ઉમંગનું લોલક 13
ઉમંગનું લોલક 13
પ્રકરણ : ઉમંગની હેલી
રજીસ્ટર્ડ મેરેજ કરીને ઘરમાં પગ મૂક્યો. દિલ ધડકતું હતું . કોની હાલત વધારે કફોડી હતી એ સમજવું મુશ્કેલ હતું. એક હતો નવો નિશાળિયો બીજી હતી અનુભવી. પાંચ વર્ષથી પુરૂષનો સ્પર્શ તેમજ સંગથી અજાણ. પેલો નવો નિશાળિયો તો ઘાટઘાટના પાણી પીને તરસ્યો હતો. આજે જ્યારે પવિત્ર બંધનથી જોડાયો ત્યારે પસીનો છૂટી ગયો. બન્ને જણા ખામોશ હતા. દિલ ધડકતાં હતાં તે સ્પષ્ટ સંભળાતું હતું. અમિતાની નજરો નીચી હતી. આજે લગભગ છ વર્ષ પછી બીજા પુરૂષનું પડખું સેવવાનું હતું. અંદરથી સહમી ગઈ હતી. બધી આવડત, હોંશિયારી, પ્રતિભા અને વાણીચાતુર્ય સાથ છોડી ગયા હતાં. મુકેશને થયું શરૂઆત મારે જ કરવી પડશે. આજની પરિસ્થિમાંથી અમિતા બહાર આવવા વલખાં મારી રહી છે. તેને સહારાની જરૂર છે. બસ હાથ પકડી તેની શરમને ભગાડવાની છે. સ્ત્રી હમેશા શરમાળ હોય તે સત્ય પુરવાર થયું. માનુની પોતાની આંખો ઉંચી ન કરી શકી. મુકેશ તો જીવનની ધન્ય પળને માણાઅમાં મશગુલ હતો. અમિતા સાથેના સંબંધ સુંદર રીતે વિકસ્યા હતા. તેના મનના ભાવ કળી શકવાનું સામર્થ્ય તેનામાં આવી ગયું હતું.
મિત્રોને બોલાવી નાની એવી પાર્ટી ' વિલિંગ્ડન ક્લબ'માં આપી રજીસ્ટર્ડ મેરેજ કરી લીધાંની જાહેરાત કરી. માત્ર ઘરના બાળકો અને બહેનનો પરિવાર. અમિતાને જરા પણ ધમાલ કરવી ન હતી. મુકેશને ગમે તે રીતે દમામ ભેર પરણી ગઈ. પતિના રૂપમાં મુકેશ થોડો અણઘડ અને નવો નિશાળિયો નિકળ્યો. પરણ્યો પહેલી વાર પણ જાનમાં ઘણાંની ગયો હતો. અમિતાનું દિલ ખુશ કરવામાં પાવરધો નિકળ્યો. જાણે પરિકથામાં વાંચ્યુ હોય તેવો ચિતાર ખડો કર્યો. અમિતાનું દિલ જીતવામાં સફળ રહ્યો. એકલો રહેવાને ટેવાયેલો હોવાથી થોડો મુંઝવાયેલો હતો. અમિતા તેની મનોદશા કળી ગઈ. ચતુરાઈ વાપરી બને તેટલો પ્રયાસ કર્યો જેથી મુકેશની કચાશ તેને શરમમાં ન મૂકે. બાકી દિલદાર માણસે અમિતાને છક કરી દીધી. મુકેશ ભલે અટવાયેલો જણાતો હતો પણ ડગલેને પગલે અમિતાને પ્યાર તેમજ ઘરેણાથી નવાજી રહ્યો. સ્ત્રીની નબળાઈ તેને બરાબર ખબર હતી.
લગ્ન 'વિલિંગ્ડનમાં અને હનીમુન ઓબેરોયની ડીનર પાર્ટી માણી બન્ને જણા 'પ્રથમ રાત્રી ગાળવા ખાસ' કમરામાં આવ્યા. બન્ને જણા એકલા હતા. અમિતા શરમની મારી આંખ ઉંચી નહોતી કરી શકતી. મુકેશે હાથ પકડી છત્ર પલંગ તરફ ચાલવા માંડ્યું. અમિતા લગભગ ઘસડાઈ રહી હતી. મનમાં વિચાર ઝબકી ગયો.
"આટલી બધી શરમ તો અમૂલખ સાથેની પહેલી રાતે પણ ન હતી. ત્યારે મુગ્ધા અવસ્થા હતી. આજે આવી હાલત કેમ ? તે નક્કી ન કરી શકી." મુકેશની દોરવાઈ તેની પાછળ ગઈ. બેડરૂમની સજાવટ જોઈ તેનું અંતર ડોલી ગયું. મુકેશના મુખ પર સ્મિત હતું. અમિતાએ વળતું સ્મિત આપ્યું. હવે જરા શરમ ઓછી થઈ. મુકેશે પલંગ પર બેસાડી. જરા પણ ઉતાવળ કરવી ન હતી. બાજુમાં સૂકો મેવો અને ફળોનો થાળ સજાવેલો હતો હતાં. બે વાઈનના ગ્લાસ તૈયાર હતાં. શેમ્પેઈન મુકેશને ભાવતું ન હતું. અમિતા વાઈનનો ગ્લાસ મોઢે અડકાડે તે પણ તેના માટે ઘણું હતું. મુકેશ હર એક પળને માણી રહ્યો. હકિકતમાં તે આજે શાદીસુધા હતો. અત્યાર સુધીની જીંદગી કરતાં એકદમ અલગ! આવી સુંદર પત્ની. જેને તે અનહદ પ્રેમ કરતો હતો. હકિકતની હરિયાળી તેને સ્પર્શી હતી. જેને કારણે ખૂબ ખુશ હતો.
પ્રેમ કાંઈ જુવાનિયા જ કરે એવું નથી. ક્યારે, કોની સાથે થાય તે પણ નિશ્ચિત નથી હોતું. જ્યારે થાય ત્યારે ભલભલાં તેનો શિકાર બને અને મોજ ઉડાવે. આજની રાત સુંદર ઓબેરૉયનો ખાસ રૂમ મુકેશને પાગલ કરવા માટે પૂરતાં હતાં. ધીરેધીરે માઝમરાત વહી રહી અને બન્ને જણા એકમેકનો સંગાથ માણી રહ્યા. અમિતાના દિલના કમાડ ખૂલી ગયા. મૂકેશે આ પળને માણવામાં કોઈ કચાશ ન રાખી. બારણા બંધ હોવાથી અંદર શું થયું એની કલ્પના પૂરતી છે. ચાંદ પણ વાદળ પાછળ ભરાણો હતો. ઝગમગતા તારલાં આ અધેડ ઉમરના દંપતિનો પ્રેમ જોઈ નભે મલકાઈ રહ્યા. સવાર પડી ત્યારે ખબર પડી કોઈએ આંખનું મટકું માર્યું ન હતું. સુંદર ચાંદીના ટીસેટમાં ચા અને નાસ્તાને બન્ને જણા ન્યાય આપી રહ્યા. ત્યાં ફોનની ઘંટડી રણકી.
'મમ્મી, આકાશ ગાડીમાં બેસતાં પડી ગયો. ધરાનું ધ્યાન રાખવા તું ઘરે આવ'.
મુકેશે કહ્યું,' ગાડી અને ડ્રાઈવર છે . તું જા હું થોડીવાર પછી આવીશ'. કહેવા ખાતર કહ્યું બાકી એ શાહજાદા ક્યાંય જવાના મુડમાં ન હતા.
અમિતા તૈયાર થઈને નિકળી. તેનું મન મુકેશમાં હતું પણ અવનિ બોલાવે એટલે તે બસ દોડવા માંડે. તેને ખબર હતી આજે મુકેશની સાથે હોવું જરૂરી છે. ગાડી ચાલતી હતી પણ તેના દિમાગમાં ઉલ્કાપાત મચ્યો. બાળકોનું સ્થાન કોઈ ન લઈ શકે. ભલે મુકેશની સાથે લગ્નગ્રંથીથી જોડાઈ છતાં, તે પણ નહી ! નાહી ધોઈને તૈયાર થઈ અમિતા અવનિને ત્યાં જવા નિકળી. આજે તેને થયું આ બે ભાગમાં 'અમિતા' કઈ રીતે જીવન નિભાવશે ? બાળકો તેના હૈયાના હાર હતા, જ્યારે મુકેશ, તેને હવે તે પરણી હતી. પ્યાર કરતી હતી. તેનુ મન ઝોલા ખાતું હતું. મન મર્કટ જવાબ આપવાને બદલે અંહી તંહી ફંગોળાતું હતું. ક્યારે અવનિનું ઘર આવી ગયું ખબર પણ ન પડી.
'મમ્મી, માફી ચાહું છું . આજે તને હેરાન નહોતી કરવી પણ શું કરું, આકાશને ડોક્ટર પાસે લઈ જવાનો છે. ધરતીને તારે સાચવવી પડશે. એટલે તને તકલિફ આપી. '
અરે બેટા એમાં તકલિફ શાની ? મારે આજે ક્યાં કોઈ કામ હતું ? અંહી બેસીને મારું લખવાનું કામ કરીશ.' પેલી નવલિકા તને યાદ છે ને, "મારા દિલના હાલ ' તેનું બીજું પ્રકરણ 'ગરવી ગુજરાત' માટે મોકલવાનું છે. કહી હસી. એ હાસ્ય પાછળ મુકેશને મૂકીને આવવાની વેદના સ્પષ્ટ જણાતી હતી. અવનિ સમજી પણ બોલી નહી. ન છૂટકે તેણે મમ્મીને બોલાવી હતી. મારતી ગાડીએ અવની આકાશને લઈને હૉસ્પિટલ ગઈ. ધરાને રોજ મોડા ઉઠવાની આદત. તેમાંય હમણા ઉનાળાની રજાઓ હતી.
અમિતાએ મુકેશને ફોન લગાવ્યો. ફોન ઉપર લગભગ રડી પડી.
'અરે, પાગલ એમાં રડવાનું હોય ?'
'તમને તો ખબર છે, અવનિ બીજા કોને બોલીવે'?
'તને લાગે છે મેં ફરિયાદ કરી કે નારાજ થયો હોંઉ તેવું'.
'ના'.
'તો પછી ? હવે સાંભળ અવનિ આવે એટલે તું સીધી ગાડીમા હૉટલ પર આવ. મેં તારા માટે , ઓ કે તું આવે ત્યારે જો જે.'
'સારું'. અમિતા, મુકેશનો પ્રેમ અને ભાવ અનુભવી રહી. તેને ઉડીને મુકેશ પાસે પહોંચવાનું મન થઈ ગયું. શરીર તેનું અંહી બાળક પાસે હતું. મનથી તે મુકેશની બાજુમાં બેસી તેનો સ્નેહ પામી રહી હતી. ત્યાં પેલું મર્કટ મન પાછું વિચારે ચડ્યું. બાળપણથી આજ સુધીની જીંદગી ચિત્રપટ પર ગુજરી રહી હતી. જીવન આનંદ, ઉત્સાહ, ગમ, ખુશી, જવાબદારીનું મિશ્રણ જણાયું. બાળપણથી આજ સુધીમાં જે મેળવ્યું તે દરમ્યાન કેટલી પ્રગતિ સાધી. જીવન વિષે જાણવા મળ્યું. સારા તેમજ નરસા બધા અનુભવોની પરિક્ષામાંથી હેમખેમ પાસ થઈ. મન ગમતાં કાર્યો કર્યા. પ્રેમની ગંગામાં નાહીને પાવન થઈ. ઈશ્વરમાં તેની શ્રદ્ધા દરરોજ વધતી ચાલી. અમૂલખ સાથેની જીંદગી તેનો સુવર્ણકાળ હતો. આજે મુકેશ સાથેની જીંદગીની શુભ શરૂઆત હતી. કાંઈ કહેવાપણું ન હતું.
અવનિએ આવી તેને ઢંઢોળી '.અમિતા એકદમ ઝબકી ગઈ !
'મમ્મી તું કોના વિચારે ચડી ગઈ?'
'બેટા ગઈકાલે નવી જીંદગીની શરૂઆત કરી છે. ઈશ્વર મારે માટે કેટલો કૃપાળુ છે તે વિચારી રહી હતી '.
'બસ મમ્મા, મને તું ખુશ રહે તે ગમે. ભાઈલો પણ હવે ઠેકાણે પડી જશે. તારા ઉમંગ અને અરમાનને પૂરનાર મુકેશમામા મળી ગયા. ખૂબ પ્રેમાળ અને સુંદર સ્વભાવ છે તેમનો.' તું જા, તારી રાહ જોતાં હશે.
બાળકોને વહાલ આપી અમિતા હોટલ પર જવા નિકળી. અમૂલખ સાથે કદી ઑબેરોયમાં જમવા જવાનું પણ નસિબમાં પ્રાપ્ત થયું ન હતું. આજે, સંજોગો ક્યાંથી ક્યાં લઈ આવ્યા. ત્રણ દિવસ અને તે પણ પાછું, ખાસ રૂમ !'
હોટલને દરવાજે ગાડી ઉભી રહી. દરવાને ગાડીનો દરવાજો ખોલીને સલામ ભરી. અમિતા માટે આ બધું સ્વપ્નવત હતું. લેખિકા બન્યા પછી તેના જીવનમાં ધરખમ ફેરફાર થયો હતો. આજે મુકેશની પત્ની તરિકેનો દરજ્જો તો વળી તેના કરતાં પણ ઉંચો હતો. આજે જીવનમાં એવા સ્થાને આવી પહોંચી હતી જેનું સ્વપ્ન પણ કદી તેણે નિહાળ્યું ન હતું. હકિકત ખુલ્લી આંખે જણાતી હતી છતાં મન માનવા કબૂલ કરતું નહી. લિફ્ટમાં ઉપર જતાં ગાલે ચુંટલી ભરી. નાનો શો ચિત્કાર નિકળી ગયો. લિફ્ટમાં સામે પ્રતિબિંબ જોતાં મલકાઈ ઉઠી.
સાદગીથી શ્રિમંતાઇ ભણીની દોટમાં તે આગળ નિકળી ગઈ હતી. અમૂલખના ગયા પછી 'બિચારી' નહોતી બની. હા, હામ હારી ગઈ હતી. સાસુમાએ તેને સાચવી લીધી. દિલમાં નવી ઉમંગે પદાર્પણ કર્યું. લેખન પ્રવૃત્તિએ તેના જીવનમાં ઉત્સાહ રેડ્યો. બાળકોને સહયોગ મહત્વનો હતો. સૂરજ વાદળ પાછળ ઢંકાય તેથી કાંઈ તેનું તેજ અને પ્રકાશ ઓછાં ન થાય. વાદળાં હટે અને સૂરજ પોતાની આગવી પ્રતિભા ને રેલાવે. સંજોગ અનુસાર અમિતા સાધારણ સ્ત્રી, માતા, પત્ની બનીને જીંદગીની ઘરેડમાં જીવી રહી હતી. અમૂલખનું કસમયે વિદાય થવું એ ઘટનાએ તેના જીવનને નવો વળાંક આપ્યો. તેના જીવનની રવાલ બદલાઈ ગઈ. પ્રસિદ્ધિ પામેલી લેખિકાએ નવો જન્મ ધારણ કર્યો હતો. સરળ જીંદગીમાં ઉમંગની ભરતીના મોજાં ગાંડા થઈ કિનારાને ભેટવા ધસમસી રહ્યા હતાં. કિનારા પર ઉભેલો મુકેશ તે ઉગ્રતા પોતાનામાં સમાવવા આતુર જણાયો.
વળાંકની વેલ ચડીને ઘેઘુર વડલાને વિંટાઈ ગઈ. મુકેશ વડલા સમાન તેની ઓથ બન્યો. વેલને જ્યારે પાણી, પ્રકાશ, પથ મળે ત્યારે તે આસમાનને અડવાની તમન્ના સેવે. આજે અમિતા હરખ ઘેલી બની રૂમ તરફ ડગલાં ભરી રહી. તેના સ્વભાવ પ્રમાણે કૃષ્ણને સમર્યા. મનોમન વંદી રહી. સંકલ્પ કર્યો. એ સંક્લ્પ મુકેશને જણાવવા અધીરી બની ગઈ. આજે તે ખૂબ ખુશમિજાજમાં હતી. જીંદગી નવે સરથી જીવવા તલપાપડ થઈ રહી.
મુકેશ તેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. ડ્રાઈવરે ફોન કરીને જણાવ્યું હતું કે મેમસાહિબા લિફ્ટમાં ઉપર આવી રહ્યા છે. રાતની મઝા માણી ચૂકેલો મૂકેશ અત્યારે અમિતાને આશ્ચર્યમાં ગરકાવ કરવા તૈયાર ઉભો હતો. અમિતા પાસે રૂમની ચાવી હતી. અમિતાએ ધીરેથી બારણું ખોલ્યું. મૂકેશ દેખાયો નહી. સામે પલંગ પર મોટું પેઈંટીંગ પડ્યું હતું. ફ્રેમ પણ ખૂબ સુંદર હતી. પોર્ચમાં નવી મર્સિડિઝ ઉભી હતી. પાછળ ઘુઘવાટા કરતો સમુદ્ર સાફ જણાઈ રહ્યો હતો.
અમિતા એકીટસે એ ચિત્રને જોઈ રહી. તેના મોઢા પર હાથ દબાઈ ગયો. " ઓ,માય ગોડ" આવું સરસ ચિત્ર ફ્રેમમાં મઢેલું ?'
મુકેશે કેમેરા્ની ચાંપ દાબી તેને કેદ કરી લીધી. ધીમેથી લપાઈને પાછળથી આવી બન્ને હાથ વચ્ચે જકડી બોલ્યો, "અમિતા આ 'ઉમંગ' બંગલો તને પ્રથમ સુહાગ રાતની ભેટ'. જુહુના દરિયા કિનારે તારા માટે ખાસ લીધો. આ ગાડીની ચાવી અને," ડ્રાઈવર તારી ખિદમતમાં" !બોલીને લળી લળી સલામ ભરી.
અમિતા, મુકેશનું આવું રૂપ કલ્પી પણ ન શકી. તેને થયું ,શું આ ખરેખર હકિકત છે. તેને ખબર હતી મુકેશ પાસે પૈસો સારો એવો છે. આટલું બધું તે પામશે તે વિચારવું પણ તેના ગજા બહારની વાત હતી, આ કલ્પના પણ કરી શકે તેવી તેનામાં શક્તિ ન હતી. તે હમેશા માનતી ,'પૈસો સર્વ સુખનું સાધન નથી'. આજે નજર સમક્ષ, સોહામણો પ્યાર કરતો પતિ અને સ્વપનામાં કલ્પેલો મહેલ જોઈ તે ખુશ થઈ. મુકેશને હરખમાં બાઝી પડવાનું ઉગ્ર પગલું તે ન ભરી શકી!
મુકેશ તેના દિલની વાત જાણી ચૂક્યો હતો. તેણે બન્ને બાજુ પહોળાં કરી તેની સામે મુખ મલકાવતાં ચાલવા માંડ્યું.
ક્રમશ:

