ઉદય ભાગ ૨૫
ઉદય ભાગ ૨૫


આ વખતની ઉદયની તાલીમ પાછલા વખત કરતા કઠણ હતી પરંતુ ઉદયનો આ વખતનો જુસ્સો કઈ ઓર હતો. તેને શીખવાડવામાં આવેલ દરેક વિદ્યા તેમાંથી શીખવા માંગતો હતો. મળેલી હાર અને ભભૂતનાથનો તેના પાર મુકેલો વિશ્વાસ કદાચ તેના પ્રેરણાસોત્ર હતા. હવે પછી જો કદાચ અસીમાનંદનો સામનો થાય તો તે માટે માનસિક રીતે પણ તૈયારી કરી રહ્યો હતો. સર્વપ્રથમ તેને ભાવના પાર નિયંત્રણ કરવાનું શીખવાવમાં આવ્યું અને વેશાન્તર પણ શીખવવામાં આવ્યું. હવે તે વેશાન્તર માં પ્રવીણ થઈ ગયો હતો હવે તે કોઈનું પણ રૂપ ધરી શકતો તેમાં સૌથી કઠણ હતું જેનું રૂપ લીધું હોય તેના હાવભાવ અને તેના અવાજની આબેહૂબ નકલ કરવી. વિવિધ પશુ પક્ષીના અવાજની નકલ કરવી. તેને જીવનમાં ના જોયા હોય તેવા હથિયારો ચલાવવાનું પ્રશિક્ષણ આપવામાં આવ્યું. તેમાં તેનું મનપસંદ હથિયાર હતું ભાલા અને કુહાડીના મિશ્રણ કરી તૈયાર કરેલ ખાંડવ નામનું હથિયાર. તેમાં લાંબો ભાલો એક બાજુ પાર અને બીજી બાજુ પાર બેધારી કુહાડી હતી. તે ખાંડવને વીજળી વેગે ફેરવતો કે તેના પાર છોડવા આવેલા બાણ પણ તેના સુધી પહોંચી ના શકતા.
દસ દસ કલાકની તાલીમ પછી તે માત્ર બે ત્રણ કલાક આરામ કરતો. અને સાથે યોગાભ્યાસ પણ ચાલુ રાખ્યો. ત્રણ દિવસની તાલીમના અંતે ભભૂતનાથે તેને ચોથા દિવસની યોજના વિષે ચર્ચા કરવા બોલાવ્યો. તેને યોજના સમજાવતા કહ્યું કે અત્યારે ત્યાં ઓજારની શુદ્ધિ માટેની વિધિ ચાલી રહી છે તેમાં સૌથી છેલ્લે એક કુંવારી સ્ત્રીની બલી આપશે અને એક સ્ત્રી નું અપહરણ કરીને લાવ્યા પણ છે. તમારે પ્રવેશીને તે સ્ત્રીનું રૂપ ધારણ કરવાનું છે. અને તમને એક હથિયાર આપું છું જેનાથી તે ઓજાર પર વાર કરશો એટલે તે નકામું થઇ જશે. આ હથિયાર એક તલવાર છે જે ઘણા સમય પહેલા મહાશક્તિ મહારાજા રામના રૂપે અવતર્યા હતા ત્યારે તેમના નાના ભાઈ લક્ષ્મણ ને આપેલી હતી અને લક્ષ્મણે મને તેમની સેવા બદ્દલ રાવણ સાથેના યુદ્ધના પછી આપી હતી. લક્ષ્મણ પણ મહાશક્તિઓમાંથી એક હતા. અત્યારે ધરતી પર આ એકજ હથિયાર બચ્યું છે જેનાથી તે ઓજારનો નાશ થઇ શકે. મહારાજા રામના હથિયારો ક્યાં છે તે કોઈ જાણતું નથી. આ તલવારનો વાર ફક્ત ઓજાર પર કરજો અસીમાનંદ પર ન કરતા. અસીમાનંદ સાથે યુદ્ધ કરવાનું થાય તો તમારું ખાંડવ અથવા ઉરૃમી વાપરજો. લક્ષ્મણજીની તલવારને અપવિત્ર ન કરતા. સર્વેશ્વરનાથ તમને મદદ કરશે.
બીજે દિવસે સવારે સર્વેશ્વરનાથ અને ઉદય જરખ જ્યાં રહેતો હતો તે વસ્તી તરફ જવા નીકળી પડ્યા. સર્વેશ્વરનાથે કહ્યું આમ ચાલીને નહિ પહોંચી શકીયે એટલે દોડવાનું શરુ કર્યું કલાકો સુધી દોડ્યા પછી તેઓ એક પહાડી પર પહોંચ્યા. તે પહાડીની બીજી તરફ વસ્તી હતી. હજી અજવાળું નહોતું થયું. તેઓ વસ્તીની બહાર એક ઝાડ પાછળ છુપાઈ ગયા ને પ્રવેશદ્વારનું નિરીક્ષણ કર્યું. અદ્વૈત ત્યાં ઉભો હતો. બે જણા વસ્તીની બહાર નીકળતા જણાય એટલે ઉદય અને સર્વેશ્વર નાથે તેમને પકડીને બેભાન કર્યા અને તેમનું રૂપ લઈને વસ્તીમાં પ્રવેશી ગયા હવે તેમને ગુફાને શોધવાની હતી. ઘણું બધું ચાલ્યા છતાં તેમને ગુફા મળી નહિ એટલે એક વ્યક્તિને સંમોહિત કરીને સાથે લીધો અને ગુફાના પ્રવેશદ્વાર પાસે પહોંચ્યા. વસ્તીમાં આવતી દુર્ગંધથી ઉદયનું માથું ફાટ ફાટ થતું હતું પણ યોગાભ્યાસના બળે તેણે પોતાના પર કાબુ મેળવ્યો.
ત્યાં નજીકમાં એક કુટિર હતી તેમાં પ્રવેશી ગયા અંદર એક યુવતીને બાંધી રાખી હતી. તે યુવતી એ તેમની તરફ જોયું અને ચીસ પાડવા જતી હતી તો સર્વેશ્વરનાથે તેણે ચૂપ રહેવાનો ઈશારો કર્યો. ઉદયે પૂછ્યું તેને ક્યાંથી લાવ્યા છે પણ તે કઈ બોલી શકી નહિ. તેને થોડું પાણી પાયા પછી તેણે જર્મન ભાષામાં પૂછ્યું કે હું ક્યાં છું અને તમે કોણ છો ? આ કદાચ થોડા સમય પહેલાની વાત હોત તો તેણે કઈ ખબર ના પડી હોત પણ હવે તે જગતની ઘણી બધી ભાષાઓ શીખી ગયો હતો. તેણે જર્મન ભાષામાં ઉત્તર આપ્યો કે તે રાક્ષસોના ચંગુલમાં ફસાઈ ગઈ છે અને અત્યારે આફ્રિકામાં છે અને આ ભાઈ તને તારા ઘરે સહીસલામત પહોંચાડશે. એટલું કહીને તેણે બેહોશ કરી દીધી અને સર્વેશ્વરનાથને તેવું કરવાની સૂચના આપી. પછી તેણે તે યુવતીનું રૂપ લીધું અને તે યુવતીની જગ્યા પર બંધાઈ ગયો અને સર્વેશ્વરનાથ તે યુવતીને ખભે નાખીને પાછળના દ્વારથી નીકળી ગયા.
ઉદયને હવે ઇંતેજાર હતો અસીમાનંદનો.