ઉદય ભાગ ૮
ઉદય ભાગ ૮


અઠવાડિયા પછી મોટીબેન અને દેવાંશી મુંબઈ જવા નીકળી ગયા. દેવાંશી ગામમાં હતી ત્યાં સુધી રોજ પલ્લવ ને મળતી અને કલાકો સુધી વાતો કરતી. ઘણા બધા કેસ અને અનુભવો પલ્લવે શેર કર્યા. દેવાંશીના ગયા પછી પલ્લવ બે ત્રણ દિવસ તો દેવાંશી સાથે માણેલી પળો ને વાગોળતો રહ્યો પણ પછી મનને વાર્યું કે હવે શોભાને દગો નહિ દઉં.
ચોમાસુ બેસું બેસું થયી રહ્યું હતું. છેલ્લે જયારે વાદળો એ દેખા દીધી એટલે ગામમાં આનંદ છવાઈ ગયો ખેતર તો ખેડાઈ ગયા હતા પણ વાવણી માટે એક વરસાદની રાહ જોવાઈ રહી હતી. આમ તો જ્યોતિષીઓએ ૧૬ આની વરસાદની આગાહી કરી હતી અને હવામાન વિભાગે મોડા વરસાદની આગાહી પણ વરસાદ આ વરસે સમયસર આવ્યો. ગામમાં ઘણા બધા લોકો એ કહ્યું કે ભાઈ આ તો નટુના આગમનને લીધે થયું છે. તે ખુબ જ ભાગ્યશાળી છે ગામ માટે. વરસાદ પડ્યા પછી પલ્લવની સૌથી મોટી રાજાશાહી પર કાપ આવ્યો તે બહાર ખેતરમાં ખાટલો નાખીને આકાશના તારા ગણતા ગણતા સુવાનો. હવે તેને ઓરડીમાં સુઈ જવું પડતું. રામલો હવે સુવા માટે ઘરે જવા લાગ્યો તે કહેતો ઓરડીમાં બીક લાગે છે. પહેલા પહેલા પલ્લવને ડર લાગ્યો પણ પણ એક બે દિવસ શાંતિથી ઊંઘ આવી એટલે તેના મનમાંથી ડર નીકળી ગયો.
પણ એક રાત્રે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો ઓરડીમાં જયારે સુઈ રહ્યો હતો ત્યારે અડધી રાત્રે પલ્લવની આંખ ખુલી અને તેને એક પ્રકાશ પુંજ દેખાયો જાણે કોઈ લંબગોળ દરવાજો જેમાંથી પ્રકાશ આવતો હોય. પલ્લવને ડર લાગવા લાગ્યો તેને ઓરડીના દરવાજે જવાનો પ્રયત્ન કર્યો પણ તેના પગે તેનો સાથ ના આપ્યો તે મનોમન હનુમાન ચાલીસ બોલવા લાગ્યો પણ જયારે અડધો કલાક થયો અને કોઈ ઘટના ના બની ત્યારે તેના મનમાંથી ડર દૂર થયો અને ઉત્સુકતા જાગી. તેણે વિચાર્યું કે નજીક જઈને જોઉં ત્યારે જ ખટલા પરથી ઉઠી શક્યો. પછી તે પ્રકાશ પુંજ પાસે જઈને જોયું તો કાઈ દેખાયું નહિ તો ઓરડીના દરવાજે ગયો પણ ઓરડી નો દરવાજો ખુલ્યો નહિ. પાછો પ્રકાશપુંજ પાસે ગયો અને વધારે તપાસ કરવાનું નક્કી કર્યું. એકદમ નજીક ગયો ત્યારે ખેંચાણ અનુભવ્યું અને તે સહજ ભાવે પ્રકાશપુંજની પાર નીકળી ગયો. ત્યાં પહોંચ્યો તો તે એક પહાડીની તળેટીમાં હતો તે દિગ્મૂઢ થયીને જોઈ રહ્યો. પાસે એક સરોવર હતું તેમાં ખીલેલા કમળ લહેરાઈ રહ્યા હતા. એક બે હંસ પણ તારી રહ્યા હતા.
પલ્લવ વિચારમાં પડી ગયો કે આ કઇ જગ્યા છે તે ત્યાંથી આગળ વધ્યો તો સુંદર વૃક્ષો અને પંખીઓનો કલબલાટ સંભળાવા લાગ્યો. ઠંડો પવન હતો પણ વરસાદ નહોતો પડતો. ફૂલોની સુવાસ આવી રહી હતી પણ આવી સુગંધ તેને જીવનમાં અનુભવી નહોતી. પણ ત્યાં કોઈ વ્યક્તિ ના દેખાતા તેને પાછા વળવાનું નક્કી કર્યું પણ જયારે તે પાછો પહાડીની તળેટીમાં પહોંચ્યો ત્યારે પ્રકાશપુંજ અદ્રશ્ય થઈ ગયો હતો. હવે પાછો કેવી રીતે જઈશ તેવા વિચારથી પલ્લવ ધ્રુજી ઉઠ્યો.
એક કલાક જેટલું તે તળેટી માં બેસી રહ્યો કે કદાચ પ્રકાશપુંજ પાછો દેખાય. પણ તેવા કોઈ અણસાર ન દેખાતા આગળ વધ્યો. સરોવર પાર કરી જંગલમાં પ્રવેશ્યો. તેને ડર લાગ્યો કે કદાચ કોઈ જંગલી જાનવર આવીને ફાડી ખાશે. અત્યારે તો કોઈ લાકડી પણ તેની પાસે નહોતી તેથી નીચે પડેલી એક ડાળખી ઉપાડી લીધી જો કે તેને ખબર હતી કે આનો કોઈ ઉપયોગ નથી પણ ડૂબતા ને તણખલાનો સહારો તે ન્યાયે ડાળખી હાથમાંજ રાખી. જંગલ પાર કર્યું ત્યાં સુધી ફક્ત પંખી જ દેખાણા કોઈ જાનવર દેખાયું તેથી નિરાંત થયી. આગળ ગયો ત્યારે દૂર એક જગ્યા પર ધુમાડો ઉઠતો દેખાણો ત્યારે તેના પગમાં જોમ આવ્યું. તેને વિચાર્યું કે નક્કી કોઈ વસ્તી હશે. જઈને પછી ગામ જવાનો રસ્તો પૂછી લઈશ.
થોડીવાર પછી પલ્લવ એક આશ્રમની નજીક ઉભો હતો.
તે જેવો આશ્રમના વંડીએ પહોંચ્યો ત્યાં એક જવાન સાધુ તેની નજીક આવતો દેખાયો અને તેણે આવકારતા કહ્યું આવો ડૉક્ટર પલ્લવ તમારું બાબા ભભૂતનાથના આશ્રમમાં સ્વાગત છે. તમારી જ રાહ જોવાતી હતી. બાબા ભભૂતનાથ તમને થોડીવાર પછી મળશે ત્યાં સુધી તમે આ બાજુની કુટિરમાં આરામ કરો. હાથ પગ કુવા પાસે જઈને ધોઈ નાખો. તમારી માટે જળપાનની વ્યવસ્થા કરું છું. પલ્લવે તરત પૂછ્યું કે તમારું નામ શું છે અને આ કઇ જગ્યા છે ? અને ભભૂતનાથ બાબા તો ૭૦ વરસ પહેલા ગામમાં રહેતા હતા અત્યારે અહીં ક્યાંથી ? સાધુ એ કહ્યું મારુ નામ સર્વેશ્વરનાથ છે અને હું બાબા ભબૂતનાથનો શિષ્ય છું અને તમારા બાકી પ્રશ્નોનો જવાબ બાબા જ આપી શકશે. હું સ્પષ્ટીકરણ કરવામાં અસમર્થ છું અમને કઇ પણ કહેવાની આજ્ઞા નથી તો થોડીવાર વિશ્રામ કરો અને બાબા ભભૂતનાથ તમને મળશે એટલે તમારા બધા સવાલોના જવાબ મળી જશે. પલ્લવે હાથપગ ધોઈને થોડો નાસ્તો કર્યો અને એક ઘાસ ની બનેલી ચટાઈ પર લંબાવ્યું. આમેય તેને ઊંઘ આવતી હતી થોડીવારમાં બધી ચિંતાઓમાંથી મુક્ત થઈને સુઈ ગયો. જયારે તે ઉઠ્યો ત્યારે ઘડિયાળમાં જોયું ત્યારે સવાર ના ૧૧ વાગ્યા હતા પણ બહાર આવ્યો ત્યારે તેને જોયું કે તે સુવા ગયો હતો તે વખતે જેવું વાતાવરણ હતું તેવું જ વાતાવરણ અત્યારે હતું. સામેથી સર્વેશ્વરનાથ આવતો દેખાયો. તે આવીને પલ્લવ ને એક બીજી કુટિરમાં દોરી ગયો ત્યાં એક સાધુ પદ્માસનની મુદ્રામાં બેઠો હતો અને તેના ચેહરા પરના તેજથી પલ્લવ અંજાઈ ગયો અને અજાણતાંજ તેના હાથ સાધુ સામે જોડાઈ ગયા અને તેને પ્રણામ કર્યા.
ભભૂતનાથ, ભવ્ય કપાળ, તેજસ્વી આંખો, કાલી ફરફરતી દાઢી, મજબૂત હાથ અને ટેક માટે એક દંડ અને ખૂણામાં એક ત્રિશુલ, તલવાર અને ગદા મૂકી હતી. બાબા એ હસીને પલ્લવ સામે જોઈને કહ્યું આવો તમારું મારા આશ્રમ માં સ્વાગત છે. શું નામથી બોલવાઉ તમને નટુ કે પલ્લવ કે પછી ઉદયશંકરનાથ ?
પલ્લવે પૂછ્યું આ કઇ જગ્યા છે બાબા અને નટુ અને પલ્લવ બન્ને મારા નામ છે પણ આ ઉદયશંકરનાથ તે મારુ નામ નથી તે કોનું નામ છે?
ભભૂતનાથે જવાબ આપ્યો કે આ જગ્યા છે ચતુર્થ પરિમાણ.