ઉદય ભાગ ૨૮
ઉદય ભાગ ૨૮


ઉદયે નજર ઊંચી કરીને જોયું કે તેને બચાવનાર કોણ છે. ત્યાં તલવાર પકડીને બીજું કોઈ નહિ પણ દેવાંશી હતી. પણ અત્યારે તેનું રૂપ જુદું હતું. હંમેશા સાદી સાડી કે સલવાર કુર્તામાં જોયેલ દેવાંશી કરતા આ દેવાંશીનું રૂપ જુદું હતું તેને યોદ્ધાના કપડાં પહેરેલા હતા અને તેને ચેહરા પર સૌમ્ય ભાવ ન હતા. અત્યારે તો જાણે તેણે રૌદ્રાવતાર ધારણ કરેલો હતો. ખડગનો વાર તલવાર પર રોકીને તેણે અસીમાનંદને લાત મારીને દૂર હટાવ્યો. અસીમાનંદ તેને જોઈને બે મિનિટ માટે દિગ્મૂઢ થઇ ગયો તેનો ફાયદો લઈને તેને ઉદયને ઉભો કર્યો અને બાજુના એક ખડક પર બેસાડી દીધો. દેવાંશી અસીમાનંદ તરફ વળી અને કહ્યું કે તને શું લાગ્યું તું તારા ઈરાદામાં સફળ રહેશે. તું દિવ્યપુરૂષ હોઈશ પણ તે એટલા બધા પાપ કર્યા છે કે હવે તું અધમપુરુષ બની ગયો છે. તે દિવ્યશક્તિઓનાં કર્મનો નિયમ તોડ્યો છે તેની સજા પણ તને ચોક્કસ મળશે.
અસીમાનંદે પોતાના પર કાબુ મેળવ્યો અને પૂછ્યું તું કોણ છે અને તું અહીં કેવી રીતે તને તો મેં રોનક સાથે જોઈ હતી અરે હા તું તો રોનકની બહેનની નણંદ છે. દેવાંશીએ અટ્ટહાસ્ય કર્યું અને કહ્યું તું બધાને ઓળખી શકે એટલો શક્તિશાળી નથી. હું છું મહાશક્તિ રચિત રક્ષકશક્તિ અને હું કોઈ પણ રૂપ લઇ શકું છું. તારું જ્ઞાન દુઃખદ રીતે અધૂરું છે એટલે તો તું કર્મ છોડી શક્તિ તરફ ગયો. હવે હું તને નહિ છોડું તને પકડીને મહાશક્તિ સામે ઉભો કરી દઈશ. અસીમાનંદે સ્મિત કરતા કહ્યું કે મને હરાવી તો શકાય મારી પણ શકાય પણ પકડી ન શકાય, હું તો રેત છું કોઈની મુઠ્ઠીમાં ન હોઈ શકું એટલું બોલીને પોતાના કમરબંધમાંથી કોઈ રસાયણ હવામાં ઉડાડ્યું એટલે હવામાં ધુમાડો ફેલાઈ ગયું. દેવાંશીએ તલવારનો વાર કર્યો પણ અસીમાનંદ તો જાણે અલોપ થઇ ગયો હતો ફક્ત સંભળાતા હતા તેના હાસ્યના પડઘા.
અસીમાનંદ તો અલોપ થઇ ગયો હતો પણ ઉદય હજી પણ આશ્ચર્ય ચકિત થઈને પથ્થર પર બેસી રહ્યો હતો થોડી વાર પછી તેને કળ વળી એટલે તેને પૂછ્યું દેવાંશી તું અહીં કેવી રીતે ? દેવાંશી એ જવાબ આપ્યો હું તો વર્
ષોથી તારી આજુબાજુ જ છું પણ જુદા જુદા રૂપે. મહાશક્તિ એ મારી રચના તારી રક્ષા માટે કરેલી છે. તું અત્યારે મને જે રૂપમાં જુએ છે તે મારુ પોતાનું રૂપ નથી તે દેવાંશીનું રૂપ છે. હું કોઈનું પણ રૂપ ધારણ કરી શકું છું. તું નાનો હતો ત્યારે તારા પાડોશમાં રહેતી વૃદ્ધ સ્ત્રી હું હતી તેના પછી તારી સાથે કોલેજમાં ભણતી શશીકલા હું હતી, તું અમેરિકા ભણતો ત્યારે સાથે ભણતી નીલા હું હતી. ઉદય અવાચક થઈને બધું સાંભળી રહ્યો હતો. તેણે પૂછ્યું આ બધું શેના માટે ? દેવાંશી એ કહ્યું મહાશક્તિને ડર હતો કે કદાચ અસીમાનંદ નાનપણમાં મારી નાખવાનો પ્રયત્ન કરે તો તારા બચાવ માટે પણ અસીમાનંદ તેની શક્તિમાં અંધ હતો અથવા તેને લાગ્યું હોય કે તારી તરફથી કોઈ ખતરો નથી તેથી તે વખતે તો તારા પર વાર ન કર્યો પણ તેને અજાણતામાં જેલ ભેગો જરૂર કર્યો.
જેલમાંથી છૂટીને ગામમાં આવ્યો તે ફક્ત મારે લીધે, મેંજ અદ્રશ્ય રહીને તારા મનમાં પ્રેરણા આપી અને મફાકાકા ને પણ તને કામ પર રાખવાની પ્રેરણા મેં આપી. તું ચતુર્થ પરિમાણના દરવાજા નજીક પહોંચીને પણ અંદર પ્રવેશી ન શક્યો હોત, કારણ હતું તે છુપાવી રાખેલ સત્ય તેથી મારે દેવાંશીની જગ્યાએ દેવાંશીનું રૂપ લઈને તને મળવા આવવું પડ્યું જેથી તું સત્ય કહે અને અને ચતુર્થ પરિમાણના દરવાજા તારી માટે ખુલે. તને સમુદ્રમાં પડવાથી બચાવનાર પણ હુંજ હતી પણ કદાચ અસીમાનંદ પાસે અને તારી પાસે મારુ રહસ્ય ઉજાગર ન થઇ જાય તે માટે હું ત્યાંથી અદ્રશ્ય થઇ ગઈ.
ઉદયે પૂછ્યું એટલે તે વખતે કીયંડુનાથે મને નહોતો બચાવ્યો અને બચાવનાર તું હતી. દેવાંશીએ હકારમાં માથું હલાવ્યું. ઉદયે ફરી પૂછ્યું કે આટલું બધું મારા માટે કેમ ?
દેવાંશી એ કહ્યું મને તો તેની ખબર નથી મેં ફક્ત મારુ કર્મ કર્યું અને તમને અહીં સુધી સહીસલામત પહોંચાડ્યા.
અહીંથી થોડે દૂર એક ગુફામાં તમારા પૂર્વજન્મનું શરીર પડ્યું છે ત્યાં તમને લઇ જાઉં છું પછી જેવો મહાશક્તિનો આદેશ હશે તેમ કરીશું.
દેવાંશી અને ઉદયે ગુફા તરફ પ્રયાણ કર્યું.