગ્યો. અરે, બાળકોની માતા બનવાનો યશ અમોલને ફાળે જાય છે. હું તેની અવગણના ન કરી શકું. એકદમ રણકો બદલાઈ ગયો. 'ડાર્લિંગ, આપણે સાંજના ફરીને આવીએ પછી બાળકો સૂઈ જાય એટલે, 'હું અને તું'. કોઈ પણ વાતો બાળકો વિષે નહી . ઓ.કે.

અરે યાર તું રિસાઈ ગઈ. હું તો તારી મજાક કરતો હતો'.

ભલે તેં મજાકમાં કહ્યું હોય પણ સાચું છે. આખા દિવસની દિનચર્યા જેમ તું સાંભળે છે તેમ મારે પણ તારા વિષે જાણવું હોય'. બાળકો સૂઈ જાય એટલે સીધી નહાવા જાય અને તૈયાર થઈને આવે. હમણા જરા શરીર વધ્યું હતું તેથી સીધી ગાઉન પહેરી લે. રૂપાળી અને ચબરાક પહેલેથી હતી. મમ્મી બન્યા પછી રૂપને ચાર ચાંદ લાગ્યા હતાં.

આજે ધરા સવારથી રડતી હતી. તેને સ્ટ્રોલરમાં સૂવાડી આયાને કહ્યું તેને જરા બગિચામાં ફેરવ. આકાશ દૂધ પીવાની આનાકાની કરતો હતો. અવનિ એકદમ રઘવાઈ થઈ ગઈ. તેને સમજ પડતી નહી. પોતાની મમ્મીને ફોન કરવા હાથમાં લીધો ત્યાં યાદ આવ્યું ,અરે એતો આજે મલાડ 'સાહિત્ય સંમેલન'માં ગઈ છે. રાતના નવ વાગ્યા પહેલાં નહી આવી શકે. અમોલને અગત્યની બિઝનેસ મિટિંગ હતી. આખરે અમોલના મમ્મીને હૉસ્પિટલમાં ફૉન કર્યો.

'મમ્મીજી, ધરા ખૂબ રડે છે અને આકાશ સવારથી દૂધ પીતો નથી. મને ડર લાગે છે. જો તમને ફાવે તો ઘરે આવશો ?'

'અરે, બેટા એવું કેમ પૂછાય. ડ્રાઈવરને કહું છું ગાડી લાવે હું ૨૦ મિનિટમાં ઘરે આવી. બીજા ડૉક્ટર છે કામ સંભાળી લેશે.' આવતાની સાથે ધરાને હાથમાં લીધી. દાદીનો હાથ દીકરી ઓળખી ગઈ. એકદમ ચૂપ થઈ ગઈ. ક્યારની રડતી હતી તેથી બે મિનિટમાં સૂઈ ગઈ. આકાશને પ્રેમથી ખોળામાં લઈ, વહાલથી માથે હાથ ફેરવ્યો. ચૂપચાપ દૂધ પીવા લાગ્યો. આખરે બન્ને બાળકો શાંત થયા. ધરાને પણ ઉંઘમાં દૂધ પિવડાવ્યું. અવનિના હાલ જોઈ મમ્મીજી બોલ્યાં,' બેટા તું આરામ કર. હું અને આયા બન્ને બાળકોનું ધ્યાન રાખીશું. તું ખૂબ થાકેલી દેખાય છે.' અવનિને ખૂબ સારું લાગ્યું. પોતાના રૂમમાં જઈ કપડાં બદલી લાંબી થઈ ગઈ. બન્ને બાળકોના પેટ ભરેલાં હતાં. શાંતિથી ઉંઘ ખેંચી રહ્યા. અવનિની આંખ ત્યારે ખૂલી જ્યારે ઘરમાં અમોલનો અવાજ સંભળાયો. આજે રોજનો કાર્યક્રમ રદ કરી. બાળકોની સાથે બધાએ સાંજ ઘરે બેસી આનંદથી પસાર કરી.

બાળક જીવનમાં આનંદ ઉમેરે છે. દરેક વ્યક્તિ તેને માટે જુદા અભિપ્રાય ધરાવી શકે. અમોલ અને અવનિનો સંસાર બાળકોથી મહોરી ઉઠ્યો. બાળકનું આગમન જીવનની રવાલ બદલે તે હકિકત સ્વિકારવી રહી. એકધારું જીવન નિરસંતાને આમંત્રે. જીવન હર હાલમાં અનુભવોની ઝડી વરસાવે છે. તેથી તો જીવન જીવવાની મઝા છે. જેમ ગુલાબ કાંટા હોવા છતાં સુંદરતા નથી ગુમાવતું તેમ, જીવન દુઃખ આપે છતાં તેની મહત્વતા ગુમાવતું નથી. માત્ર જીવન પ્રત્યેનો અભિગમ નિષ્પક્ષ રહે તો જીવન જીવવા જેવું ખરું. ભરતી ઓટ સમુદ્રનો સ્વભાવ છે. સુખ અને દુઃખ જીવનના બે પહેલુ છે. સમય સમયને માન છે. ક્યારે શું અગત્યનું છે એ નક્કી કરવું જરૂરી છે. બાકી ફરિયાદ અને રોદણાં એ તો માત્ર છટકબારી છે !

અવનિએ બાળપણથી બન્ને અનુભવ્યા છે. અમોલના પ્યારમાં ગળાડૂબ બાળકોની પરવરિશમાં જીવનને માણી રહી. થાકી જતી પણ ઉત્સાહ તેને હરદમ પ્રફુલ્લિત રાખતો. પ્રેમથી ઉભરાતા વાતાવરણમાં ધરા અને આકાશ પગલાં પાડતા થઈ ગયા. જ્યારે સહુ પ્રથમ 'મમ્મી' શબ્દનું ઉચ્ચારણ થયું ત્યારે અવનિએ આલોકને ફોન કરી ઘરે બોલાવ્યો. આલોકે સઘળું કેમેરામાં કેદ કર્યું. પછી તો ધારો થઈ ગયો. 'પપ્પા, દાદા, દાદી, નાની, મામા દરેક પ્રસંગ ક્ચકડામાં કેદ થઈ ગયા.'

હમણાંથી મમ્મી સાથે વાતો કરવાનો સમય બહુ મળતો નહી. જ્યારે અમિતા બહેન આવતાં ત્યારે મોટેભાગે ધરા અને આકાશની વાતો સાંભળતા. અવનિ પોતાના બહારના કામ કરવા નિકળી જતી. બાળકોને વહાલથી ભિંજવવામાં અમિતા સઘળું વિસરી તન્મય બનતી. મુકેશને કારણે દ્વિધામાં અટવાયેલું દિમાગ લખવા પ્રત્યે બેદરકાર બન્યું હતું. ધરા અને આકાશ શાંતિથી સુતા હતાં. વિચારોમાં અમૂલખ અને મુકેશ વાતો કરતાં નિહાળી અમિતા સજાગ બની. અત્યારે આ દશા અજુગતી લાગી. ઉભી થઈ મહારાજને 'કડક મીઠી ચા'નું કહીને પાછી આવી. અવનિને આવતા મોડું થયું. અમોલ ઑફિસથી આવી ગયો. બન્ને જણા સાથે બેસી ચા અને નાસ્તો કરી રહ્યા.

'લખવાનું કેવું ચાલે છે'?

હમણાં જરા ધીમું છે'.

તબિયત તો સારી છે ને'?

હા, પણ કહી અમિતા અટકી ગઈ.

ડહાપણ વાપરી આલોકે આગળ કશુ ન પૂછ્યુ, ત્યાં 'અરે તું પણ આવી ગયો. મને ખૂબ ટ્રાફિક નડ્યો.'

'કોઈ વાત નહી, ડાર્લિંગ મને મમ્મી સાથે વાત કરવાનો મોકો મળ્યો. કહી અમોલ ઉભો થયો. મા અને દીકરી વાતે વળગ્યા. ઘણા વખતે બન્ને મળ્યા હતા.

મમ્મી આજે અંહી રોકાઈ જા'. અવનિ જાણતી હતી મમ્મી કદાપિ રોકાતી નથી . છતાં પણ તેનાથી બોલાઈ ગયું. અમિતા બહેને આંખોથી જવાબ આપ્યો. ડાહીમાની દીકરી સમજી ગઈ. રાતના જરા મોડું થયું. બધાએ સાથે બેસી રાતનું વાળુ કર્યું. મુકેશમામા ટાણે કટાણે બહેનને ત્યાં ટપકી પડતાં. આજે અચાનક આવી પહોંચ્યા હતાં. જમવાના ટેબલ પર જલસો થઈ ગયો. અમોલના મમ્મી ભાઈનો રંગીન મિજાજ જોઈ ખુશ થયા. તેમેને મનમાં થતું હતું 'મુકેશ અને અમિતાબહેનનું ચક્કર' ચાલે તો સારું. મગનું નામ મરી પાડવા કોઈ હજુ તૈયાર નહતું. વાતોમાં ખૂબ મોડું થઈ ગયું હતું.

'હું ઘરે જતાં અવનિના મમ્મીને ઉતારતો જઈશ'. મીઠી મુંઝવણ હોવાથી અમિતા કહેવું કે અમિતા બહેન નક્કી ન કરી શક્યા. વચલો માર્ગ સરળ લાગ્યો.'અવનિના મમ્મી' !

આનો અર્થ ન સમજે એવા હતાં માત્ર 'ધરા અને આકાશ' જે બન્ને જણા ભર નિંદ્રામાં સપનાની ગલીઓમાં વિહાર કરી રહ્યા હતા. જમ્યા પછી આઈસક્રિમની લહેજત માણી. મુખવાસની આદત કોઈને ન હતી. અંતે મુકેશમામા અને અમિતાબહેન ઉઠ્યા. રાતના સમયે મુકેશ ગાડી પોતે ચલાવતા. રસ્તા પર ટ્રાફિક થોડો ઓછો હોય અને ખોટા ઓવરટાઈમના પૈસા ન આપવા પડે. અમિતા સાથે નિકળી તો ખરી પણ મનમાં દ્વંદ યુદ્ધ ચાલી રગ્યું હતું. જરા ગભરામણ પણ થઈ. વખત છે ને, મુકેશ કોઈ અઘટિત માગણી ન કરી બેસે !

હાલ તો મુકેશના અમિતાથી પણ ખરાબ હતાં. ્વર્ષોના વહાણા પસાર થઈ ગયા હતાં. આમ રાતના સમયે કોઈ પણ સ્ત્રી સાથે નિકળવાનો પ્રસંગ સાંપડ્યો ન હતો. દિલમાં વાવાઝોડું ઉઠ્યું હતું. એકાંત, મનગમતો સાથ સંયમ રાખવો ખૂબ કઠિન હતો. અમિતાનો પ્રભાવ એવો હતો કે મુકેશ ધારે તો પણ વાણીનો વિલાસ આદરતાં પહેલાં દસ વખત વિચાર કરે ! ગાડી પાસે અમિતા આવી એટલે સભ્યતા પૂર્વક બારણું ખોલ્યું. અમિતા સુઘડ, સંસ્કારી અને છટાદાર સ્ત્રી આગળ બેઠી. મુકેશના વર્તનથી અંજાઈ પણ ચહેરાના ભાવ ન બદલ્યા. ઘણી વ્યક્તિઓ તેમાં ખૂબ કુશળ હોય છે.

બારણું બંધ કરીને મુકેશ ડ્રાઈવરની જગ્યા લીધી. ત્રાંસી આંખે અમિતાના હાવભાવ વાંચવાની કોશિશ કરી પણ સરિયામ નિષ્ફળતા મળી. ધીરેથી હિમત કરી, સ્વરમાં મૃદુતા લાવી બોલ્યો, 'નરિમાન પોઈંટથી ગાડી લંઉ તો વાંધો નથી ને '?

અમિતાએ મલકાઈને જવાબ આપ્યો, ' હવે ઘરે જવાની ઉતાવળ નથી'.

'તો તો આપણે આનંદો દૂધ પીને જઈશું'.

'પેટમા જગ્યા છે'?

'એ તો થઈ જશે'.

વાર્તાલાપ સૌજન્ય પૂર્વક ચાલુ રહ્યો. પૂનમનો ચાંદ આકાશમાં ખિલ્યો હતો. જુવાની ન હતી પણ દિલમાં ઉમંગની ભરતી જરૂર ચડી હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance