ઉદય ભાગ ૯
ઉદય ભાગ ૯


ચતુર્થ પરિમાણ એટલે શું ? પલ્લવે પ્રશ્ન પૂછ્યો
બાબા ભભૂતનાથે જવાબ આપ્યો જગત તમને દેખાય છે એટલું જ નથી. સામાન્ય માનવી ફક્ત ત્રિપરિમાણીય દુનિયા જોઈ શકે છે પણ આ જગત સપ્ત પરિમાણનું બનેલું છે. તમે ભણેલા છો તે ભાષામાં કહું તો સેવન ડાયમેન્શનલ. તેમાંથી આ જગ્યા ચતુર્થ પરિમાણ છે એટલે કે ફોર્થ ડાયમેન્શન. સામાન્ય મનુષ્ય ઘણુંબધું જોઈ નથી શકતો કે સાંભળી નથી શકતો કારણ કે પંચઇંદ્રિયોની એક સીમા હોય છે તે સીમાની બહારનું દેખાતું નથી, સંભળાતું નથી કે અનુભવાતું પણ નથી. તમે ઘણા બધા સિદ્ધ યોગીઓ વિષે સાંભળ્યું હશે કે તેઓ ચમત્કારી છે અને ચમત્કાર કરે છે તે ફક્ત પાંચ ઇન્દ્રિયોનો શક્તિનો વિકાસ કરીને કામ કરે છે તેને બધા ચમત્કાર કહે છે. તો હું કોણ છું અને અને આ જગ્યા વિષે મને કહો અને અહીં હું કેવી રીતે આવ્યો? પલ્લવે પૂછ્યું.
આ જગત સપ્ત પરિમાણીય છે અને દરેક પરિમાણોની વિશેષતા છે. ત્રીજા પરિમાણથી ચોથા પરિમાણમાં સમય ધીમો થયો જાય છે અને અહીં રહેનારની શક્તિ વધી જાય છે. ત્રીજા કરતા ચોથા માં સમય ૩૦ ગણો ધીમો વહે છે ચોથા કરતા પાંચમા માં ૩૦ ગણો ધીમા અને પાંચમા કરતા છઠા માં ૩૦ ગણો ધીમો અને સાતમા માં છઠા કરતા ૩૦ ગણો ધીમો વહે છે. અને શક્તિ પણ ૩૦ ગણી વધે છે. અને સમયના ધીમા વહેવાને લીધે જૈવિક ક્રિયા ઓ પણ તેટલી ધીમી થાય છે અને અહીં રહેનાર ની ઉમર પણ તે હિસાબે વધે છે. દાખલા તરીકે જે વ્યક્તિ ત્રિપરિમાણીય જગત માં ૧૦૦ વર્ષ જીવે તે ચોથામાં ૩૦૦૦ વર્ષ જીવે અને પાંચમામાં ૯૦૦૦૦ વર્ષ જીવે અને છઠા માં ૨૭૦૦૦૦૦ અને સાતમામાં ૮૧૦૦૦૦૦૦ વર્ષ જીવે. પણ આ ફક્ત દાખલો આપ્યો સમજવા કારણ છઠા અને સાતમા પરિમાણમાં કોઈ જઈ શકતું નથી કારણ ત્યાં ફક્ત દિવ્ય શક્તિઓનો વાસ છે જેમને આ જગત બનાવ્યું છે અને જે આ જગત ચલાવે છે.
અને હું, તમે અને આપણા બીજા આઠ દિવ્ય પુરુષો હતા તે પાંચમા પરિમાણમાં રહેવાસી છીએ અને તમારી એક ભૂલના લીધે ચોથા પરિમાણમાં આવી ગયા છીએ. આપણું કામ ધરતી પર વધતા પાપ અને પુણ્યનું સંતુલન જાળવવાનું હતું. આપણે સમય સમય પાર સૂક્ષ્મ રૂપે ત્રીજા પરિમાણમાં જઈ ત્યાં કોઈ પણ વ્યક્તિનું સ્વરૂપ ધારણ કરી પુણ્ય વધારી અને પાપનો ક્ષય કરી સંતુલન જાળવતા. આપણું નિર્માણ મહાશક્તિઓએ કરેલું છે અને તે મહાશક્તિઓનું નિર્માણ દિવ્ય શક્તિએ કરેલું છે જે સાતમા પરિમાણમાં રહે છે દિવ્યશક્તિનું કામ ફક્ત નિર્માણ અને સમય આવે વિનાશ કરવાનું છે. મહાશક્તિઓમાં અમુક દેવતાનું કામ સૃષ્ટિ નિર્માણ અને સૃષ્ટિ ચાલવાનું છે તો અમુક દેવતા પાપ પ્રતીક છે તેઓ એવા પુરૂષોનું નિર્માણ કરે છે જે ધરતી પર કાળી શક્તિઓ વધારે છે. કાળી શક્તિ અને ધવલ શક્તિ વગર જગતનું સંચાલન શક્ય નથી પણ તેનું સંતુલન જરૂરી છે. આપણું કામ પુણ્ય વધારી ધવલ શક્તિ અને કાળી શક્તિનું સંતુલન કરવાનું હતું હજી હું તો કરી રહ્યો છું પણ તમારી અત્યારે એક મહત્વના કામ સાર જરૂર પડી છે.
પલ્લવ ના મનમાં ઘણા બધા પ્રશ્નો હતા પણ તેને મૌન જાળવ્યું.
બાબા ભભૂતનાથે આગળ જણાવ્યું કે આપણે ૧૦ દિવ્ય પુરુષો હતા અને સૃષ્ટિમાં ધવલ શક્તિ ફેલાવાવનું કામ કરતા હતા પણ આપણામાંથી એક બાબા અસીમનાથને પથભ્રષ્ટ કરી કાળી શક્તિઓના અધમ પુરુષોએ પોતાની સાથે કરી લીધા અને અને સાત દિવ્ય પુરુષોને કેદ કરી લીધા. તે વખતમાં આપણે બંને ત્રીજા પરિમાણમાં હોવાથી આપણને કેદ કરી શક્ય નહિ. આપણા સાત ભાઈઓ હજી પણ કેદ માં છે. કમલનાથ, કદંબનાથ, ઇન્દ્રનાથ, નરેન્દ્રનાથ, ભવેન્દ્રનાથ, સપ્તેશ્વરનાથ, અને ઢોલકનાથ તે બધાય અત્યારે કેદમાં છે. આપણે હજારો વર્ષોથી જીવીયે છીએ અને આપણી ઉમર લગભગ ૨૦,૦૦૦ વર્ષ છે અને ત્રીજા પરિમાણના ઘણા બધા યુદ્ધોના સાક્ષી છીએ. આપણા પહેલા પણ દિવ્ય પુરુષો હતા તેમનો સમય પૂરો થયો એટલે મૃત્યુ પામ્યા અને આપણું પણ થશે પણ તેની આડે હજી ૭૦૦૦૦ થી ૮૦૦૦૦ વર્ષ બાકી છે. આપણે ઘણી જવાબદારીઓ પુરી પાડવાની છે.
પલ્લવે પૂછ્યું હું તો સામાન્ય માનવી છું જેનો જન્મ ઓઝા પરિવારમાં થયો છે મારા પિતાનું નામ સુંદરલાલ અને માતાનું નામ નિર્મળાબેન છે હું કેવી રીતે દિવ્ય પુરુષ હોઈ શકું.
હું આગળ તમને બધી વાત કરું છું તેમાં બધી વાતનો ખુલાસો થઇ જશે.
તમે માફ કરો તો એક પ્રશ્ન પૂછું બાબા "મહાશક્તિ કેમ બધી કાળી શક્તિઓનો વિનાશ નથી કરતી જેનાથી પૂર્ણ જગતમાં શાંતિ છવાયી જાય અને કોઈ પાપ ના થાય."
બાબા એ ધીરેથી હસીને કહ્યું કે જયારે તમારો સ્વકાયામાં પ્રવેશ થઇ જશે પછી આવા સાધારણ પ્રશ્નો તમારા મનમાં નહિ આવે છતાંય તમારી મનની શાંતિ માટે જવાબ આપું છું. કાળી શક્તિઓનું નિર્માણ મહાશક્તિઓ એ પોતાના સ્વાર્થ માટે જ કરેલું છે જો જગતમાં ફક્ત પુણ્ય જ રહે તો દરેક વ્યક્તિ ધીરે ધીરે ઉન્નત થયી ચોથા અને પાંચમા પરિમાણમાં થઈ છઠા અને સાતમા પરિમાણમાં જઈ શકે અને એક દિવસ સામાન્ય વ્યક્તિઓ દિવ્ય શક્તિના બરોબરીમાં આવી જાય તેથી જ કાળી શક્તિઓનું નિર્માણ કરેલું છે અને સામાન્ય લોકો પાપ અને પુણ્ય વચ્ચે જ ઝૂલ્યા કરે અને અનંત કાળ સુધી એક બીજા સાથે યુદ્ધ કર્યા કરે અને દિવ્યશક્તિનું અને મહાશક્તિઓનું સ્થાન સલામત રહે.